For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વની અરધી જનસંખ્યા પર કાતિલ જળસંકટ

Updated: Dec 27th, 2022

વિશ્વની અરધી જનસંખ્યા પર કાતિલ જળસંકટ

- અલ્પવિરામ

- યુનેસ્કો કહે છે કે કોરોના જેવી બીજી કોઈ મહામારી માણસજાતને ઝડપી લે એ પહેલાં પાણીનો અભાવ જ એના શ્વાસ ટૂંકાવશે અને એ સંખ્યા કરોડોમાં હશે  

ગત ગ્રીષ્મની રજાઓમાં જેઓ કુલુ-મનાલી ગયા તેમને સ્થાનિક સત્તાવાળાઓએ માત્ર પાણીની તંગીને કારણે સાભાર પરત મોકલી આપ્યા. ઇતિહાસમાં પહેલીવાર સિમલામાં પાણીની એવી કટોકટી સર્જાઈ કે લોકોએ ટેન્કરો સામે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડયું. સિમલામાં સ્થાનિક જનસંખ્યા પૂરી બે લાખ પણ નથી, પરંતુ આ વરસે ચાર-પાંચ લાખ નાગરિકો પ્રવાસે આવ્યા. એ વખતે શિયાળામાં હિમવર્ષા પણ નહીં જેવી થઈ હતી. ઉત્તર ભારતની મોસમ બદલે એટલે કે દરેક ઋતુ તેનો નિયત ક્રમ બદલાવે તે લાંબા અરસામાં સમગ્ર દેશ માટે ચિંતાજનક સંકેત છે. ગયા સારા ચોમાસાને કારણે અત્યારે શિયાળામાં તો નદીઓ પૂરપાટ બે કાંઠે વહેવા લાગી છે. નર્મદાના વહેણ ધસમસતા ઘૂઘવાટ કરતા આગળ વધી રહ્યાં છે. સંત કબીર કહે છે કે દુ:ખ મેં સુમિરન (પ્રભુસ્મરણ) સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુ:ખ કાહે કા હોય? વરસાદને જોઈને આપણે ઘેલા થઈ જઈએ છીએ.

જળસંકટ વિસરાઈ જાય છે. સિમલાની પ્રજાએ પીવાના પાણીની જે કારમી તંગી અનુભવી તે આમ તો દેશના અનેક પ્રદેશો દાયકાઓથી સહન કરતા આવ્યા છે, પરંતુ સિમલાએ દેશભરના પ્રવાસીઓનું અને પછી જનસમુદાયનું જળસંકટ તરફ ધ્યાન દોર્યું. જોકે ભારતીય પ્રજાની ગણના છુટ્ટે હાથે પાણીનો વેડફાટ-વ્યય કરવામાં થાય છે. હિમાચલ પ્રદેશના ભાજપના તત્કાલીન મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સિમલાથી કુલુ-મનાલી સુધીના સમગ્ર વિસ્તારમાં પાણીનો પુરવઠો જાળવવા અથાક પ્રયત્નો કર્યા, પરંતુ કારગત ન નવીડયા. છેવટે હિમાચલ પ્રદેશમાંથી પ્રવાસીઓ ખાલસા થઈ ગયા.

જમ્મુ અને કાશ્મીરના હિંસાચાર અને અરાજકતાને કારણે ટુરિઝમની મોટી આવક ઢાળતા ઢાળે હિમાચલ પ્રદેશને પ્રાપ્ત થતી હતી. મુખ્યમંત્રી સુખવિન્દરે રૂપિયા એક હજાર કરોડ રાતોરાત જળસંકટ નિવારવા માટે ફાળવ્યા છે. અગાઉ લાખો પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશ છોડવું પડયું હતું અને અપપ્રચારને કારણે પ્રવાસનને ગંભીર નુકસાન થયું હતું. બધી જ ફાઇવસ્ટાર હોટેલ સૂમસામ પડી રહી. જ્યાં બહારના પ્રવાસીઓનો ઘસારો નથી એવા બુંદેલખંડ જેવા અનેક પ્રદેશો દેશમાં આજે પણ એવા છે જેને માટે સરકારે કરોડો રૂપિયાના ફંડ ફાળવવાના બાકી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સાથે હવે હિમાચલ પ્રદેશ પણ પીવાના પાણીની કટોકટી ભોગવવા લાગતા ઉત્તર અને મધ્ય ભારતના બદલાયેલા હવામાનનો નવો સંકટકાળ જાહેર થવા લાગ્યો છે.

પાણીની સમસ્યાને માત્ર વરસાદ સાથે જોડીને અન્ય અનેક પાસાઓની ઊપેક્ષા થઈ રહી છે. વાસ્તવમાં દેશમાં ભૂગર્ભજળનું સ્તર ઝડપથી ઊંડે જવા લાગ્યું છે, કારણ કે કુલ વરસાદી જળ, તેમાંથી થતો સંગ્રહ અને એના વ્યવસ્થાપનની તુલનામાં કુલ વપરાશી જળનું પ્રમાણ બહુ મોટું છે. એની સામે આ વીતેલા ઉનાળામાં તો નર્મદા સહિતના દેશના સંખ્યાબંધ જળાશયોનાં તળિયાં દેખાવા લાગ્યાં હતાં. વપરાશી જળની માત્રા અધિક હોવાને કારણે ભૂગર્ભજળનું દોહન વધી ગયું છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં જળસ્તર ૪૦ મીટરથી વધુ ઊંડે સરી ગયું છે. મધ્ય, દક્ષિણ ગુજરાતમાં પાણીનું સ્તર હજુ ઉપર છે. તે પણ આવનારા નજીકના વરસોમાં ઊંડે જશે.

બુંદેલખંડમાં સતત દુષ્કાળની પરંપરા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાણી માટે ત્રણ કન્ટ્રોલરૂમની રચના કરી છે. એ કેવી આશ્ચર્યની વાત છે માત્ર બુદંલેખંડમાં જ પાણી પહોંચાડવા માટે ઉત્તર પ્રદેશ સરકારે કુલ ૫૬૪ યોજનાઓ અમલી બનાવી છે તોય પાણીની બૂમાબૂમ યથાવત જળવાઈ છે. વિશ્વના દેશોમાં કુદરતી સંસાધનોની સાર્વત્રિક ઘટ વર્તાવા લાગી છે. પીવાના તરોતાજા પાણીની અછત એમાં ટોચના ક્રમે છે. દુનિયાનાં તમામ મહાનગરોમાં પ્રદૂષણને કારણે અને અછતથી પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે. શહેરો ગીચ થતા જાય છે. રોજગારી અને ઔદ્યોગિક મંદીને કારણે શહેરો હવે વિરાટ ગામડાંઓ બની ગયા છે, કારણ કે સરકાર જેટલી સગવડ વધારીને શહેરનું નવીનીકરણ કરે છે એનાથી ત્રિગુણિત ઝડપે શહેરી વસ્તી અભિવૃદ્ધ થતી રહે છે.

ગ્લોબલ વોર્મિંગ સહિતનાં કારણોથી મોસમ બદલાતી રહે છે. વરસાદ હવે આગાહીઓને અનુસરતો નથી, કારણ કે વીજળીક ગતિએ મોસમમાં પલટા આવવા લાગે છે. વૃક્ષનો પ્રચાર છે, પરંતુ પ્રજામાં વૃક્ષનો વિચાર નથી. હજુ જંગલો કપાતા રહે છે, પૃથ્વી પરથી હરિયાળી ચાદર સંકેલાતી જ જાય છે. પાણી માટેનાં નવાં સંસાધનો ઊભાં કરવા માટેના પ્રોજેક્ટમાં જ કરોડો રૂપિયા સરકારે વહાવી દેવા પડે એવા સંયોગો રચાવા લાગ્યા છે. અખાતી દેશો પાણીની જે તંગીનો અનુભવ કરી રહ્યા છે એ વોટર સ્ટ્રેસ છે, કારણ કે જરૂરિયાતના પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધિ નહિવત્ છે. એ જ પરિસ્થિતિ ભારતનાં અનેક રાજ્યોમાં હવે સર્જાવા લાગી છે. શહેરોની સાથે જે અભયારણ્યો છે ત્યાં પણ જળસંકટ છે.

જંગલોની વચ્ચે થઇને વહેતી નદીઓ હવે પહેલાં જેવી નથી. એના રેતાળ પટ પણ વેરાન થઇ ગયા છે. એક પણ નદીમાં ખનિજ ચોર ટોળકીએ રેતી રહેવા દીધી નથી. તેઓને રાજકારણીઓનું ગુપ્ત સમર્થન હોય છે અને તેઓ ટ્રકબંધ અને ટનબંધ રેતી ઉપાડે છે. એશિયન દેશોનું પર્યાવરણ નિમ્ન કક્ષાએ પહોંચતા હવે પીવાના પાણીના વ્યવસ્થાતંત્ર માટે ભવિષ્યની સરકારોએ વોટરટેક્સ દાખલ કરવાના દિવસો આવશે, જે અત્યારના નળવેરા કે પાણીવેરા કરતા અલગ અને ઊંચા દર ઘરાવતા હશે.

થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં માત્ર નળ-કનેકશનના વિવાદમાં સાંપ્રદાયિક તોફાનોની આગ ભડકી ઉઠી જેમાં થોડી જાનહાનિ ઉપરાંત સંખ્યાબંધ દુકાનોને સળગાવી દેવાઈ. હજુ ત્યાં ભારેલો અગ્નિ છે. સમસ્યાનું મૂળ માત્ર પીવાનું પાણી છે. પાણી માટે પાણીપત થતાં વાર લાગતી નથી. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તારમાં તો ભૂગર્ભજળનો પત્તો જ નથી લાગતો. સ્થિતિ ભયાવહ થવા લાગી છે. શેરબજારોથી કૃષિભંડારો સુધી માત્ર પાણીના અભાવે દેશમાં સન્નાટો મચી જવાની સ્થિતિ છે.

કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલયની ઉતાવળી ધારણા પ્રમાણે ભારતમાં ઇ.સ. ૨૦૫૦ સુધીમાં પાણીની જરૂરિયાતમાં ૫૦ ટકા વધારો થશે, જ્યારે કે આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે આ વધારો ૩૦૦ ટકાનેય પાર કરી જશે, એટલે સ્થિતિ વિકટ બનશે. એક અંદાજ પ્રમાણે વિશ્વમાં પેટ્રોલિયમના ભંડારો ખાલી થશે એના દાયકાઓ અગાઉ ભૂગર્ભ જળભંડારો ખાલસા થઇ જશે. માત્ર પોતાનો અને એ પણ ઘડીક પૂરતો જ વિચાર કરનારી એશિયન પ્રજા પાસે પીવાના અને અન્ય વપરાશી જળના ભવિષ્યના આયોજન માટે અનિશ્ચિતતા, અસ્પષ્ટતા અને આસમાની મનોવૃત્તિ સિવાય બીજું કંઇ નથી. જે છે તે એટલું અપૂરતું છે કે જરુરિયાત સામે એની કોઈ વિસાત નથી.

પાણીને યુનેસ્કોએ માનવાધિકારનો દરજ્જો આપી દીધો છે. આજે દુનિયામાં ૧૦૦ કરોડ લોકો એવી જિંદગી વીતાવે છે કે તેમની પાસે પીવાનું શુદ્ધ જળ ઉપલબ્ધ નથી. યુનેસ્કોના જાહેરનામા પ્રમાણે ઇ.સ. ૨૦૨૫ સુધીમાં જ વિશ્વની અરધી જનસંખ્યા પીવાના પાણીના ઘેરા સંકટમાં અટવાઈ જશે. કોઈ મહામારી માણસજાત માટે વિનાશ નોંતરે એ પહેલા પાણીનો અભાવ જ એના શ્વાસ ટૂંકાવશે અને એવી સંખ્યા પણ કરોડોમાં હશે.

જે સંકટ દુનિયા પર તોળાઈ રહ્યું છે તે મુખ્યત્વે અવિકસિત કે વિકાસશીલ દેશોના નાગરિકોને જ હણશે. અને ભારત એમાંથી બાકાત નહીં હોય. ભારતીય પ્રજા પાસે પ્રાચીન વનસંસ્કૃતિ અને પ્રાકૃતિક જીવન પદ્ધતિનો વિરાટ વારસો છે જે હવે નષ્ટપ્રાય: થવા આવ્યો છે. યુનેસ્કોએ કહ્યું એનો બીજો અર્થ એ પણ છે કે અસંખ્ય મહામૂલી જીવસૃષ્ટિ અને વનસ્પતિઓ પણ હવે વિનાશના આરે પહોંચશે. અસ્તિત્વના નવા સંઘર્ષનો મોરચો હવે જળતત્ત્વનો છે અને એ સૌથી આકરો નીવડશે. જૂની ગુજરાતી કહેવત પ્રમાણે સહુનું થાશે એ જ વહુનું થાશે એવા ઉપેક્ષાભાવથી નિશ્ચિત થઇ, બેફિકર રહી પ્રકૃતિનો નિરંતર ઉપભોગ અને અનાદર કરતો મનુષ્ય હવે એક એવા ત્રિભેટે આવી પહોંચ્યો છે જ્યાં પ્રથમ તો એણે આત્મદર્શન કરવાની જ જરૂર પડશે.

Gujarat