- અલ્પવિરામ
- ભારતે અત્યારે ટ્રમ્પને વાજીકરણ ઔષધિઓ મોકલવાની જરૂર છે. તેઓ યુદ્ધ કરવા માટે એક વાર વિચારે છે ને એને સમાંતર યુદ્ધ ટાળવા માટે દસ વાર વિચારે છે, ઈરાનની મોડેસ ઓપરેન્ડી આનાથી તદ્દન વિપરીત છે
- ટ્રમ્પની ચીન મુલાકાત પછી રશિયન વડા પુતિને પણ ચીનની મુલાકાત લીધી એના પરથી પ્રવર્તમાન યુદ્ધના સંજોગોમાં સાઇલેન્ટ રહેવા છતાં જેનું મહત્ત્વ વધી ગયું છે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નાના દીકરાના લગ્નમાં જવાનું કેન્સલ કર્યું એના પરથી તેઓ એ વાતને કોમ્યુનિકેટ કરવા ચાહે છે કે હું ઈરાનને અને રાષ્ટ્રીય સમસ્યાના અગ્રતાક્રમને વધુ ગંભીરતાથી લઈ રહ્યો છું. ખરેખર વાસ્તવિકતા એવી નથી. આ પણ તેમની નાટયત્મકતાના સહસ્ત્રદલ કમલની એક પાંખડી જ છે. કારણ કે આવું અગાઉ ઘણી વખત તેઓ કરી ચૂક્યા છે. અને ઘણા કાર્યક્રમો રદ કરી ચૂક્યા છે. ટ્રમ્પની દીકરીની હત્યા કરવાનું કાવતરું ખુલ્લું પડી ગયા પછી ઈરાન પણ અમેરિકાનું દબાણ વધી ગયું છે એ હકીકત છે. સમગ્ર યુરોપિયન મીડિયામાં ઇરાન પરના અમેરિકાના નવા હુમલા માટેનું કાઉન્ટ શરૂ થયું હોય એ પરિસ્થિતિ બતાવવામાં આવે છે, એની સામે ઈરાને પોતાના બાકી બચેલા શસ્ત્રોને અમેરિકાનો સામનો કરવા માટે ચોક્કસ પરિસ્થિતિમાં તૈનાત કરેલા છે. અમેરિકી નૌસેનાએ પોતાના વધુ કાફલાઓ અખાતી સમુદ્રમાં મોકલવા માટેની તૈયારી શરૂ કરી છે.
ટ્રમ્પની ચીન મુલાકાત પછી રશિયન વડા પુતિને પણ ચીનની મુલાકાત લીધી એના પરથી પ્રવર્તમાન યુદ્ધના સંજોગોમાં સાઇલેન્ટ રહેવા છતાં જેનું મહત્ત્વ વધી ગયું છે એ ચીનની વિદેશનીતિની કુશળતા છતી થયા વિના રહેતી નથી. પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને ચીનને વિશ્વાસમાં લઈને પોતાના શત્રુઓ તરફનો એજન્ડા આગળ ધપાવી રહ્યા છે. આનો બીજો અર્થ એ થાય છે કે દુનિયાની ત્રણ મહાસત્તાઓ રશિયા ,અમેરિકા અને ચીન પાસે બાકીના જગત માટેની ગુપ્ત સંધિઓ છે ને તેઓ વચ્ચે જે પરસ્પર વેર છે તે તે સોની કજિયા જેવું છે. તેમની પાસે એક ચોક્કસ પ્રકારનું મેટ્રિક્સ છે, એક આગવું લોગેરિધમ છે જેને આધારે તે બાકીની દુનિયાને રમાડી રહ્યા છે. ત્રણેય રાષ્ટ્રવડાઓ અમરપદ ચાહે છે અને માને છે કે યાવત્ચંદ્ર દીવાકરૌ આપણે સત્તામાં બની રહીએ. જો કે અન્ય કેટલાક લોકો પણ આવું માને છે પરંતુ બીજાઓની હેસિયત નથી જે આ ત્રણ ભારે માથાઓની છે.
ત્રણમાંથી એકેયના હૈયે જગત કલ્યાણ કે જન કલ્યાણ વસેલું નથી. તેમની પાસે શસ્ત્ર ભંડારો, નાણાં ભંડારો અને પોતાની સત્તા એટલા જ અગ્રતાક્રમો છે. ઈરાન તરફના છેલ્લા વલણથી દુનિયાના ઘણા બધા દેશો સાવધ થઈ ગયા છે. પરંતુ ટ્રમ્પ પૂરેપૂરા યુદ્ધમાં ઉતરી શકે એવું લાગતું નથી. તેઓ હજુ પણ યુદ્ધને પાછું ઠેલવા માટેના બહાનાઓ રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પની યુદ્ધ ઘોષણાઓ નામર્દ શહેનશાહના ફરમાન જેવી છે. ભારતે અત્યારે ટ્રમ્પને વાજીકરણ ઔષધિઓ મોકલવાની જરૂર છે. તેઓ યુદ્ધ કરવા માટે એક વાર વિચારે છે ને એને સમાંતર યુદ્ધ ટાળવા માટે દસ વાર વિચારે છે. ઈરાનની મોડેસ ઓપરેન્ડી આનાથી તદ્દન વિપરીત છે. જેને પોસ્ટ મોડર્ન વર્લ્ડ ઓર્ડર કહેવાય (જે ન્યૂ વર્લ્ડ ઓર્ડર પછીનો છે ) તે હવે જિનપિંગના હાથમાં છે. તાજેતરની તમામ ઘટનાઓ એનો સંકેત આપે છે. તાઈવાનને ગળી જતાં ડ્રેેગનને હવે કોઈ રોકી શકે એમ નથી, વાર માત્ર એમના નિર્ણય પૂરતી છે.
અમેરિકાની આર્થિક ખુવારીના આંકડાઓ માધ્યમોમાં તરી રહ્યા છે ને ડેમોક્રેટિક પાર્ટી એના પ્રચારમાં વ્યસ્ત છે પરંતુ અમેરિકાની તાકાતની તુલનામાં એ નગણ્ય છે. કાનખજુરાનો એક પગ તૂટે તો એની ચાલ કે ગતિમાં કોઈ ફરક નહિ અલબત્તા જેવી આ વાત છે. બીજી તરફ ક્વાડ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપવા માટે ભારત પહોંચેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કોલકાતાથી પોતાની મુલાકાત શરૂ કરી અને પછી દિલ્હીમાં સીધા વડાપ્રધાન મોદીને મળી અને તેમની સાથે લાંબી વાતચીત કરી, તે દર્શાવે છે કે તેઓ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા પર ખાસ મહત્ત્વ આપે છે. સામાન્ય રીતે, વિદેશ મંત્રી પહેલા તેમના સમકક્ષ સાથે અને પછી વડાપ્રધાન સાથે મિલાપ રચે છે. જોકે, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટના કિસ્સામાં આ પેટર્ન તૂટી ગઈ. વડાધાન સાથે લાંબી વાતચીત બાદ, તેમણે તેમને યુએસની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું, પરંતુ આ ત્યારે જ મહત્ત્વપૂર્ણ રહેશે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની પ્રક્રિયા ખરેખર ગતિ પકડે. નહિતર આ પણ મૂળભૂત નાટકનો એક અંક જ ગણાશે.
ભારત ફક્ત અમેરિકાને પ્રાથમિકતા આપીને અને તેને ખાસ ધ્યાન આપીને સંતુષ્ટ થઈ શકે નહીં, કારણ કે તેની વર્તમાન નીતિઓ ભારતીય હિતોને અનુકૂળ સાબિત થઈ રહી નથી. ભારત-અમેરિકા વેપાર કરારમાં વિલંબ થઈ રહ્યો છે, અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાકિસ્તાનનો અતિશય મહિમા વધારી રહ્યા છે, જે પાકને તેમણે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન દેશદ્રોહી અને દગાબાજ ગણાવ્યું હતું. યુએસ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ પણ ભારત માટે સમસ્યા ઉભી કરે છે. આ સંઘર્ષને કારણે ઈરાન દ્વારા હોર્મુઝ સમુદ્ર પર નાકાબંધી કરવામાં આવી હોવાથી ભારત સૌથી વધુ પ્રભાવિત દેશોમાંનો એક છે. અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા સંકટ માટે અમેરિકાની નોંધપાત્ર જવાબદારી છે.
સ્વાભાવિક છે કે અમેરિકાના વિદેશ સચિવ અને ભારતીય વડા પ્રધાન વચ્ચેની વાતચીત દરમિયાન પશ્ચિમ એશિયા સંકટ, એટલે કે ઈરાન, પર ચર્ચા થઈ હશે. ભારત માટે આગ્રહ રાખવો જરૂરી છે કે અમેરિકા પશ્ચિમ એશિયા સંકટને ઉકેલવાને પ્રાથમિકતા આપે. તેવી જ રીતે, ભારતે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ આગળ વધવું જોઈએ. એ વાત સાચી છે કે ભારત જતા પહેલા, અમેરિકાના વિદેશ સચિવે ભારતને એક મહાન દેશ અને ભાગીદાર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેની સાથે કામ કરવાના ઘણા ક્ષેત્રો છે, પરંતુ હાલમાં આવું થતું દેખાતું નથી.
પહેલી વાર ભારતની મુલાકાતે આવેલા યુએસ વિદેશ સચિવે તેમની મુલાકાતનો હેતુ વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનિકલ સહયોગ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવાનો હોવાનું કહ્યું હતું. તેમની મુલાકાત આ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે કે નહીં તે જોવાનું બાકી છે. એ પણ જોવું પડશે કે અમેરિકા ચાર દેશો (ભારત, અમેરિકા, જાપાન, એશિયા)ના સંગઠન ક્વાડ પ્રત્યે કેટલી ગંભીરતાથી વર્તે છે? આ સંગઠનને ચતુર્ભુજ સંરક્ષણ સંવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.


