For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તિરાડ

Updated: Jul 27th, 2021

Article Content Image

- અલ્પવિરામ

- નવ ચીની એન્જિનિયરોને આતંકી હૂમલામાં ઉડાવી દેનારા પાકિસ્તાન માટે હવે કપરા ચઢાણ છે

આજકાલ ભારે જળપ્રલયના સંકટના અનુભવ પછી ચક્રવાતની દહેશતથી ચીની પ્રજા ફફડી રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોના અનેક મોરચે પણ ચીને હવે ચક્રવાતનો સામનો કરવાના દિવસો આવ્યા છે. ચીને અમેરિકાને ભલે એમ કહ્યું કે દુનિયા સામે અમને દૈત્ય જેવા ન આલેખો, હકીકતમાં ચીનની રાક્ષસી વૃત્તિ અને પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. હવે એમાં પણ અંતરાયની શરૂઆત થઈ છે.

આખરે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઇ છે અને પાકિસ્તાનના કડવા અનુભવથી ચીન હવે વાકેફ થવા લાગ્યું છે. અગાઉ દાયકાઓ સુધી અમેરિકાએ પાકિસ્તાનને અબજો ડોલરનું અનુદાન આપીને ઉછેર્યું અને આજ સુધી પાકિસ્તાન પર આવેલા તમામ સંકટોમાં અમેરિકા એની પડખે રહ્યું છતાં સતત દગાબાજી કરવાને કારણે પાકિસ્તાન ખુલ્લું પડી જતા અમેરિકાએ તેને અપાતું અનુદાન અટકાવી દીધું.

આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન, અલબત્ત બહુ ટૂંકાગાળામાં હવે ચીન સાથે થઈ રહ્યું છે. જો કે ચીન અને પાકિસ્તાન બન્ને ચોરનો સગો ઘંટીચોર જેવી છે. આજકાલ ચીન અને પાકિસ્તાન વચ્ચેના સિલ્ક રોડ એટલે કે ચાઇના-પાક કોરિડોરનું બાંધકામ તડામાર ચાલે છે. ચીનના હજારો કામદારો આ પ્રોજેક્ટ પર કામ કરે છે. પાકિસ્તાનમાંથી જ અધિક સ્થાનિક મજૂરો લેવાને બદલે ચીન પોતાના કામદારોને મોકલે છે, કારણ કે ચીનના કામદારો સ્કિલ્ડ વર્કર છે.

તો પણ પાકિસ્તાની કામદારો ય મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટમાં જોડાયેલા દેખાય છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં ચાલતા બાંધકામમાં એક હૂમલામાં એક સાથે ચીનના નવ એન્જિનિયરોને નિશાન બનાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોરના નામે ચીનાઓની ઘુસણખોરી વધી ગઈ છે અને તે અંગે ડૉન સહિતના પાક મીડિયામાં ભારે ઊહાપોહ ચાલી રહ્યો છે.

પાકિસ્તાની પ્રજામાં પ્રવર્તમાન વડાપ્રધાન ઇમરાન ખાન પ્રત્યે ચીની સંદર્ભમાં સખત નારાજગી છે. પાકિસ્તાની પ્રજા એ વાત સારી રીતે સમજી ગઈ છે કે પાકના ભવિષ્ય પર ડ્રેગને બરાબરનો ભરડો લીધો છે. ચીની ચુંગાલમાંથી છટકવાનું હવે પાક માટે મુશ્કેલ છે. પાકિસ્તાનમાં અનેક આતંકવાદી જૂથો સક્રિય છે અને બધાના હેતુઓ અલગ છે. બલુચિસ્તાનના અલગાવવાદી જૂથો પણ આક્રમક છે. ચીને પાકિસ્તાનના મૂલ્યવાન કુદરતી સંસાધનો પણ અંકે કરી લેવાનો ક્રમ જારી રાખ્યો છે.

કામદારો સાથે ચીની એન્જિનિયરોનો બહુ મોટો કાફલો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ નવેસરથી માથું ઊંચક્યું પછી ચીન માટે પોતાનો પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ અઘરું બની રહ્યું છે. પાકિસ્તાનની બે સૈન્ય ટુકડીઓ ચીની કારીગરોની સુરક્ષામાં રોકાયેલી હતી પરંતુ તે અપૂરતી સાબિત થઈ છે.

ચીને પોતાના કામદારોને સુરક્ષા માટે શસ્ત્રો આપવા પડયા છે. આને કારણે જો કે ચીની કામદારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. હવે બહુ ઝડપથી તેઓ કામ છોડીને પોતાના વતન પાછા જવાની ઈચ્છા રાખે છે. પાકમાં ચીનાઓ સામેનો વિરોધી વા-વંટોળ પરાકાષ્ઠાએ છે. એનું કારણ એ છે કે દગાબાજ તરીકે કુખ્યાત પાકિસ્તાન સાથે ચીન ખુદ દગો કરી રહ્યાનો અનુભવ પાક પ્રજાને થવા લાગ્યો છે.

સિલ્ક રોડ પ્રોજેક્ટમાં જે કામદારો કામ કરે છે એમાં પાકિસ્તાની કામદારો અને ચીની કામદારોનો મોટો જમેલો જામેલો છે. ચીની એન્જિનિયરો અને ચીની કામદારો છેલ્લા ઘણા લાંબા સમયથી પાકિસ્તાની લોકો સાથે બહુ જ ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. એને કારણે સ્થાનિક પ્રજામાં તેની તરફ બહુ જ રોષ ફેલાયો છે. ચીની એન્જિનિયરો તો પાકિસ્તાની કામદારોને પોતાના ગુલામ માને છે અને તેમને રોજી પણ બહુ જ ઓછી ચૂકવવામાં આવે છે.

આને કારણે સિલ્ક રોડના બાંધકામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હમણાંની એક ઘટનામાં પાકિસ્તાની કામદારોએ એવો હુમલો કર્યો કે એક સાથે નવ ચીની એન્જિનિયરો માર્યા ગયા. આવડો મોટો હત્યાકાંડ સર્જાતા ચીની સરકારમાં સન્નાટો વ્યાપી ગયો છે. ચીની એન્જિનિયરોને લઈ જતી બસને બોમ્બથી ઉડાવી દેવાતા એ એન્જિનિયરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

ચીન બહુ ઝડપથી હવે આ પ્રોજેક્ટ માટે પારોઠના પગલાં ભરવાની ઈચ્છા રાખે છે. ઉક્ત ઘટના પછી સમગ્ર ચીનના વિવિધ સરકારી માધ્યમોમાં પાકિસ્તાન વિરુદ્ધ ધોધમાર દુષ્પ્રચાર શરૂ થઈ ગયો છે. માર્યા ગયેલા નવેનવ એન્જિનિયરોને ચીની સરકારે અંતિમ વિધિ વખતે સૈનિકો જેટલું સન્માન આપ્યું છે. પરંતુ એને કારણે સમગ્ર પ્રજાનું ધ્યાન આ ઘટના તરફ ગયું છે.

ચાલુ જુલાઈ માસના અંતમાં વધુ ચાલીસ એન્જિનિયરોનું એક જૂથ હવાઈદળના વિમાનમાં પાકિસ્તાન માટે રવાના થવાનું હતું તે ફ્લાઈટ સરકારે રદ કરી દીધી છે. એનું એક કારણ એ પણ છે કે એ તમામ એન્જિનિયરોએ પાકિસ્તાનના પ્રોજેક્ટમાં કામ કરવાનો કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનમાં હવે આ રીતે ઈન્કાર થઈ શકે છે એ પણ આમ તો નવાઈની વાત છે.

એન્જિનિયરોના મોતની આ ઘટનાને ચીને એટલી ગંભીરતાથી લીધી છે કે ચીનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું કે જો પાકિસ્તાન તેના દેશમાં ચીની કામદારો અને એન્જિનિયરોની સુરક્ષા ન જાળવી શકે તો ચીન પોતાના સૈન્યને પાકિસ્તાન મોકલશે. ચીની મંત્રાલયના વિધાનોને કારણે બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે.

ચીને પાકિસ્તાનને કડક સૂચના આપીને નવ એન્જિનિયરોના મોતની ઘટના પર ઝડપથી તપાસ કરવા અને પગલાં લેવા માટે અનુરોધ કર્યો છે, પરંતુ તેને હવે તેના આ નવા મિત્ર બસ ભરોસો રહ્યો નથી. એટલે ચીને પોતે જ તાકીદના ધોરણે સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે પોતાની એક ટીમ રવાના કરી છે.

આ ટીમને પોતાની રીતે સ્વતંત્ર તપાસ કરવા પર પાકિસ્તાને પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત સ્થાનિક કામદારોને કડક સૂચના આપી છે કે હાલ કામ કરી રહેલા ચીની એન્જિનિયરોને તથા તેના કામદારો પ્રત્યે કોઈ પણ વિવાદમાં ન ઉતરે એટલે કે બોમ્બ વિસ્ફોટની ઘટના અંગે કોઈ પણ માહિતી ન આપે. આનાથી ચીન વધુ ખિન્ન થયું છે.

વિધિની વક્રતા એ છે કે મસૂદ અઝહર સહિતના અનેક આતંકવાદીઓની વકીલાત કરનાર ચીન ખુદ હવે પાક આતંકવાદનો ભોગ બનવા લાગ્યું છે. અફઘાનિસ્તાનમાં હાલ તુર્કી, પાકિસ્તાની અને ચીની જાસૂસોનો પડાવ છે. અફઘાનિસ્તાન ભીતરથી ભાંગી રહ્યું છે. હજુ ત્યાં ઈઝરાયેલ અને રશિયાના બાજનજરી અધિકારીઓ પણ આવશે. ચીનનો ઈરાદો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બન્નેને ગળી જવાનો છે, ભલે એ માટે એક સદી જેટલો સમય લાગે.

Gujarat