- અલ્પવિરામ
- ગુજરાતી પ્રજાએ પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી કમાયેલા પૈસા જ્યાં રીતસર પાણીમાં જાય છે એ તેમના સંતાનોનું વિદ્યાક્ષેત્ર છે
દેશમાં બેરોજગારીનું બાહ્ય ચિત્ર એવું છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરોડો યુવક-યુવતીઓને નોકરી મળી રહી ન હોવાની એમાં બૂમાબૂમ છે. જેઓને નોકરી મળતી નથી અને શૈક્ષણિક યોગ્યતાનો તેઓ દાવો કરે છે તેમની કુશળતાઓનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ કોઈ હાથ ધરતું નથી. આપણા દેશનું વર્ક કલ્ચર હજુ અનેક પ્રકારના ફેરફારો ચાહે છે. પોતાના ભાગે આવેલું કામ 'જેમ તેમ પૂરું કરવું' એવો વર્ગ બહુ મોટો છે. પોતાનું કામ સર્વશ્રેષ્ઠ રીતે, સમયસર, વિનમ્રતાપૂર્વક અને ઈનોવેટિવ પદ્ધતિથી કરનારાઓ અલ્પસંખ્યક છે. જ્યાં સુધી આ અલ્પસંખ્યકો બહુમતીમાં ન આવે ત્યાં સુધી પ્રગટ અને ગુપ્ત એવી બન્ને પ્રકારની દરિદ્રતા પ્રજા જીવનને ઘેરી વળેલી રહેવાની છે. પછી એમ કહેવા ખાતર કહેવામાં આવે કે ભારતમાં બેરોજગારી બહુ છે તો એનો શો અર્થ છે? જ્યાં સુધી યુવાનોમાં વિધવિધ પ્રકારની બેદરકારી છે ત્યાં સુધી બેરોજગારી રહે એ નક્કી છે.
નોટબંધી, જીએસટી અને કોરોનાને કારણે છુટા થયેલા કારીગરો અને કર્મચારીઓ બીજે ક્યાંય સમાઈ શક્યા ન હોય તો વાંક માત્ર સંયોગોનો નથી. દેશનો આધેડ વયનો એક મોટો સમુદાય કાર્યકુશળતા ગુમાવી ચૂક્યો હતો જેને ઉદ્યોગક્ષેત્રએ એકસાથે પોતાની ઉત્પાદન પ્રક્રિયામાંથી બહાર ફેંકી દીધો. પોતાની મર્યાદાઓ, પ્રમાદ અને કામચોરીના ફળ ભોગવનારાઓ પણ દેશની સરકારને દોષ દેતા જોવા મળે છે. આપણા દેશમાં કામચોરી એક રાષ્ટ્રીય કલ્ચર છે. યુવાઓના પતનમાં એ પણ પ્રમુખ કારણ છે. જો કે તેમના પરિવારો તો એ રહસ્ય જાણતા જ હોય છે કે આપણો સિક્કો ખોટો છે અને ક્યાંય ચાલે એવો નથી. આધેડ વયના આ નૂતન બેરોજગાર સમુદાયની વાત છે. હવે નવી પેઢીના બેરોજગારો પર એક નજર નાંખીએ તો કોલેજોમાં પૂર્ણતઃ હાજર રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા દેશમાં ૩૦ ટકાથી વધુ નથી. તો બાકીના ૭૦ ટકા વિદ્યાર્થીઓ કોલેજના વરસો દરમિયાન ક્યાં જાય છે? તેઓ પિતાના પૈસે લીલા લહેર કરે છે.
તેઓને ગુજરાતી પ્રજા બીપીએલ એટલે કે બાપના પૈસે લહેર કહે છે! નવી પેઢીના બેરોજગારોમાં આવા બીપીએલ 'કાર્ડધારકો'ની સંખ્યા પણ બહુ જ મોટી છે. તેઓ ક્યાંય ચાલે એમ નથી. ખોટું બોલીને કે દંભ કરીને કોઈ યુવતીને પોતાની મોહજાળમાં ફસાવીને તેઓ કદાચ લગ્નના ચાર ફેરા ફરી લે તો પણ એમનો સંસાર ચાલતો નથી. ગુજરાતમાં તો દરેક જ્ઞાાતિમાં આર્થિક રીતે ખોટું બોલીને કરેલા લગ્ન ભાંગી પડવાના કિસ્સાઓ છે. કેટલાક કિસ્સાઓમાં જૂની મૂડી કામ આવે અને વડીલો નવદંપતીને ટકાવે તે વાત જુદી છે. ક્યાંક માતાપિતાના પેન્શનના આધારે પણ નવદંપતીનો ગૃહસ્થાશ્રમ નભે છે, આવા કિસ્સાઓ સમાજમાં ઓછા નથી, પરંતુ અપ્રગટ છે, અને જાહેરમાં એની ચર્ચા ભાગ્યે જ થાય છે, એને કારણે એવા કિસ્સાઓની સંખ્યા વધતી જ જાય છે. મુંબઈ અને સુરતમાં એવા લાખો ગુજરાતી નવદંપતી છે જેમના સંસાર હજુ રાગે પડયા નથી અને એમના જીવનના કોઈ યોગ્ય ઠામ-ઠેકાણા નથી.
દક્ષિણ ભારતમાં પિતા, પુત્રને પૈસા આપે એના બદલામાં તુરત જ કામ લે છે. સહુ ઓછુવત્તંુ કમાતા રહે છે. આપણે ત્યાં એક ટકા યુવાવર્ગ એવો છે જે વહેલી સવારે સાયકલ પર દૂધ કે અખબારો વહેંચવા ઘરે ઘરે ફરે છે. વહેલી સવારનું આ કામ એવું છે કે જગત જાગીને પોતાના નોકરી-વ્યવસાય કરવા નીકળે એ પહેલા તેઓ કમાઈ લે છે. એ નાનકડા ટેકા પર એ છોકરાઓ ઘરનો આધાર બનવાની કે પોતાનો ખર્ચ પોતે જ કમાઈ લેવાની શરૂઆત કરે છે. એમને માટે ભવિષ્યમાં આ દુનિયામાં અનેક ઊંચા આસનો હોવાના નિશ્ચિત છે. પરંતુ સોળ વરસ પૂરા કર્યા પછી જે સંતાનોને તેમનાં માતા-પિતાએ વહેલી સવારે જગાડવા માટે વારંવાર સાદ કરવા પડે છે તેમનું કોઈ ભવિષ્ય નથી.
દેશના યુવા વર્ગમાં વિદ્યાવૃત્તિ ધરાવતો વર્ગ બહુ નાનો છે. મોટાભાગના લોકો ભણેલા અભણની વ્યાખ્યામાં આવે છે. તેમની આંખમાં મનોરંજનના રંગો અંજાયેલા છે, એટલે તેમની દ્રષ્ટિ પોતાનો વર્તમાન કે ભવિષ્ય જોઈ શકતી નથી. લોકડાઉન વખતે હાથમાં પુસ્તક લઈને બેઠેલો યુવાન કોઈએ આડોશ-પાડોશમાં જોયો હોય તો ધન્ય ભાગ્ય. મોબાઈલ ફોન નામક એક યંત્ર દેશના કરોડો યુવાનોને રમાડે છે અને તેમના હાથમાંથી જિંદગીના ઘડતરના મહામૂલા વરસો પડાવી લે છે. જ્યારે ભાન થાય છે ત્યારે એક યુગ વીતી ગયો હોય છે. દેશની લગભગ તમામ વિદ્યાશાખાઓમાં આ પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીને ભણવાની ચાનક ચડતી જ નથી. સહુ ભણવા ખાતર ભણે છે, પરીક્ષા આપવા ખાતર આપે છે અને નોકરી શોધવા ખાતર શોધે છે, એટલે છેવટે આ ત્રણેયના ખાતરથી કોઈ પણ ફસલ તૈયાર થતી નથી અને જિંદગીના ખેતરો ખુલ્લા વેરાન રહી જાય છે.
આમાં થોડોક શિક્ષકોનો પણ વાંક છે. આપણા ગુજરાતમાં એવી કોઈ પ્રાથમિક શાળા છે કે જેના સો વિદ્યાર્થીઓ આઈએએસ થયા હોય? નથી. કાંઈ વાંધો નહિ. દસ વરસમાં દસ વિદ્યાર્થીઓ આઈએએસ થયા હોય એવી કોઈ શાળા ગુજરાતમાં ખરી કે નહિ? નહિ. એવી હાઈસ્કૂલો કેટલી? કોલેજો કેટલી? લાયબ્રેરીઓ વિનાની શિક્ષણ સંસ્થાઓ બેકાર છે. ગુજરાતી પ્રજા શાળા કોલેજના તોતિંગ બાંધકામ જોઈને ચિક્કાર ફી આપીને એડમિશન મેળવે છે. લાયબ્રેરી, પ્રયોગશાળા અને રમતના મેદાન વિના પ્રતિભાઓનું નિર્માણ શક્ય નથી. ગ્રાન્ટેડ શાળાઓની લાયબ્રેરીની અનુદાનિત રકમ જૂના આચાર્યો ગળી જતા. હવે સરકાર પોતે જ પુસ્તકો ખરીદીને દરેક શાળામાં મોકલાવે છે. એ પુસ્તકો કબાટમાં પડયા જ રહે છે. કોણ વાંચે? ભણેલા અભણોના દેશમાં પુસ્તકનું મૂલ્ય કોને સમજાય?
સારા પુસ્તકનું એક વાક્ય વિદ્યાર્થીની આખી જિંદગી બદલાવે છે. એ નક્કી નથી કે ક્યું વાક્ય એના ચિત્ત-આકાશમાં ચમકશે અને ક્યારે એનો નવ્યાવતાર થશે. પરંતુ પ્રતિભાના ઉદઘાટન માટેની સર્વ વ્યવસ્થા સંસ્થાઓએ કરી આપવી જોઈએ. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી શાળાઓ પર ટકાવારીનું ભૂત સવાર છે. વાલીઓ પણ એ દોડમાં જોડાયા છે. એનું પરિણામ એ આવ્યું છે કે વિદ્યાર્થી મોટા થાય ત્યારે સામાન્ય ગૃહસ્થ તરીકેના સુલક્ષણો પણ એનામાં કેળવાતા નથી. નથી એને કરિયાણું લેતા આવડતું કે નથી એને શાકભાજીમાં ખબર પડતી. એટલે ભારે ભણતર પછીય એના પોતાના ઘરમાં અઢળક રાસાયણિક ખાતરયુક્ત ખોરાક ઠલવાય છે ને આખો પરિવાર દવાખાનાના મેદાનમાં ચક્કી પિસિંગ એન્ડ પિસિંગ!
આપણી પ્રાથમિક શાળાઓએ છેલ્લા ત્રણ-ચાર દાયકામાં માત્ર બાઘાઓનું નિર્માણ કર્યું છે. જેના પર સરકારો અભિમાન લેતી હોય છે એ શાળાનાં ઓરડાઓ અને શૌચાલયો છે. આજ સુધી કદી કોઈ સરકારે શાળાઓમાં રહેલા પુસ્તકોની સંખ્યા પ્રજાને કહી નથી. સાવ ખોટા મુદ્દાઓના જ ઢોલ વગાડયા છે. વળી પ્રજાએ સાંભળ્યા છે. આ બાઘા વિદ્યાર્થીઓની માતાઓ માથે બેડા લઈને ગામને પાદરે જેમનું સ્વાગત કરવા ટોળે વળે છે એ લોકોએ જ એમના સંતાનોના ભવિષ્ય માટે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.
પ્રજાએ એ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે કોઈ સરકાર કે કોઈ નેતા એના સંતાનોની એકેડેમિક લાઈફમાં કોઈ ચમત્કાર કરી શકે નહિ. એવી અપેક્ષા રાખવી એ જ મૂર્ખતા છે. શિક્ષકો ધારે તો બાજી પલટાવી શકે. પરંતુ સ્ત્રીઓ એટલે કે શિક્ષિકાઓ સિવાયના જે શિક્ષકો છે એમાંથી પંચોતેર ટકા શિક્ષકો પાન-મસાલા-ગુટખા-ગુટખીના વ્યસની છે. વ્યસની વિદ્યાવાન ન હોઈ શકે એટલે એ પગારદાર દુર્જનો તમારા સંતાનોનું કલ્યાણ કરી ન શકે. એમના વ્યસનો પર આચાર્યો કે કેળવણી નિરીક્ષકોનો અંકુશ નથી કારણ કે મહત્ કિસ્સાઓમાં ખુદ ગબ્બર વ્યસની છે. ગુજરાતત્પ્રજાએ પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી કમાયેલા પૈસા જ્યાં રીતસર પાણીમાં જાય છે એ વિદ્યાક્ષેત્ર છે.


