For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સંયુક્ત રાષ્ટ્રસંઘ તો માત્ર શુષ્ક બૌદ્ધિક વ્યાયામનો અખાડો છે

Updated: Oct 25th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- જ્યાં સુધી પ્રજા પોતે પણ કામચોર અને ભ્રષ્ટ આચરણ કરનારી હોય. પ્રજા શું ખાયપીએ છે, શું બોલે છે અને શું વિચારે છે એના પરથી જ આવતી કાલના નેતાઓની સૂરત-મૂરત ઘડાય છે

ફટાકડાના બહાને દિલ્હીની ધૂમ્રમય શેરીઓમાં હવાના પ્રદૂષણની ચર્ચાઓ ચાલે છે. એ માત્ર ચર્ચાઓ જ હોય છે. આ ભારતીય પ્રજા જીવનની ગંભીર સમસ્યા છે. વાતો કરનારા કોઈને પર્યાવરણ સાથે કોઈ નિસ્બત હોતી નથી. આપણા નેતાઓની ટીકા કરવાનો ત્યાં સુધી પ્રજાને અધિકાર નથી જ્યાં સુધી પ્રજા પોતે પણ કામચોર અને ભ્રષ્ટ આચરણ કરનારી હોય. પ્રજા શું ખાયપીએ છે, શું બોલે છે અને શું વિચારે છે એના પરથી જ આવતી કાલના નેતાઓની સૂરત-મૂરત ઘડાય છે. લોકોએ સ્વજીવનનાં મૂલ્યો જોઈને જ ધારી લેવાનું હોય છે કે એમની પૈદાવાર તરીકે કેવા રાજનેતાઓ સપાટી પર આવશે. અંધારી આલમનો તો નિયમ છે કે એક ચોર બીજા ચોરને ચોર કહી શકતો નથી. એટલે જ ક્રિમિનલોમાં 'ભાઈ' જેવા શબ્દો ચલણમાં આવ્યા છે. આપણા દેશમાં લોકજીવનમાં પર્યાવરણનો મહિમા મંડિત થતા હજુ એક સદી વીતી જવાની નક્કી છે.

તો પણ પર્યાવરણમાં ભારતની કંઇક પ્રતિષ્ઠા તો છે. આંતરરાષ્ટ્રીય ચિત્ર જ એટલું ઢળતા ઢાળે છે કે એમાં ભારત ઉજ્જડોની વચ્ચે એરંડાસન પર બેસી શકે એમ છે. બાકી દેશમાં આપણે ખુદ જાણીએ છીએ કે પર્યાવરણ અને ભારત વચ્ચે કેટલી ગહન ખીણ છે. ભારત વાતાવરણમાં સૌથી ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે એ હકીકત પરથી ભારતે જરાય સંતોષ લેવાની જરૂર નથી. જો કલાઈમેટ ચેન્જને આ ચાલુ સદીનો સૌથી મોટો પ્રશ્ન માનવામાં આવતો હોય તો એક વાત નક્કી છે કે આપણે એ માણસજાત છીએ જે મોતના કૂવામાં પણ સરકસના ખેલ કરે છે. આપણે સદાય એમ માનતા આવ્યા છીએ કે કુદરત હજુ આપ્યા જ કરશે. શફી ઈનામદારના નાટક 'બા રિટાયર થાય છે'ની જેમ હવે કુદરત પણ રિટાયર થાય એવા દિવસોને બહુ ઝાઝાં વરસની વાર નથી.

માણસને જગાડવા અને પર્યાવરણ અંગે પ્રવૃત્ત કરવા યુએન ઉપરાંતની પણ અનેક સંસ્થાઓ મહેનત કરે છે, પણ એનો પ્રભાવ લોકજીવન સુધી પહોંચતો નથી. મનુષ્ય જાણવા છતાં ઝેરી વ્યસન આચરે છે અને રાજનેતાઓ પ્રજાના ખિસ્સા પર જ હાથ રાખે છે. આવા સંયોગો વચ્ચે જંગલની એક લીલી પાંદડીની વીતકકથા કોણ સાંભળે? જેણે જિંદગીમાં એક પણ ઝાડ વાવ્યું નથી એવા કરોડો લોકોના જમેલા વચ્ચે પર્યાવરણની વાત કોઈ સાંભળે એ કલ્પના એટલી જ હાસ્યાસ્પદ છે જેટલી પ્રદેશ ભાજપ પોતાની ભૂલો જોતાં શીખે એ વાત એક મજાક છે. પર્યાવરણવિદો જોઈ રહ્યા છે કે અરધો મનુષ્ય તો લૂંટાઈ ગયેલો છે. માણસ જીવે છે, પણ એનું આરોગ્ય હણાઈ ગયેલું છે. એટલે કે પચાસ વરસની વય સુધીમાં તો ભારતીય નાગરિકના શરીર પર ડૉક્ટરોની ફોઝ ચકરાવા લેવા લાગે છે.

સુખની વેળાએ જ સંસાર મૂકીને ચાલ્યા જનારાની સંખ્યા બહુ છે. સમાજનો એ એક અપ્રગટ વિષાદયોગ છે. હમણાં સ્પેનની રાજધાની મેડ્રીડમાં ભરાયેલી યુએન કોન્ફરન્સ આ પ્રશ્નનું સાચું નિરાકરણ લાવવામાં વધુ એકવાર નિષ્ફળ નીવડી છે. આ વર્ષનું પરિણામ તો બહુ જ નિરાશાજનક છે. યુએન કોન્ફરન્સમાં દુનિયાભરના બે હજાર જેટલા ડેલિગેટ્સે ભાગ લીધો હતો. વિકસિત અને અલ્પવિકસિત દેશોમાંથી આવેલા એ પ્રતિનિધિઓના હાથમાં વૈજ્ઞાાનિક રિપોર્ટ હતો. ઇન્ટર-ગવર્ન્મેન્ટલ પેનલ અને યુએન પર્યાવરણ પ્રોગ્રામેં. કરેલા સંશોધનનું તારણ એમાં હતું, જેમાં કયો દેશ કેટલું કાર્બન ઉત્સર્જન કરે છે એ માહિતી આપવામાં આવી હતી.

જુદા જુદા દેશ કેટલો ગ્રીનહાઉસ વાયુ વાતાવરણમાં ભેળવે છે એ બતાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં પાછલા વિવિધ દસકના આંકડાઓ મૂકવામાં આવ્યા છે. વર્ષો પહેલા ગ્રીનહાઉસના ઉત્સર્જન વિશે બધા દેશોએ સમજૂતી કરાર કરેલો, જે ક્યોટો પ્રોટોકોલના નામે ઓળખાય છે. એના પછી પેરિસમાં સમજૂતી કરારો થયેલા. પેરિસ કરાર બહુ વિખ્યાત છે, જેમાં સહી કર્યા પછી અમેરિકાને પેટમાં શૂળ ઉપડયું હતું. આ બંને કરારો અન્વયે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનની ગણતરીમાં જે પારદર્શિતા જળવાવી જોઈએ એ જળવાઈ નથી. અમુક દેશો આ અપારદર્શકતાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે.

ઘણા દેશોમાં અચાનક બદલાઈ જતી આબોહવાને કારણે પણ અમુક દેશોને અંગત નુકસાન થઈ રહ્યું છે જેમાં ભારતનો સમાવેશ પણ છે. ૨૨૫ બિલિયન ડોલરનું કુલ નુકસાન થયું છે. આ બધા આંકડાઓ ખૂબ ચિંતાજનક છે. યુએન કોન્ફરન્સમાં રજુ થયેલો આ રિપોર્ટ સૂચવે છે કે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. પર્યાવરણવાદીઓએ વધુ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. યુએન કોન્ફરન્સના નક્કી થયા મુજબ જો ઈ. સ. ૨૦૨૩થી વિકાસશીલ દેશો પાસેથી ૧૦૦ બિલિયન ડોલરનો દંડ વસુલ કરવામાં આવશે તો દુનિયાના રાજનેતાઓ હાલકડોલક થઈ જવાના છે, પણ તેનો બોજ સોસાયટી ઉપર આવશે એનું શું? જુદા જુદા દેશની સરકારો નાગરિકો ઉપર આડકતરું દબાણ કરશે એ પણ એક ભીતિ છે.

વિકાસશીલ દેશો ઓછું પ્રદુષણ કરે એવી ટેકનોલોજી અલ્પવિકસિત દેશોને વેચતી વખતે ગરીબ દેશોનું શોષણ કરે એ પણ એક જોખમ છે. યુરોપિયન કમિશને જે ગ્રીન ડીલ કરી તેનો એક હેતુ એ પણ છે કે ૨૦૩૦ સુધીમાં દરેક દેશ એનું કાર્બન ઉત્સર્જન પચાસ ટકા ઓછું કરી નાખે. યુરોપિયન કમિશનનો આ નિર્ણય કલાઈમેટ ચેન્જની બાબતમાં તેને વિશ્વ સ્તરે નામના અપાવી શકે. આવો નિર્ણય અમેરિકા લઈ શક્યું નથી, અમલ કરવાની વાત તો દૂર રહી. ભારતે જો આ ટાર્ગેટ હાંસલ કરવો હશે તો તેમણે પોતાના માળખામાં બહુ ફેરફાર કરવા પડશે. એ ફેરફારો માટે ભારતના રાજતંત્રની કે પ્રજાતંત્રની કોઈ તૈયારી નથી.

યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘનું હવે એક જ પ્રદાન મહત્ રહ્યું છે કે એ માત્ર ચિત્ર બતાવે છે. આપણે કેટલા ખતરનાક વળાંક પરથી પસાર થઈએ છીએ એ યુએન આવાં સંમેલનો દ્વારા પ્રતિપાદિત કરે છે. એ સિવાય એનો અવાજ બહુ રહ્યો નથી. હા, એક વાત એ ખરી કે યુએનના અરણ્યરુદનમાંથી પ્રેરણા લઈને કેટલાક કોસ્ટારિકા અને દાઘેસ્તાન જેવા કેટલાક દેશો પોતાના આયોજન, વ્યવસ્થા અને કુદરતી સંસાધનોના ઉપયોગની ભુમિકા બદલાવે છે, પણ એ તો સો વિદ્યાર્થીઓના ક્લાસમાં બે ફર્સ્ટ ક્લાસ હોય એવું છે. ક્યારેક હળવાશમાં એમ કહેવાય છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ બુદ્ધિવાદનો ભોગ બનેલો છે. એમાં તથ્ય એ છે કે રાષ્ટ્રસંઘ હવે માત્ર શુષ્ક બૌદ્ધિક વ્યાયામનો અખાડો જ છે. છતાં એની પર્યાવરણ સંબંધિત સંપ્રજ્ઞાતાનો આ જગત પર એટલો ઉપકાર છે કે હવે પછીના ભીષણ સંકટની વૈશ્વિક સમુદાયને બહુ એડવાન્સમાં જાણ થઈ જાય છે.

Gujarat