- અલ્પવિરામ
- હિથ્રો એરપોર્ટ બે-ત્રણ દિવસ બંધ થતાં બ્રિટનની ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ અને ટેકનિકલ પ્રતિષ્ઠા સામે ગંભીર પ્રશ્નાર્થ...
ગુરુવારે છત્તીસગઢના બસ્તરમાં બે ઓપરેશનમાં ત્રીસ જેટલા માઓવાદીઓ માર્યા ગયા હતા. આ સાથે સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર આ વર્ષે વિવિધ ઓપરેશનમાં માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યા વધીને એકસોથી વધુ થઈ ગઈ છે. એકીકૃત રાજકીય દળ તરીકે તેના અસ્તિત્વના પાછલા ૨૦ કરતાં વધુ વર્ષોમાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) તેના સૌથી પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઈ. સ. ૨૦૦૦ના દાયકાના મધ્યથી અંતમાં બળવો ચરમસીમાએ હતો. તત્કાલીન સરકારે તેને દેશ માટે સૌથી મોટો સુરક્ષા ખતરો ગણાવ્યો હતો. અને ત્યારથી, તે દક્ષિણ છત્તીસગઢના જંગલ વિસ્તારો અને તેની નજીકના વિસ્તારો સુધી મર્યાદિત છે.
માઓવાદીઓ તેમનાં લક્ષ્યોને હાંસલ કરવા માટે હિંસક અભિગમ અપનાવે છે. ઘણીવાર તેઓ ખતરનાક વ્યૂહરચના અને ફાંસલો રચીને ભારતીય સૈન્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. ભારત સામેના લાંબા યુદ્ધમાં, તેઓએ તેમના જનજાતિઓ આધારિત કાર્યને લશ્કરવાદને આધીન કરી દીધું છે. તેઓ વનમાં રહેતી વસ્તી સાથે ઓતપ્રોત છે તે એટલી હદ સુધી કે તેમના અત્યાચારોનો ભોગ બનનારા આદિવાસીઓ પણ ખુદ તેમને છુપાવવામાં અને તેમને મદદ કરવામાં સક્રિય દેખાય છે. દેશમાં પહેલા દસ વરસ મનમોહન સિંહની સરકારે અને પછી દસ વરસ મોદી સરકારે દર ત્રણ-ત્રણ મહિને ગૃહ મંત્રાલયની જીભ પર સવાર થઈને નિવેદનો કર્યા છે કે માઓવાદીઓનો પ્રદેશ ઘટી રહ્યો છે અને હવે તેઓ સંપૂર્ણ વિનાશને આરે છે. જ્યારે કે વાસ્તવિકતા વારંવાર ભારતીય દૈનિકોના પહેલા પાને પ્રગટતી રહે છે.
જોકે એનાં ઘણાં કારણો છે. પોલીસ અને અર્ધલશ્કરી એજન્સીઓએ બળવા-વિરોધી રણનીતિમાં ભૂલો કરી છે - સલવા જુડુમ ઓપરેશન તેનું ઉદાહરણ છે. અને તે હજુ પણ સ્પષ્ટ નથી કે શું માઓવાદી વિરોધી કામગીરી દરમિયાન ક્રોસફાયરમાં ઝપાટે ચડેલા લોકોમાં આદિવાસીઓનો પણ સમાવેશ થાય છે? માઓવાદીઓને નેસ્તનાબૂદ કરવાનું ઓપરેશન સંપૂર્ણ રીતે ભારતીય સૈન્યને કેમ સોંપવામાં આવતું નથી તે પણ અદ્યાપિ એક કોયડો છે.
માઓવાદ જેવી વિચારધારાઓ, ભલે તે વર્તમાન સામાજિક-રાજકીય વાતાવરણમાં જૂની અને અયોગ્ય બની ગઈ હોય, પરંતુ જ્યારે પોલીસ દમન ચરમસીમાએ પહોંચશે ત્યારે તેઓ વધુ ઊંડા મૂળિયાં નાખશે અને બળવાખોરીનો હિંસક અંત લાવવાનો લશ્કરી પ્રયાસ આદિવાસી લોકોમાં રોષ પેદા કરશે તેવી શક્યતા છે. યુદ્ધવિરામ કરારમાં નાગરિક સમાજનો સમાવેશ કરવો અને પુનર્વસન માટે પ્રોત્સાહનો સાથે હિંસક માર્ગ છોડવા માટે માઓવાદીઓને સ્પષ્ટ મેસેજ મોકલવો એ વધુ સારો ઉકેલ હશે. માઓવાદીઓએ આમ કરવામાં થોડો રસ દાખવ્યો છે. આજ સુધીમાં અનેક માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યાં છે, પણ એ ક્રમમાં પછી સાતત્ય હોતું નથી.
જો તેઓ જે આદિવાસી લોકોની પડખે ઊભા રહેવાનો દાવો કરે છે તેના વિશે જો તેઓ ખરેખર ચિંતિત હોય, તો તેઓએ જિંદગીઓના નુકસાનને ધ્યાનમાં રાખીને માર્ગ બદલવો જોઈએ. રિવોલ્યુશનરી આર્મ્ડ ફાર્ર્સીસ ઓફ કોલંબિયા (FARC) અથવા નેપાળી માઓવાદીઓ કે જેમણે તેમના વિદ્રોહી અભિયાનને છોડી દીધું હતું. તેનો અનુભવ સૂચવે છે કે આવો માર્ગ શક્ય છે.
( ૨ )
વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક લંડનનું હિથ્રો એરપોર્ટ હમણાં પાવર કટના કારણે બંધ રહ્યું હતું, જેના કારણે ભારત સહિત અનેક સ્થળોની ફ્લાઈટને અસર થઈ હતી. આ ઘટના આશ્ચર્યજનક છે. ચીનની તુલનામાં પશ્ચિમના દેશો ટેકનિકલી કેટલા પાછળ રહીને હવે પછાત થતા જાય છે તેની આ એક ધૂમ્રશિખા છે, જે ઘટના કહે છે કે ભીતરની તાકાત રાખ થઈ રહી છે. ગયા વર્ષે સરેરાશ ૨.૨૦ લાખથી વધુ મુસાફરોએ હિથ્રો મારફતે દરરોજ મુસાફરી કરી હતી. વિશ્વનાં ૨૩૦ સ્થળોની ફ્લાઈટ્સ અહીંથી ઓપરેટ થાય છે. નજીકમાં લાગેલી આગને કારણે એરપોર્ટની વીજળી વેરણ થઈ ગઈ હતી. સબસ્ટેશનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ઘણા કલાકો લાગ્યા હતા.
અગાઉ એક સર્વેક્ષણમાં દુનિયાના સૌથી વધુ ટેન્શન અનુભવતા ટોપ ટેન લોકોમાં પહેલા નંબર હિથ્રોના ચીફ એર ટ્રાફિક કન્ટ્રોલર છે અને બીજા નંબરે અમેરિકન પ્રેેસિડેન્ટ છે. ભારે મનોવૈજ્ઞાાનિક દબાણને કારણે હિથ્રોના એર ટ્રાફિક કન્ટ્રોલરને ઓછામાં ઓછા કલાકો કામ કરવાનું કહેવામાં આવે છે. તેઓ ફરજ પર આવે પછી ધારે તો એક જ કલાકમાં પોતાનો દિવસ પૂરો કરી શકે છે. જે બતાવે છે કે કેટલા ભારે દબાણમાં તેઓએ કામ કરવાનું હોય છે. કન્ટ્રોલ ટાવરમાંથી જુઓ તો સતત વિમાનો ઉતરાણ અને ઉડડયનારંભ કરતા દેખાય છે, જાણે કે પંખીઓની ઉડાઉડ. બ્રિટિશ સરકારે કહ્યું કે આગની ઘટનામાં કોઈની સંડોવણી હોવાની કોઈ શક્યતા નથી. આમ છતાં આતંકવાદ વિરોધી ટુકડી આ મામલાની તપાસ કરી રહી છે. કારણ એ છે કે આ ઘટનાથી બ્રિટનના મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અસર થઈ હતી. આ ઘટનાથી એરપોર્ટની આસપાસના રહેણાંક વિસ્તારો અને વેપારી સંસ્થાઓને પણ અસર થઈ હતી.
હિથ્રો બંધ થવાને કારણે ઓછામાં ઓછી ૧,૩૫૧ ફ્લાઈટને અસર થઈ હતી. તેમાંથી કેટલીકને લંડનના ગેટવિક એરપોર્ટ, પેરિસ અને એમ્સ્ટરડેમ તરફ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એરપોર્ટ બંધ થવાથી લાખો લોકો પ્રભાવિત થયા. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકોને આની અસર થશે. ફ્લાઈટ્સ કેન્સલ અથવા રિશેડયુલ થવાથી લોકોને આટલા મોટા પાયા પર અસર થવાથી એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે શું એરલાઈન્સ મુસાફરોની મુશ્કેલી દૂર કરવામાં સક્ષમ છે?
બીજો પ્રશ્ન એ છે કે શું હિથ્રોના મેનેજમેન્ટને આવી દુર્ઘટનાની ધારણા ન હતી અને જો તેમને આવી કોઈ આશંકા હતી તો તેના માટે પગલાં કેમ ન લેવાયાં? બીજી વાત એ છે કે તાજેતરના દાયકામાં ભારત જેવા દેશોમાં વધુ સારાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થઈ રહ્યાં છે, જે વૈશ્વિક ધોરણના છે. આ મામલે ચીન વિશ્વના શ્રેષ્ઠ દેશોમાં સામેલ છે. તે જ સમયે, પશ્ચિમી દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમની સરખામણીમાં હલકી ગુણવત્તાનું સાબિત થઈ રહ્યું છે.


