- અલ્પવિરામ
- છેલ્લા થોડા સમયથી આખું વિશ્વ ટીનેજરના સકંજામાં આવી ગયું છે. દુનિયાના જુદા જુદા દેશોમાં જે ક્રાન્તિની જ્વાળા દેખાય છે એના મૂળમાં પરિપક્વ યુવાનો નહિ પણ ટીનેજરો છે. યુવાનો એને ફોલો કરે છે
એક તરફ લગ્ન કરવા માટેની વય વધતી જાય છે. નવી પેઢી પોતે વ્યાવસાયિક રીતે સેટ ન થાય ત્યાં સુધી વૈવાહિક જીવન શરૂ કરવા ચાહતી નથી. ઉમેદવાર કન્યાઓ પણ પોતાના ભાવિ જીવનસાથીની આર્થિક સ્થિતિનું બહુ બારીક નજરે મૂલ્યાંકન કરીને પછી જ નિર્ણય લે છે. એટલે કે કારકિર્દી અંગેના નિર્ણય જ એનાં લગ્ન અંગેના નિર્ણયને પ્રભાવિત કરે છે. ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. આ પ્રકારની માન્યતા જે પ્રોફેશનલ છેલ્લાં પંદર વર્ષથી રાખીને બેઠો છે તે અત્યારે મંદીનો માર સહન કરી રહ્યો છે, કારણ કે અનેક મોટિવેશનલ વક્તવ્યમાં આવતાં આંકડાઓ અને વિધાનો જેવાં કે - 'વિશ્વમાં અત્યારે સૌથી વધુ સંખ્યામાં યુવાવર્ગ છે' - અપૂર્ણ અને ગેરસમજ ફેલાવનારા છે.
છેલ્લા થોડા સમયથી આખું વિશ્વ ટીનેજરોના સકંજામાં આવી ગયું છે. દુનિયાના જુદા જુદા દેશોમાં જે ક્રાન્તિની જ્વાળા દેખાય છે એના મૂળમાં પરિપક્વ યુવાનો નહીં, પણ ટીનેજરો છે. માર્કેટની પારાશીશી ટીનેજરો છે. યુવાનો એને ફોલો કરે છે. ઇન્વોલ્વમેન્ટથી નક્કી થાય છે. અબજો રૂપિયાની ઉથલપાથલનો આધાર તેરથી ઓગણીસ વર્ષની અંદર રહેતા યુવાનો છે. હવે એને યુવાવર્ગમાં એડમિટ કરેલા છે, પણ ખરેખર તેઓ યુવા નથી. કિશોરાવસ્થા અને યુવાવસ્થા વચ્ચેના આ સમયને આપણા દેશમાં તરૂણાવસ્થા કહેવામાં આવે છે.
ઝવેરચંદ મેઘાણીએ જે ઘટમાં ઘોડા થનગનવાની ને આતમના પાંખ વીંઝવાની વાત કરી તે આ જ તરૂણાવસ્થામાંના માનવમનના ચિત્તનાં વાસંતિક સંચલનોને અભિવ્યક્ત કરે છે. છેલ્લા પચીસેક વર્ષથી 'ટાઇટેનિક' ફિલ્મનો સૌથી વધુ કમાણીનો રેકોર્ડ અકબંધ હતો, જે એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ 'એન્ડગેમે' તોડયો. આ અભૂતપૂર્વ કીર્તિમાન કે વિક્રમ શું કામ સ્થપાયો? કારણ કે એ ફિલ્મ જોનારા વર્ગમાં સિત્તેર ટકા દર્શકો તરૂણ-તરૂણીઓ હતા. ભારતની પોતાની પ્રોડક્ટને અણધાર્યો મુગટ પહેરાવનારા પણ આપણાં જ ભાઈ-બહેનો છે જેણે જિંદગીના બે દાયકા પણ પૂરા નથી કર્યા.
ભારતીય દર્શકોની માનસિકતા અને તેઓના સંસ્કારની કસોટી કરી નાખનારી અને ભારતીય સમાજના ચિંતકોની ઊંઘ ઉડાડી નાખનારી ફિલ્મ 'કબીર સિંહે' રેકોર્ડબ્રેક કમાણી કરી હતી એમાં પણ ટીનેજરોનો સિંહફાળો હતો. વીડિયો કોન્ટેન્ટની બાબતમાં યુટયૂબ અને સોશિયલ મીડિયાની બધી સાઈટને એકસાથે ધોબીપછાડ અનુભવ આપનાર ટિકટોક બિલિયન ડોલર્સની રેવન્યુ જનરેટ કરે છે, થેન્ક્સ ટુ ટીનેજર્સ ઓફ અવર જનરેશન. પબ્જી નામની મોબાઇલ ગેમે આખા દેશમાં તરખાટ મચાવ્યો હતો અને એના ઉપર પ્રતિબંધ મૂકવો પડયો હતો. કેમ? કારણ કે એ ગેમ ટીનેજરો માટે જ બનાવવામાં આવેલી આ હિંસક ગેમના વળગણથી ટીનેજરો પોતાની જિંદગીની સ્થિરતા ગુમાવી બેસતા હતા.
થોડાંક વર્ષ પહેલા જાનલેવા રમત 'બ્લ્યુ વ્હેલ'નો ટાર્ગેટ ટીનેજરોની ઉછળતી કૂદતી લોબી જ હતી. ભારતીય ટીનેજરો હજુ વૈચારિક રીતે પુખ્ત હોતા નથી. આપણે ત્યાં અમેરિકા અને યુરોપના ટીનેજરો વિશે ગમે ન ગમે તેવો બકવાસ કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે પશ્ચિમી દેશોના ટીનેજરોની ઉંમર જ નાની હોય છે, એમની બુદ્ધિ ઉતાવળી કે નાની નથી. અનેક ટીનેજ છોકરાઓ એના પિતાની કંપનીમાં કામે લાગી ગયેલા છે. આપણે તો ટીનેજ છોકરાને એના પિતા પૂછતાં હોય છે કે આજે કેમ ટયુશનમાં ગયો નથી? આપણા કેટલાય ટીનેજ છોકરાઓ બાઘા જેવા અથવા તો રખડુ દેખાય છે. અલબત્ત, કેટલાય ટીનેજ છોકરાઓ ઓનલાઈન રેલવે ટિકિટ બુક કરી શકે છે. શેર બજારમાં નાણાં રોકે છે. નવા આઈપીઓ ભરીને એમાંથી કમાઈ શકે છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં જે છોકરાઓ સયય સાથે ન ચાલે એને આ શહેર ફંગોળીને ફેંકી દે છે.
શક્ય છે કે આ બધી ચોંકાવનારી હકીકતો થોડી નવી કે અજાણી લાગે, પરંતુ આપણા દેશના રાજકીય પક્ષો ટીનેજ માનસિકતાનો પરમ અભ્યાસુ હોય છે. પક્ષમાં નવા સભ્યો જોડવા માટેની જે હોર્ડિંગ ઝુંબેશ ચાલે છે એમાં લખેલું હોય છે 'મિસ્ડ કોલ કરો અને અમારા પક્ષના સભ્ય બનો'. આખી સ્ટ્રેટેજીમાં મિસ્ડ કોલ શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. મિસ્ડ કોલની શોધ કોઈ કંજુસે નહીં પણ વ્યવહારુ તરૂણે જ કરી હશે. મિસ્ડ કોલની ફિનોમેના-વિભાવના ટીનેજરોમાં જ સૌથી વધુ લોકપ્રિય છે. આમ પણ જેનો ધર્મ હિન્દુ નહીં, પણ માત્ર પ્રચારકાર્ય જ મુખ્ય ધર્મ છે એ ભાજપ દરેક ચૂંટણીમાં એ અવશ્ય ધ્યાન રાખે છે કે પહેલી વખત મતદાન કરનારા આશરે લાખો ટીનેજર મતદાતાઓ ભાજપ તરફ જ આકર્ષાય.
છેલ્લી ત્રણ મહત્વની ચૂંટણીઓમાં તેઓ સફળ પણ થયા છે. ગોળાર્ધના બીજે છેવાડે ટ્રમ્પને પણ ગન પોલિસીમાં ફેરફાર કરવા પડે છે તેનું કારણ ટીનેજરો છે, જે ગમે ત્યારે એજ્યુકેશન કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર કરી મૂકે છે. ટ્રમ્પના જ જોડિયા ભાઈ જણાતા અને દેખાવ ઉપરથી તરંગી લાગતા બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન બોરીસ જ્હોન્સન બ્રિટિશ વડીલોમાં અળખામણા હતા, પણ ટીનેજરોમાં બહુ લોકપ્રિય હતા. જગતની મહાસત્તાની ગાદીઓ ટીનેજરોના લાઈક વિના સંભવી શકતી નથી એ છેલ્લાં દસ વર્ષમાં જોવામાં આવ્યું છે.
પેરેન્ટિંગ ઉપરના સેમિનારોમાં વક્તાઓ ટીનેજર અને એનાં મા-બાપ સાથેના બગડતા જતા સંબંધોને સુધારવા માટેની ટિપ્સ આપતા રહે છે. હકીકત એ છે કે આવી એક પણ સુષ્ઠુ વાતોને ગણકાર્યા વિના ટીનએજ જનરેશન બધી કંપનીઓ, મર્કેન્ડાઇઝ પ્રોડકટ, મોબાઈલ માર્કેટ, ગેમ-એપ્લિકેશન-સોફ્ટવેર, મેડિકલ અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ, ફાર્મસી ફિલ્ડ, આઈટી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન પોર્ટફોલિયો અને એની સાથે સાથે રાજકારણમાં 'ઇનફ્લુએન્સર' બની ગઈ છે. ઇનફ્લુએન્સર શબ્દ ભારતની ઇકોનોમી માટે ફક્ત એક વિભાવના જ નહીં, પણ લેટેસ્ટ અને મજબૂત ટ્રેન્ડ બની ગયો છે. વિરાટ કોહલીથી લઈને સની લિયોની જેવા સેલિબ લોકો ઇનફ્લુએન્સર કહેવાય છે, જેમના કહેવાથી માર્કેટમાં મોટો ફેર પડતો હોય. એમના કહેવાની સીધી અસર તરૂણાવસ્થામાં રહેલા યુવાનો ઉપર પડતી હોય છે.
કોઈ અર્થશાસ્ત્રીએ ટીનેજ ડ્રિવન ઇકોનોમીના કોન્સેપ્ટ પર પુસ્તક લખવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. ગ્રાહકલક્ષી વિવિધ ઉત્પાદનોની ખરીદીમાં ટીનેજ જ મોખરે હોય છે. માત્ર એક ટીનેજ સંતાન સાથે હોય તો શોપિંગનું આખું બજેટ અને બીજું ઘણું બદલાઈ જાય છે. દેશની તમામ આર્થિક પરિસ્થિતિઓ પર ટીનેજ પેઢીની પકડ મજબૂત બનતી જાય છે. એ હજુ વધુ નિર્ણાયક બનશે. તેરથી ઓગણીસ વરસની ઉંમરના જીવનપટમાં જે અપાર શાન્તિ અને પોતાની કલ્પના પ્રમાણે મનને ઉડવા દેવાની જે રંગત છે એ વીસમા વરસ પછી હોતી જ નથી. સભાનતા અને જવાબદારીઓ છાને પગલે ચિત્ત પર પ્રભાવ જમાવે છે. એટલે જિંદગીના જે રંગ વીસમા વરસ પહેલાં જોવા મળે એનો પછી ક્યાંય પત્તો હોતો નથી.


