કોરોનાના સેકન્ડ વેવથી અમેરિકા સ્વયંભૂ બંધ તરફ
- અલ્પવિરામ .
- સેકન્ડ વેવ પૂરો થાય એના પહેલા જો કોરોનાની દવા કે રસી હાથ નહિ લાગે તો ત્યાં કેસોની સંખ્યા હદ વટાવીને વધશે. એક માણસનો અહંકાર આખા અમેરિકાને લઈ ડૂબશે
અમેરિકામાં કોરોનાના સેકન્ડ વેવની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભાઓ આરંભાઈ રહી છે અને બીજી તરફ ટ્રમ્પની નિષ્ફળતાના પર્યાયરૂપે જ કોરોના ફૂંફાડા મારતો આગળ વધે છે. ટ્રમ્પ જોરશોરથી ભાષણો કરે છે પણ ઓડિયન્સને હવે રસ નથી. ઓડિયન્સ છે ? હા, મહેનતથી ધરાર ટોળે વાળેલું ઓડિયન્સ છે.
જો કે હવે અમેરિકામાં હાલપૂરતા રાજકારણના રસિયાઓ ઘટી ગયા છે. સમગ્ર દુનિયા હવે અસ્તિત્વનો સંઘર્ષ લડે છે. પ્રજા જ્યારે પોતાની સમસ્યાઓની ઉલઝનમાં હોય ત્યારે શાસનકર્તાઓ પોતાની મનઘડંત યોજનાઓની સુલઝનમાં હોય છે !
દુનિયામાં જેટલા પણ મહત્ત્વના દેશો છે, તેનું શાસન લગભગ વન મેન શો કક્ષાના રાજનેતાઓ ભોગવે છે. વિરાટ દેશોના સંચાલન અને વ્યવસ્થાપન માટે જે પ્રકારના ટીમ નેતૃત્વની પરંપરા હતી તે હવે લુપ્તપ્રાયઃ દેખાય છે. એને કારણે એક જ વ્યક્તિ પર બધા જ નિર્ણયો લેવાનો ભાર આવે છે.
એટલે એમાં ઉતાવળ કે ખોટા નિર્ણયો લેવાઈ જવાની સંભાવના વધી જાય છે. ભારત, રશિયા, ચીન, અમેરિકા સહિતના તમામ મહત્ત્વના દેશોના નેતાઓની આ પરિસ્થિતિ છે. ચીન પાસે એનો પોતાનો ટોચનો પીપલ્સ પાર્ટીનો નેતૃત્વ સમુદાય છે, પરંતુ એની ભૂમિકા બહુ મર્યાદિત છે.
ભારત પાસે દ્વિસ્તરીય પ્રધાનમંડળ છે. ઉપરાંત રાષ્ટ્રપતિ ભવન અને સર્વોચ્ચ અદાલત પણ ભૂલ સુધારણા અને માર્ગદર્શન માટે તત્પર હોય છે. એ તત્પરતા ક્યારેક ઠપકા સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. તેમ છતાં સમગ્ર રાષ્ટ્રના વ્યાવહારિક સંચાલનમાં અને નીતિમત્તાઓના ઘડતરમાં રાષ્ટ્રપતિ ભવન અને અદાલતની ભૂમિકા મર્યાદિત છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ એકહથ્થુ સત્તા ભોગવે છે. તેમને રોકવા માટે અમેરિકન સેનેટ છે. અમેરિકન પ્રેસિડેન્ટને બેકાબૂ બનતા રોકવા માટે ત્યાંની કોંગ્રેસ કટોકટીમાં પગલાં લઈ શકે છે. પરંતુ ટ્રમ્પનો રાજકારણમાં અનુભવ ઓછો હોવા છતાં તે ભલભલા ખંધા રાજકારણીને પછાડવાની ચતુરાઈ ધરાવે છે. હોટેલિયર ડોનાલ્ડ ટ્રમ્પ દેશને કંપનીની જેમ ચલાવવા ઈચ્છે છે. ચાર વર્ષ સુધી તેની વિદેશનીતિમાં પણ પ્રેસિડેન્ટ કરતા એક બિઝનેસમેનના વલણ વધુ જોવામાં આવ્યા છે. દેશને ચલાવવાની તેની પદ્ધતિ ઘણે અંશે નિષ્ફળ પુરવાર થઈ છે.
તેનો અંગત અભિગમ અને પોતાના વિરોધીઓના અપમાનપૂર્વક હોઠ બંધ કરી દેવાની શૈલીએ એક સમયે તેને બહુ લોકપ્રિયતા અપાવી પણ હવે તેને તેની આ કાર્યપદ્ધતિ ભારે પડી રહી છે. તેના આ જ અભિગમને કારણે અમેરિકા બેખબર રહ્યું. અમેરિકામાં કોરોનાના કેસ વધતા જતા હતા તો પણ ટ્રમ્પના બેપરવાહ અભિગમે આખા દેશને ઊંડા ખાડા તરફ ધકેલી દીધો.
બેજવાબદારોનો આદર્શ બની ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પના જુઠાણાઓનો હિસાબ રાખવા માટે સુપરકમ્પ્યુટર પણ નાનું પડે. તેની સતત ગાફેલ રહેવાની વૃત્તિ અને પોતાની ભૂલોને સરકારી સાધનોના ભોગે પણ ઢાંકપિછોડો કરવાની વૃત્તિ આજે આખા અમેરિકાને ભારે પડી રહી છે. આજે અમેરિકામાં કોરોનાનો સેકન્ડ વેવ ચાલુ થઈ ગયો છે. તેના માટે કોઈ એક જ વ્યક્તિને જવાબદાર ગણવી હોય તો તે ખુદ અમેરિકન પ્રેસિડેન્ટ છે.
વિશ્વ મીડિયા સમક્ષ ખડકેલા તેના જુઠાણાના પહાડની ઊંચાઈ એવરેસ્ટને આંબી ગઈ છે. કોરોના પ્રસરી ચૂક્યો હોવા છતાં ટ્રમ્પે લોકડાઉન જાહેર ન કર્યું. મલ્ટી નેશનલ કંપની જેવી ઘણી કંપનીઓનું કામ હોટેલિયર ટ્રમ્પની રહેમરાહ હેઠળ ચાલુ રહ્યું. તેને કારણે કોરોનાના પોઝિટિવ કેસ ગુણકારની ઝડપે વધ્યા. હવે ગયા અઠવાડિયે થોડી છૂટછાટ અપાતા ફરીથી કેસોની સંખ્યા વધવા લાગી છે.
ઓગણત્રીસ રાજ્યોએ જાહેરમાં સ્વીકાર્યું કે ફક્ત નામ પૂરતા રહેલા લોકડાઉનમાં થોડી પણ કાયદેસર છૂટ આપવામાં આવી તો પોઝિટિવ કેસોની સંખ્યા આસમાન તરફ ગતિ કરવા લાગી. અમેરિકા દેશ સિવાય અમેરીકન શાસિત પ્રદેશો છે તેમાં પણ કોરોનાએ તેનો પરચો બતાવી દીધો છે.
અમેરીકામાં દસ ચોરસ કિલોમીટરનો એવો વિસ્તાર શોધવો પણ મુશ્કેલ છે જ્યાં કોરોનાનો એક પોઝિટિવ કેસ ન હોય. ટ્રમ્પના પ્રતાપે કોરોના વાયરસે વાયુવેગે ગતિ કરી છે. બહુ દૂરના ભવિષ્યમાં કોઈ સંશોધક કે ધુની માણસ કોરોના વાયરસને ટ્રમ્પની જ સાજીશ ગણાવે એવું બને. કારણ કે આ સમયમાં ટ્રમ્પની કામગીરી બહુ જ શંકાસ્પદ રહી છે.
અમેરિકાના ઇતિહાસમાં સરકારી કર્મચારી કે સરકારી સંપત્તિનો સૌથી વધુ દુરુપયોગ કરનાર પ્રેસિડેન્ટ તરીકે પણ ટ્રમ્પનું નામ કાંસ્ય અક્ષરે લખાશે. વ્હાઇટ હાઉસના કર્મચારીઓ કે અમેરિકન કોંગ્રેસના રાજકારણીઓ પણ ટ્રમ્પની ભાષા બોલતા થઈ ગયા છે. ટ્રમ્પની ભાષા અંગ્રેજી નથી પણ અસત્ય છે એ યાદ રાખવું ઘટે. વ્હાઇટ હાઉસના સલાહકાર પીટર નેવેરોએ એવું કહ્યું કે સમસ્ત અમેરિકા કોરોનાના સેકન્ડ વેવ માટે સુસજ્જ છે.
તેનું કહેવું એમ છે કે જો કોરોનાનો બીજો વેવ આવે તો અમેરિકન સરકાર તેને પહોંચી વળે તેમ છે. આ ફરીથી ખોટી વાત છે. એના ઓગણત્રીસ રાજ્યોના ગવર્નરો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમના રાજ્યમાં સેકન્ડ વેવ ચાલુ થઈ ગયો છે. પરંતુ વ્હાઇટ હાઉસ એટલે કે ટ્રમ્પ આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. આજકાલ દેશના વડાઓ દેશની પ્રજા અને દુનિયાની આંખમાં ધૂળ નાખવાનો મહાવરો ધરાવતા હોય છે.
અમેરિકન સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસી અને ડેમોક્રેટિક ગ્રુપના બીજા નેતાઓએ ટ્રમ્પનો જોરદાર વિરોધ કર્યો છે. કારણ કે ટ્રમ્પે ટુલ્સા માટે યોજેલી રેલીમાં નફ્ફટ રીતે એવું કહ્યું કે તેણે રાજ્ય સરકારો અને મેડિકલ ડિપાર્ટમેન્ટને ટેસ્ટ ઓછા કરવાની સલાહ આપી છે જેથી મોટો આંકડો બહાર ન આવે અને લોકો ગભરાઈ ન જાય. ટ્રમ્પના આ બેશર્મીભર્યા નિવેદનનો ચારેકોરથી વિરોધ થયો છે.
ટ્રમ્પને તેની કોઈ જ અસર નથી તે સ્વાભાવિક છે. ચીન માટે એક અમેરિકન માંસ ઉત્પાદક કંપની માંસની નિકાસ કરે છે. તે આરકન્સન કંપનીનો માલ લેવાની ચાઈનીઝ સરકારે ના પાડી દીધી કારણ કે તે કંપનીના બસ્સો વીસ કરતા વધુ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ એ જ કંપની છે જેને ટ્રમ્પે લોકડાઉન પછી પણ ચાલુ રહેવા દીધી અને જેને કારણે કોરોનાનો ફેલાવો બહુ ઝડપથી થયો.
ટ્રમ્પે હમણાં એવું વિધાન પણ કર્યું કે કોરોનાની વેકસીનના વીસ લાખ જેટલા ડોઝ તૈયાર છે. પણ કોઈને આ વાત પર ભરોસો નથી. અમેરિકામાં વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. સેંકડો યુનિવર્સીટીઓ બંધ થવાના આરે છે. શિક્ષણને કોરોના ઉધઈની જેમ કોતરી રહ્યું છે. આવા બીજા અનેક અઘરા પડકારોને પડતા મૂકીને ટ્રમ્પ સ્વપ્રશસ્તિમાં લાગ્યા છે. સેકન્ડ વેવ પૂરો થાય એની પહેલા જો કોરોનાની દવા કે રસી નહીં આવે તો ત્યાં કેસોની સંખ્યા હદ વટાવીને વધશે. એક માણસનો અહંકાર આખા દેશને લઈ ડૂબશે.