- અલ્પવિરામ
- લાખો ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ હવે ત્રિશંકુની અવદશામાં ફસાયા છે: ખાલિસ્તાનીઓને સમર્થન આપીને કેનેડાએ પોતાની છબી મલિન કરી છે
કોરોના વખતે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થયો હતો. તેઓ ઘોર પસ્તાવો કરી રહ્યા હતા. ભારત સરકારે વૈશ્વિક એરલિફ્ટ કાર્યક્રમ અંતર્ગત સંખ્યાબંધ ભારતીયોને એ વિકરાળ સંયોગોમાં પણ ભારત લાવવાનું સાહસ કર્યું હતું. ભારત અને કેનેડા વચ્ચેનો હાલનો સંઘર્ષ જો આગળ ધપે તો ત્યાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અણધાર્યું નવું સંકટ પેદા થઈ શકે છે. એની સરકારની મૂર્ખતાને કારણે કેનેડિયન શૈક્ષણિક 'ઉદ્યોગ'ને ગંભીર નુકસાન થયું છે. બ્રિટનના ઇશારા પર ભારત વિશે ખોટી આંતરરાષ્ટ્રીય છબી ઉપસાવવાના પ્રયાસમાં કેનેડા હવે ભેખડે ભરાયું છે. એ દેશમાં ભણવા જતાં લાખો વિદેશી વિદ્યાર્થીઓને કારણે કેનેડિયન સરકાર કરોડો ડોલરનું હુંડિયામણ કમાય છે અને વળી એ સરકાર જાહેરમાં એમ કહીને ફુલાતી ફરે છે કે અમે તો શિક્ષણની નિકાસ કરીએ છીએ...! એ રંગ અને રોગાન પર હવે પાણી ફરી વળ્યું છે.
કેનેડા સાથેના સંબંધોમાં તિરાડ વચ્ચે, ભારત કેનેડિયન રાજદ્વારીઓ માટે લાંબા ગાળા સુધી દરવાજા બંધ રાખવા ચાહે છે. ભારતના એક ન દેખાતા શત્રુ તરીકે બ્રિટન છેક ૧૯૪૭થી કામ કરે છે. કેનેડા સાથેના સંબંધોમાં તિરાડ વચ્ચે, બંને વચ્ચેના વિવાદનો આ મુદ્દો એ અર્થમાં રસપ્રદ કહી શકાય કે ભારત આ અંગે ખુલ્લેઆમ પોતાનું વલણ જાહેરમાં રજૂ કરી રહ્યું છે જ્યારે કેનેડાના પીએમ કહી રહ્યા છે કે તેઓ માત્ર રાજદ્વારી માધ્યમો દ્વારા નહીં, પરંતુ અન્ય દેશો કે પરિબળોના માધ્યમથી વાત કરવા ચાહે છે.
હવે પરિસ્થિતિ એવી આવી છે કે કેનેડા કોઈ પણ રીતે સમાધાન ચાહે છે. પરંતુ આશ્ચર્યજનક છે કે તેમને આ સત્ય આટલું મોડું સમજાયું. નહિતર, તેણે પોતાના દેશમાં થયેલી હત્યા માટે ખુલ્લેઆમ ભારતને જવાબદાર ઠેરવીને બંને દેશોના સંબંધોને જોખમમાં મૂક્યા ન હોત. તે પણ જ્યારે આ આરોપને સાચો સાબિત કરવા માટે તેમના દેશ કે ગુપ્તચર તંત્ર પાસે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. કદાચ તેને લાગ્યું કે જો તે બાહરી પરિબળોની મદદથી આવું કરશે તો તેનાથી વધુ દબાણ સર્જાશે અને પછી ભારતને નમવું શક્ય બનશે. પરંતુ આ તેમની ગેરસમજ હતી. આ સમય દરમિયાન, તેઓ ન તો તેમના દાવાના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા આપી શક્યા કે ન તો તેઓ અન્ય દેશોને ભારત વિરુદ્ધ તેમની તરફેણમાં કરી શક્યા. આ નક્કર વાસ્તવિકતાએ તેમના વલણમાં પરિવર્તનની ભૂમિકા ભજવી હશે. ભારતે આપેલી રાજદ્વારીઓને પાછા બોલાવવાની મહેતલ આજે પૂરી થઈ રહી છે.
પરંતુ તેની પાછળનું સત્ય એ છે કે ભારત જે રીતે કેનેડા પર ખાલિસ્તાની તત્ત્વોને મુક્તિ આપવાનો સતત આરોપ લગાવી રહ્યું છે તેમાં કોઈ ફેરફાર થયો નથી. કેનેડામાં ન તો ખાલિસ્તાની તત્ત્વોએ પોતાની ગતિવિધિઓ ઓછી કરી છે કે ન તો કેનેડાની સરકાર તેમની સામે કોઈ કડક પગલાં લેતી હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધના પોસ્ટરો જેને હટાવી દેવામાં આવ્યા હતા તે ફરીથી ગુરુદ્વારાઓમાં લગાવવામાં આવ્યા છે. દરમિયાન, સમાચાર એ પણ ફેલાવવામાં આવી રહ્યા છે કે કેનેડિયન ઇન્ટેલિજન્સ એજન્સીએ બ્રિટિશ કોલંબિયાના શીખોને સાવચેત રહેવા કહ્યું છે, કારણ કે કથિત ભારતીય એજન્ટો કેટલાક ખાલિસ્તાનીઓની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો વ્યર્થ ભય કેનેડિયન જાસૂસો ફેલાવી રહ્યા છે.
આ સંદર્ભમાં મહત્ત્વની વાત એ છે કે કેનેડા સરકાર દ્વારા આ અહેવાલોને નકારી કાઢવામાં આવી રહ્યા નથી. એટલું જ નહીં, ખાલિસ્તાન તરફી જૂથો અગાઉ વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે 'કિલ ઈન્ડિયા' નામક એક કાર રેલી યોજી હતી, જેનો હેતુ કથિત જનમત સંગ્રહ માટે ભંડોળ એકત્ર કરવાનો હતો એમ કહેવાય છે. સ્વાભાવિક રીતે, કેનેડાના રાજનેતાઓએ સમજવું પડશે કે આ પ્રકારના વાતાવરણમાં બંને દેશો વચ્ચેના સંબંધો વિકસી શકે નહીં. મુત્સદ્દીગીરીની સફળતા માટે ગોપનીયતાની સાથે સાથે પરસ્પર વિશ્વાસ અને પરસ્પર હિતોનું સન્માન પણ જરૂરી છે.
ભારતના કડક વલણ બાદ હવે કેનેડાએ આખરે તેના ૪૧ રાજદ્વારીઓને ખસેડી લીધા છે. ભારતે કેનેડાને આ વરસના અંત સુધીનો સમય આપ્યો હતો અને સ્પષ્ટપણે કહ્યું હતું કે આ પછી આ રાજદ્વારીઓને રાજદ્વારી પ્રતિરક્ષા આપવામાં આવશે નહીં. કેનેડા હવે તેના રાજદ્વારીઓને નવી દિલ્હીની બહાર મલેશિયા અથવા સિંગાપોર લઈ જઈ રહ્યું છે. કેનેડિયન મીડિયાએ અહેવાલ આપ્યો છે કે એની સરકારે હવે ભારતમાં જેટલા અધિકારીઓ કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ તરીકે છે તેટલા જ રાખવા પડશે. અગાઉ, કેનેડાના વિદેશ પ્રધાને ભારત સાથે 'ખાનગી વાટાઘાટો' માટે વિનંતી કરી હતી, પરંતુ ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે પહેલા તમારા આ રાજદ્વારીઓએ જવું પડશે.
કેનેડાએ દાવો કર્યો છે કે તેના કેટલાક સ્ટાફને સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી અને તેની સરકાર એ અંગે આગળની તપાસ કરી રહી છે. અગાઉ કેનેડાએ કોઈ પણ નક્કર પુરાવા વિના આરોપ લગાવ્યો હતો કે ભારતીય ગુપ્તચર એજન્ટોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાની ધરતી પર હત્યા કરાવી હતી. આ આરોપનો ભારતે યોગ્ય જવાબ આપ્યો હતો અને પુરાવા માંગ્યા હતા. કેનેડા હજુ સુધી કોઈ નક્કર પુરાવા આપી શક્યું નથી. એટલું જ નહીં અમેરિકા દ્વારા ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે પણ નિષ્ફળ ગયો. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાને ભારતીય પક્ષ વિશે સ્પષ્ટપણે જાણ કરી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે રાજદ્વારીઓના ભારત છોડવાની સમયમર્યાદા અંગે કેનેડા સાથે ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારત બંને દેશો વચ્ચે રાજદ્વારીઓની સંખ્યા ઝીરો સુધી લાવવા ઈચ્છે છે.
કેનેડામાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓને હવે બેવડા ફટકાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તેઓ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ તેઓ નોકરીની અછતનો સામનો કરી રહ્યા છે. યુનેસ્કોના એક સંશોધન અનુસાર,ઉચ્ચ શિક્ષણ સહિત તમામ શૈક્ષણિક સ્તરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૮ લાખથી વધુ છે. ગયા વર્ષે આમાંથી લગભગ સાડા પાંચ લાખ લોકોને કેનેડામાં સ્ટડી પરમિટ મળી હતી.
ટોરોન્ટો અને કેનેડાના અન્ય શહેરોમાં ઘરનું ભાડું પણ ભારતીય વિદ્યાર્થીઓને અસર કરી રહ્યું છે, જેના કારણે મોટાભાગના ભારતીય નાગરિકો તંગ સાંકડા રૂમમાં રહેવા મજબૂર છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોટેલ અથવા બેઝમેન્ટમાં રહે છે. ICEF મોનિટર મુજબ, કેનેડામાં રહેતા દર ૧૦ વિદેશીઓમાંથી ૪ ભારતીય છે. હવે એ વિદ્યાર્થીઓ તરફ કેનેડિયન સરકાર અને સ્થાનિક પ્રજા પૂર્વગ્રહ રાખે તો હાલનું સંકટ બેવડું થઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રજાએ વિદેશની ધરતી પર અહીં ફસાઈ ગયા જેવો અનુભવ અનેકવાર કર્યો છે અને છેક ઈદી અમીનથી જસ્ટીન ટ્રુડો સુધી ભારતીયોને મુંઝવણમાં મૂકવાના સંયોગો ઊભા થતા રહ્યા છે. અખાતી દેશોમાં પણ ભારતીયોએ આવા વિકટ અનુભવો અનેકવાર મેળવ્યા છે.


