For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ ઉત્સવો ભારતીય બજારો માટે તેજીની લહેર છે

Updated: Aug 23rd, 2022

Article Content Image

- અલ્પવિરામ

- વૈશ્વિક રીતે પણ હવે તબક્કાવાર દુનિયાનો સહસ્ત્રદલ પદ્મ જેમ ઊઘાડ થતો જાય છે. જે બજારોમાં સાવ સન્નાટો હતો તેમાં હવે સકારાત્મક હલચલ જોવા મળે છે

જન્માષ્ટમીના તહેવારોના ઝૂમખાએ ફરી ભારતીય બજારો ચેતનવંતી થઈ હોવાનો સંકેત આપ્યો છે. કોરોના પર હજુ માનવજાતનો સંપૂર્ણ કાબૂ નથી. દક્ષિણના રાજ્યોમાં તો સ્વૈચ્છિક લોકડાઉન અને સ્વયંભૂ બંધની હવા વહેતી થયેલી છે. ભારત સરકાર પોતે સંપૂર્ણ લોકડાઉનનો વિરોધ કરે છે એ વાત હવે સ્પષ્ટ અને આર્થિક જગત માટે આશ્વાસનરૂપ છે, પરંતુ છાને પગલે આગળ ધપતા કોરોનાના નવા કેસો તરફ ધ્યાન આપવાને બદલે રાજ્ય અને કેન્દ્ર સરકારનું ધ્યાન માત્ર વેક્સિનેશનના આંકડાઓ તરફ જ છે. એ એક એચિવમેન્ટ છે તે સ્વીકારીએ પણ સાપની જેમ આગળ સરકતા નવા કેસોની ઉપેક્ષા યોગ્ય નથી. કોરોનાની ત્રીજી લહેર ઓમિક્રોનના નામે હતી. ઓમિક્રોન તરીકે વિકસેલો વાયરસ વેક્સિનેશન સામે ટકી શક્યો નહીં. ડૉકટરો મજાકમાં કહે છે કે ઓમિક્રોનનું સૂરસૂરિયું થઈ ગયું, પરંતુ અત્યારે ચોથી લહેરના ભારતમાં પગરણ થયેલા છે અને એનો મૃત્યુ આંક પણ ઊંચે જવા લાગ્યો છે. દક્ષિણ ભારતમાં સ્થિતિ વધુ ખરાબ છે. ઉત્તર ભારતમાં અને હવે રાજસ્થાનમાં પણ મેઘરાજાએ તબાહી મચાવતા કોરોનાના નવા કેસોના ઘટનાક્રમો દેશના મુખ્ય વૃત્તપટ પરથી અદ્રશ્ય થઈ જવાના છે.

બજારમાં ચહલપહલ દેખાય છે. તહેવારો તેજી લઈ આવે છે. દરરોજ નેટ પર આંગળીના ટેરવે આમતેમ ચક્કર મારીને યુવાનો સસ્તી ઑફર શોધીને ઓર્ડર આપી દેતા હતા એ પ્રવૃત્તિ હજુ ચાલુ જ છે તો પણ અસલી બજારોમાં ઘરાકી દેખાય છે. ભારતમાં ઈ-કોમર્સ કંપનીઓ મુખ્યત્વે શરૂઆતમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયના બિઝનેસમાં બહુ આગળ નીકળી ગઈ. ફેશનની પણ એક વિરાટ આકાશગંગા આ કંપનીઓએ રજૂ કરી. લોકોએ હોંશે હોંશે એમાં ઝંપલાવ્યું પણ ખરું. ને એમ ઓનલાઈન શોપિંગ કંપનીઓ નફાકારક અને સમૃદ્ધ થવા લાગી. થોડાક કડવા-મીઠા અનુભવો વચ્ચે પણ લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળવા લાગ્યા. આફલાઈન રિટેઈલ વેપારીઓના ઊહાપોહ વચ્ચે પણ એની આગેકૂચ ચાલુ રહી, પરંતુ પછી એમાં વળતાં પાણી થયા. કોર્પોરેટ જાયન્ટ કંપનીઓએ પણ છેલ્લા બે વરસમાં સંખ્યાબંધ કર્મચારીઓની છટણી કરીને એમની કારકિર્દીની ચટણી વાટી છે, તો સ્વાભાવિક છે કે ઘટતા જતા બિઝનેસને કારણે ઇ-કોમર્સ કંપનીઓએ પણ સ્ટાફમાં કાપ મૂક્યો હોય.

ઇન્ફોસિસે એના ટોચના આઇ.ટી. એન્જિનિયરોમાં ત્રણ હજારનો ઘટાડો કર્યો હતો. પછી તો એ ઘટાડાનો ક્રમ દેશની અનેક આઈટી કંપનીઓમાં ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે જે આજ સુધી ચાલુ છે. જો કે ઈન્ફોસિસના સ્ટાફકાપમાં કેટલાક આંતરરાષ્ટ્રીય કારણોએ સ્થિતિ વધુ વિકટ કરી. રોયલ બેન્ક ઑફ સ્કોટલેન્ડે એવો નિર્ણય કર્યો કે તે હવે યુ.કે.માં ક્યાંય પોતાની નવી શાખા નહીં ખોલે એનાથી ઇન્ફોસિસને ફટકો લાગતા ભારતીય એન્જિનીયરોની હાલત કફોડી થઈ, કારણ કે એ બેન્કોના ઇન્ફોસિસ સાથે સેવાકરાર થયેલા હતા. યુક્રેન યુદ્ધની અસર બધા દેશોને થઈ છે. કોને ક્યાં ડામ લાગ્યા છે એ જગતના ચોકમાં કોઈ કહેવા ન આવે. દુનિયાભરના વ્યાપાર ચક્રને આ યુદ્ધે ઘણું નુકસાન પહોંચાડયું છે.

ચીન અને અમેરિકાના વ્યાપાર યુદ્ધને કારણે અને ભારત-ચીન વચ્ચેની વેરવૃત્તિ પુન: સજીવન થવાથી અન્ય અનેક અમેરિકી - ચીની કંપનીઓમાં ભારતીય પ્રોફેશનલ્સ સરપ્લસ થતાં તેમની વિદાય નિશ્ચિત થઈ છે. આ પ્રક્રિયા આમ તો છેક ડોકલામ પ્રકરણથી શરૂ થઈ છે. કંપનીઓમાંથી મોટાભાગનાઓએ વિદાય લઈ લીધી છે અને નવી નોકરીની કોલંબસ જેવી શોધયાત્રા ચાલુ કરી દીધી છે. કેટલીક કંપનીઓએ તો સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું તો કોઈક કંપનીએ કોમ્પ્યુટર ડ્રો કરીને જ છટણી કાર્યક્રમ જાહેર કર્યો જેથી પક્ષપાતની આશંકા ન રહે! જે કોમ્પ્યુટર એ લોકોનું ભાગ્યવિધાતા બન્યું એ જ કોમ્પ્યુટર હવે એમની વિદાયનું નિમિત્ત બની ગયું એ વિધિની કેવી વિચિત્રતા! દેશમાં રહીસહી આઇ.ટી. કંપનીઓ પાસે અત્યારે પ્રોજેક્ટ આધારિત કામ છે, જે માટે તેઓ બહુ ટૂંકા ગાળા માટે સ્ટાફ રાખે છે અને સંબંધિત પ્રોજેક્ટ પૂરા થતાં તેમને વિદાય આપે છે.

આવી પ્રાસંગિક અને અનિયત કહેવાય તેવી રોજગારી કમ બેરોજગારીના ચક્રવ્યૂહમાં દેશના નવી પેઢીના એન્જિનીયરો ફસાઈ ગયા છે. ભારતમાં દર વરસે ઓછામાં ઓછા એક કરોડ યુવક-યુવતીઓ નોકરી મેળવવા માટે કારકિર્દીના પથ પર ભટકવાની શરુઆત કરે છે. આઇ.ટી. અને ઈ-કોમર્સ કંપનીઓની બજાર ગરમ હતી ત્યારે એમ લાગતું હતું કે તેઓ નવી પેઢીને સમાવી લેશે પરંતુ આ કંપનીઓ જ સતત પાછી પડતા હવે દેશના બેરોજગારોનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું છે. વડાપ્રધાને દર વરસે એક કરોડ રોજગારી ઊભી કરવાની જે વાત કરી હતી તે અન્ય વચનોની જેમ નિરર્થક સાબિત થતાં આ પેઢીના યુવાઓની મૂંઝવણમાં વધારો થયો છે. 

કોરોના પછી ઓનલાઈન કંપનીઓ ઘઉંનો લોટ, બાજરાનો લોટ, સિંગતેલના ડબી-ડબા અને ઔષધીય ઉકાળા તથા જ્યોર્જ સ્ટીફન્સને શોધ્યા હતા એ સિવાયના નવા વરાળયંત્રો વેચતી થઈ ગઈ છે! હવે એમાં ફરી ગરમાવો છે. લોકો સાવરણી અને સૂપડી પણ ઓનલાઈન ઓર્ડર આપી મેળવતા થયા છે.

ટૂંક સમયમાં શરદ ઋતુની શરૂઆત થશે. બજારમાં દિવાળીની ઘરાકી એમ તો કંઈ પાછલા વરસો જેવી દેખાવાની નથી, પરંતુ ગુજરાતની જે બજારોમાં સાવ સન્નાટો હતો તેમાં હવે સકારાત્મક હલચલ જોવા મળે છે. તહેવારોમાં થનારા ખર્ચ પર આમ તો પાછલા બેત્રણ વરસમાં ઉત્સવશૂન્યતાને કારણે કાપ આવી જ ગયો છે. પરંતુ જન્માષ્ટમીએ બજારને જે નવી હૂંફ આપી એનાથી નવી ચીજવસ્તુઓની વસાવટ કરવાની લોકમાન્યતા દેખાય છે. અત્યારે હોમ એપ્લાયન્સીઝના શોરૂમ પર ભીડ જોવા મળે છે. બાળકો સાથે બજારમાં લટાર મારવા નીકળતા પરિવારોની સંખ્યા અભિવૃદ્ધ થઈ ગઈ છે.

એ જ રીતે મહિલાઓના ડ્રેસ, બાળકોનાં રેડીમેઈડ વસ્ત્રોની બજાર પણ કમસે કમ ધબકતી તો થઈ ગઈ છે. જો આ ક્રમ ચાલુ રહે તો બજાર પોતે જ પોતાની જાતે બેઠી થઈ શકે છે. પગારદાર પરિવારો માટે બહારથી દેખીતી રીતે કોઈ સંકટ ન હોય એમ માનવામાં આવે છે, પણ હકીકતમાં એમને પણ તોટો વધે છે ને નફો ઘટે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પગારદારોની બચતો ધોવાઈ ગયેલી છે. ઉપરાંત જેમના આંગણે પ્રસંગો આવીને ઊભા છે અને એને પાર પાડવાના છે તેમને પણ મોંઘવારીનો ઘસરકો લાગે છે. વૈશ્વિક રીતે પણ હવે તબક્કાવાર દુનિયાનો સહસ્ત્રદલ પદ્મ જેમ ઊઘાડ થતો જાય છે.

બેરોજગારીનું પ્રમાણ નાનું નથી. જ્યાં જે કામ મળે તે કામે લાગી જવા યુવાવર્ગ પર પરિવારોનું દબાણ વધ્યું છે. કોર્પોરેટ સેક્ટરમાં અનેક નવા ચહેરાઓ પ્રવેશી રહ્યા છે. એક જમાનામાં બહારગામ સેલ્સ ટૂર માટે ઈન્કાર કરતા ઉમેદવારો હવે માર્કેટિંગ માટે બહારગામ જવા-આવવા પણ તૈયાર થવા લાગ્યા છે. એનો અર્થ છે કે નવી પેઢી હવે વાસ્તવિકતાનો સાક્ષાત્કાર કરી ચૂકી છે અને પડકારોને પહોંચી વળવા જરૂરી સંઘર્ષ કરવા તે તત્પર છે. કેન્દ્ર સરકારે વિવિધ પ્રોજેક્ટ અને પ્રક્રિયા દ્વારા પ્રજાની ખરીદશક્તિ વધારવા પ્રયત્ન કર્યો છે તે તો ભારતના વિરાટ માનવ મહેરામણમાં અલ્પયત્ન જ ગણાશે. તોય સિંધુરૂપ દેશમાં બિંદુરૂપ પ્રયત્નોનું પણ એની રીતે વજૂદ હોય છે. વિપક્ષો કહે છે એમ એ સાવ હવામાં નથી.

નાણાં પરનું જબરજસ્ત હોલ્ડિંગ ધરાવતા પરિબળોમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ છે. એટલે પ્રચારના બહાને તેઓના પક્ષ અને ઉમેદવારો દ્વારા જે કંઈ કુબેરાત્મક છાલક ઉડાડવામાં આવશે એનાથીય બજારમાં હરિયાળી છવાઈ જશે. આમ તો એનું બહુ મૂલ્ય નથી હોતું, પરંતુ મંદીના પ્રવાહોમાં એ ઉછામણી પણ બજારનો પ્રાણાધાર બને છે. નવી મોસમની મગફળી, કપાસ અને કઠોળ ખેતરમાંથી ખળા સુધી અને ત્યાંથી ખેત ઉત્પન્ન બજારો સુધી પહોંચી જવાને હજુ વાર છે. એ ભલે ધાર્યા કરતા ઓછા છે તો પણ એટલા અંશે તો કિસાનોના હાથમાં નાણાં આવશે. ઉપરાંત દેશના જે ખેડૂતોને આ વખતના ચોમાસામાં લીલા દુકાળનો અનુભવ થયો છે એમને સરકાર તરફથી મદદ મળવાની નક્કી છે. રવિ પાકની મોસમ માથે ઊભી છે.

Gujarat