શિયાળાના સોનેરી તડકાના વૈભવ વચ્ચે મુદ્દાશૂન્ય ચૂંટણી
- અલ્પવિરામ
- શિયાળો જેમ શારીરિક વ્યાયામનો વિષય છે, એ રીતે સાધનાનો પણ વિષય છે, કારણ કે પ્રશાંત એકાંતમાં ભીતર ઊંડે ઉતરવાનું સુગમ રહે છે
આ વખતે શિયાળો આખરે બહુ રાહ જોયા પછી ચમકારો બતાવી રહ્યો છે. દિવસ ટૂંકો થતો જાય છે અને રાત્રીઓ લંબાતી જાય છે. વહેલી સવારના ઘરના અને બહારના વાતાવરણમાં હવે તફાવત છે. બહાર વગડાનો પવન ગામની શેરીઓમાં રખડવા આવ્યો છે. ઘર તો ચાર દીવાલોની વચ્ચે સવારની રાહ જોવામાં ધબકી રહ્યું છે. હવે સવારનો તડકો સોનેરી થયો છે. તડકાની મીઠાશ વધી છે. વાતાવરણ બદલાયું છે, એને કારણે તાજગી અને સ્ફૂર્તિમાં વધારો થયો છે. પશ્ચિમના દેશોની તુલનામાં આપણો શિયાળો ખરેખર તો બહુ હૂંફાળો કહેવાય. જેઓ પહેલી વાર વિદેશ જાય છે એમની હાલત જોવા જેવી હોય છે, કારણ કે ચારેબાજુ બરફના થર બાઝી જાય છે. આપણે ત્યાં હિમાલયમાં બરફવર્ષા થાય છે ત્યારે શંકુદ્રુમનાં વૃક્ષો પર જે બરફ જામે છે એ દેખાવમાં તો બહુ જ રમણીય લાગે છે, પરંતુ હિમાલયન પહાડીઓની તળેટીમાં વસતા ગામો માટે થીજી ગયેલું પાણી કેમ પીવું એ એક સમસ્યા હોય છે.
ગુજરાતમાં શિયાળામાં ચૂંટણી તો આવી રહી છે, પણ એના પ્રચારમાં ગરમાવો નથી. જાહેર સભાઓ અને રેલીઓમાં લોકસમુદાય ઓછો અને કાર્યકરો વધુ છે. એમાં પણ ગત વિધાનસભાની ચૂંટણીની તુલનામાં કાર્યકરો ઓછા છે. ગુજરાતના ત્રિપાંખિયા જંગમાં વિરોધ પક્ષો પરિવર્તનની વાત કરે છે, પરંતુ સત્તાધારી ભાજપ પાસે મુદ્દાઓ નથી. 'કોણે બનાવ્યું ગુજરાત?'ની થિયરી ચાલી નથી. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં હજુ ભલે ઓટ આવી નથી, પરંતુ પ્રદેશના નેતૃત્વની ચમક રહી નથી. મિસ્ટર મોદી અને શાહની જુગલ જોડીએ ચૂંટણી પૂર્વેના સમયગાળામાં શિખરથી તળેટી સુધીના આખા પ્રધાનમંડળને સસ્પેન્ડ કરવાનો જે નાટયાત્મક નિર્ણય લીધો એનો પડછાયો આ ચૂંટણી પર પડયા વિના રહ્યો નથી. છત્રભંગ થયેલા જૂના દિગ્ગજોની ન દેખાય એવી નિષ્ક્રિયતા ગુપ્ત રીતે સત્તાધારી પક્ષને સતાવે છે. કર્મનો સિદ્ધાન્ત ખરે ટાણે તો સહુને નડે છે.
શિયાળો એની મંથર ગતિએ આગળ વધી રહ્યો છે. શિયાળો જેમ શારીરિક વ્યાયામનો વિષય છે, એ રીતે સાધનાનો પણ વિષય છે, કારણ કે પ્રશાંત એકાંતમાં ભીતર ઊંડે ઉતરવાનું સુગમ રહે છે. જેઓ વાંચનના શોખીન હોય એમને માટે મોડી રાત્રિ સુધીના અધ્યયનનો આ સમય છે. જે ઘરમાં દૂરના અવાજો સંભળાતા ન હોય એમને શિયાળામાં મોડી રાત્રે નજીકથી પસાર થતી ટ્રેનની વ્હીસલ હવે સંભળાય છે. ટ્રેનની વ્હીસલ દેશના અનેક ગ્રામ વિસ્તારની સન્નાટાભરી રાત્રીઓનું કર્ણપ્રિય આભૂષણ છે. એક ક્ષણ માટે અવાજ સાંભળતા જ તમે પ્રવાસી બની જાઓ છો. અંધકારમાં તમારું મન ટ્રેનની સાથે ગતિ કરવા લાગે છે. જોકે મન જેવી ગતિ તો સંસારમાં કોઈની નથી. તુલસીદાસે હનુમાનજીની સ્તુતિ કરતી વખતે કહ્યું કે મનોજવમ્ મારુતતુલ્ય વેગમ્... એટલે કે હે પ્રભુ, આપની ગતિ તો સૂસવાટા મારતા પવન જેટલી છે. મન જેવી છે. મન જેમ ક્ષણવારમાં માળવે પહોંચી જાય એમ જ આપ ગમે ત્યાંથી ગમે ત્યાં પહોંચી જાઓ છો.
મન તો પવનથીય ગતિશીલ છે. સાધનામાં મનની સ્થિરતા એ જ સફળતાનું પ્રમુખ પ્રમાણ છે. એટલે જ સંતો કહે છે કે પાળેલા પશુની જેમ તમારું મન પાળેલું હોવું જોઈએ. એ તમારી આજ્ઞાામાં હોવું જોઈએ. માલિકને વફાદાર હોવું જોઈએ. જેણે મનના ઘોડા છુટા મૂક્યા છે, એમની જિંદગીના રથનો આ સંસારમાં કોઈ ધડો નથી અને તેઓ બહુ લાંબો પ્રવાસ કરી શકતા નથી. એક રીતે શિયાળો મનને સ્થિર કરવાની ઋતુ છે, પરંતુ ઉત્સાહી અને અપ્રમાદી જ તેમાં ફાવે છે. સામાન્ય વ્યક્તિનું એ કામ નથી અને સામાન્ય જ રહેવાની તૈયારી હોય એને એની શી જરૃર? ધર્મશાસ્ત્રો ત્યાં સુધી કહે છે કે ઓછી કે નામની ભક્તિ કરનારાનો સંગ ન કરવો, કારણ કે એની ભક્તિ સામાન્ય છે. મંદિરની પ્રદક્ષિણા પણ અધિકાધિક કરવામાં આવે છે. સંતોનો રાજીપો નહીં, મોટા સંતોનો રાજીપો મેળવવાની સત્ શાસ્ત્રોની ટકોર છે. દંડવત્ પણ એક કે બે વખત કરો એ સામાન્ય છે. શિયાળો સામાન્ય નથી.
આ જ વાત બિઝનેસ મેનેજમેન્ટમાં જુઓ તો એ એક્સ્ટ્રા માઇલેજ મેળવવા માટેના એક્સ્ટ્રા પરફોર્મન્સની વાત છે. વધારાનું કામ અસહજ છે અને એટલે જ સંભવિત વિજેતાઓ એ પર્વતને ઓળંગે છે. શિયાળામાં વહેલા ઉઠવું એ લાખો લોકો માટે અશક્ય છે, કારણ કે એમનું એ કામ નથી. જેમને પાંખો ન હોય એને ઉડવાનું તો શી રીતે કહેવાય! આસમાની ઊંચાઈને સ્પર્શ કરવા માટે તેઓ નથી. આવા લોકો બહુમતીમાં છે. બહુસંખ્ય છે. તેઓ ભાગ્યે જ વચનપાલક હોય. તેમનું જીવન તેઓની ધારણા કરતા વધુ પાછળ રહી જાય છે. એના મૂળ કારણમાં આખરે તો દરરોજ તેમનો દિવસ મોડો શરૃ થાય છે એ જ છે, પણ એમને કહે કોણ? નજીકના કહેનારાઓ કહી કહીને થાકી ચૂક્યા હોય છે. એમનો અગ્રતાક્રમ સુખ નથી. જો તમારી અસલી પસંદગી સુખ નહીં હોય તો એ કદી નહીં મળે.
શિયાળામાં સૂર્યોદય પહેલાં શય્યાનો ત્યાગ કરવો એ લોહચણા ચાવવાનું કામ છે. છતાં આપડા ગ્રામવિસ્તારોમાં હજુય ઘણો મોટો વર્ગ છે, જે વહેલી સવારે પોતાના દિવસની શરૃઆત કરે છે. શ્રીમંતોની જીવનશૈલીને બારીક રીતે જુઓ તો સવાર પડે એ પહેલા આગલી રાતે જ એમણે નક્કી કર્યું હોય કે આવતીકાલે કરવાનાં કામ શા શા છે. સામાન્ય નાગરિકોને સાંજ પડે પછી સવારના ભુલાયેલાં કામો યાદ આવે છે. સવારે મોડા ઉઠવાની ટેવ કોઈને પણ આખી જિંદગી નડે છે. હા, જેમનો વ્યવસાય કે નોકરી જ રાતપાળીની હોય એમની વાત જુદી છે.
શિયાળાની સવારનો આનંદ એ લોકો તો લઈ શકતા જ નથી જેઓ મોડી રાત સુધી અહીંથી તંહી ઠેબા ખાતા હોય છે અથવા તો પારકી પંચાતમાં ડૂબેલા હોય છે. વહેલી સવાર માણવાની મઝા લેનારાઓએ વહેલા પોઢી જવું પડે છે. શિયાળાના અંધકારની જાળમાં બહુ તણાવા જેવું નથી. ગ્રીષ્મમાં કુદરત હરણ સામે અનંત જાળ પાથરે છે. એને લાગે છે કે આ જળ છે અને હોય છે ઝાંઝવા. જળ હોવાનો એવો આભાસ પથરાઈ જાય કે હરણના પગમાં તરસ પ્રવેશી જાય ને એ દોડવા લાગે. હમણાં જળ મળશે એમ માનીને હરણ આગળ ને આગળ દોડે... થાકે તો ફરી એ ઝાંઝવાના જળ એની આંખે પ્રવેશીને એને સાદ કરે... ને ફરી એ દોડે... ઝાંઝવા તો ઝાંઝવા જ હોય છે, પરંતુ એમ દોડતા દોડતા આખરે હરણ ત્યાં સુધી પહોંચી જાય છે જ્યાં ખરેખર જળ છે. જો ઝાંઝવાએ હરણને દોડાવ્યું ન હોત તો હરણ ત્યાં જ હોત જ્યાં વધતી જતી તરસ આખરે મૃત્યુને લઈ આવવાની હતી. ઝાંઝવા જ ખરેખર તો હરણનું પરિચાલક અને સંજીવક પરિબળ છે.
આપણે જેને આપણી ગણતરી, અનુમાન, આયોજન કે કલ્પના કહીએ તે પણ ક્યારેક ઝાંઝવા હોય છે. જો એ ઝાંઝવા કુદરતી હોય તો જળ સુધી પહોંચી જવાય છે, પણ એ ઝાંઝવા માણસજાતે બનાવેલા હોય તો નક્કી નથી કે એ જળમાં પરિણમશે કે નહીં. ચૂંટણીના દિવસોમાં ચોતરફ મતદારોને ઝાંઝવાના જળ વારંવાર જોવા મળે છે. શિયાળાની રાત પસાર કરવામાં પંખીના શરીરને પોતાની જ પિચ્છસમૃદ્ધિ રજાઈ જેવી કામમાં આવે છે, પણ એના જીવાત્માને કામમાં આવે છે આશા. થોડી રાત્રીઓ તો સાવ અંધારઘેરી હોય. પંખી ન હલે કે ન ચલે. જે જ્યાં છે ત્યાં સ્તબ્ધ થઈ જાય.
જાણે કે ડૂબતા સૂરજે એમને 'ઈસ્ટોપ' ન કહ્યું હોય! મનુષ્ય કુદરતી અને કૃત્રિમ એવા બે પ્રકારના ઝાંઝવામાં ફસાયેલો દેખાય છે. સૌને પોતપોતાના ઝાંઝવાની જંઝાળ વળગેલી છે તે એમાં કોણ કોને બહાર લાવે! આ સંયોગોમાં એવું જો કોઈ મળી જાય કે જેને પોતાને કોઈ જાળ, ઝંઝા કે ઝાંઝવા વળગેલા ન હોય તો એ આપણને ઉગારી શકે. એવો કોઈ સત્પુરષ કે સન્નારી આ જગતમાં જડવાં સહેલાં નથી. જ્યાં સુધી ખરા માર્ગનું દર્શન કરાવનાર ન મળે ત્યાં સુધી કોઈ તરસ, કોઈ તૃપ્તિ સુધી પહોંચતી નથી અને એ જ આ સંસારની સૌથી મોટી વિષમતા છે.