FOLLOW US

તેમને કામ કરવું નથી છતાં કમાઈ લેવું છે,ે બોલો!

Updated: Sep 20th, 2022


- અલ્પવિરામ

- ભારતીય પ્રજાને છેલ્લા એક દાયકાથી મનોરંજનનો જે નશો ચડયો છે તે બેહોશી જેવો છે અને એમાં સમય ક્યાં જાય છે તે ખબર જ પડતી નથી

દેશમાં એક ચોક્કસ પ્રકારનો વર્ગ છે જેને કામ કરવું નથી અને છતાં એમને પૈસા તો જોઈએ છે. આમાંના ઘણા બધા લોકો અત્યારે ચાલુ નોકરીએ પણ કામ કરતા નથી અને કેટલાક એવા લોકો છે જે બેકાર છે અને નોકરીની ઝંખના રાખે છે, પણ કામ કરવાની એની ઈચ્છા ઝીરો ડિગ્રી ઉપર છે. દેશમાં આ એક નવો વર્ગ છે. જો આવા લોકોની સંખ્યા વધતી જશે તો ઈરાક, સીરિયા, ઇજિપ્ત અને તુર્કીની આજે જે હાલત થઈ એ હાલત થશે, કારણ કે કામ કરવાની ઈચ્છા જેની ન હોય એ લોકો પછી ધર્મના બહાને ફેક રાષ્ટ્રવાદ જેવા પ્રવાહોમાં તણાઈને દેશને આડે પાટે ચડાવવામાં પોતાનું યોગદાન આપે છે. દુર્ભાગ્યે ભારતમાં આ પ્રકારનો વર્ગ વધવા લાગ્યો છે, જે આંતરરાષ્ટ્રીય મંદીની આગાહી કરવામાં આવી છે તે આવતાં બે વર્ષમાં એના સર્વાધિક ખતરનાક પરિણામો બતાવ્યા વિના રહેશે નહીં અને દુનિયાના અનેક નાના ગરીબ રાષ્ટ્રો એમાં ભીંસાઈ જશે. ભારત પર બહુ જોખમ એટલા માટે નથી કે ભારત અત્યારે દુનિયાનો સૌથી મોટો અન્ન ઉત્પાદક દેશ છે. જેની પાસે દાણા-પાણી છે એને માટે આવતીકાલની કોઈ ચિંતા નથી, પરંતુ આજ સુધી અનાજ કરિયાણાના ભાવ જે કાબૂમાં રહ્યા છે તે ભવિષ્યમાં રહેશે નહીં.

વાર્ષિક કાચું સરવૈયું નજર સામે હોય એવા ગૃહસ્થો તરી જાય છે અને જેના હિસાબો અને વહીવટને ચકલા ચણી ગયા હોય એને આવતા વરસના દાણાપાણીના ઠામ ઠેકાણાં ન હોવાનો એમાં સંકેત છે. એક જમાનો હતો કે ગુજરાતીઓના હિસાબ અને કિતાબ પાકા હતા. દુનિયાનાં તમામ બંદરો પર ગુજરાતીઓના વાવટા ફરકતા હતા. એ જમાનાના લાખો રૂપિયાના દેશદેશાવરના કામકાજ ગુજરાતીઓની સાદી ચબરખી પર ચાલતા હતા. એક જમાનો હતો કે જ્યારે આપણા મલકના કોઈ પણ ગામના પાદરમાંથી નીકળો ત્યારે જેને જુઓ એના હાથ ચાલતા જ હોય. ફળિયામાં બેસીને કોઈ ભરતગુંથણ કરતા હોય તો કોઈ ઓંસરીની કોરે બેસી ચાકળા ને ચંદરવામાં આભલા ટાંકતું હોય.

ગામના પાદરે જાઓ તો રામજી મંદિરના ચોરે બેઠા-બેઠા વડીલો આવતી મોસમનાં બિયારણ તૈયાર કરતા હોય. કોઈ કપાસના કાલા ફોલતા હોય તો કોઈ માંડવીના મોતી જેવા લાલ ચટ્ટાક દાણા ફોલતા દેખાતા હોય. ચારેબાજુ કામગરા હાથ જોવા મળે. અને ત્યાંથી બહાર નીકળીને વગડે જાઓ તો ભરવાડના છોકરાઓ હાથમાં તકલી લઈને એય ને ઊનની આંટી ચડાવતા હોય. ભારતીય મલક એવો કામગરો મલક હતો કે આખા યુરોપ અને અમેરિકા પર ભારતીય ઉત્પાદનોનું સામ્રાજ્ય હતું. આર્યભટ્ટે જ્યારે ભારતમાં શૂન્યની શોધ કરી ત્યારે અમેરિકા અને યુરોપની પ્રજાને હજુ કપડાં પહેરતાં શીખવાનીય વાર હતી. એ લોકો જંગલમાં રખડતા હતા અને ભારત ભવિષ્યની પૃથ્વી માટેની વ્યવસ્થાઓ અને વિજ્ઞાાનમાં વ્યસ્ત હતું.

આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આપણી પાસે માત્ર ઈતિહાસની વાર્તાઓ છે અને ભવ્ય ભૂતકાળથી મનોમન સર્જેલી ઈમારતો છે. અમેરિકાના અને યુરોપના કોઇ પણ પ્રદેશમાં જાઓ તો એના લોકોની વાત કરવાની સચ્ચાઈ અને જીવન જીવવાની નિર્મળ સ્વચ્છ પદ્ધતિ જુઓ તો આશ્ચર્યથી ચકિત થઈ જવાય. તેઓના ઘરમાંથી એક વધારાની વસ્તુ ન મળે. જ્યારે આપણા ઘરમાં તો જોખવા બેસીએ તો બે-ચાર મણ વધારાનો ભંગાર નીકળે. આપણે શીખવા જેવું કંઈ શીખ્યા જ નથી કે શું? પાછલાં ૫૦ વર્ષમાં આપણે શું હાંસલ કર્યું છે? રાજકમલ ચોકના પાટિયે બેસીને તડાકા મારવામાં તો બહુ થોડા લોકો હોય છે, પરંતુ બાકીના જે છે એની જિંદગીમાં પણ વાતોના વડાનું પ્રમાણ નાનુંસૂનું નથી. જે ઊંચામાં ચાલતા હોય એને નીચામાં જોવાની ઈચ્છા એક પ્રકારની ઈર્ષ્યા છે જે વ્યાપક ભારતીય જનસમુદાયમાં જોવા મળે છે. માણસના હાથને અને પગને નોટબંધી કે જીએસટીએ ભાંગી નાંખ્યા નથી. જેને કામ કરવું જ છે એને કોઈ નડતું જ નથી ને જેને કામ જ કરવું નથી એને ગમે એટલા હાંકો તોય એ તો પાણીમાં પડયા રહેવાના છે.

એક સિદ્ધાંત એ છે કે બીજાઓનું સુખ જોઈને જેમના હૈયે ટાઢક ન થતી હોય તેઓ પોતે કદી સુખી થઈ શકતા નથી. જાતે સુખી થતાં પહેલા એ શીખવાનું કે બીજાઓના રાજીપામાં આપડો રાજીપો રાખવો. વ્યસન અને મનોરંજન ભારતીય પ્રજા જીવનની સૌથી મોટી મર્યાદા છે. આજે આપણે પંજાબ ડ્રગ્સના રવાડે ચડી ગયું છે એમ આપણે સાંભળીએ છીએ, પરંતુ સૌરાષ્ટ્ર પાનમસાલામાં કેટલું અટવાયેલું છે એ કોણ નથી જાણતું? તમાકુ સહિતના પાન મસાલાએ સૌરાષ્ટ્રની નવી અને મધ્યવયની પેઢીની હાલત આડે પાટે ચડાવેલી છે. હિમાલય ચડવો સહેલો છે, પણ વ્યસનમાંથી મુક્તિ અઘરી છે. દરેક વ્યસની આ હકીકત સ્વાનુભવે જાણે છે. પણ કહે કોને? અરધી જિંદગી તો એમ જતી રહેતી હોય અને કાળના પુરપાટ પ્રવાહમાં સમય ક્યાં વહી ગયો એની વ્યસનીઓને કદી ભાન રહેતી નથી. આમાં વ્યસનોના તમામ પ્રકારો આવી જાય છે. આ સંસારમાં ખરેખર વ્યસન રાખવું જ હોય તો હરિનામનું રાખવું જોઈએ. એવા લોકોનો પણ મોટો સમુદાય આપણા દેશમાં છે છે જેને હૈયે હરિનામની જ્યોત સદાય જગતી રહે છે.

હરિયાણામાં લોકો ખાટલે બેસી ને વાતો કરતા હોય છે. હરિયાણા અને સૌરાષ્ટ્ર આ બે પ્રદેશો એવા છે જ્યાં વાતવાતમાં બે-પાંચ ભેગા થઈ જાય અને ડાયરો જામી જાય. જિંદગીની એ પણ એક મજા છે, પરંતુ એની મર્યાદામાં મજા છે. આપણા દેશમાં તો ફુલ ટાઈમ વાતોના વડા કરનારા લોકોના ટોળા સમાજમાં વધી ગયા છે. શાળાઓમાં શિક્ષકો પણ લગભગ અડધો દિવસ તો રિસેસ જેવું જીવન પસાર કરે છે. આ તો સરકારના કાયદા થોડા કડક થયા, નહિતર તો વિદ્યાર્થીઓ માસ્તરના ઘર માટે શાકભાજી લાવી આપતા અને ગાંઠિયા પણ લઈ આવી દેતા હતા. પાંચ શિક્ષકો ભેગા મળીને ગાંઠિયા - જલેબી ખાય અને વિદ્યાર્થીઓ દૂરથી જોયા કરે. છેલ્લા ૪૦ વર્ષ સૌરાષ્ટ્રના શિક્ષકોએ વિદ્યાર્થીઓની સામે એકલા એકલા પોતાની ટોળકી બનાવીને ગાંઠિયા ખાતા રહેવાનું કામ કરેલું છે. શિક્ષણ પદ્ધતિ પર વિશ્વાસ મૂકીને સમાજ પોતાના સંતાનો શાળાના આંગણાને સોંપે છે. એ બાળકોની જે શિક્ષકોએ ઉપેક્ષા કરી છે તેમના ઘરે તેમના સંતાનોનો કોઈ ધડો હોતો નથી. અહીંના કર્મોનું ફળ અહીં જ મળી રહે છે.

અગાઉ માત્ર યુવાનોની ટીકા થતી હતી કે છોકરાઓ આવા છે અને છોકરાઓ તેવા છે. કોઈને ભણવું નથી, વગેરે વગેરે. પરંતુ હવે ધીરે ધીરે સમગ્ર ભારતીય સમાજ એક જ સરખી લાઈનમાં આવી ગયો છે. જે લોકો નોકરી કરે છે અને મધ્ય વયે પહોંચેલા છે તેઓ ઘરેથી નીકળે છે ત્યારે તો એમ લાગે છે કે સિકંદરની સેનામાં સેનાપતિ તરીકે કોઈક નવું યુદ્ધ જીતવા જઈ રહ્યા છે અને ઓફિસે જઈ અને જે પ્રકારે એ લોકો દિલદગડાઈ કરીને આળસ ચડાવે છે એ જોઈને તો કોઈ પણ ડઘાઇ જાય. ભારતીય પ્રજાને છેલ્લા એક દાયકાથી મનોરંજનનો જે નશો ચડયો છે તે બેહોશી જેવો છે અને એમાં સમય ક્યાં જાય છે તે ખબર જ પડતી નથી. તેમને એ પણ ભાન રહેતું નથી કે જિંદગી કઈ દિશામાં ગતિ કરી રહી છે. આપણે જે કંઈ કામકાજ કરીએ એનું નાણાંમાં રૂપાંતર ન થાય તો આવતીકાલ ઉપર અંધારપટ છવાઈ જાય છે.

વિપત્તિનાં વાદળો પરિવારને ઘેરી વળે છે. એક મોટો સમુદાય એવો છે જે કામ કરવાને બદલે મોબાઈલ ફોનની સ્ક્રીન સામે કલાકોના કલાકો ટગર ટગર તાકી રહે છે. તેઓને કામ કરવું નથી છતાં કમાઈ લેવું છે. આવી વિચારધારા ધરાવનારા લોકોનો વિનાશ નજીક હોય છે. જેમને કામ કરવું છે એને જોઈએ એટલાં કામ આ જગતમાં મળતા જ રહે છે. આળસુઓ પાસે નવરાશ હોય છે અને કામ કરનારા લોકોના બેન્ક એકાઉન્ટ છલકાયેલા હોય છે. એક દર્પણ છે. દરેક મોસમ પર્સનલ ફાઈનાન્સ સ્ટેટસ ચેક કરી લેવાની મોસમ હોય છે. આ મોસમ જો જળવાય તો બાકીની બધી મોસમ માણી શકાય છે. વાત સાવ સામાન્ય છે અને સહુ જાણે છે પણ એકડો મંડાય તો પછી ગણપતિના પગલે રિદ્ધિ અને સિદ્ધિના પગલાં પડે.

Gujarat
English
Magazines