- અલ્પવિરામ
- થોડાક શસ્ત્રો, થોડા ડોલર અને છટકી ગયેલો મિજાજ એકત્રિત થાય એટલે પીઠ પાછળ ઘા કરનારો આતંકવાદ જન્મે છે. આ આખી ચાલુ સદીમાં વિશ્વ સમુદાયે ખરાં યુદ્ધ ઓછાં અને આતંકવાદી હુમલાઓ વધુ જોવાના છે
રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલી દુનિયાની કોઈ બજારને હવે જંપવા દે એમ ન હતી ત્યાં વળી હમાસ અને ઇઝરાયેલનો નવો ભડકો થયો ને પછી ઈરાનની શેરીઓ આંતરિક ઘર્ષણમાં ઠેબે ચડી. પછી અમેરિકાનું વ્યાપક ટેરિફ તોફાન, બાળક રમકડાંની જિદ કરે એમ ગ્રીનલેન્ડને આંચકી લેવા માટેની ટ્રમ્પની બાલિશ ચેષ્ટાઓ, ખૌમેનીનો ખોફ અને અમેરિકા દ્વારા થતાં અપમાનો તરફ મોદીનું અકળ મૌન - આ ઘટનાક્રમ કંઈ અટકવાનો નથી. એ તો સમયની પોતાની રફતારનાં પગલાં છે. બીજી તરફ થોડાક શસ્ત્રો, થોડા ડોલર અને છટકી ગયેલો મિજાજ એકત્રિત થાય એટલે પીઠ પાછળ ઘા કરનારો આતંકવાદ જન્મે છે. આ આખી ચાલુ સદીમાં વિશ્વ સમુદાયે ખરા યુદ્ધ ઓછાં અને આતંકવાદી હુમલાઓ વધુ જોવાના છે. એનો અણસાર ગઈ સદી પૂરી થતી વેળાએ નાઈન ઈલેવનથી જ દેખાયો હતો. એટલે કે આ સૈકાભરમાં ઉથલપાથલ ચાલુ રહેવાની છે. ગયા સપ્તાહે શેરબજારમાં કડાકા બોલ્યા અને હવે ફરી શેરબજારમાં તેજીનો અણસાર છે. બજાર સુધારા તરફી વળાંક લેશે એમ માનવામાં આવે છે.
આ સુધારો જોકે પ્રાસંગિક હશે, પરંતુ દેશમાં આર્થિક હવામાન પર હજુ મંદી સવાર છે. આપણા દેશની મંદી દુનિયા કરતાં સાવ અનોખી હોય છે. આપણે અધધ વસ્તી ધરાવતી હયાતી છીએ એટલે દરેક વેપાર, ઉદ્યોગ અને સેવાઓમાં જરૂરિયાત પૂરતી ખપત તો રહેતી જ હોય છે, પરંતુ જે નફો ધંધાનો પોતાનો પણ વિકાસ કરી આપે એ પ્રોફિટ મંદીમાં દુર્લભ બની જાય છે. ભારતમાં છેલ્લાં પચીસ વરસનો આર્થિક ઈતિહાસ તપાસવામાં આવે તો સરેરાશ ગ્રાફ ચડતી કળાનો ચન્દ્ર બતાવે છે. ભારતનું રાજકીય હવામાન એટલું તકલાદી હોય છે કે પ્રજા માનસમાં નેતાઓ કહે એ ચિત્ર જ ઊભું થતું હોય છે.
ભારતીય કૃષિ ક્ષેત્ર હવે બદલાઈ રહ્યું છે. ભારતનો ખેડૂત પોતાનાં ઉત્પાદનો માટે પોતે જ વેપારી બનવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે કંપની ધારા પ્રમાણે જે ફાર્મર્સ પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન (કે કંપની )ની સ્થાપના માટેનું સ્ટ્રક્ચર જાહેર કર્યું છે એમાં ખેડૂતો પોતે પોતાના ખેતરની ઉત્પાદિત વસ્તુઓ સીધી વેચવાને બદલે મૂલ્ય વર્ધન કરીને વેચતા થયા છે. એટલે કે પોતે મકાઈ વાવે તો પછી પોપકોર્ન પણ પોતે જ બનાવીને વેચે, મકાઈનો લોટ પણ ખેડૂત જ વેચે. આ ખેત ઉત્પન્ન પેદાશોને મૂલ્યવર્ધિત સ્વરૂપે બજારમાં મૂકવાનું કામ એ ખેડૂતોની બનેલી એફપીઓ જ કરે છે. હજુ આ પ્રવાહ ધીમો છે પરંતુ એને મહાનદ થતાં વાર નહિ લાગે. એનડીએ સરકારે આ એફપીઓને સહકારી માળખામાં રાખવાને બદલે કંપની લૉ પ્રમાણેના માળખામાં રાખ્યા છે તે દેશના કિસાનો પર બહુ મોટો ઉપકાર છે, કારણ કે એનાથી દેશના કરોડો કિસાનોની જિંદગીમાં બહુ ઝડપથી કોર્પોરેટ કલ્ચર દાખલ થશે.
હાલ જે આંતરરાષ્ટ્રીય મંદી છે કે જેના સપાટાથી અમેરિકા અને યુરોપ પણ મુક્ત નથી, એની અસર દેશની તમામ બજારો પર ઓછીવત્તી છે. સામાન્ય નાગરિકો માટે પરિવારની કુલ આવકનું ગણિત બેસાડવું એ એક કોયડો છે. દેશમાં રોજગારી આપનારાં મુખ્ય બે સેક્ટરમાં પહેલા નંબરે ખેતીવાડી છે અને બીજા નંબરે બાંધકામ છે. બંનેમાં અત્યારે ઠંડક છે. એનું આખું કારણ પાછલો કોરોનાકાળ નથી. બાંધકામ સામગ્રીના કાચા માલ અને અને બાંધકામ ક્ષેત્રના વિવિધ નિર્માણને વેચવામાં જીએસટીનો ગંભીર પ્રભાવ પડયો છે, જેમાં સરકારે થોડીક ભૂલો સુધારી છે, પરંતુ હજુ તે અપૂરતા છે. એકાએક જ ચીને કાચામાલ તરીકેની વિવિધ સામગ્રીમાં ત્રીસ ટકા જેટલો અસહ્ય ભાવવધારો ફટકાર્યો છે.
દેશનાં શહેરોમાં અર્બન ડેવલપમેન્ટ સત્તા મંડળ દ્વારા રિંગ રોડને કાંઠે કાંઠે આગળ વધતા શહેરીકરણમાં અનેક નિવાસી વસાહતો તૈયાર થઈ છે, તેમાં બંગલાઓ છે અને ફ્લેટ પણ છે. પરંતુ સરકારી કાયદાઓના ભયથી હવે રોકાણકારો રિયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી ખસી રહ્યા છે. ખરા એટલે કે વપરાશ કરનારા ગ્રાહકો નાણાં ભીડમાં છે. રોકાણકારોના ગમનને કારણે મૂડીનો એક મોટો પ્રવાહ જે બાંધકામ ક્ષેત્રે આવતો હતો અને કામમાં પણ આવતો હતો, એ અટકી ગયો છે. દસ વરસ જુનાં મકાનોના ભાવ સતત નવા નીચા પગથિયે ઊભાં રહે છે. દેશના ટોચનાં ૩૦ શહેરોનાં નવાં સર્વેક્ષણ બતાવે છે કે કુલ તેર લાખ મકાનો એ શહેરોમાં તૈયાર થઈને ખરીદનારાઓની રાહ જોઈને ઊભાં છે. ઉપરાંત બીજા લાખો મકાનો અધૂરાં છે અને એના બાંધકામો પૂરા થવાની તૈયારીમાં છે. પછી એમણે પણ પુરોગામી ભવનોની જેમ રાહ જ જોવાની છે.
દેશના સામાન્ય નાગરિકોની બચતનું સ્તર છેલ્લાં ૨૦ વર્ષમાં સૌથી ઓછું છે. નાગરિકોની જૂની બચતો ઘસાઈ ગઈ છે અને હવે નવી બચતોનું સર્જન કરવું આસાન નથી. આ વાત દેશના નાણાંમંત્રી પણ કહી ચૂક્યા છે. દેશના મધ્યમવર્ગના ૮૦ ટકા પરિવાર એવા છે કે એમને માટે નવી બચત હવે એક કલ્પનાનો વિષય છે. જ્યારે દેશના સામાન્ય નાગરિકોની બચત ક્ષમતા ઘટે ત્યારે સંપત્તિઓના વેચાણમાં મંદીનો માહોલ શરૂ થાય છે, કારણ કે સંપત્તિની કિંમતના ૨૦ ટકા બચત હોય તો નાગરિક એ પ્રાથમિક મૂડીને આધારે બાકીની ૮૦ ટકા રકમની લોન લઈને પોતાનાં સપનાઓને સાકાર કરે છે. સ્થાવર મિલકતોમાં તો એક નિયમ જ છે કે થેલીમાં પૈસા ભરીને તો કોઈ ખરીદી કરવા જતું નથી. મોટા ભાગના ગ્રાહકોએ સંપત્તિ ખરીદતી વખતે પોતાનું ફાઇનાન્સ પોતે જ મેનેજ કરવાનું હોય છે. એ હવે એનાથી થઈ શકે એમ નથી.
સરકારી નીતિઓ વાણિજ્ય - વ્યવહારમાં નાસમજ દિશા તરફ ગતિ કરે છે. ઉદાહરણ તરીકે દેશમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં મંદીની ભારે પછડાટનો અનુભવ હજુય ચાલુ છે. છતાં અત્યારે જ કેન્દ્ર સરકારે ઓટો સ્પેરપાર્ટસની આયાત પર ભારેખમ કસ્ટમ ડયુટી ફટકારી છે. પેટ્રોલ અને ડિઝલ પર સેસમાં વધારો થયો છે. જુની ગાડીઓને નોનયુઝમાં રૂપાંતરિત કરવા માટેના નિયમો હાસ્યાસ્પદ તો હતા જ એને અકારણ વધુ આકરા બનાવ્યા છે. વાહનોના રજિસ્ટ્રેશનની ફી પુન: વધારવાની દરખાસ્ત તૈયાર છે. એવાં ઈલેક્ટ્રિક વાહનોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે જે હજુ બનવાનાં જ બાકી છે. એનાં સાધનો અને બેટરી ચીનથી જ આયાત થવાના છે. હવે ગુજરાતના રસ્તાઓ પર ગ્રીન કાર એટલે કે ઇલેક્ટ્રિક કાર જોવા મળે છે. અંતરિયાળ ગ્રામવિસ્તારોમાં પણ ગ્રીન કાર આવતી-જતી દેખાય છે. હીરાવાળાઓએ લીલા નંબરની મોટરકારોના લીલા લહેર અપનાવી લીધા છે.
આમાં આશાઓનું અમર રહેવાનું સ્થાયી કઈ રીતે હોઈ શકે? વિવિધ બચત યોજનાઓ પર વ્યાજદર ઘટાડો બિલ્લીપગે આગળ ધપે છે અને સરકારની દાનત ઘટેલા દરોને હજુ પણ ઘટાડવાની છે. સરકારના મનમાં એક ભ્રમ છે કે બચતોને નિરુત્સાહી કરવાથી એ રૂપિયો બજારમાં ઠલવાશે ને નાણાંની પ્રવાહિતા વધશે. અર્થશાસ્ત્રના નિયમોથી વિરુદ્ધની માન્યતામાં સરકાર રાચે છે. તો પણ હવે બજાર સુધરશે કારણ કે કેન્દ્ર સરકારે અને રિઝર્વ બેન્કે વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવાની શરૂઆત કરી છે.


