Get The App

પ્રાકૃતિક સ્વર્ગ સરીખા કેરળમાં નિપા વાયરસનું સંકટ

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
પ્રાકૃતિક સ્વર્ગ સરીખા કેરળમાં નિપા વાયરસનું સંકટ 1 - image

- અલ્પવિરામ

- ટેરિફ પ્રકરણના નવા કરેક્શનને કારણે દલાલ સ્ટ્રીટમાં એક પ્રકારની અફડાતફડી મચી ગઈ છે

કુઆલાલમ્પુરથી દક્ષિણ દિશામાં આગળ પ્રવાસ કરો એટલે દોઢેક કલાકમાં કામ્પુંગ સુન્ગઈ નિપાહ આવે. મલેશિયાનો આ એક દરિયા કિનારાની નજીકનો પ્રદેશ છે. આ નિપાહ પરથી જ નિપા વાયરસનું નામકરણ થયેલું છે. આ વિસ્તારમાં પાછલા અનેક દાયકાઓથી ડુક્કરના ફાર્મ હાઉસ આવેલા છે. તેના માલિકો ડુક્કરોને એવી દવાઓ આપે છે જેનાથી તેમની પ્રજોત્પત્તિ વધે. સિંગાપોરની પ્રજા વરસોથી નિપાહથી આયાત થતા ડુક્કરોનો માંસાહાર કરે છે. ઉપરાંત દુનિયામાં એક બહુ મોટો વર્ગ છે જે આ નિમ્ન સ્તરના માંસાહાર પર પોતાનું જીવન નિભાવે છે. અહીંના ફાર્મ હાઉસના માલિકોની ડુક્કરોની વસ્તી વધારવાની ભૂખમાંથી ડુક્કરોના વિરાટ વંશવેલાની સાથે આ નિપા વાયરસનો પણ જન્મ થયેલો છે. માણસ જાતે પશુઓમાં પણ પ્રકૃતિના નિયમો વિરુદ્ધ થવા દેવા ચાહેલી પ્રજોપત્તિની ભૂખનું જ બીજું નામ છે - નિપા વાયરસ.

હવે આ વાયરસ વિશ્વ પ્રવાસે નીકળ્યો છે અને આજકાલ તેનો મુકામ કેરળમાં છે. આ વાયરસને કારણે મલેશિયા ઈ.સ. ૧૯૯૮થી વૈશ્ચિક પ્રવાસન નકશામાં ઝાંખુ પડી ગયું છે અને યુરોપ તથા અમેરિકાની પ્રજાએ તો એના પર ચોકડી મૂકી દીધી છે. જે રીતે જેને ખબર પડી છે એવા પ્રવાસીઓ કેરળમાંથી નાસી છૂટીને વતન પાછા જઈ રહ્યા છે એવી નાસભાગ અગાઉ કુઆલાલમ્પુરમાં તો અનેકવાર જોવા મળી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના સૌથી મોટા ડુક્કર ઉત્પાદક થવાની રેસમાં નિપાહ પ્રદેશના વેપારીઓએ સમગ્ર મલેશિયાના આરોગ્યની ધૂળધાણી કરી નાંખી છે. આ વેપારીઓ મૂળભૂત રીતે ચીનાઓ છે જે બહુ જૂના જમાનાથી અહીં નિપાહ વિસ્તારમાં આવીને વસી ગયેલા છે.

ચીને જે રીતે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોમાં ક્રાન્તિ કરી તેવી જ ક્રાન્તિ અહીંના ચીનાઓ ડુક્કરની વસ્તીવૃદ્ધિમાં કરવા જતા વિકરાળ રોગનો જન્મ થયો છે. સજીવ અને પદાર્થ વચ્ચેના ભેદમાં દરેક મોરચે ચીનને ઓછી ભાન પડે છે. ગઈ સદીના અંતમાં જ્યારે નિપા વાયરસે નિપાહ વિસ્તારમાં પોત પ્રકાશ્યું ત્યારે પ્રથમ તબક્કે તો મલેશિયન સરકાર કંઈ સમજે એ પહેલાં જ સો-સવાસો નાગરિકોએ જિંદગી ગુમાવી. લોકો નાસવા લાગ્યા. ૩૬,૦૦૦ નોકરિયાતોએ નોકરી છોડીને જિંદગી ભણી દોટ મૂકી.

મલેશિયાના ડુક્કરનું માંસ આયાત કરવા પર દુનિયાના મહત્ દેશોઅત્પ્રતિબંધ મૂકી દીધો છે. ઠાવકા થઈને મલેશિયન સરકાર વારંવાર એવું કહે છે કે અમે તો ડુક્કરનું માંસ હવે આયાત કરીએ છીએ, નિકાસ કરતા નથી. પરંતુ સમુદ્ર માર્ગે નિપા વાયરસની દહેશત કે સંભવ ધરાવતા કન્ટેનરો હજુ પણ મલેશિયાથી છૂપી રીતે નિકાસ થતા રહ્યા છે. જાપાનીઝ  એન્સેફ્લાઈટિસનું આક્રમણ અરધા ઉપરાંતના ભારત પર છે અને એ જ પરિવારના વાયરસ નિપાનું પણ હવે આક્રમણ શરૂ થયું છે.

કેરળ ઘટાદાર જંગલોનો પ્રદેશ છે અને આ મોસમમાં તથા વર્ષાના પ્રારંભિક સપ્તાહોમાં ત્યાં પ્રકૃતિની રમણીયતા સહસ્ત્રદલ કમલ જેમ પ્રફુલ્લિત જોવા મળે છે. નિપા વાયરસથી થયેલી જાનહાનિના વૃત્તાંતો વાયરસથી ય અધિક ઝડપે પ્રસરી જતા પ્રવાસીઓ હવે આખું કેરળ ખાલી કરી રહ્યા છે. કેરળના જંગલોમાં રાત પડે એટલે એક નવી જ સૃષ્ટિ આકાર લે છે. એમાં રાત્રિસખા એવા ચામાચીડિયાઓની ચોતરફ ઉડાઉડ હોય છે. નિપા વાયરસ તો કોઈ પણ પંખીને કે પશુને વાહક બનાવીને આગળ વધે છે પરંતુ કેરળમાં ચામાચીડિયાઓ અત્યારે ચોતરફ નિપા ફેલાવી રહ્યા છે. કોઝીકોડ કે જ્યાં એક સાથે આ વાયરસથી અગિયાર દર્દીઓના મૃત્યુ થયા તે વિસ્તારમાં તો ચામાચીડિયાઓનું રાતભરનું વ્યાપક સામ્રાજ્ય છે. આ ચામાચીડિયાઓ વિવિધ પ્રકારના ફળ ચાખે છે. તેઓ એક રાતમાં સેંકડો ફળ ચાખે છે. એ બધા જ ફળ પછી જેઓ આરોગે છે તેઓ નિપાનો આસાન શિકાર બની જાય છે.

ઉપરાંત કોઈપણ રીતે રોગીના વ્યક્તિગત સંપર્કથી પણ નિપા ફેલાય છે. આ એક અત્યંત ચેપી વાયરસ છે. કેરળની સરકારી હોસ્પિટલોમાં આ વાયરસનો ભોગ બનેલા દર્દીઓની સંખ્યા જાહેર થઈ તેનાથી વધુ છે. ત્યાંની સરકારી હોસ્પિટલના નર્સ અને ડોક્ટરો પોતાની જિંદગીની પરવા કર્યા વિના આપદધર્મમાં જોડાયેલા છે અને બે બાળકોની માતા એવી એક નર્સના મૃત્યુની સહેજ પૂર્વના એના  મેસેજે આખા કેરળને હિબકે ચડાવેલું છે. કેરળમાં એકાએક દર્દનાક દાસ્તાનોનો સિલસિલો શરૂ થયો છે.કેરળ હવે તો દુનિયાભરમાં વસતા ભારતીયોમાં મેડિકલ ટુરિઝમથી જાણીતું છે. આયુર્વેદની પદ્ધતિસરની સારવારમાં એનો જોટો જડે એમ નથી. 

શેર બજારમાં ફરી ધોવાણ ભારતીય શેર બજારમાં ટેરિફ જેવા વૈશ્ચિક આંચકાઓ અને ભારતીય ઘટનાક્રમોના પ્રત્યાઘાત પડતા રહે છે તેમાં ક્યારેક સેબી પોતે પણ નવા નિયમોના ચાબુક ફટકારીને દોડતા ઘોડાને વધુ દોડાવવાને બદલે લગામ ખેંચી લે છે. સેબી રોકાણકારોને ભાગ્યે જ અંદાજ હોવાથી બજાર કડડભુસ થઈ જાય છે. ગયા સપ્તાહમાં સેબીએ મ્યુચ્યુઅલ ફંડોના પુનઃ વર્ગીકરણના જે નિયમના અમલની તાકીદ કરી એનાથી સંખ્યાબંધ પોર્ટફોલિયો મેનેજર્સ અને એની કંપનીઓમાં ગભરાટ ફેલાઈ ગયો. દેશના આર્થિક દ્રષ્ટિએ વિકટકાળ કહેવાય તેવા સમયમાં એક સાથે ૫૦૦-૭૦૦ શેરના ભાવ ઝડપથી ગગડતા રોકાણકારોના કરોડો રૂપિયાનું અકારણ જ ધોવાણ થયું.

ગયા વરસે વારંવાર થયેલા પતન વખતે સ્મોલ અને મિડ-કેપ શેરોમાં થયેલા એકાએક ધોવાણનો કોઈ પૂર્વ અણસાર ખેરખાઁઓને આવી શક્યો ન હતો. હવે ટેરિફ પ્રકરણના નવા કરેક્શનને કારણે દલાલ સ્ટ્રીટમાં એક પ્રકારની અફડાતફડી મચી ગઈ છે. રોકાણકારો પાસેથી હપ્તાવાર (એસઆઈપી) નાણાં લઈને જંગી ભંડોળ એકત્રિત કરી એને બજારમાં રોકનારા અને મધ્યમ ગાળામાં ઊંચો નફો લેવાનો ખ્યાલ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડો પણ બજારને ઓળખવામાં આ વખતે ગોથું ખાઈ ગયા છે.

નાણાં સચિવ અને વડાપ્રધાન કાર્યાલય વચ્ચે અત્યારે વ્યક્તિગત આવકવેરાના ધોરણોમાં સુધારણા કરવાની ફાઈલો ફરી રહી છે અને બિહારની ચૂંટણી પહેલા એમાં સ્લેબ વધારાની - એટલે કે કર ઘટાડાની સંભાવના છે. ઉપરાંત દિવાળી પહેલા કેન્દ્ર સરકાર જીએસટીમાં ધરખમ રાહત આપી શકે છે એવો મિસ્ટર મોદીએ ઈશારો કરેલો છે. ગત  સપ્તાહાંતે કેટલાક શેરોમાં તો ચાલુ વર્ષની ટોચની સપાટીની તુલનાએ ૯૪ ટકા સુધી ભાવ નીચે જતા રહ્યા છે. સ્મોલ અને મિડ-કેપ શેરોમાં આવનારા દિવસોમાં હજુ વધુ આંચકાઓ આવવાની શક્યતા છે કારણ કે સેબી સતત રોકાણકારોના હિતના બહાને મ્યુચ્યુઅલ ફંડોની રોકાણ પ્રણાલિકા પર કાતિલ નજર રાખે છે.

આ ફંડ મેનેજરો ઈન્ડેક્સની એવરેજથી પણ વધુ નફો રળી લેવાની કાબેલિયત ધરાવતા હોય છે. રોકાણકારોનો એક મોટો વર્ગ હવે પોતાનો પોર્ટફોલિયો બીજાઓને સોંપે છે. બીજાઓ એટલે કે પોર્ટફોલિયો મેનેજરો પાસે પાંચ-દસ લાખની એવરેજના જથ્થાબંધ એકાઉન્ટ હોય છે. મુંબઈના મેનેજરો પાસે કરોડ-કરોડના પણ સંખ્યાબંધ એકાઉન્ટ હોય છે અને તે હવે સાવ સામાન્ય ક્રમ છે.

આવા મેનેજરો પોતાને ત્યાં ટેકનિકલ એનાલિસ્ટો, ચાર્ટિસ્ટો અને ફન્ડામેન્ટલ અભ્યાસ કરનારા વિશ્લેષકોને બહુ ઊંચા પગારે નોકરીમાં રાખતા હોય છે. સ્મોલ અને મિડ-કેપ  શેરોએ આ વખતે શિખરથી તળેટી સુધીની જે પછડાટ ખાધી તેમાં પેલા નિષ્ણાતો પણ સ્તબ્ધ થઈ ગયા છે. તમામ મ્યુચ્યુઅલ ફંડો બજારમાં રોકાણોમાં ગયા સપ્તાહે સખત ધોવાયા છે. સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ રહ્યા હોવા છતાં થયેલું આ નુકસાન દલાલ સ્ટ્રીટના ઈતિહાસમાં એક લાજવાબ  ઘટના છે.