Get The App

ખોરાકની હલકી ગુણવત્તા જિંદગી પરનું ભયાનક જોખમ

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ખોરાકની હલકી ગુણવત્તા જિંદગી પરનું ભયાનક જોખમ 1 - image


- અલ્પવિરામ

- પ્રાકૃતિક આહાર વિના દેશનું આરોગ્ય પાટે ચડે એમ નથી. ગુજરાતીઓની તો સાવ અલગ જ દુનિયા છે. વેપારી અને વહાણવટાની પ્રજા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂકેલી પ્રજાએ તેના ખુદના આરોગ્યની ચિંતા કરવાનો વખત હવે આવી ચૂક્યો છે.

શરદ ઋતુની શરૂઆત થઈ ગઈ છે. છતાં ક્યાંક ક્યાંક હળવો અને ક્વચિત ભારે વરસાદ પડી રહ્યો છે. રામ ચરિત માનસમાં રામ કહે છે કે કહીં કહીં બૃષ્ટિ સારદી થોરી, કોઉ એક પાઉ ભગતિ જિમિ મોરી..! હે લક્ષ્મણ, શરદ તુમાં તો બહુ થોડો અને ક્યાંક જ વરસાદ હોય છે જે રીતે કોઈ કોઈ લોકને જ મારા તરફ ભક્તિ હોય છે. આ વરસે મોસમના પલટાઓએ જન આરોગ્યને ઠેબે ચડાવ્યું છે અને કિસાનોની મુંઝવણ વધારી છે. શરદ ઋતુમાં આકાશ ખુલ્લું થાય છે અને નદીઓના ડહોળાયેલા વરસાદી જળ નિર્મળ બને છે. નદીઓ કાચ જેવી આરપાર લાગે છે. એ શરદઋતુના પવનની કમાલ છે, પરંતુ એ જ પવન આરોગ્ય માટે ઘાતક છે.

જિંદગીનું નામ જ સમસ્યાઓ છે, જે વિઘ્ન નથી પણ તે માનવ જીવનને અનુભવ સમૃદ્ધ બનાવે છે. પૈસો કેમ પેદા કરવો એ વિશ્વનો સૌથી પ્રિય ઉદ્યમ છે, તેમાંય ગુજરાતી તરીકે જન્મ લેવાની સાથે જ નાણાં તરફનું આકર્ષણ સાહજિક છે. જોકે માત્ર સંપત્તિ સર્જનની વ્યસ્તતામાં સ્વાસ્થ્યની સંપત્તિને વેડફી નાખવાની ભૂલ મોટા ભાગના કરી બેસતા હોય છે. એટલે કે સ્વાસ્થ્યનો ખર્ચ કરીને પહેલાં પૈસા મેળવવા અને પછી પૈસાનો ખર્ચ કરીને સ્વાસ્થ્ય શોધવા નીકળવું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત માટેનો સૌથી મોટો ખતરો અનારોગ્ય છે એમ જાહેર કર્યું છે. આખા દેશના સર્વેક્ષણ પર નજર નાખવાને બદલે આસપાસમાં જ નજર કરો તો દસમાંથી સાત હિન્દુસ્તાનીઓ ખોરાકી કુટેવના ભોગ બનેલા હોય છે. આ કુટેવનો અર્થ એ છે કે જાણ્યે કે અજાણ્યે તેમના ભોજનથાળમાં ત્યાગ કરવાપાત્ર સામગ્રી પીરસાતી રહેતી હોય છે.

આરોગ્ય સંબંધિત સલાહ આપો તો કોઈને ગમતી નથી. ભારતીય પ્રજા જે એક સમયે ખડતલ ગણાતી હતી તે હવે વિવિધ રોગથી ઘેરાવા લાગી છે. દેશના વીસ ટકા યુવાનોમાં કોઈ જ કારણ વિના માથાનો દુખાવો રહે છે. બહુ નાની ઉંમરે લેવામાં આવતી દવાઓ શરીરની આંતરિક સંરચનાને ગંભીર નુકસાન પહોંચાડે છે. નવી પેઢીના કોર્પોરેટ અધિકારીઓ પણ આરામ-વિરામની પોતાની અયોગ્ય ટેવોને કારણે શરીર પર જુલમ ગુજારે છે. વિકસિત રાષ્ટ્રોમાં પણ કોર્પોરેટ કલ્ચર છે જ. એમના સ્ટાફમાં ઉચ્ચ કક્ષાની આરોગ્ય સભાનતા હોય છે. અમેરિકા અને યુરોપિયન દેશોના નાગરિકોની ફૂડ હેબિટ ઠીક ઠીક વૈજ્ઞાાનિક અભિગમ ધરાવનારી હોય છે. આપણે ત્યાં આવતા વિદેશીઓ ભારતીય પ્રજાની આડેધડ આરોગવાની પદ્ધતિ જોઈને રીતસર ડઘાઈ જાય છે.

દરેક સમસ્યાનો ઉકેલ નાણાંમાં રહેલો છે, તેવી દ્રઢ માન્યતા વર્ષોથી ઘર કરી ગઈ છે. તે સંદતર ખોટી પણ નથી છતાં માત્ર તેને જ એકમાત્ર લક્ષ્ય બનાવવામાં લાખ્ખો ખર્ચતા ન મળે તેવું સ્વાસ્થ્ય ગુમાવી દેવાનો વારો આવે છે. પળેપળે મહેનત કરીને કરેલી કમાણી હોસ્પિટલોના બિલોમાં વહી જતી જોવા કરતાં તો સ્વાસ્થ્યની જાળવણીમાં વિશેષ ધ્યાન આપવું એટલા માટે જરુરી છે કે વખત આવ્યે ઓછી તો ઓછી પણ કમાણીની મજા માણી શકાય. ઓછું કમાઈને ભરપુર સુખ માણનારા લોકો પણ છે. ભારત થોડું ઘણું બચી ગયું છે એનું કારણ વિરાટ ગ્રામજીવન છે. ગામડાંઓમાં પરંપરા પ્રમાણેના આહાર-વિહાર જ્યાં યથાતથ ચાલે છે ત્યાં હજુ સ્વસ્થતા અને દીર્ઘ આયુષ્યના દ્રષ્ટાન્તો જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા સર્વેક્ષણ બતાવે છે કે ભારતના ભણેલા ગણેલા લોકોમાંથી માત્ર આઠ ટકા નાગરિકોનો ડાયેટ ચાર્ટ જ પરફેક્ટ છે.

વ્યાયામને વિસારે પાડી દઈને માત્ર ધનપ્રાપ્તિના માર્ગે આગળ વધવું એ પોતાના જ હાથે પગ પર કુહાડો મારવા જેટલું છે. થાળીમાં પિરસાયેલા દાળ-ભાત અને શાક-રોટલીને જોવાને બદલે માત્ર ગુલાબજાંબુ મેળવવા માટે મથતા અનેક લોકો એવા છે કે, જ્યારે તેમની થાળીમાં ગુલાબજાંબુ પિરસાય છે, ત્યારે તબીબો તેમને તે ન ખાવાની સલાહ આપી ચૂક્યા હોય છે. આવી સ્થિતિમાં ન સપડાવું એ જ બુદ્ધિશાળી માણસનું લક્ષણ છે અને એટલે જ તળપદી ભાષામાં લખાઈ ચૂક્યું છે કે, પહેલું સુખ તે જાતે નર્યા. પણ એ વાતો બહુ પ્રાચીન થઈ ગઈ છે. હવે જે નવા ખતરા તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટકોર કરી છે તે કૃષિ ઉત્પાદનોની હલકી ગુણવત્તા છે. રાસાયણિક ખાતરોને કારણે ફળફળાદિ, શાકભાજી, કઠોળ અને અનાજની ગુણવત્તાનું ઘોર પતન થયેલું છે. તંદુરસ્તીની માસ્ટર કી ભારતે રાસાયણિક ખાતરોની બહુલતાને કારણે ગુમાવી દીધી છે. આ વરસ ભારત સરકારે મિલેટ વરસ તરીકે ઉજવવાનો સંકલ્પ કરેલો છે જે આમ તો યુનેસ્કોની જાહેરાત છે.

પ્રાકૃતિક આહાર વિના દેશનું આરોગ્ય પાટે ચડે એમ નથી. ગુજરાતીઓની તો સાવ અલગ જ દુનિયા છે. વેપારી અને વહાણવટાની પ્રજા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી ચૂકેલી પ્રજાએ તેના ખુદના આરોગ્યની ચિંતા કરવાનો વખત હવે આવી ચૂક્યો છે. આ માટે સ્વાસ્થ્ય તરફની સભાનતા યુવાનીમાંથી જ કેળવવાની જરુર છે. આયુર્વેદ એ હકીકતમાં તો એક જીવનશૈલી છે, જેની આંગળી પકડીને ચાલનાર ખૂબ જ સ્વસ્થતાથી જિંદગી અને પ્રકૃતિના આનંદને માણી શકે છે. તે કોઈ પરિસ્થિતિનો કે પછી એલોપથીનો આશ્રિત બનતો નથી. આપણી મૂળભૂત જે થાળી છે એમાં અજબ પ્રકારે આરોગ્યદાયી મેજિક મિક્સ પ્રણાલિકા છે, પરંતુ એમાં ફાસ્ટફૂડના હુમલાએ આખી ડાઇનિંગ ડિઝાઈન બદલાવી નાખી છે.

હવે તો ગુજરાતીઓના લગ્નસમારંભો વખતે યોજાતા ભાજનમેળામાં પણ ઉપાડ તો ફાસ્ટફૂડની આઈટમોનો જ થાય છે. ઘરમાં એક અભરાઈ ભરાઈ જાય એટલા તૈયાર ખોરાક રસોડામાં ઠાલવેલા છે. ગમે ત્યારે સાંજના ભોજનને અદ્ધર કરી દેવું એટલે કે વારંવાર સાંઝાચૂલ્હાને ઠરેલા ને ઠરેલા જ રાખવા એ ગુજરાતીઓની હવે તો ત્રણચાર દાયકા પુરાણી ઓળખ છે. સાંજે ઘરે જ ઘરનું વાળુ કરવું પડે એ બહુ સુખી પરિવાર મનાતા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે સવાર સાંજ નિત્ય સ્વગૃહે જેઓ ભોજન લઈ શકે છે એ જ ખરો સુખી પરિવાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બીજી એક બાબત પર ધ્યાન દોર્યું છે કે આજકાલ ભારતીય બાળકો આહારમાં જે દૂધ પીવે છે તેનું નવેસરથી વૈજ્ઞાાનિક પરીક્ષણ અને મૂલ્યાંકન કરાવવું જરૂરી છે. એ કામ સંશોધકો કરે અથવા તો સરકાર કરે, કારણ કે ભારતમાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે એનાથી અનેકગણું વેચાય છે.

ગુજરાતમાં હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમની પાસે પોતાના ફાર્મ હાઉસ કે ફેક્ટરીની પાછળ થોડી ફળિયા જેવી જગ્યા છે તેઓ જાતે ગીર અથવા અન્ય દેશી ગાયો પાળવા લાગ્યા છે. ગુજરાતની મહારાષ્ટ્ર તરફની સરહદે જુઓ તો દેશી ગાય દક્ષિણ ભારત જવા લાગી છે. ટ્રકબંધ દેશી ગાયો દક્ષિણ ભારત જઈ રહી છે. રાજ્ય સરકારે એના પર કહેવા ખાતરનો પ્રતિબંધ મૂક્યો છે પણ એની અમલવારીનો ધડો નથી. ગુજરાતી પ્રજા અત્યારે દૂધ પીવે છે, પણ એ દૂધ પર તેનો પહેલા જેવો વિશ્વાસ નથી. કેટલાક અભ્યાસીઓએ એના વિકલ્પો શોધી લીધા છે જેમ કે બદામનું દૂધ અને કાજુનું દૂધ, પરંતુ એની પડતર કિંમત બહુ ઊંચી આવતી હોવાથી વ્યાવહારિક નથી. ગુજરાતમાં સમગ્ર પરિવારમાં એક વ્યક્તિ તો ખાંસી કે શરદીનો ભોગ બનેલી હોય છે. આ દુષ્ચક્ર ચાલતું જ રહે છે અને એક પછી એક બધા જ સપાટામાં આવતા રહે છે. આ હજુ ચાલશે, કારણ કે ગુજરાતીઓ શરદી કે ખાંસીને સર્વરોગના મૂળ તરીકે હજુ ઓળખતા નથી.

Alpviram

Google NewsGoogle News