Get The App

બચતો ખાલસા થઈ ગઈ, EMI માટે કંઈ વધતું નથી

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
બચતો ખાલસા થઈ ગઈ, EMI માટે કંઈ વધતું નથી 1 - image

- અલ્પવિરામ

- પરિવારોએ ઘરમાં આવતા પગારની રકમ વધવાની નથી ત્યારે પગારની સંખ્યા વધારવી પડશે. એક પગારે આખા કુટુંબો તરી ગયા એ જમાનો તો ગયો. હવે એક પગારે ડૂબી જવાનું જોખમ છે

દેશમાં મંદી પુરબહારમાં ખિલી છે. વેકેશન અને રજાઓની થોડી ઘરાકી દેખાય છે. આ ઘરાકીમાં પણ લોકો જે ખરીદી કરે છે તેમાં જિંદગીની અનિવાર્યતાનો પ્રભાવ અધિક છે. ફિલ્મની સફળતાનો એક સિદ્ધાન્ત છે કે જ્યાં સુધી રિપીટ ઓડિયન્સ ન મળે ત્યાં સુધી ટિકિટબારી ટંકશાળ બનતી નથી. એ જ રીતે બજારમાં જ્યાં સુધી શોખની અને વધારાની વસ્તુઓની ખરીદી જોર ન પકડે ત્યાં સુધી તેજીનો તોખાર દેખાતો નથી. આજકાલ જે વિરાટ મોલ છે એમાં પણ લોકો હવે માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જ લેવાના હિમાયતી થઈ ગયા છે. ખરેખર મોલનો માર્કેટિંગ હેતુ ગ્રાહકની ખરીદશક્તિને ઊંચે લઈ જવાનો છે. એણે ઘરેથી નક્કી કર્યું હોય એનાથી વધારાની જે વસ્તુઓ એ ઘરે લઈ જાય એટલી મોલમેજિકની સફળતા છે. કારણ કે તમારે શું જોઈએ છે એ નક્કી કરવા માટે દરેક મોલ અનેક વિકલ્પોનું પ્રદર્શન કરે છે અને ગ્રાહક એમાં આકર્ષાઈ જાય છે અથવા તો ફસાઈ જાય છે. ફસાઈ જાય છે એમ કહેવું પણ ઉચિત નથી કારણ કે આખરે નિર્ણય તો ગ્રાહક જ લે છે. આજકાલ તો કરિયાણાની દુકાનની તુલનામાં મોલ જે વધારાનું કન્સેશન આપે છે એના પર જ એની જીવાદોરી ચાલે છે.

નાગરિકો મોજશોખના બજેટ ઘટાડે એ મંદીના આગમનનો પ્રથમ અણસાર છે. આ જે મંદીનો પ્રભાવ છે એને ઘટાડવા માટે અને તેજીને પુનઃ સન્ક્રાન્ત કરવા માટે કેન્દ્ર સરકારે જે પગલા લેવા જોઈએ તે લેવા જ પડે એટલું એનડીએ સરકારને ગળે ઉતારવામાં નિર્મલા સીતારામન સફળ નીવડયા છે. 

એક ફેમિલી ફાઈનાન્સ જેવો પણ વિષય છે. સરકાર જેની ઘોર ઉપેક્ષા કરે છે. અત્યારની મંદી ખરેખર તો એનડીએ સરકારના શાસન દરમિયાનના ઉટપટાંગ નિર્ણયોને કારણે જ આવી છે. એમાં એકલા અખાતી યુદ્ધનો વાંક નથી. કારણ કે કેન્દ્રના નાણાં મંત્રાલયે દેશની પરંપરાથી ચાલી આવતી અનેક સિસ્ટમ તોડી છે. તે એટલી હદ સુધી કે રઘુરામ રાજન જેવા લોકોના સત્યવચનો સરકારે ધ્યાને લીધા નથી. નિર્મલા સીતારામનની એક નાણાં પ્રધાન તરીકે અનેક મર્યાદાઓ છે છતાં તેઓ જે રીતે અત્યારે પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને સમજીને પગલા લેવાની મથામણ કરે છે તે દાદ દેવાને પાત્ર છે. કારણ કે સમગ્ર ભાજપના ટોચના નેતાઓમાં આ એક સન્નારી છે જેઓ નજર સામેની વાસ્તવિકતાને ઓળખીને અને સ્વીકારીને ચાલે છે. એમાં પણ પ્રશ્ન તો છે જેમ કે લઘુ ઉદ્યોગો તરફ હજુય તેમનું જોઈએ એવું ધ્યાન નથી. પરંતુ નિર્મલા પાસે રાતોરાત આપણે તેઓ મહાલક્ષ્મીનો અવતાર બની જાય એટલી બધી અપેક્ષા પણ ન રાખી શકીએ.

ફેમિલી ફાઈનાન્સની નવી અસમતુલાએ દેશમાં મંદીને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપ્યું છે. ઘરમાં સંતાનો યુવાન થાય પછી તે દીકરા હોય કે દીકરી, આ જમાનામાં એમણે આર્થિક પ્રવૃત્તિ તો શરૂ કરવી જ પડે. સરકારનો વાંક એની જગ્યાએ છે અને છે જ. પરંતુ વાંકદેખવૃત્તિ કોઈ ઉપાય તો નથી. ઉપાય પરિવારો વચ્ચે છુપાયેલો છે. પરિવારના સભ્યોમાં આજે પણ દેશમાં એવા કરોડો ફેમિલી છે કે જેમાં એનો એક મોભી જ કમાતો હોય ને બાકી બધા એયને લીલા લહેર કરતા હોય. હવે એકાંગી આવક પર પરિવારો નભી શકે એમ નથી. ઝાઝા હાથ ઘરમાં જ રળિયામણા નહિ થાય તો ઘર ભાંગી જશે. હજુય આપણે ત્યાં પુખ્ત થયેલા સંતાનો મને તો આ કામ ફાવે ને તે કામ તો હું ન કરું જેવા વા-વંટોળ મનમાં ભરાયેલા છે. એટલે એમણે તો હજુય બેસી જ રહેવાનું છે. જે કામ મળે છે એને ઝડપી લેવાનું છે. અને એમાંથી જ કામ કરતા-કરતા વધુ ઊંચા અને પસંદગીના કામ તરફ પગ ઉપાડવાનો છે. બેઠા--બેઠા તો ઘર જ આખું બેસી જવાનું છે. સમાજમાં આવા બેસી ગયેલા ઘરના નમૂનાઓ છે જ, જરાક આંખ ઊઘાડીને આસપાસ જુઓ તો દેખાશે. પારિવારિક અર્થતંત્રનો ઉદ્ધાર કરવા સરકાર તો આવવાની નથી. જુવાનજોધ સંતાનો કામે ન લાગે અને કોઈ કામને નાનું ન માને ત્યાં સુધી બહાર તો ઠીક છે, ઘરની તિજોરીમાં તો તેજી આવવાની જ નથી.

એક સમયે એક કરતાં વધુ વિદેશી અભ્યાસુઓનો દ્રઢ મત હતો કે હિન્દુસ્તાનની પ્રગતિ બે વાદળી રંગની પાઘડીઓને આભારી છે. એક મોન્ટેકસિંહ આહલુવાલિયા અને બીજા ડો. મનમોહન સિંઘ. પ્લાનિંગ કમિશનના આ બે પાયાના પથ્થર નહીં પણ પીલ્લર હતા. પ્લાનિંગ કમિશનને વિખેરીને જ્યારથી નીતિ આયોગનું પ્રિમેચ્યોર લોન્ચિંગ મિસ્ટર મોદી આણિ મંડળીએ કર્યું છે ત્યારથી હિન્દુસ્તાનની બુદ્ધિમતાની નોંધ વિદેશમાં લેવાઈ નથી. વિદેશમાં જે ભારતનું નામ લેવાય છે એ મોદીના ભવ્ય શો અને માર્કેટીંગ સ્ટ્રેટેજીને કારણે લેવાય છે. નીતિ આયોગના કહેવાતા બુદ્ધિજીવીઓએ છેલ્લા પાંચ-છ વર્ષથી એક પણ નક્કર આઈડિયા આપ્યો નથી. નીતિ આયોગના ઉપાધ્યક્ષનું કહેવું છે કે ભારત હજુ પણ વાર્ષિક ૬.૫ ટકાનો વિકાસ દર મેળવી શકે એમ છે. જ્યારે કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશ સાત ટકાનો વિકાસ દર હાંસલ કરી શકશે. પ્રવર્તમાન સરકારે જ બનાવેલા નીતિ આયોગ અને સરકારના આંકડા વચ્ચે કોઈ તાલમેલ નથી.

આ આંકડાઓના ચક્રવ્યૂહમાં રિઝર્વ બેન્ક તો કઇંક નવો જ અભિનવ આલેખ લઈને આવી છે. અત્યાર સુધી રિઝર્વ બેન્કનું અનુમાન હતું કે ભારત ૬.૯ ટકાનો વિકાસદર હાંસલ કરશે. પરંતુ વાર્ષિક ઘરેલુ ઉત્પાદન અર્થાત જીડીપીની કૃશકાય હાલત જોતા રિઝર્વ બેંકે પોતાના અનુમાનને નીચલા માળ ઉપર લાવીને ૬.૧ ટકાનો આંકડો બહાર પાડયો. આનો અર્થ એ થયો કે ભારતની અર્થતંત્રની ગાડી રગશિયા વેગે ચાલે છે તે એકમાત્ર પ્રોબ્લેમ નથી પણ અર્થતંત્રની ગાડીના ચારેય પૈડાં જુદી જુદી દિશામાં અંતર કાપવા ચાહે છે. ચારેય પૈડાં પોતાની મનસૂફી મુજબ ચાલે તો ગાડીમાં બેઠેલા મુસાફરોની હાલત શું થાય એ જાણવા તો ગાડીની બહાર રસ્તા ઉપર ઉભા રહેવું પડે.

ઈ..સ. ૨૦૦૮ માં અમેરિકામાં જે મંદી આવેલી અને તેણે ભારત સિવાય લગભગ આખી દુનિયાને સપાટામાં લઈ લીધેલી એ મંદીમાં અમેરિકાની બેન્કો કારણભૂત હતી. ભારતની વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં પણ બેંકો મુખ્ય ભાગ ભજવે છે. બેંકો મંદીમાં કઈ રીતે કિરદાર ભજવે એ સમજવા માટે રેપો રેટ વિશે ચર્ચા કરવી રહી. રેપો રેટ એટલે એ વ્યાજ જેના ઉપર રિઝર્વ બેન્ક ભારતની બીજી વ્યાપારી બેંકોને લોન આપે. કેન્દ્રીય બેન્ક લાગલગાટ રેપો રેટ ઘટાડતી રહી છે.

વિકાસની ગાડીને ઘટેલો રેપો રેટ ધક્કા મારે એ માનવું મૂર્ખામીભર્યું છે. રસ્તામાં આગળ ખીલ્લીઓ પડેલી છે અને વિકાસની ગાડીને પંક્ચર થતા આમ નહીં રોકી શકાય. વ્યાજદરોમાં ઘટાડો થાય એટલે બજારમાંથી વ્યાજે રૂપિયા લેવાની હિંમત આમ આદમીમાં ન આવી જાય. બજારમાં પુરવઠાની કમી નથી પણ જનમાનસમાંથી ડિમાન્ડનું બાષ્પીભવન ઝડપથી થઈ રહ્યું છે. લોકોને અતિજરૂરી ચીજવસ્તુઓ સિવાય કઈ ખરીદવું નથી. લીંબુ કે ડુંગળી-કોથમીર વિનાની રસોઈ બનાવવાના વિકલ્પો કરોડો રસોડાએ શોધી લીધા છે. યુવાનો એક સમયે ટાઈમપાસ કરવા માટે ઓનલાઇન ખરીદી કરતા. પણ ભારતના ઇ-કોમર્સની હાલત ડેન્ગ્યુ થયેલા દર્દી જેવી થતી જાય છે. ચલે તો ચાંદ તક વર્ના રાત તક. જ્યાં સુધી સરકાર એક કરતા વધુ ઉપાયો અમલમાં નહીં મૂકે ત્યાં સુધી આર્થિક અધઃપતન ચાલુ રહેશે. કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓની છટણી કરશે અને બાકીના કર્મચારીઓનો પગાર ઘટાડશે. અમુક કંપનીઓના કર્મચારીઓના કાને ભૂલથી પણ જો 'ઇન્ક્રીમેન્ટ' શબ્દ કાને પડે તો તેઓ તેનો અર્થ શોધવા શબ્દકોષ ચકાસે છે. કારણ કે છેલ્લે ક્યારે પગારવધારો થયેલો  તે તેઓને યાદ રહ્યો નથી..

ભારત એક નિકાસકાર દેશ હતો. અત્યારે નથી. નિકાસની સ્થિતિ અત્યારે સુધરવાની નથી. કારણ કે ઉત્પાદનકર્તાઓ એટલો માલ બનાવતા જ નથી અગર તો બનાવી શકતા નથી.  બેંકો માટે એક મજબૂત રણનીતિ બનાવવી પડશે અને ઓટોમોબાઇલ કે રિયલ એસ્ટેટ જેવા સેકટરને અવગણી શકાશે નહીં. સરકાર સરકારનું કામ કરે કે ન કરે પરિવારોએ ઘરમાં આવતા પગારની રકમ વધવાની નથી ત્યારે પગારની સંખ્યા વધારવી પડશે. એક પગારે આખા કુટુંબો તરી ગયા એ જમાનો તો ગયો. હવે એક પગારે ડૂબી જવાનું જોખમ છે.