અમેરિકા સાથે રણનીતિ ઘડવામાં કેન્દ્ર ગોથા ખાય છે
- અલ્પવિરામ
- ભારતના આર્થિક વિકાસ પર બ્રેક મારવી અને બીજા દેશો સાથેના ભારતના સંબંધોને તોડવા એ એક માત્ર અમેરિકાનો હેતુ છે
- એશિયામાં પાકિસ્તાનને ટ્રમ્પ નવેસરથી અમેરિકાના એક થાણા તરીકે વિકસાવવા ચાહે છે
દુનિયાના તમામ નકારાત્મક, કિન્નાખોર અને ઈર્ષ્યાળુ લોકોના જાતે બની બેઠેલા છતાં સર્વસ્વીકૃત પ્રતિનિધિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. આના પછી તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે. એમની સાથે વાત કરવામાં અને રણનીતિ ઘડવામાં મોદી સરકાર ગોથા ખાઈ રહી છે. પચીસ ટકા ટેરિફના મુકુટમાં પચીસ ટકાની પેનલ્ટીની કલગી પણ લાગેલી છે. આ તાજ મોદીએ ધારણ કરેલો છે એમ કહેવાય. માત્ર ટોચના નેતૃત્વની વાત નથી પણ નળિયાથી તળિયા સુધી આપણે ત્યાં આત્મરતિની જ જાહોજલાલી છે. અહો રૂપમ્.... અહો ધ્વનિ...! અમેરિકન અધિકારીઓની એક ટુકડી આગામી પચીસમી જુને ટેરિફ પ્રકરણની આગળની ચર્ચા કરવા માટે દિલ્હી આવવાની હતી પરંતુ એ પોતાના તરફથી રદ કરી દીધી છે.
ભારતીય વિદેશ મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલય હવે પ્રતીક્ષામાં છે કે નવી તારીખો ક્યારે મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ વિચિત્ર નેતા છે. તેઓ ન તો શતરંજમાં ઊંટની જેમ ચાલે છે કે ન તો હાથીની જેમ. તેઓ બે સીધા અને એક આડુ પગલું અથવા બે આડા અને એક સીધું એવી અશ્વગતિથી ચાલે છે. એટલે એનો બહુ આગળનો અંદાજ મેળવવો મુશ્કેલ હોય છે. જો કે ખેલાડી હોય એને માટે વાંધો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં માત્ર વાહ વાહીથી ખેલાડી બની જવાતું નથી.
ભારતના આર્થિક વિકાસ પર બ્રેક મારવી અને બીજા દેશો સાથેના ભારતના સંબંધોને તોડવા એ એક માત્ર અમેરિકાનો હેતુ છે. યુક્રેન યુદ્ધ શરૂ થતાં પહેલા ઝેલેન્સકીને ઉશ્કેરવામાં નાટો અને અમેરિકાએ કંઈ બાકી રાખ્યું ન હતું. પણ યુદ્ધ શરૂ થયા પછી યુક્રેનને મણની જરૂર હોય ત્યાં ચપટીક આપીને તેમણે કહેવાતી દોસ્તી કહેવાતી રીતે નિભાવી છે. આ એક પ્રકારની સોફેસ્ટિકેટેડ દગાબાજી છે. અમેરિકા અને સાથી રાષ્ટ્રોના ભરોસે યુક્રેને યુદ્ધમાં ઝંપલાવ્યું ને એની હાલત દયનીય થઈ ગઈ છે. પાકિસ્તાનને પ્રમોટ કરીનેય ટ્રમ્પ ભારત પર દબાણ વધારવા ચાહે છે. ટ્રમ્પે પાકિસ્તાન માટે અબજો ડોલરની શસ્ત્ર સહાય અને લોન મંજુર કરેલી છે. એશિયામાં પાકિસ્તાનને ટ્રમ્પ નવેસરથી અમેરિકાના એક થાણા તરીકે વિકસાવવા ચાહે છે.
પ્રસ્તાવિત BTA માં, અમેરિકા મકાઈ, સોયાબીન, સફરજન, બદામ અને ઇથેનોલ જેવા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા તેમજ ભારતમાં યુએસ ડેરી ઉત્પાદનોની પહોંચ વધારવા ઈચ્છે છે. ભારતીય ઉત્પાદનોની આયાત પર ૨૫ ટકા વધારાની કસ્ટમ ડયુટી લાદવાના ટ્રમ્પના આદેશ પછી પીએમ મોદીનું નિવેદન વધુ મહત્વપૂર્ણ બની ગયું છે. જોકે, ટ્રમ્પનો આ આદેશ ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે, ત્યારબાદ કુલ ટેરિફ દર ૫૦ ટકા થઈ જશે. અમેરિકા ભારતમાં તેના કૃષિ ઉત્પાદનો માટે બજાર ઇચ્છે છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ડેરી ક્ષેત્ર અને જીએમ સોયાબીન અને મકાઈ માટે તેનું બજાર ખોલશે નહીં. અમેરિકામાં પશુ આહારનો ઉપયોગ ડેરી ક્ષેત્રમાં થાય છે. ભારતે આ ક્ષેત્રમાં તેના અગાઉના કોઈપણ વેપાર કરારમાં ક્યારેય કોઈ ડયુટી છૂટછાટ આપી નથી.
ભારતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીઓ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશુઓને પશુ ઉત્પાદનો ખવડાવવાની યુએસ પ્રથા અંગે પણ ચિંતા છે, જે સ્થાનિક ધોરણો અને સલામતીની ધારણાઓનું ઉલ્લંઘન કરે છે. ડેરી ક્ષેત્રમાં ધાર્મિક લાગણીઓ સંકળાયેલી છે અને અમેરિકન ઉત્પાદનોમાં પ્રતિબંધિત માંસ ઉત્પાદનોનો ઉપયોગ થતો હોવાથી, તે સ્વીકાર્ય નથી. વડા પ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલા કડક વલણને કારણે, કૃષિ અને દેશના આત્મસન્માનને લગતા પ્રશ્નોને બાજુ પર રાખીને કોઈપણ કરાર પર પહોંચવું મુશ્કે છે. અમેરિકાનો આગ્રહ ચીનમાં તેની નિકાસમાં ઘટાડા અંગેની ચિંતાને કારણે છે.
અમેરિકાની સોયાબીનની નિકાસમાં ચીનનો હિસ્સો લગભગ ૫૫ ટકા અને મકાઈની નિકાસમાં ૨૦ ટકા હિસ્સો છે. અમેરિકા ભારતનો સંપર્ક કરીને પોતાનો ગ્રાહક આધાર વધારવા ચાહે છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કૃષિ વેપારમાં ભારતની અમેરિકામાં નિકાસ ૬.૨૫ બિલિયન ડોલર હતી, જે ૨૦૨૩-૨૪માં ૫.૫૨ બિલિયન ડોલર હતી. તે જ સમયે, કેલેન્ડર વર્ષ ૨૦૨૩માં અમેરિકાની ભારતમાં નિકાસ ૩૭૩ મિલિયન ડોલર હતી. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની અમેરિકામાં કુલ નિકાસ ઇં૮૬.૫૧ બિલિયન હતી, જ્યારે અમેરિકાથી આયાત કુલ ઇં૪૫.૬૯ બિલિયન હતી.
આજે, ભારત એક એવા નિર્ણાયક તબક્કે ઉભું છે જ્યાં તે એક તરફ દ્વિપક્ષીય વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે જે તેને ટ્રમ્પના ટેરિફ શાસનથી મુક્તિ આપશે. ભારત માટે, કાપડ, ચામડું, ફૂટવેર વગેરે જેવા શ્રમ-સઘન ક્ષેત્રો માટે રાહત સુનિશ્ચિત કરવી એ પ્રાથમિક ધ્યેય રહે છે. દરમિયાન, પેકેજના ભાગ રૂપે GM સોયાબીન અને મકાઈની નિકાસનો સમાવેશ કરવાના યુએસના આગ્રહે વાટાઘાટો પર લાંબો પડછાયો નાખ્યો છે. અમેરિકા સાથે વેપાર વાટાઘાટોમાં GM પાક પણ એક અવરોધ સમાન છે.
ભારતે વૈશ્વિક બજારમાં બિન-જીએમ ઉત્પાદક તરીકે પોતાનું સ્થાન બનાવ્યું છે, ખાસ કરીને સોયા, ઓઇલ કેક નિકાસમાં, જ્યાં ખરીદદારો સક્રિયપણે કુદરતી જાતો શોધે છે. ભારતમાં, મકાઈમાંથી ઓછી માત્રામાં ઇથેનોલ ઉત્પન્ન થાય છે અને મોટાભાગે તેનો ઉપયોગ માનવ ખોરાક તરીકે થાય છે. જ્યારે પંજાબના લોકો ડ્રગ વિરોધી ચળવળમાં સંપૂર્ણપણે ડૂબેલા છે, ત્યારે GM દ્વારા પંજાબની માટી, પાણી અને હવાને વધુ ઝેરી બનાવવાનો પ્રયાસ ખૂબ જ નિંદનીય છે. પંજાબ એક પ્રકારે ભારતની અન્નપૂર્ણા છે. પર્યાવરણ મંત્રાલયની જિનેટિક એન્જિનિયરિંગ મંજૂરી સમિતિએ તેને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ તેને અકુદરતી જાહેર કર્યું છે.
અત્યાર સુધી, ભારતમાં GM પાક તરીકે ફક્ત BT કપાસની જ વ્યાપારી રીતે ખેતી કરવામાં આવે છે. સન ૨૦૧૦ માં, બીટી રીંગણ માટે મંજૂરી મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ નવ રાજ્ય સરકારો, ઘણા પર્યાવરણીય નિષ્ણાતો, કૃષિ નિષ્ણાતો, બૌદ્ધિકો અને ખેડૂતોના વ્યાપક વિરોધને કારણે, સરકારે પોતાનું પગલું પાછું ખેંચવું પડયું. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ તેનો વિરોધ કરી રહ્યા છે. વિશ્વના અન્ય ભાગોમાં પણ GM પાકોના પરીક્ષણો સારા સાબિત થયા નથી. અમેરિકામાં, GM મકાઈ એક ટકા જમીનમાં ઉગાડવામાં આવતી હતી, જેણે ૫૦ ટકા બિન-GM પાકોને ચેપ લગાડયો હતો. ઉત્પાદન વધારવાની દોડમાં, ચીને તેની જમીન પર ચોખા અને મકાઈની ખેતી પણ કરી, પરંતુ પાંચ-છ વર્ષમાં ત્યાંના ખેડૂતોને નુકસાન સહન કરવું પડયું. વર્ષ ૨૦૧૪ પછી, ત્યાં GM ખેતી લગભગ બંધ કરવી પડી. આને ધ્યાનમાં રાખીને, ભારતે તેના ખેડૂતોના હિતમાં અમેરિકા સામે કડક વલણ અપનાવવું સમયની માંગ છે.