mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભાજપ-કોંગ્રેસ તરફ ગ્રામસમાજને કેમ છે ધિક્કાર?

Updated: Oct 18th, 2022

ભાજપ-કોંગ્રેસ તરફ ગ્રામસમાજને કેમ છે ધિક્કાર? 1 - image


- અલ્પવિરામ

- રાજકીય પક્ષોની વિચારધારાઓની પોલમપોલ પ્રજા હવે જાણી ગઈ છે. તેમને સમજાઈ ગયું છે કે આ પક્ષો માત્ર સત્તા મેળવવાના એક જ કોમન ઈલેકશન કોડ પર કામ કરી રહ્યાં છે. હેતુ માત્ર સત્તાપ્રાપ્તિ છે 

યુગ ખરેખર બદલાઈ ગયો છે. એકસાથે હજારો પ્રકારનાં પરિવર્તનોની ગમતી કે અણગમતી ચિનગારી કોરોનાએ ચાંપી છે. એમાં કેટલાક પરિવર્તનો એવાં છે જે ભૂગર્ભ પ્રવાહોમાં અગાઉથી જ આકાર લેતા હતાં, જે હવે કોરોનાકાળ પછી સપાટી પર આવ્યા છે. ભારતીય રાજકારણમાં રોડ શો અને રેલીઓની મોસમ બહુ વર્ષો સુધી ચાલી. હવે એમાં પરિવર્તન આવવાનો અણસાર છે. છેલ્લા કેટલાક સમયથી શહેરી અને ગ્રામીણ મતદારોના અભિગમ વચ્ચેની ખાઈ ઊંડી થતી જાય છે. સત્તાધારીઓ માત્ર શહેરો પર જ પોતાનું શાસન કરતા હોય અને મહાનગરોના કલ્યાણાર્થે જ કામ કરતા હોય તેવું ચિત્ર ગ્રામવાસીઓએ અનુભવીને તેના ઘેરા પ્રત્યાઘાત આપ્યા છે. છેલ્લા એક દાયકાનો તો આ ઘાટો અનુભવ છે. ગયા વખતે એટલે કે ઉત્તરપ્રદેશ અને ગુજરાતના છેલ્લી વિધાનસભાઓના અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામોએ ગ્રામસમાજ અને શહેરી સમાજ વચ્ચેનું સીમાંકન સ્પષ્ટ કરી આપ્યું હતું.

માત્ર ભાજપને દોષ દેવાનો અર્થ નથી, કારણ કે એ પૂર્વે કોંગ્રેસે પણ એ જ પ્રવૃત્તિ કરી છે. દાયકાઓ સુધી કોંગ્રેસે ગામડાઓની મતબેન્કોના ખજાનાઓ અંકે કરી લીધા છે. કયારેક કોઈક યોજના દ્વારા ગામડાંને યાદ કરવામાં રાજકીય પક્ષોએ સંતોષ માન્યો છે, પરંતુ આ દેશના રાજય અને કેન્દ્રના શાસકોએ કદી એ સભાનતા કેળવી જ નથી કે તેઓ ખુદ પણ ગ્રામસમાજના જ ખોળામાં બેઠેલા છે. ભવ્ય મહાલયો અને પંચતારક હોટેલોમાં યોજાતી તેમની સંગઠન સભાઓ અને હાઈપ્રોફાઈલ કેબિનેટ મિટિંગોને કદી ગામના પાદરમાં તંબુ તાણવાનું મન થયું નથી. એટલે આજે સ્થિતિ એવી આવી છે કે દેશના અને પ્રદેશોના ટોચના રાજકીય પક્ષોને ખબર જ નથી કે ગામડાંેના પ્રશ્નો શું છે. નેતાઓ અને ગ્રામસમાજ હવે એકબીજાની ભાષા સમજી શકે એમ નથી. તેમની વચ્ચેનો સંબંધ જુદા જુદા સ્વર અને જુદા તાલનો થયો છે અને એથી ઘોંઘાટ સંભળાય છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ આ ત્રણ રાજયો તો એવાં છે કે એના ગ્રામ સમાજમાં એક પણ રાજકીય નેતાનું ગામના ટપાલી જેટલું પણ સન્માન નથી.

હવે એમાં બિહાર પણ ઉમેરાયું છે. આનાં ઘણાં કારણો છે. જે સરપંચોએ સ્થાનિક સત્તા સંભાળી તેમણે સરકારી નાણાંનો સદુપયોગ કર્યો નથી. સરકારમાંથી આવતા તમામ નાણાંમાં ભ્રષ્ટ આચરણના કિસ્સાઓ છે. ગામડાંને પોતે વોટબેન્ક માનતી હોવાને કારણે શાસક સરકારોએ એમનાં પર કોઈ પગલાં લીધાં નથી. ભાગ્યે જ કોઈ સરપંચ, ભ્રષ્ટાચારના કેસમાં જેલ પહોંચ્યો છે. આપણા દેશમાં સરપંચ જેલ ન જાય ત્યાં સુધી તળિયાની શુદ્ધિ થવાની નથી અને જેનાં તળિયાં ચોખ્ખાં ન હોય એના નળિયાં ક્યાંથી સોનાના હોય? એના વર્તન પરથી શાસકો અંગે ગ્રામ સમાજમાં હળાહળ વિરોધનો સૂર હવે પ્રબળ બની ગયો છે. પ્રજા પાસે વિકલ્પો બહુ મર્યાદિત છે. અગાઉ એકવાર યુપીમાં સાડાપાંચ લાખ મતદારોએ 'નોટા' (કોઈ નહીં)નું બટન દબાવ્યું હતું એ શું સૂચવે છે? એટલે જ ઉત્તરપ્રદેશની ગઈ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સાત હજારથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા, જે ભારતીય રાજકારણનો એક વિક્રમ છે. પ્રતિષ્ઠિત પક્ષો પ્રત્યેની પ્રજાની એ એક હેટસ્ટોરી છે. તિરસ્કારિક વાર્તિક છે.

ગ્રામપ્રજા આજ સુધીની અનેક સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેને ગામડાં તાલુકાઓ અને જિલ્લામાંથી જાકારો આપી ચૂકી છે. નગર નિગમ કે પાલિકાઓ સિવાય કયાંય મોટા પક્ષોની 'દુકાન' ચાલી નહીં. મતદારોનું આ વર્તન એ બાબતનો સંકેત આપે છે કે રાજકીય પક્ષોની કહેવાતી વિચારધારાઓની પોલમપોલ પ્રજા હવે જાણી ગઈ છે અને આ પક્ષો માત્ર સત્તા મેળવવાના એક જ કોમન ઈલેક્શન કોડ પર કામ કરી રહ્યાં છે. તેમનો હેતુ માત્ર સત્તાપ્રાપ્તિ છે, જનકલ્યાણ નહીં! એટલે અપક્ષોના કંઠમાં વિજયની વરમાળા પહોંચવા લાગી છે. જો આ સ્થિતિ આગળ ચાલશે અને રાજકીય પક્ષો તેમના એજન્ડાઓમાં અને વચનોમાં નિષ્ફળ નીવડવાનો દૌર ચાલુ રાખશે તો કમ સે કમ અપક્ષો નિર્ણાયક સ્થિતિ સુધી તો પહોંચી જશે. ગ્રામ સમાજ નફરતોથી ટેવાયેલો નથી. નકારાત્મક બાબતોનો આધાર ત્યાં ચાલતો નથી. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ ગ્રામ સમાજમાં સામાજિક અને પારસ્પરિક નફરતોની છુટ્ટે હાથ વહેંચણી કરીને સામાજિક વિઘટનનો આરંભ કરેલો છે.

આ તેમનો ગંભીર નૈતિક અપરાધ છે. ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીમાં ઉમેદવારો પસંદ કરવાની લાંબી પ્રક્રિયાનું માત્ર નાટક જ બન્ને પક્ષે ભજવાયું. એમાં ભાજપ -  કોંગ્રેસ બન્નેનો કોમન સિલેકશન કોડ એક જ હતો કે નાછૂટકે આપવી જ પડે તેવા બે - પાંચને ટિકિટ ભલે આપીએ, પણ બાકી તો આખા રાજયમાં જીતી શકે એને જ ટિકિટ આપો. યેનકેન પ્રકારેણ જીતી બતાવનારાને ટિકિટ આપવા જતાં બન્ને પક્ષોએ અન્ય સંખ્યાબંધ સર્વોત્તમ લોકસેવકોને તકશૂન્યતાની ગહન ગર્તામાં ધકેલી દીધા. સારા ઉમેદવારોના વિકલ્પમાં તેમણે 'જીતે તેવા જ' ઉમેદવારો પસંદ કર્યા, પછી જીત્યા કે હાર્યા એ બીજો પ્રશ્ન છે. સવાલ એ છે કે પ્રજાની પોતાની પાસે જ સજ્જન ઉમેદવારોની પસંદગી કરી શકાય એવા ઉમેદવારો આઝાદીથી આજ સુધીમાં ઘટતા ઘટતા સાવ નહિવત્ સ્તરે આવી ગયા છે. નરેન્દ્ર મોદીની એકલે હાથે ચૂંટણીઓ જીતવાની ચમક એક ઈતિહાસ બની ગઈ છે એ જો ભાજપને યાદ નહીં રહે તો આવનારી વિધવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એની પ્રતીતિ કરાવશે. 

કોંગ્રેસમુક્ત ભારતની વાત સહેજ એટલે ઝાંખી પડી ગઈ કે જરાક ધ્યાન ન રાખ્યું હોત તો ભાજપમુક્ત ગુજરાત ગયા વખતે જ થઈ જાત. જે ગ્રામ સમાજને આ નેતાઓ ઓળખે છે તે નેતાઓ ખુદ જ હવે ગ્રામસમાજ અંગેના જ્ઞાાનની બાબતમાં અભણ પુરવાર થઈ રહ્યાં છે, ભારતીય ગ્રામ સમાજને અભણ માનનારાઓ ખુદ અભણ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને ટેલિકોમ્યુનિકેશન તથા એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીએ ગ્રામ સમાજને દસ પગથિયાં ઊંચેરી સમજણ વિકસાવી આપી છે, જેનાથી રાજકીય પક્ષો કદાચ અજ્ઞાાત છે. લોકશાહીનો વધુ સારો અર્થ તેઓ સમજે છે. ગામડાઓને તબક્કાવાર ભાંગતા જોવાના સાક્ષી પણ એ ગામમાં વસનારાઓ જ છે. તેમણે રાજકીય હૂંફથી નદીઓમાંથી ઉપાડાતી કરોડોની રેતી, ગેરકાયદે ખાણ - ખનિજ પ્રવૃત્તિ, ચોતરફ થતાં વૃક્ષછેદન અને રાજપુરુષો તથા અધિકારીઓના ભ્રષ્ટાચારનો પૂરેપૂરો અને દુઃખદ અનુભવ સંપ્રાપ્ત કરી લીધો છે.

તેઓ લોકશાહીમાં શ્રદ્ધા ધરાવે છે, પરંતુ આજકાલ જેમનો લોકશાહીની વ્યાખ્યા નક્કી કરવા પર અંકુશ છે તેઓનામાં જરા પણ શ્રદ્ધા ધરાવતા નથી. જરૂરી નથી કે રાજકીય પક્ષોએ ગ્રામાભિમુખ થવું, પરંતુ આ દેશની પ્રજા પર જેમણે પણ સુશાસન કરવું હશે તેમણે એકડે એકથી ગામડાંઓના વિરાટ સમાજને આત્મસાત કરવો પડશે, વૈદિકકાળથી ભારતમાં ગ્રામદેવતાભ્યો નમઃ કહેવામાં આવ્યું છે, પરંતુ એ વંદનપદ તરફ રાજપુરુષોનું ધ્યાન તો થોડાક ગોથાં ખાધા પછી હવે ગયું છે. પરંતુ તેઓ બહુ મોડા છે. 

Gujarat