- અલ્પવિરામ
- વિરોધ પક્ષો તો નિત્ય નવી મૂર્ખતાઓના પ્રદર્શનમાં વ્યસ્ત છે. તો પણ સ્વતંત્ર ભારતમાં વિપક્ષો છે એ એક આશ્વાસન છે, કારણ કે તેઓ જે બોલી શકે છે તે સોનાના ચમચાઓ કે રૂપાની ચમચીઓ તો બોલી શકતી નથી
મેક્સિકોની પ્રજા છેલ્લા બે દિવસથી ભ્રષ્ટાચાર સામે રસ્તા પર ઉતરી આવી છે. હવે ભ્રષ્ટ વહીવટને પ્રજા લાંબો સમય સહન કરી શકે એમ નથી. આપણા દેશમાં ગઈકાલે નીતિન ગડકરીએ કહ્યું કે રસ્તાઓના નિર્માણમાં ગેરરીતિ કરનારા કોન્ટ્રાક્ટરો અને એના મળતિયા સરકારી અધિકારીઓને અમે છોડીશુ નહિ, હમ ઉનકો ઠોકેંગે...! ભારત અત્યારે ભીતરથી આર્થિક શક્તિ સંપન્ન થવાની મથામણમાં છે ત્યારે દેશ સામે ભ્રષ્ટ લોકોની લાંબી કતાર નજરે દેખાતી રહે છે. રાજ્ય અને કેન્દ્રના કયા કયા વિભાગોમાં ભ્રષ્ટાચાર નથી એની ટૂંકી યાદી કરવી હવે વધુ સુગમ છે.
વરસે આપણે પાછલા એક વરસમાં પ્રજા તરીકે આપણો રાષ્ટ્રપ્રેમ ક્યાં ક્યાં વ્યક્ત થયો એનો હિસાબ કરવો જોઈએ. આજે દેશમાં ભ્રષ્ટ આચરણ કરવાની જે આર્થિક સ્વતંત્રતા કેટલાક ઉચ્ચ અધિકારીઓ ભોગવે છે એનો દુનિયામાં જોટો જડે એમ નથી. ઠેર ઠેર ભ્રષ્ટાચારની ઊધઈ પ્રવેશી ગઈ છે અને આખા મોભ બદલાવવા પડે એ રીતે સિસ્ટમને ખોતરી નાંખી છે. દુનિયાના દસથી વધુ દેશો અત્યારે એવા છે જે સિવિલ વોરનો સામનો કરે છે. સિવિલ વોર દેશની સિસ્ટમ સામે નાગરિકો દ્વારા લડાતું એક આંતરિક યુદ્ધ છે. આ તમામ દસ દેશોમાં સિવિલવોરના પાયા ભ્રષ્ટાચારે નાંખ્યા હતા. આખા દેશને લુણો લગાડવાની તાકાત આ ભ્રષ્ટાચારમાં હોય છે.
બધા પ્રકારના ભ્રષ્ટાચારમાં માત્ર રસ્તે રસ્તે થતા ભ્રષ્ટ નિર્માણ પર ઉતાવળે નજર કરો. ભારતમાં ચોમાસાનું બીજું નામ છે માર્ગ ખંડન મોસમ! એટલે કે રસ્તાઓને તૂટી જવા માટેની એક વિશેષ પ્રકારની ઋતુ. આ માર્ગ ખંડન મોસમનો ઇતિહાસ બહુ લાંબો છે. તેની શરૂઆત કોંગ્રેસથી થઈ છે. સામાન્ય રીતે રસ્તાઓ તૂટેલા જોઈને લોકો કોન્ટ્રાક્ટર પર નિઃસાસા નાંખે છે, પરંતુ એ નિઃસાસા કુદરતી રીતે પહોંચે છે અધિકારીઓના ઘરમાં. કારણ કે કોન્ટ્રાક્ટરે અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે એમને કટકી આપવી પડે છે. આ કટકીને કારણે જ રસ્તાઓ કટકા-કટકા થઈ જાય છે.
તૂટી ગયેલા રસ્તાઓ સામેનો ઊહાપોહ બહુ વ્યાપક છે. અગાઉ વિકાસ પાગલ થયો છે એવું જે લોકસૂત્ર વિખ્યાત થયું હતું, એની શરૂઆત તૂટેલા રસ્તાથી થઈ હતી. પછી તો રાષ્ટ્રીય કક્ષાએ એ સૂત્ર ફેલાઈ ગયું હતું. વિરોધ પક્ષો તો નિત્ય નવી મૂર્ખતાઓના પ્રદર્શનમાં વ્યસ્ત છે. તો પણ સ્વતંત્ર ભારતમાં વિપક્ષો છે એ એક આશ્વાસન છે કારણ કે તેઓ જે બોલી શકે છે તે સોનાના ચમચાઓ કે રૂપાની ચમચીઓ બોલી શકતી નથી.
એન્જિનીયરો અને સરકારી અધિકારીઓએ ભ્રષ્ટાચારના અનેક સ્તરોમાં 'વિકાસ' કર્યો છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના થતા દરેક બિલોમાં ઈ. સ. ૧૯૬૦ના અરસામાં એક ટકો લેતા હતા. એ જમાનામાં ગુજરાતમાં રેલવેનું કામ હાથ પર લેનારા કોન્ટ્રાક્ટરો બહુ હતા અને તેઓ ટેન્ડર ભરતા. એક જમાનામાં ગુજરાતના કોન્ટ્રાક્ટરોની રાષ્ટ્રીય પ્રતિષ્ઠા હતી. ગુજરાતના એક નાળા થી સાત નાળા સુધીના નદીઓ પરના મજબૂત પુલો ગુજરાતના કોન્ટ્રાક્ટરોએ જ બાંધેલા છે. આજે પણ રેલવેના ટેન્ડરોમાં જે સ્ટાન્ડર્ડ જળવાયેલું છે તેમાં ગુજરાત સરકારે પણ ઊંડા ઊતરવા જેવું છે અને એમાંથી શીખવા જેવું છે. જાપાન પાસેથી મેટ્રો ટ્રેન નહીં શીખો તો ચાલશે પરંતુ ભારતની જ રેલવેની જે બાંધકામ સિસ્ટમ છે, એના ટેન્ડરો અને એના ધોરણો રાજ્ય સરકારે શીખવાની જરૂર છે.
ગુજરાત સરકારના ટેન્ડરોમાં સિમેન્ટ, ડામર અને કપચીના ભાવ એક તો દાદા આદમના જમાનાના હોય છે અને એટલા નીચા ભાવ પછી પણ કેટલાક દુષ્ટ અધિકારીઓ બિલ પાસ કરવા ને ચેક આપવા માટે દસ ટકાની ધરાર ભિક્ષા માંગે છે. જાહેર બાંધકામ અને માર્ગ-મકાન વિભાગ આવા ભિક્ષુકોથી ભરેલા છે. ભિખારીઓની મોટી ફોઝ ભ્રષ્ટાચાર કરવા અધિકારીઓના સ્વાંગમાં દેશભરમાં છવાયેલી છે. આવા કેટલાક દુષ્ટ અધિકારીઓની સ્ત્રીઓ હાઈટેક સલૂનમાં સૌન્દર્ય સજ્જા માટે જાય છે ત્યારે પોતાના સુ-વરનું વિઝિટિંગ કાર્ડ છેલ્લે કાઉન્ટર પર ધરે છે અને કહે છે કે સાહેબ પાસેથી પૈસા લઈ લેજો. બદતમિઝીની આ પરાકાષ્ઠા છે.
પ્રજાએ ટેક્સરૂપી જે નાણાં ભર્યા છે તે પરસેવાના છે. એમાંથી ચોરી કરનારા આવા જે લાંચિયા અધિકારીઓ છે તેઓ હરામના પૈસાથી તેમની અંગત જિંદગીમાં કદી પણ સુખ, શાન્તિ કે નિંરાત પામતા નથી ને ભ્રષ્ટાચારથી જ પોતાની વારસાઈ પેઢીઓને ડૂબાડનારા નીવડે છે. એના પણ હજારો દાખલાઓ લોકનજરમાં છે. આમ છતાં બધાને આ લૂણો લાગ્યો નથી. કટકીબાજ ભિખારીઓની વચ્ચે, માત્ર પોતાની મહેનત અને નિષ્ઠાના ફળસ્વરૂપે મળતી પગારલક્ષ્મીથી જ સંતુષ્ટિ પામનારા કેટલાક અધિકારીઓ પણ છે અને તેમની નામના પણ છે.
તેમનું પારિવારિક જીવન સુખના શીતળ છાંયે શાન્ત અને નીરોગી શૈલીએ વહેતું રહે છે. તેઓને પણ સહુ ઓળખે છે. તેઓનું મસ્તક ગૌરવથી સદાય ઊંચુ રહે છે. પરંતુ હવે તેઓ લઘુમતિ સંખ્યામાં છે. આજના લોકસેવકો પણ કીડીખાઉં પ્રાણીની જેમ ગ્રાન્ટખાઉં પ્રાણીઓ બની ગયા છે. પોતાની જાતને રાષ્ટ્રીય સેવક તરીકે ઓળખાવતા તેઓનામાં વાસ્તવમાં પૈસાની ભૂખ સિવાય કંઈ નથી. પ્રજાહિતમાં વાપરવાના પૈસા તેઓ જ્યાં આપે છે તેમાંથી મહત્ તો પાછા લઈ લે છે. આથી તેઓ પોતાની ગ્રાન્ટ એવી એવી જગ્યાએ જ ફાળવે છે જ્યાંથી એનો બહુધા અંશ તેમને પાછો મળી શકે. ચિક્કાર પગાર અને ભથ્થાઓ ઉપરાંતની તેમની કમાણીનો તો આ એક માત્ર ઉલ્લેખ છે, આ સિવાયના તેમના ગોરખધંધાઓની યાદી બહુ લાંબી અને જગખ્યાત છે.
ભ્રષ્ટાચારીઓ આખા ભારતમાં ફેલાયેલા છે. વળી તેમને એમ લાગે છે કે અમે કેવા ભૂંડા છીએ એની તો લોકોને ખબર જ નથી. ખરેખર તેમની સર્વ દુષ્ટતાઓ સમગ્ર પ્રજા જાણે છે. એક દિવસ એવો આવશે ખરો કે આ લૂંટારા છે તે સેવકોને પોતે બેનકાબ થઈ ગયાની ખુદ જાણ થશે ત્યારે તેમણે છુપાઈને દૂર ટાપુ પર રહેવા જવું પડશે. કારણ કે પ્રજાની વચ્ચે તેઓ રહી શકશે નહીં. આજે પણ તેઓ ડરવા તો લાગ્યા જ છે. છતાં પણ જે ટેવ પડી ગઈ છે એ ભ્રષ્ટાચાર હજી તેઓ છોડતા નથી. ભારતીય પ્રજાને હવે એક રોબિનહૂડનો ઇંતજાર છે. એક એવો રોબિનહૂડ કે જે લોકોના મનની વાત સાંભળે, લોકોની બચતોને વધારે. ઈતિહાસ તો ગાઈ-વગાડીને કહે છે કે પ્રજાની વહારે રોબિનહૂડ આવતાં જ રહે છે, એ વાત ભ્રષ્ટાચારીઓએ સમજી લેવાની જરૂર છે.


