- અલ્પવિરામ
- અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી નશીલાં દ્રવ્યોનો એક અદ્રશ્ય ઈન્ટરનેશનલ સુપર હાઈવે તૈયાર થઈ ગયો છે, ભૂતાન અને નેપાળ પણ એમાં આવી જાય છે
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે અથડામણ ચાલુ છે અને એ મોરચો હવે કદી બંધ થવાનો નથી. બલુચિસ્તાનના સ્વતંત્રતાવાદી લડવૈયાઓ થાકે એમ નથી કારણ કે હવે એની પાસે મોટો શસ્ત્રભંડાર જમા થઈ ગયો છે. પાકિસ્તાન એક પોતાના ભવિષ્ય વિશે અંધરાષ્ટ્ર છે. એને પોતાની આવતીકાલની કંઈ ખબર નથી અને કંઈ પડી પણ નથી. એ એના જન્મથી એક અપંગ દેશ છે અને એમાં ધર્માન્ધ મુલ્લાઓએ પ્રજાને એટલી ડરપોક અને નિર્બળ કરી મૂકી છે કે આજકાલ તો એની સ્ત્રીઓ જ બધા પારિવારિક નિર્ણયોમાં અગ્રેસર થવા લાગી છે. ઈરાનમાં જેમ નવી પેઢીની યુવતીઓએ આંદોલન કરીને કાયદાઓમાં છૂટછાટ મેળવી લીધી છે એ જ રીતે પાકિસ્તાની સ્ત્રીઓએ પણ હવે શરમ નેવે મૂકવાની શરૂઆત કરી છે. એનું જીવંત ઉદાહરણ લાહોરનું જનજીવન છે. અહીં સ્ત્રીઓનું સામ્રાજ્ય છે. પાકિસ્તાન હાલ અફઘાન યોદ્ધાઓ સાથેની અથડામણમાં વ્યસ્ત હોવા છતાં એ જ અફઘાનીઓના અફીણને ખરીદીને ભારતના અન્ડરવર્લ્ડને સપ્લાય કરે જેમાં તેમની ભૂમિકા પણ મહત્ત્વની છે.
કચ્છના શેખરણ ટાપુ પરથી અનેકવાર ડ્રગ્સના કરોડોના મૂલ્ય ધરાવતા પેકેટ મળતા રહે છે. કેટલાક પર સરકારનું ધ્યાન હોય છે. બાકીના ક્યાં જાય છે એ કોને ખબર? એના છેડા છેક મ્યાનમાર સુધી જાય છે. આંગ સાન સૂ ચિ એક મહામાયા છે. મ્યાનમારના સૈન્યે એને પદભ્રષ્ટ કરીને એક દાયકા બાદ પુનઃ સૈનિક શાસન સ્થાપી દીધું છે. થોડા દિવસ પછી સ્થિતિ પૂર્વવત્ કરવાની લશ્કરે ખાતરી આપી હતી પણ તેમ ન થતાં પ્રજા રસ્તા પર આવી ગઈ છે. હજુ આજે પણ મ્યાનમારમાં ભારેલો અગ્નિ છે. આંગ સાન સૂ ચિ ને કેટલાક લોકો સૂ કિ પણ કહે છે. આ સૂ ચિ એટલી ચાલાક છે કે ચીની જાસૂસોની તે બહુ નજીક હોવા છતાં સૈન્ય દ્વારા એણે પોતાની પણ ધરપકડ કરાવી છે જેના પરિણામ રૂપે એને જ લોકશાહીની મસિહા માનીને લોકો એના પોસ્ટરો હાથમાં લઈ રખડી રહ્યા છે. શાન્તિનું નોબેલ પારિતોષિક મેળવ્યા પછી રોહિંગ્યા મુસલમાનોની કત્લેઆમ કરવાનો તેના પર પુરવાર થયેલો આરોપ છે. આ મ્યાનમારના લશ્કરી વડાઓ હવે તો આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની જાળમાં ફસાયેલા છે. રોહિંગ્યા મુસલમાનોએ જે એશિયા વ્યાપી હિજરત કરવી પડી એના મૂળમાં આ સૂ કિ છે. એનાં દુષ્કૃત્યોની સૂચિ બહુ લાંબી છે.
અમેરિકાની જેમ ભારતીય જેલોમાં રિયલ ક્રાઈમની જગ્યાએ નશીલા પદાર્થોના વ્યાપારિક અપરાધીઓની સંખ્યા વધતી જાય છે. વર્ષો સુધી ભારતીય સાગર કિનારે થતી શસ્ત્રો અને નશીલા પદાર્થોની અવરજવર હવે ઓછી થઈ છે અને જાપ્તો વધ્યો છે એટલે ફરી ભૌગોલિક સરહદેથી હેરાફેરી શરૂ થઈ છે. અટારી એ લાહોરથી માત્ર ચોવીસ કિલોમીટરના અંતરે ભારતમાં આવેલું સ્થાન છે, જ્યાંથી આગળ જતાં વાઘા બોર્ડર આવે છે. અટારી નામ પણ સરસ છે, કારણ કે ભારત આ અટારીએથી સમગ્ર પાકિસ્તાનને જોઈ શકે છે. અટારી સરહદેથી ઝડપાયેલા ૫૦૦ કિલો હેરોઈનથી સરકારનું એ તરફ ધ્યાન ગયું હતું, પણ હવે એ બધું વીસરાઈ ગયું છે. હમણાં થોડા સમય પહેલા કચ્છના ખાનગી પોર્ટ પરથી જે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ કૌભાંડ પકડાયું એના પર પણ ભીનાં પોતાં ફરી ગયાં છે. અફઘાનિસ્તાનથી મ્યાનમાર સુધી નશીલા દ્રવ્યોનો એક અદ્રશ્ય ઈન્ટરનેશનલ સુપર હાઈવે તૈયાર થઈ ગયો છે. ભૂતાન અને નેપાળ પણ એમાં આવી જાય છે.
પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે જે ચાલાક રસ્તાઓ નક્કી કરેલા છે એ જ માર્ગોનો ઉપયોગ હવે નશીલાં દ્રવ્યો મોકલવા માટે થવા લાગ્યો છે. પંજાબમાં પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે કેન્દ્રની મદદ લઈને પાક સાથેની સરહદો સિલ કરી દીધી હતી, કારણ કે પંજાબની યુવા પેઢી તો નશામાં અસ્તિત્વનો ઘોર સંઘર્ષ લડી રહી છે, એટલે પાકિસ્તાને કાશ્મીર સરહદ કે જ્યાં વધુમાં વધુ છીંડા છેલ્લા પાંચ વરસમાં પાકિસ્તાની જાસૂસોએ ડેવલપ કર્યા છે એનો ઉપયોગ હવે કરોડો રૂપિયાના માદક પદાર્થોના વહન-પરિવહન માટે થવા લાગ્યો છે. હવે તો ડ્રગ્સની હેરાફેરી આસાન છે, કારણ કે અફઘાનિસ્તાન તાલીબાનોના હાથમાં આવી ગયું છે. શ્રીલંકામાં જેમ અત્યારે બે વિરોધી સત્તાધીશો સત્તામાં છે, એ જ રીતે અફઘાનિસ્તાનમાં પણ બે વિરોધી તાલીબાની લીડરો સત્તામાં છે. મ્યાનમારમાં પણ અત્યાર સુધી સૈન્ય અને સૂ ચિ બન્ને સત્તામાં હતા. ગૃહ, નાણાં અને સંરક્ષણ ખાતાઓ સૈન્ય પાસે હતા અને બાકીના વિભાગો સૂ ચિ પોતાની પાસે રાખતી. એવી વિરોધી સત્તા વચ્ચે જ મ્યાનમારમાં ડ્રગ માફિયાઓનું નવું ઉપવન વિકસી ગયું છે.
અફઘાનિસ્તાનમાં હવે તો બધા જ તાલીબાનોના પ્રભુત્વ ધરાવતાં ક્ષેત્રો છે. ત્યાં અફીણની ખેતી ફરી શરૂ થઈ ગઈ છે. દુઃખદ યોગાનુયોગ એ છે કે એ પ્રદેશો કે જ્યાં અમેરિકાના કાર્પેટ બોમ્બમારાની ઓછી અસરો થઈ હતી એટલે અફીણ એ જમીનમાં પુરબહાર ફસલરૂપે ઉગવા લાગ્યું છે. કાશ્મીર સરહદેથી આવતા માદક દ્રવ્યો પંજાબ ઉપરાંત પૂર્વ ભારતનાં રાજ્યોમાં, પછી નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી પહોંચે છે. નશીલા દ્રવ્યોનો આ આખો કારોબાર અફઘાન- પાકની સરહદે હોશમાં રહીને ખૂંખાર વેપારીઓ કરી રહ્યા છે જેઓ મ્યાનમાર-ભારત-પાક-અફઘાન ચારેય દેશોના મોસ્ટ વોન્ટેડ છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ માદક દ્રવ્યોના ટ્રાન્સ્પોર્ટેશન માટે પેલા વેપારીઓ પાસેથી ઓફિશિયલ લાખો રૂપિયા લે છે જે વરસે કરોડો થવા જાય છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓનો એક કોમન નાણાં પ્રવાહ માદક પદાર્થોમાંથી આવે છે.
ભારતની અનિચ્છાએ પણ ભારત એ અંધારી આલમ જેવી વ્યવસ્થાની એક કડી છે, કારણ કે દેશદ્રોહીઓ એ આંતકવાદીઓ માટે ભારતમાં 'ઓન ડયુટી' છે. કેન્દ્ર સરકાર માટે આ સાંકળને તોડવી એક પડકાર છે. અફીણ, ચરસ, હેરોઈન એમ અનેક પ્રકારના પદાર્થોની ઉક્ત ચારેય દેશોની સરહદે બોલબાલા છે. અગાઉ અટારી સરહદે હેરોઈનનો જે જથ્થો ઝડપાયો હતો એ માટે એમ કહેવામાં આવે છે કે એ અત્યાર સુધીની સૌથી મોટી ખેપ હતી, પરંતુ એની શી ખાતરી કે આવી મોટી ખેપ અગાઉ પણ ભારતમાં પ્રવેશી નથી? જોકે કચ્છના નવા વિક્રમે એ ઈતિહાસ ભૂંસી નાંખ્યો છે. સફરજનની પેટીઓમાં પણ હેરોઈનનો પુરવઠો પકડાતો રહે છે. જેમ પંજાબમાં તેમ જમ્મુ-કાશ્મીર સરહદે પણ ડ્રગ્સ માફિયાનું 'તંત્ર' ગોઠવાયેલું હોય છે. આ 'ગોઠવણ' જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી દેશે ગોઠણિયાભેર રહેવું પડે છે. પાકિસ્તાનનો મૂળભુત હેતુ દેશની યુવાપેઢીને ખતમ કરવાનો છે. પંજાબી પ્રજાની તાકાત વિશ્વખ્યાત છે. ત્યાં તો ભાગ્યે જ કોઈ પરિવાર એવું હોય જેમાંનું કોઈ રાષ્ટ્રની સેવામાં સરહદે તૈનાત ન હોય. નવી લશ્કરી ભરતીમાં પંજાબી યુવાનોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયેલો છે અને એનું એકમાત્ર કારણ પાકિસ્તાન પ્રેરિત માદક દ્રવ્યો છે.


