- અલ્પવિરામ
- જ્યાં સુધી મા ગામડે બેઠી હતી ત્યાં સુધી ગામડાં કડેધડે રહ્યાં. મા સુરત ગઈ કે મુંબઈ ગઈ કે મા પછી ધામમાં પણ ગઈ પછી જે આ ગામડા કડડભૂસ કરતા ભાંગ્યા છે એનો તો આખો અલગ ઈતિહાસ છે...
ચિત્રકારોએ ભારતીય ગ્રામજગતના બહુ મનોહર ચિત્રો આલેખ્યા છે, પરંતુ એ હવે ઈતિહાસ છે. આપણો વર્તમાન નથી. ગામડાઓ ખાલસા થઈ ગયા છે. જે લોકો ગામડામાં રહે છે એને પોતાને જ ગામડાં બેઠાં કરવામાં કોઈ રસ નથી. તેઓ એમ માને છે કે સરકાર બધું કરે. આ તો સરકારનું કામ છે. ઉપરાંત ઘણા લોકો આર્થિક પરિસ્થિતિની વાતો કરતા હોય છે. ગામડાં ભાંગવાનું કારણ કંઈ આર્થિક પરિસ્થિતિ નથી. પહેલી વાત તો એ છે કે આપણે ગામડામાં બેઠાં બેઠાં શહેરોના વખાણ કરતા થાકતા નથી. એકબીજા લોકો હરખથી કહેતા હતા કે મોટાને સુરત 'મેકલ્યો' ને દિવાળીએ હવે મોટા વાંહે નાનોય જવાનો છે... ખરેખર તો આ જે 'મોટા વાંહે નાનો ગ્યો' ને એની 'વાંહે' જ ગામડાંની સર્વ સંસ્કૃતિ અને સંસ્કાર પણ વહ્યા ગયા... એમ જ ધીરે ધીરે ગામડાં ખાલી થયા ને ભૂતિયા બની ગયાં.
ગામડાઓ તો મખમલના તાકા જેવા હતા. સહુએ એક એક દોરો શહેર ભણી તાણ્યો ને એમ તણાઈ તણાઈને તાકો આખો તાર તાર થઈ ગયો. હવે એને પાછો તો કોણ વણાટ કરી આપે? જ્યાં સુધી મા ગામડે બેઠી હતી ત્યાં સુધી ગામડા બેઠાં થયેલાં રહ્યાં. મા સુરત ગઈ કે મુંબઈ ગઈ કે મા પછી ધામમાં પણ ગઈ પછી જે આ ગામડા કડડભૂસ કરતા ભાંગ્યા છે એનો તો આખો અલગ ઈતિહાસ છે. મા ગામડે બેઠી હતી ત્યારે ગોળનાં ગાડાં હતાં. વાડીઓમાં કૂવાના પાણીના ધોરિયા શેલ-શેત્રુંજીના આછા નીરની જેમ ધસમસતા હતા. સુરતથી છૈયાં-છોકરાનાં ધાડાં ને ધાડાં ઉતરી આવતાં હતાં. ગામની શેરીઓમાં ચાલવાનો માર્ગ ન હતો. આખો વગડો ને એની વનરાઈ પોતાના છોરુની રાહ જોતી હોય. લાલ-પીળા બોરના ઝૂમખાઓ. જ્યાં જુઓ ત્યાં મબલખ પાક. માગ્યા મેહ વરસે એવી દરેક મોસમ. એ જમાનો ગયો.
હવે સુરત ગયેલી આપણી વસ્તી ને આપણા વસ્તારને ઘરના ઘી મળતા નથી. બધુંય મૂળસમેત ઉખડી ગયું. એનો કોઈએ અફસોસ એટલે કરવાનો નથી કે માનવ વસાહતો બહારથી ખાલી દેખાય છે જ કે સ્થિર છે. ખરેખર તો આપણા કાફલા સદાય જિપ્સીઓની જેમ સ્થળ બદલતા રહ્યા છે. સુખની પાછળનો મનેખનો રઝળપાટ કંઈ ઓછો છે? ગામડામાં ખેતી હતી અને એ તો હજુ છે. પરંતુ હવે કોઈને ખેતી કરવી નથી. હા, મોબાઇલમાં ટીક ટીક કરવાથી જો ખેડ થતી હોય તો એ ફાવે એમ છે. એવી ખેડ બધાને કરવી છે. પણ ખેતરે જવાની વાત નહીં. આપણે એવા લોકોને જોયા છે કે ૫૦ કે ૨૦૦ વીઘા જમીન હોય એનેય પડતી મૂકીને સુરત હીરા ઘસવા ગયા હોય. અને પછી ત્યાંને ત્યાં જ રહી ગયા. ખેતી તો એવી છે કે એકવાર તમે પડતી મૂકો પછી તમને કદી નજીક ન આવવા દે. અને જો તમે ખેતીમાં જ ઓતપ્રોત રહો તો પેઢીઓની પેઢીઓ તરી જાય એટલું ધનધાન્ય આ ખેતીવાડી તમને આપે.
આજકાલ અમેરિકામાં યુવક-યુવતીઓ પોતાની નોકરીઓ છોડીને ખેતી કરવા લાગ્યાં છે. તેમની પાસે બહુ જમીન નથી. આમ તો અમેરિકામાં જમીનદારો પાસે મોટા પટની જમીનો હોય છે, પરંતુ આ જે નવી પેઢીના લોકો ખેતીમાં જોડાયા એ બધાની પાસે તો થોડા-થોડા એકર જમીન છે. કોઈની પાસે પાંચ એકર તો કોઈની પાસે સાત. વળી, એવા લોકો કે જે તેમાં જોડાઇ રહ્યા છે તેઓ કંઈ બેરોજગાર નથી કે નોકરી ન મળે ને ખેતી કરે એવા પણ નથી. તેઓ નોકરી કરતા હતા અને ઊંચા પગારની નોકરી હતી. પણ એ નોકરીઓ છોડીને હવે તેઓ કૃષિજીવન તરફ વળ્યા છે. ખેતી અને જાતે કરેલી ખેતીમાં આસમાન જમીનનો ફેર છે. ભાગવી ખેતી એ છે તો ખેતી જ, પણ એમાં મહેનત તો આપણી નથી એટલે રૂપિયો કપાઈને આવે છે.
આજકાલ અમેરિકામાં એક યુવતી બહુ ચર્ચાસ્પદ છે. એનું નામ છે લીઝ વ્હાઈટહર્સ્ટ. આ યુવતી ગ્રેજ્યુએટ થયા પછી છેલ્લાં ચારેક વર્ષથી પોતાની ત્રણેક એકરની નાની જમીનના ટુકડામાં સતત ખેતી કરે છે. તે આખા અમેરિકાને સમજાવવા ચાહે છે કે દરેક પરિવારમાંથી એક સભ્યએ તો પોતાનું જીવન કૃષિને સમર્પિત કરવું જોઈએ. તો જ પરિવારના બાકીના લોકોને સારા ખોરાક-પાણી મળી શકે. જેમના ઘરમાં એક ખેડૂત ન હોય એમના ઘરમાં અનેક ઝેરી ખાદ્ય પદાર્થો પ્રવેશી જવાની ભીતિ રહે છે. આ લીઝ નામની યુવતી કહે છે કે એ જરૂરી નથી કે તમારી પાસે તમારું ખેતર હોય. બે વર્ષ પહેલા મારી પાસે મારું ખેતર ન હતું તો હું બીજાના ખેતરમાં કામ કરવા જતી. તેમાંથી મળેલા પૈસા અને મારી નોકરીની બચત બધું ભેગું કરીને મેં ત્રણ એકર જમીન ખરીદી છે.
લીઝ કહે છે કે હવે આ ત્રણ એકર જમીન એ માત્ર જમીન નથી, પરંતુ મારી હવે પછીની જિંદગીની મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે અહીંથી જ મને બધાય સુખ પ્રાપ્ત થશે. આ ત્રણ એકરની જમીન મને હોસ્પિટલો અને અકસ્માતોથી બચાવશે. હવે મારે શહેરમાં જવાની જરૂર નથી. જોકે આવી વિચારધારા જેટલી સાંભળવી કે વાંચવી મીઠી લાગે છે, એટલો એનો અમલ સરળ કે સ્વાભાવિક નથી. આપણો દેશ તો માત્ર કહેવા ખાતરનો જ કૃષિપ્રધાન છે. સરવાળે નજર નાખો તો ખ્યાલ આવે કે બધાને જમીન માલિકીમાં જ રસ છે, ખેતીમાં રસ નથી.
જોકે એકલા ગુજરાતની વાત નથી, ભારતીય પ્રજાના હાથપગ હવે કાચા પડી ગયા છે. એવા શિક્ષકો હતા કે એક લાફો મારે એટલે વિદ્યાર્થીના કાનમાંથી લોહી વહેવા લાગે. જો એ જમાનામાં શિક્ષકો એવા હતા તો ખેડૂના દીકરા કેવા હશે એની કલ્પના કરો. એકલે હાથે આખા ગાડાં ભરીને ખેતરેથી હાંકી આવતા. રાતે વાહોપ ે(ખેતરની રાત્રિચોકી) જતા. ઝાડ પર મેડા બનાવી રહેતા અને પડકારા કરીને આખી રાત જનાવરને હાંકતા. જરૂર પડે તો હરાયા ઢોરને હાંકવા માથોડે ચડી ગયેલા ખેતરમાં ઉતરતા અને 'હડી' કાઢતા. વળી વહેલી સવારે જાતે બળદ જોડીને કોસ હાંકતા. દૂર પૂર્વમાં જરાક પો ફાટે કે એના કંઠમાંથી પ્રભાતિયા વહેતા થતા - હે જાગ ને જાદવા...!
હવે ગામડાઓના વિકલ્પમાં શહેરો ઉપરાંત વિશાળ ટાઉનશિપો આવી. શહેર તો કાચબાની જેમ ચોતરફ વિસ્તરતા જ રહે છે. નજીકના એક પછી એક ગામડાંઓ શહેરમાં જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે. આપણા દેશમાં મુંબઈ અને કલકત્તા એ બે એવાં શહેરો છે, જે સૌથી પહેલાં ભાંગવાના છે. જેમ ગામડાઓ ખાલસા થાય એમ શહેરો પણ ખાલી થવાના. શહેરો કંઈ અમરપટ્ટો લખાવીને થોડા આવ્યા છે? અત્યારે જ ત્યાં મોટા ભાગના લોકો તો નાછૂટકે રહે છે. એને કોઈક નવી લીલીછમ ડાળે માળો બાંધવો છે. પણ આજે કે કાલે એમ વિચારતા જનમારો પૂરો થઈ જાય છે. શહેર આવા કેટલાય લોકોને આખે આખા ગળી જાય છે. આ તો ક્રમ છે ને કુદરતે નહીં, માણસે જાતે ઘડેલો ક્રમ છે.
ભારતમાં હમણાં કેટલાક સમયથી સરકારનાં વિવિધ ઘટક તત્વો દ્વારા દેશની ટોચની અને મધ્યમ કદની કંપનીઓને કહેવામાં આવે છે કે તમે તમારા નફાનો કેટલોક ભાગ કૃષિ ક્ષેત્રમાં રોકો તે જરૂરી છે. એનાથી દેશને અને તમને બંનેને ફાયદો છે. ઘણા બધા ઉદ્યોગો સ્વાભાવિક રીતે જ કૃષિ ક્ષેત્રથી સંપૂર્ણ વિમુખ હોય છે, પરંતુ દુનિયાના વિકસિત દેશોની નવી પ્રણાલિકા પ્રમાણે હવે કૃષિ ક્ષેત્રથી મોટા ઉદ્યોગ ગૃહો અલિપ્ત રહી શકે તેમ નથી. જોકે એ નીતિનો ભારતમાં અમલ કરવાનું કામ અઘરું પણ છે, કારણ કે ઉદ્યોગગૃહો જો ખેતીવાડીમાં પગ મૂકે અને ત્યાં પણ એ ઉદ્યોગ જ આચરે તો એનાથી દેશની ખેતીવાડીનું કલ્યાણ થવાનું નથી.
કોઈના કહેવાથી કોઈ ખેતી ન કરે. ખેતી તો આત્મસૂઝનો અને આત્માનંદનો વિષય છે. જેને એમાં મઝા ન પડે એને ખેતી ફળે નહીં. એ જ રીતે માત્ર સરકારી નોકરીને કારણે જે લોકો ગામડે અપડાઉન કરે છે કે એમાંના કોઈક વસે છે એનાથી ગામ વસે નહિ. કૃત્રિમ આગંતુકોથી જ તો ગામડાંઓ ઉજ્જડ થયાં છે. એટલે જ્યાં સુધી પ્રજાના પોતાના અંતઃકરણમાં ગામડે જવાનો સાદ ન સંભળાય ત્યાં સુધી ગ્રામોદ્ધાર એક સ્વપ્ન છે.


