- અલ્પવિરામ
- બોર્ડ પરીક્ષાઓમાં કેટલાક માતાપિતા પોતે સંતાનોને ચોરી કરતાં શીખવે છે. એ સંતાનો મોટા થાય પછી કામચોરી ન કરે તો શું કરે? એક વખત પોતાના કાર્ય પ્રત્યેની ભક્તિ અને લગાવ વ્યક્તિમાં ન જન્મે એટલે આખો અવતાર એળે જાય છે
આજકાલ નેપાળની ટૂંકી છતાં કાર્યસાધક યુવા ક્રાન્તિ પછી દુનિયાના દરેક દેશોની આ જેન-ઝી જનરેશન ચર્ચામાં છે. માણસ જાતને ક્યારેક ખબર જ નથી પડતી કે શું કરવું અને શું નહિ. એવું ત્યારે જ થાય જ્યારે દાનતમાં ગરબડ હોય. જેમની ભાવના, લાગણી અને સંનિષ્ઠ કર્મવૃત્તિ ઉદાત્ત ન હોય તેમની જિંદગીના રસ્તાઓ સીધા હોતા નથી. આજકાલ કામચોર લોકોની સંખ્યા દેશમાં બહુ વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં દરેકને પોતાના ભાગનું જે કામ છે તેમાંથી માત્ર દસ ટકા કરવું છે અને બાકીના સમયમાં જલસા કરવા છે. તેઓ એમ માને છે કે અમારું મુખ્ય કામ જલસા કરવા એ જ છે. દેશમાં એક જલસાખોર જનરેશન અસ્તિત્વમાં આવી છે. જેમાં જેન-ઝી સમુદાય પણ સમાવિષ્ટ છે.
જોકે એ જલસા બહુ લાંબો સમય ચાલતા નથી. એ જલસામાંથી જ આગળ જતાં વિનાશ સર્જાય છે. એ જલસા એને જિંદગીના ઘોર પતન સુધી લઈ જાય છે. જો તમે જલસાખોર નહિ હો તો આખી જિંદગીમાં મહેનતથી કાયમ દુનિયાને ન દેખાય એવા સુખ ભોગવી શકો છો. આથક સભાનતાના આ યુગમાં નાણે નાથાલાલ રહેવાની જ મઝા છે. બાકી નાણાં વગરના નાથિયા તો આસપાસમાં બધે રખડતા જ હોય છે. એ નાથિયા એટલે જ એક જમાનાના જુના જલસાખોર લોકો.
એક જમાનો હતો કે જ્યારે લોકો એમ માનતા કે આપણું મુખ્ય કામ તો આપણા ભાગનું દરેક કામ સવાઈ રીતે નિષ્ઠાથી અને સારી રીતે કરવું એ છે. એ જમાનામાં કોઈ પણ સરકારી ઓફિસમાં કે ખાનગી પેઢી અને કંપનીઓમાં તમામ સ્ટાફમાં એક જ જણ કામચોર હોય અને એને બધાય ઓળખતા હોય કે આ કામચોર છે. પરંતુ આજે પરિસ્થિતિ એ છે કે ખરેખર દિલથી કામ કરનારા લોકો લઘુમતીમાં આવી ગયા છે અને કામચોરોની સંખ્યા વધી ગઈ છે. આ કોઈ ચોક્કસ પ્રકારના લોકો વિશેની વાત નથી, પરંતુ આ તો સમગ્ર દેશમાં અત્યારે જે પરિસ્થિતિ છે એનું સંક્ષિપ્ત વર્ણન છે. જ્યાં નોકરી કરતા હોય ત્યાં એ સિવાયનું બીજું અંગત કામ કરવું કે શેરસટ્ટો રમવું એ પણ એક પ્રકારની કામચોરી જ છે. જવાબદારીમાંથી છટકવાની જે ટેવ એમને ઓફિસમાં પડે છે એ કુટેવ બનીને આગળ જતાં તેમની કૌટુંબિક અને સામાજિક જિંદગીમાં મોટો અંતરાય બની જાય છે.
તમે કોઈ પણ ખાનગી કે સરકારી ઓફિસમાં બે કલાક બેસો અને નજર કરો તો ખ્યાલ આવશે કે આપણી શાળા કોલેજોએ કેવા નમૂનાઓ તૈયાર કર્યા છે. જે કોલેજ કે સ્કૂલના સ્ટાફરૂમમાં માસ્તરો માવા - મસાલા અને પાનપડિકી ચાવતા હોય એના વિદ્યાર્થીઓમાં શું માલ હોય? વિદ્યાર્થીઓ તો પરમ પવિત્ર હૃદય ધરાવે છે, પણ એની સામે ઊભેલા માસ્તરોમાંથી મહત્ તો જ્ઞાાનકંગાળ, વિવેકશૂન્ય અને શિસ્તહીન મોડેલ હોય છે. એમાંથી શું શીખવાનું હોય વળી? આવા માસ્તરો જલદી નિવૃત્ત થાય એની સમાજ રાહ જુએ છે. એમને એમ હોય છે કે મને કોણ જાણે? પણ એમનાં લક્ષણો અને ગુપ્ત પરાક્રમોથી આખું ગામ કે સંસ્થા વાકેફ હોય છે. તેઓ પોતે મોટા કામચોર હોય છે. ત્યાંથી જ વિદ્યાર્થીઓને કામચોરીના ન જાણવા જેવા પાઠ જોવા મળે છે.
આપણો દેશ ભારત હવે એક એવા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે જેમાં પ્રજાને કામ કરવાની આળસ ચડેલી છે. આળસ ચડવાનું એક કારણ મનોરંજન છે. એ જ એક પ્રકારનો અફીણનો નશો છે. એક વખત એનો રંગ લાગે પછી ઘેન ઉતરતા આખો અવતાર જતો રહે છે. બહુ શરૂઆતમાં આપણે ત્યાં જ્યાં સુધી ટેલિવિઝન ચેનલના વાયરો ગ્રામ્યવિસ્તારોને વીંટળાયા ન હતા ત્યાં સુધી ગામડાના લોકોના હાથ કામગરા હતા. હવે તો સહુના હાથમાં પોકેટ થિયેટર એટલે કે મોબાઈલ એન્ડ્રોઇડ ફોન આવી ગયો છે. દરેક વ્યક્તિ દિનભર અને રાતભર કુલ કેટલો સમય મોબાઈલ ફોનને આપે છે એનો માસિક હિસાબ કરે તો ખ્યાલ આવે કે આટલા સમયમાં તો પચાસ વિઘાની એકલે હાથે ખેતી થઈ શકે કે એક મહાન ઉદ્યોગનું નિર્માણ કરી શકાય. પણ મનોરંજનના પ્રવાહમાં કાળનો પ્રવાહ હાથમાંથી રેતીની જેમ સરી જાય છે. મોબાઈલ ફોનમાં જોવાતી ક્ષણિકાઓ એટલે કે શોર્ટસ્ હકીકતમાં એના સરવાળે બહુ લોંગ નીવડે છે. તે સમયને ઉધઈની જેમ ખાઇ જાય છે.
જે લોકો પોતાની જિંદગીમાં જરૂર કરતાં વધારાનું કામ કરે છે, જેને એક્સ્ટ્રા માઇલેજ કહેવાય, એ લોકો અણધારી રીતે પોતાની જિંદગીમાં અકલ્પનીય પ્રગતિ કરે છે. કેટલાક લોકોને ટેવ હોય છે પોતાને મળતાં પગાર, નફો કે પુરસ્કારના બદલામાં કંપનીને ઓછામાં ઓછું વળતર આપે; જેની સામે એક વર્ગ એવો પણ છે કે પોતાને મળતા પગારના બદલામાં તેઓ અનેકગણું પરફોર્મન્સ કરે છે અને એક દિવસ તેઓ એવી ઊંચાઈ સુધી પહોંચે છે જ્યાં તેમને ઉચ્ચતમ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની પાસે કામ અઢળક હોય છે અને આવક પણ બારમાસી નદીના પ્રવાહ જેવી હોય છે. કામચોર લોકોની જિંદગી અને એમનું અર્થતંત્ર સૂકી પ્રવાહ જેવું મોસમી હોય છે.
સુખ મેળવવાના અનેક રસ્તાઓ છે, પરંતુ એની બુનિયાદ તો અધિક પરિશ્રમ જ હોઈ શકે. ગુજરાત સરકાર કે ભારત સરકારમાં અનેક કર્મચારીઓ છે - તેમાંના કેટલાક એવા છે જે સામાન્ય નાગરિકનું કામ હાથમાં લે છે ત્યારે સંપૂર્ણ સેવાભાવનાથી કરે છે. જાણે કે લોક દેવતાની પૂજા ન કરતા હોય! એ સિવાયના કર્મચારીઓ અને અધિકારીઓ તો પહેલા પોતાના ટેબલ પર આવેલા કામને હડસેલો મારે છે અને પછી જે નાગરિકો આવે તેમને પણ બીજે હડસેલે છે. તેઓ એમ માને છે કે હાશ, આપણા માથેથી તો આ કામ ગયું. પરંતુ વાસ્તવિકતા એ છે કે માણસ ઓફિસમાં જેવી દાનત રાખે છે, એના ઘરમાં એને એવા જ ફળ મળે છે.
કામચોર લોકોના પરિવારમાં એક નજર નાખો તો એમાં કોઈ ઠેકાણું જોવા ન મળે. એ જ રીતે ભ્રષ્ટાચાર કરનારા લોકોના પરિવારમાં પણ શાંતિ નામની કોઈ વસ્તુ ખરેખર તો હોતી નથી. બહારથી બધા સુખી દેખાય છે પરંતુ અંત:કરણની પ્રસન્નતા તેમને માટે દુર્લભ હોય છે. જ્યારે કે એની સામે નીતિપૂર્વકનું જીવન જીવતા લોકો કદાચ મોસમની પહેલી કેરી ખાઈ શકતા ન હોય તો પણ તેમના ઘરઆંગણાના રોટલામાં મીઠાશ હોય છે અને વાણી-વર્તનમાં આ જગતને શીતળતા આપનારા સંસ્કાર હોય છે. કામચોર લોકો તરફ લોકોના મનમાં ધિક્કારની લાગણી હોય છે.
હવે કેટલાક લોકો મને કે ક-મને જે કામ કરતા જોવા મળે છે તેઓ નોકરી ગુમાવવાના ભયથી કામ કરે છે. એટલે કે તેઓએ કામ તો કરવું નથી પણ કરવું પડે છે. કરવું પડે છે એને કારણે એમને મન તો એ ઢસરડો થઈ જાય છે અને એથી એના પરિણામમાં કોઈ ભલીવાર હોતી નથી. નોટબંધી પછી દેશમાં ચાલુ નોકરીમાંથી જે લોકોને વિદાય આપવામાં આવી એમાંના અડધા તો કામચોર હતા. નોટબંધીના બહાને કંપનીઓએ તેમને વિદાય કરી દીધા. આજે તેમની દશા દયનીય છે.
સુરત અને મુંબઇમાં આવા સંખ્યાબંધ કિસ્સાઓ જોવા મળે છે. અભ્યાસ કરતા હોય ત્યારે બોર્ડ પરીક્ષાઓમાં માતાપિતા પોતે સંતાનોને ચોરી કરતા શીખવે છે. એ સંતાનો મોટા થાય પછી કામચોરી ન કરે તો શું કરે? એક વખત કાર્ય પ્રત્યેની ભક્તિ અને લગાવ વ્યક્તિમાં ન જન્મે એટલે આખો અવતાર એળે જાય છે. બીજાઓનું સતત ભલું કરવાની ભાવના માણસમાં સદગુણો વિકસાવીને એવા કુનેહ અને કૌશલ આપે છે કે પછી એમના કરેલા દરેક કામ દીપી ઉઠે છે.


