Get The App

એક અધૂરા યુદ્ધનું આખરે અનિવાર્ય હતું તે સમાપન

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
એક અધૂરા યુદ્ધનું આખરે અનિવાર્ય હતું તે સમાપન 1 - image

- અલ્પવિરામ

- ટ્રમ્પનું દોઢ ડહાપણ અને ઈરાનનું શાણપણ હવે હોર્મુઝના કુરુક્ષેત્રની બહાર : શું હવે ટ્રમ્પના સતત ફુદરડી જેમ ફરતા રહેતાં વિધાનો પર આ જગત વિશ્વાસ રાખી શકે કે નહિ?

અખાતી યુદ્ધ પૂરું થયાનો એક પ્રકારનો હાશકારો અને ઉત્સવ આંતરરાષ્ટ્રીય પટ પર દેખાય છે. એના ખરા સહીસિક્કા આવતા શુક્રવારે સ્વીટઝર્લેન્ડમાં થવાના છે અને ત્યાં સુધીમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ચિત્ત ઠેકાણે રહે એ ઈતર દેશો માટે માત્ર શ્રદ્ધાનો વિષય છે, કારણ કે આ જગતમાં જેના અભિગમનું કંઈ નક્કી ન હોય એવા ટોપટેન રાજનેતાઓમાં ટ્રમ્પ ટોચ ઉપર છે. આમ તો આ અખાતી યુદ્ધ પૂરું થવાનો અણસાર ગયા સપ્તાહથી શરૂ થયો છે. તે દિવસે ટ્રમ્પે અચાનક નિવેદન આપતા કહ્યું કે ઈરાન પર પ્રસ્તાવિત લશ્કરી હુમલો રદ કરવામાં આવ્યો છે. કોઈ પણ કદાવર દેશ માત્ર સદ્ધર સૈન્ય અને વિરાટ ભંડોળથી યુદ્ધ જીતી શકે એ માન્યતા ખોટી છે. અગાઉ વિયેટનામ યુદ્ધમાં અમેરિકાએ ઘણો માર ખાધો છે. ઈરાન સામેના જંગમાં પણ અમેરિકાએ માંડ માંડ પોતાની જગતકાજીની મુદ્રા જાળવી છે જેને ઈરાને કમ સે કમ ઝાંખી તો પાડી દીધી છે.

ટ્રમ્પે ગયા ગુરુવારે સોશિયલ મીડિયા ટ્રુથ પર ટિપ્પણી કરી હતી કે ઈરાનના તેલ અને ગેસ ઉદ્યોગો અને ખાર્ગ ટાપુ ટૂંક સમયમાં કબજે કરવામાં આવશે, અને અમેરિકા આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે. આનાથી, અલબત્ત, વધુ જટિલ યુદ્ધની વ્યાપક આશંકા ઉભી થઈ. જોકે, થોડા કલાકો પછી, તેમણે જણાવ્યું કે ઈરાન સાથે વાટાઘાટો આગળ વધી રહી છે, અને બોમ્બમારો રદ કરવામાં આવ્યો છે. 

ટ્રમ્પના મતે, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં એક કરાર થયો છે, અને હવે બંને પક્ષો વચ્ચે તણાવ ઓછો કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે. યુદ્ધ પૂરું થયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ ભારે બોમ્બમારો અને તેના તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ  ટાપુ પર કબજો કરવાની હાકલ કર્યાના થોડા કલાકો પછી જ આ નિવેદન આવ્યું છે. આવા પોતાનાં નિવેદનોના શીર્ષાસન તેઓ વારંવાર કરતા રહ્યા છે અને દુનિયાને ગોથાં ખવરાવતા રહ્યા છે. મોહમ્મદ તઘલખની આ એક પશ્ચિમી આવૃત્તિ છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંમત થયેલા અંતિમ મુદ્દાઓને ઘણા દેશોએ મંજૂરી આપી છે. તેમણે દાવો કર્યો કે આ કરારમાં અમેરિકા, તેમજ ઇઝરાયલ, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, તુર્કી, બહેરીન, કુવૈત, જોર્ડન અને ઇજિપ્ત જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પના મતે, વાટાઘાટો ઈરાનની સર્વોચ્ચ નેતૃત્વ ટીમ સુધી પહોંચી ગઈ છે, અને હુમલાઓ રોકવાનો નિર્ણય તમામ પક્ષોની મંજુરી પછી જ લેવામાં આવ્યો હતો. જોકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈરાન સામે યુએસ નૌકાદળની નાકાબંધી ચાલુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની બંદરો પર દરિયાઈ નાકાબંધી કરાર સંપૂર્ણપણે અમલમાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.

ટ્રમ્પે આને કામચલાઉ પરંતુ જરૂરી પગલું ગણાવ્યું, પરંતુ પછી તરત જ તેમણે પોતાના દળોને ખાડીમાંથી પાછા બોલાવી લીધા અને ઈરાને પણ નાકાબંધી છોડી આ જળમાર્ગ ખુલ્લો કરી દેતા વિશ્વભરના શેર બજારમાં તેજીના તોખારની હણહણાટી સંભળાવા લાગી છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો હતો. બંને પક્ષો દ્વારા લશ્કરી કાર્યવાહીથી ગલ્ફ ક્ષેત્રમાં મોટા યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. શ્રેણીબદ્ધ હુમલાઓ અને જવાબી હુમલાઓ બાદ પરિસ્થિતિ અત્યંત તંગ બની ગઈ હતી, પરંતુ આ અચાનક નિવેદનથી પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ, કારણ કે ઈરાને પહેલા તબક્કે તો આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢયો.

ખરેખર ટ્રમ્પની ઘણી વાર ઉતાવળી ટિપ્પણીઓએ વ્યાપક વૈશ્વિક અસરવાળી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું છે, છતાં તેઓ પોતે ગંભીર દેખાતા નથી. ઉદાહરણ તરીકે, લગભગ બે મહિના પહેલા, જ્યારે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વાટાઘાટો નિષ્ફળ ગઈ, ત્યારે ટ્રમ્પે વારંવાર યુદ્ધની જ્વાળાઓ વધારવાની ધમકીઓ આપી હતી. આ પછી, અમેરિકાના શેરબજારમાં ૪,૫૦૦ પોઈન્ટથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, જ્યારે પણ તેઓ હુમલાઓ ધીમા પડવા અંગે સકારાત્મક નિવેદનો આપે છે અથવા વાતો કરે છે, ત્યારે શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે.

ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે આવી કોઈ સમજૂતી થઈ નથી, કે લશ્કરી કાર્યવાહી રોકવા માટે કોઈ સમજૂતી થઈ નથી. આ સ્પષ્ટપણે બંને દેશોનાં નિવેદનો વચ્ચે નોંધપાત્ર વિસંગતતા દર્શાવે છે, જે પરિસ્થિતિ વિશે મૂંઝવણને વધુ વેગ આપે છે. પરંતુ પછીથી આ નવા સપ્તાહના આરંભે ઈરાને શાણપણથી ટ્રમ્પની વાતોને મૂક સંમતિ આપી. હાલમાં, આ સમગ્ર ઘટના પર આંતરરાષ્ટ્રીય સ્તરે નજર રાખવામાં આવી રહી છે, કારણ કે જો તણાવ ખરેખર ઓછો થયો છે ને તે મોટી રાહત છે, પરંતુ જો નિવેદનો માત્ર રાજકીય દાવા સાબિત થાય છે તો ગલ્ફ ક્ષેત્રમાં પરિસ્થિતિ ફરીથી ઝડપથી બગડી શકે છે. જ્યાં સુધી આગામી શુક્રવારે કરાર પર અમેરિકા અને ઈરાનના સહીસિક્કા ન થાય ત્યાં સુધી હોઠ અને પ્યાલા વચ્ચેના અંતરની જેમ આશા રાખવાની રહે છે.

ટ્રમ્પે આ યુદ્ધના અંત વિશે જે વાજાં વગાડયા તેવો કોઈ ધ્વનિ તેહરાને પ્રગટ કર્યો નથી. ૩૦૦ અબજ ડોલરના ખર્ચે અમેરિકાએ ઇરાનને બેઠું કરવાના વચનો ઉચ્ચાર્યા છે. આ યુદ્ધ દરમિયાન ટ્રમ્પનું વિશદ અને વિચિત્ર ચરિત્ર પણ દુનિયાના ચોકમાં છતું થયું એને યુદ્ધની એક આડ-ફલશ્રુતિ માનવી જોઈએ. યુએસ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દરરોજ એક એવું નિવેદન આપતા હતા જે ઘણા સ્તરે ઉથલપાથલનું કારણ બનતું. 

જો કે, તેઓ સામાન્ય રીતે થોડા સમય પછી જ એવા નિવેદન સાથે પ્રતિક્રિયા આપે છે જે તેમના ખુદના વલણનો વિરોધાભાસ કરે છે અથવા તેને પાછું ખેંચે છે. વિડંબના એ છે કે, તેમના વૈશ્વિક સ્તરને જોતાં, ટ્રમ્પના નિવેદનોને સંપૂર્ણપણે અર્થહીન તરીકે નકારી કાઢવાનું અશક્ય હોય છે, અને તેમના વિચારોને સુસંગત તરીકે સ્વીકારવા પણ મુશ્કેલ હોય છે. અનેક દેશોના વડાઓ અનેક અસમંજસ અને સંકટમાંથી આ યુદ્ધ દરમિયાન પસાર થયા છે. તેઓને ટ્રમ્પે અનુભવ-સમૃદ્ધ બનાવ્યા છે!

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે વિશ્વભરના મોટા ભાગના દેશોની સપ્લાય ચેઇનને ખોરવી નાખી છે, અને તેઓ પણ ટ્રમ્પના વલણથી ચિંતિત છે. જ્યારે ટ્રમ્પ સૂચવે છે કે યુદ્ધ સમાપ્ત કરવા અથવા યુદ્ધવિરામ પર કરાર શક્ય છે, ત્યારે તે શેરબજારમાં રાહત લાવે છે અને અસરગ્રસ્ત દેશોમાં શાંતિ અને સ્થિરતાની આશા જગાડે છે. પરંતુ ટ્રમ્પ, આ વાતથી અજાણ, બીજા જ દિવસે વિરોધાભાસી અથવા ગેરમાર્ગે દોરનારું નિવેદન આપે છે.