દુનિયાની ભૂગોળ છાને પગલે બદલાઈ રહી છે
- અલ્પવિરામ
- પોતાના જ દેશની સરકાર સામે સંઘર્ષ કરનારા દરેક ક્રાન્તિકારી સમુદાયને હવે આતંકવાદીઓનું તૈયાર જૂથ ઉપલબ્ધ બનવા લાગ્યું છે
દુનિયાની ભૂગોળ આવનારા વરસોમાં હજુ બદલાઈ જવાની છે. ચીન સૌથી મોટો ભૂગોળવેત્તા દેશ છે. ભૌગોલિક સંક્રમણ રશિયાનો પ્રિય વિષય છે. અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોનમાં આતંકવાદીઓ પર સૈન્ય કાર્યવાહી માટે ગહન અભ્યાસ અને સંશોધન કરનારો અલગ વિભાગ છે. અમેરિકાની સૌથી મોટી તાકાત જ એ છે કે એની પાસે દરેક ક્ષેત્રમાં સંશોધન કરનારાઓનો વિરાટ કાફલો છે. કોઈપણ દેશમાં શિક્ષણ સર્વોચ્ચ સ્તરે પહોંચે પછીથી સંશોધનનો ઊઘાડ થતો હોય છે. પેન્ટાગોનના અભ્યાસ પ્રમાણે અત્યારે આતંકવાદીઓ દુનિયાભરમાં ફેલાઈ ગયેલા છે. ઇરાક, સિરિયા, ઇજિપ્ત, પેલેસ્ટાઈન, ઈઝરાયલ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ દેશોમાંથી આગામી પચાસ વરસ સુધી આતંકવાદીઓનો સફાયો થઇ શકે એમ નથી. આતંકવાદમાં છૂપાઈને પ્રહાર કરવાની જે દગાબાજી છે અને એની જે ભૌગોલિક અનિશ્ચિતતાઓ છે એ જ એને કોઈપણ શક્તિશાળી સૈન્ય સામે ટકાવી રાખે છે.
પેન્ટાગોનની નવી થિયરી પ્રમાણે આતંકવાદીઓ સત્વરે પોતાની નવી જનરેશન તૈયાર કરવામાં ધ્યાન આપે છે, કારણ કે તેઓ જાણે છે કે તેઓની પાસે જિંદગી અલ્પ અવધિ ધરાવતી હોય છે અને ડગલે ને પગલે મોત એમનો પીછો કરતું હોય છે. ઉપરાંત તેઓ પોતે પણ ફિદાયિન હુમલાઓ દ્વારા કે અન્ય રીતે મૃત્યુને ભેટવા માટે તત્પર હોય છે. હવે આતંકવાદીઓ દુનિયાના તમામ ક્રાન્તિકારી પ્રદેશો પર પોતાની હકૂમત જમાવવા નીકળ્યા છે. કારણ કે જે પ્રદેશની પ્રજા તેના જ દેશની વિરુધ્ધમાં વિચારતી હોય એને પોતાની કરી લેવાનું કામ આતંકવાદી કમાન્ડરોને આસાન લાગે છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ-ચાર વરસથી એ જ થઇ રહ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાન્તમાં ક્રાન્તિ ચાલી રહી છે અને ત્યાં પણ હવે ઇરાક અને સિરિયાથી આતંકવાદીઓ આવવા લાગ્યા છે. એનો બીજો અર્થ એ પણ છે કે પોતાના જ દેશની સરકાર સામે પ્રાંતવાદ દાખવીને લડાયક બનેલી વિશ્વની કોઈપણ પ્રજાને કે નાના સમુદાયને હવે તૈયાર આતંકવાદીઓનું હરતું ફરતું સૈન્ય ઉપલબ્ધ થવા લાગશે. ભારતમાં પૂર્વોત્તર ભારતીય પ્રદેશો પર પણ આ જોખમ રહે છે.
અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં તાજેતરના કિસ્સાઓમાં એ સાબિત થઇ ગયું છે કે ઇસ્લામ ધર્મના કોઈ પણ તહેવારની અદબ પણ હવે આતંકવાદીઓ જાળવતા નથી. દુનિયાની વિવિધ સરકારો દ્વારા આતંકવાદીઓ સામેના જે એકતરફી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવે છે તેને આતંકવાદીઓ તો ધ્યાનમાં લેતા જ નથી અને એનો લાભ લઇને તેઓ બેફામ હુમલાઓ કરતા થયા છે. જુની અફઘાન સરકારે થાકીને તાલીબાનો સામે હાર સ્વીકારવી પડી. આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અફઘાન સૈન્યની જ પ્રતિષ્ઠા ઘટી. ભારત સરકાર પણ જમ્મુ અને કાશ્મીરમાં આવા માત્ર પોતે જ પાલન કરવાના યુદ્ધવિરામના નિષ્ફળ અખતરા કરી ચૂકી છે. વિશ્વના જે દેશોમાં ત્યાંની સરકાર સામે બળવો થવાની સ્થિતિ હોય કે સિવિલ વોરના સંયોગો નજીક આવી ગયા હોય ત્યાં હવે આતંકવાદીઓ પનાહ લેવા લાગ્યા છે. પેન્ટાગોન માને છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં થોડાં વરસો પછી ટુકડે-ટુકડા થઇ જશે. ત્યાં અનેક નવા નાના રાષ્ટ્રો અસ્તિત્વમાં આવશે.
આ એવા બે દેશો છે જે આજની દુનિયા માથે લટકતી તલવાર જેવા આતંકવાદનું ભરપુર પાલન પોષણ કરી રહ્યા છે. અફઘાન પ્રજાએ તો ઘણાં વર્ષોથી આતંકવાદ સાથે છેડો ફાડી નાખ્યો છે, પરંતુ વર્ષો સુધી તાલીબાનોને પ્રોત્સાહન આપ્યુ હોવાને કારણે તેઓ ત્યાંથી જલદી દૂર થયા નહીં અને એક આખા દેશને ગળી ગયા. એની સામે પાકિસ્તાને તો સૈન્યની એક પાંખની જેમ જ આતંકવાદીઓના તાલીમી કેમ્પ નિભાવ્યા છે. પાકિસ્તાની સરકારના બજેટમાં હંમેશા એક જંગી રકમનું ગુપ્ત ફંડ આતંકવાદીઓને ફાળવવામાં આવે છે જે મુખ્યત્ત્વે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પહોંચે છે.
ઇ.સ. ૨૦૦૧ના ન્યૂયોર્ક ટ્રેડ સેન્ટર પરના હુમલાઓ જે નાઈન-ઇલેવન તરીકે ઓળખાય છે તે દિવસથી આજ સુધી અમેરિકાએ આતંકવાદ સામેની લડતમાં દર વરસે તેના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ખર્ચ કરી છે. પેન્ટાગોનના ફ્યુચરિસ્ટિક્સ અંર્તર્ગતના સંશોધનો બતાવે છે કે આગામી વરસોમાં વિશ્વના મોટા ભાગના દેશોએ તેના બજેટની વીસ ટકા રકમ જે જંગી કહેવાય એ આતંકવાદ સામે લડવામાં ખર્ચ કરવી પડશે. આ તારણો એમ પણ દર્શાવે છે કે સરહદી સુરક્ષાની સમસ્યાની તુલનામાં આંતરિક સુરક્ષાના પ્રશ્નો દરેક દેશની સરકાર માટે હવે કાયમી ઉપાધિનો વિષય છે. અમેરિકાના વાર્ષિક બજેટની વીસ ટકા રકમ ભારત, રશિયા અને દક્ષિણ કોરિયાના વાર્ષિક સંરક્ષણ બજેટથી ક્યાંય અધિક થાય છે.
ઇ.સ. ૨૦૦૧ સુધી અમેરિકામાં જેહાદીઓ અને આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં મૃત્યુ પામેલા નાગરિકોની સંખ્યા માત્ર એકસો હતી, પરંતુ પછીથી આ આંકડો વીજળીક વેગે વધતો રહ્યો છે. માત્ર ઇ.સ. ૨૦૧૬ના એક જ વરસમાં અમેરિકામાં આતંકવાદીઓ દ્વારા હણાયેલા નાગરિકોની સંખ્યા વીસ હજાર સુધી પહોંચી ગઈ. જો અમેરિકાના આંકડાઓ આમ કહેતા હોય તો ભારતમાં નકસલવાદીઓ અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા કુરબાન કરી દેવાયેલા ભારતીય નિર્દોષ નાગરિકો અને શહીદ થયેલા સૈનિકોની છેલ્લા ચાર વરસમાં સંખ્યા ક્યાં પહોંચી હશે? માત્ર કલ્પના જ કરવાની રહે છે, કારણ કે ભારત સરકાર દ્વારા જાહેર થતા આંકડાઓ પર વિશ્વાસ રાખવો એ સત્યનો અનાદર કરવા બરાબર છે.
આતંકવાદે અગાઉ અફઘાનિસ્તાનના લાખો લોકોને નિશાન બનાવ્યા છે એને કારણે અફઘાન પ્રજામાં આજે એવું કોઈ પરિવાર નથી જેનો એક પણ સભ્ય આતંકવાદીઓના હાથે માર્યો ગયો ન હોય. અને એ જ કારણથી પ્રજા સામુદાયિક રીતે આતંકીઓની વિરુધ્ધ થઇ ગઇ છે. તો પણ તાલીબાનનો પગદંડો હવે ખુદ સરકાર સ્વરૂપે ત્યાં મજબુત છે. અફઘાની પ્રજાના આ દુર્ભાગ્ય છે. અફઘાનિસ્તાનમાં બેઘર થયેલા લોકોની સંખ્યા પણ લાખોની છે. અમેરિકી સૈનિકોએ અફઘાનિસ્તાનના કુનાર પ્રાન્તમાં ફઝલુલ્લાહ નામના એક આતંકવાદી નેતાને ઠાર માર્યો હતો. તહેરિક-એ-તાલિબાન જૂથ ચલાવીને વરસો સુધી પાકિસ્તાન સરકારના ફંડથી તગડો થયેલો આ આતંકવાદી પેન્ટાગોનના હિટલિસ્ટમાં છેલ્લા પાંચ વર્ષથી હતો. અમેરિકા પાસે દુનિયાના આતંકવાદીઓનું એક વર્ગીકૃત લિસ્ટ છે. જો બાઈડન ઘરડા છે પણ એમના સલાહકારોમાં બુદ્ધિમાન વેપારી રાજનેતાઓ અને ખૂંખાર કમાન્ડર કક્ષાના લડવૈયાઓ છે. એમણે શરૂઆતમાં ઉતાવળા વિધાનો કર્યા બાદ આતંકવાદ સામેનું યુદ્ધ ઠંડુ પાડી દીધું છે. એક અકળ વ્યક્તિત્વના તેઓ માલિક છે.
વિકાસશીલ રાષ્ટ્રોમાં અશાંતિ ફેલાતી રહે એવો મત ધરાવતા બે મોટા ગજાના નેતાઓમાં જિનપિંગ સાથે વ્લાદિમિર પુતિન છે. તેઓ આતંકવાદને નામશેષ કરવા ચાહતા નથી, પરંતુ બેઠા થતાં જતાં દેશોને વારંવાર પછાડતા રહેવા માટે આતંકવાદીઓને અત્યંત ગુપ્ત રીતે પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાન કે જે ભારત સામે તેના આતંકવાદીઓ દ્વારા છેલ્લાં ત્રીસ વરસથી લડે છે એને હમણાં સુધી તો અમેરિકાએ ભીતરથી પ્રેરણા આપી હતી. અફઘાનિસ્તાનના તાલીબાનોએ જ અમેરિકી મદદથી અફઘાન ધરતી પરથી રશિયાને હાંકી મૂક્યું હતું. એ જ રશિયા હવે આ અફઘાન પર પોતાનો નવો પ્રભાવ જમાવવા માટે દુશ્મન જેવા તાલીબાનોને ગર્ભિત રીતે મદદ કરતું હોવાની દહેશત હતી. રશિયાની વિદાય પછી અમેરિકાએ જ અફઘાન પ્રજાને વેરવિખેર કરી હતી. જો કે ઓસામા બિન લાદેનના જમાનામાં અમેરિકી લડાયક વિમાનોએ અફઘાન ધરતીને જે નુકસાન કર્યુ તેના બદલામાં અમેરિકાએ એક આખી ડોલરગંગા વહાવી હતી તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.