For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આખરે કોંગ્રેસને થયું છે શું? પતન છતાંય નાસમજ...

Updated: Jan 16th, 2024

આખરે કોંગ્રેસને થયું છે શું? પતન છતાંય નાસમજ...

- અલ્પવિરામ

- કોંગ્રેસ પુનરાગમન કરવા સક્ષમ નથી અથવા ગમે એટલા પ્રયત્નો છતાં લોકહૈયે એની છબી સાવ ઝાંખી કેમ રહે છે? સિક્કો કેમ પડતો નથી ને ડંકો કેમ વાગતો નથી?

આમ તો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જીત બાદ, હિન્દી બેલ્ટનાં ત્રણ રાજ્યોમાં પરાજય સાથે કોંગ્રેસની મજબૂત વાપસીની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ રીતે ઈ.સ. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનો રસ્તો અનિશ્ચિત બની ગયો છે. એટલું જ નહીં, કોંગ્રેસની એ હારને કારણે નવી રચાયેલી I.N.D.I.A. મહાગઠબંધનની મુશ્કેલી પણ વધી ગઈ છે, કારણ કે આ ગઠબંધનનું ભવિષ્ય પણ કોંગ્રેસ સાથે જોડાયેલું છે. જો કોંગ્રેસ ૨૦૦થી વધુ લોકસભા બેઠકો પર ભાજપ સામે હારવાનું ચાલુ રાખે છે જ્યાં બંને પક્ષો સીધી હરીફાઈમાં છે, તો પ્રાદેશિક પક્ષોનું સારું પ્રદર્શન પણ ગઠબંધનને જીત અપાવવા માટે પૂરતું નથી.

આખરે કોંગ્રેસને શું થયું છે? શા માટે તે પુનરાગમન કરવા સક્ષમ નથી અથવા ગમે એટલા પ્રયત્નો છતાં લોકહૈયે એની છબી સાવ ઝાંખી કેમ રહે છે? સિક્કો કેમ પડતો નથી ને ડંકો કેમ વાગતો નથી? ઘણા લોકો આ માટે ગાંધી પરિવારના નેતૃત્વ અને તેમની ઘટતી ચૂંટણી જીતને જવાબદાર માને છે. તેમનું કહેવું છે કે 'ન્યૂ ઈન્ડિયા'માં મોદી ફેક્ટર ખૂબ જ મજબૂત છે, જ્યારે કોંગ્રેસ પાસે કોઈ નવો નેરેટિવ નથી. નરેન્દ્ર મોદીએ સત્તા પર આવ્યા પછી એક પછી એક મોટા ગજાના પ્રચાર અભિયાનો સરકારી વાજિંત્રમાં જે વહેતાં કર્યાં એની સામે કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ. એણે વાજપેયી મોડેલની ધારણા કરી હતી જેમાં પરિપૂર્ણ સજ્જનતા હતી, કારણ કે વાજપેયી મહાન રાજપુરુષ હતા, પણ ખેલાડી ન હતા.

ગાંધી પરિવારનું નેતૃત્વ વારસા પર આધારિત છે, જેને મોદી વંશવાદ કહીને ધિક્કારે છે. જ્યાં તમામ અધિકારો છે, પરંતુ હાર કે ખોટા નિર્ણયો માટે કોઈ જવાબદારી લેવામાં આવતી નથી. પક્ષ હારે છે, નુકસાન સહન કરે છે, પરંતુ ગાંધી પરિવાર તેનાથી અસ્પૃશ્ય રહે છે. કોંગ્રેસ માટે રાજકીય નિરાશાના આ સમયગાળા વચ્ચે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી યાત્રા પર નીકળવાનું નક્કી કર્યું એ પણ એક અખતરો જ છે. પુનરાવર્તિત અખતરો. જેઓ પાસે કંઈ નવું નથી તેઓ સ્વાનુકરણનો ભોગ બને છે. રાહુલ અને પ્રિયંકા ગાંધી વાડ્રાને આશા હતી કે રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને આનો સંપૂર્ણ શ્રેય તેમની ભારત જોડો યાત્રા અને જાતિ ગણતરી-ઓબીસી કાર્ડને જશે. પરંતુ આ થઈ શક્યું નહીં. આ નવી 'ઈસ્ટ-વેસ્ટ યાત્રા-૨' પાર્ટીને કેટલી હદ સુધી લઈ જશે તે જોવું રહ્યું.

૨૧ ડિસેમ્બરે કારોબારી (CWC)ની બેઠકમાં કેટલાક સભ્યોએ રાહુલને ચેતવણી આપી હતી કે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે અને આવી સ્થિતિમાં બીજી મુલાકાત લાભદાયી રહેશે નહીં. મહત્ત્વના દિવસોનો વેડફાટ થશે. ઉપરાંત, તે રામ મંદિરના ઉદઘાટન માટેના ભાજપના કાર્યક્રમો સાથે ટકરાઈ શકે છે અને તેમાં પહેલાં જેવી નવીનતા રહેશે નહીં, પરંતુ પાર્ટીએ આ ચેતવણીઓની અવગણના કરી છે.

રાહુલ ગાંધીની બીજી યાત્રા મણિપુરથી ચાલુ થઈ ગઈ છે, તો બીજી તરફ પ્રિયંકા વાડ્રા પણ પોતાની પહોંચ વિસ્તારી રહી છે. તેમના નેતૃત્વમાં યુપી કોંગ્રેસ લગભગ બરબાદ થઈ ગઈ હોવા છતાં, તેમને ઈનામ તરીકે 'વિભાગ વિના AICC મહાસચિવ'નું પદ મળ્યું. તેનો અર્થ એ છે કે કોઈપણ જગ્યાએ દખલ કરવાનું લાઇસન્સ અને તે પણ કોઈપણ જવાબદારી વિના. જો રાહુલનો પીએમ બનવાનો દાવો એ હકીકત પર આધારિત છે કે તેમના પિતા, તેમનાં દાદી અને તેમના પરદાદા પણ વડાપ્રધાન હતા, તો પ્રિયંકા વાડ્રાની તરફેણમાં બીજી લાયકાત છે એટલે કે તેમના ચાહકો હવે દાવો કરી શકે છે કે લાલ બહાદુર શાસ્ત્રી પણ વડાપ્રધાન બનતા પહેલા 'પોર્ટફોલિયો વગરના મંત્રી' હતા.

એક બુદ્ધિશાળી 'ટુ હેન્ડ ક્લેપ' સિસ્ટમ પરિવારને ખીલવામાં મદદ કરે છે એટલે કે વાહવાહીનું કલ્ચર અથવા અહો રૂપમ્ અને અહો ધ્વનિ...! CWCથી AICC સચિવાલય અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓ (CPC) સુધી, લગભગ તમામ અધિકારીઓ 'નોમિનેટેડ' છે, જેમને ચૂંટાયેલા સભ્યોથી વિપરીત, ઇચ્છાથી દૂર કરી શકાય છે. સોનિયા-રાહુલ પ્રમુખ પદ છોડયા પછી પણ પોતપોતાના હોદ્દા સુરક્ષિત કર્યા. રાયપુર સત્રમાં, કોંગ્રેસના ભૂતપૂપર્વ પ્રમુખો અને ભૂતપૂર્વ વડા પ્રધાનોને CWCમાં કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું. ગાંધી-નહેરુ પરિવાર અને નિયુક્ત અધિકારીઓ પરસ્પર વફાદારીના નામે એક સાથે ફરે છે, જ્યારે કોંગ્રેસ ડૂબી રહી છે. નામાંકિત અધિકારીઓ આ સૂર ગાતા રહે છે કે માત્ર ગાંધી-નહેરુ પરિવાર જ પાર્ટીને એક કરી શકે છે. પક્ષો ભવિષ્યની રાજનીતિ પર કામ કરીને જીતે છે, ભૂતકાળની વાર્તાઓ પર નહીં.

પરિવારના મજબૂત નિયંત્રણ હેઠળ, ચૂંટાયેલા પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વાસ્તવિક નેતાની છાયામાં કામ કરે છે. રાહુલ ગાંધી, જેઓ અવારનવાર વડાપ્રધાન મોદી પર 'બંધારણ અને સંસ્થાઓને નબળા પાડવા'નો આરોપ લગાવે છે, તે વ્યંગાત્મક રીતે પોતાને બંધારણ અને કોંગ્રેસની સંસ્થાકીય જોગવાઈઓથી ઉપર કામ કરતા માને છે. દેખીતી રીતે, આજના CWCમાં કોઈ પણ તેમને યાદ અપાવવાની હિંમત કરી શકશે નહીં કે તેઓ અન્ય લોકોને ઉપદેશ ન આપે.

મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવારોની યાદીમાં પણ નથી. તેમણે દલિત સમુદાયમાંથી ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકે રજૂ કરીને આ વાતને વધુ તીવ્ર બનાવી છે. હવે જોવાનું એ રહે છે કે સીટોની વહેંચણીમાં ઈન્ડિયા બ્લોક જીતશે કે પછી કોઈ પક્ષ ગઠબંધન છોડી દેશે.

હિન્દી બેલ્ટનાં મહત્વનાં રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસના ઘણા નેતાઓ ચિંતામાં છે કે શું પાર્ટી ઈ.સ. ૨૦૧૯માં સૌથી ઓછી ૫૨ બેઠકોનો રેકોર્ડ પાર કરી શકશે? તેમની ચિંતાઓ માન્ય છે, કારણ કે ૨૦૧૯માં કોંગ્રેસની મોટાભાગની બેઠકો (લગભગ ૬૦ ટકા) ત્રણ રાજ્યો - કેરળ (૧૫), તમિલનાડુ (૮) અને પંજાબ (૮)માંથી આવી હતી. કેરળમાં પાર્ટીનું પ્રદર્શન ટોચ પર છે, હવે તેમાં ઘટાડો થઈ શકે છે. તમિલનાડુમાં કોંગ્રેસ સંપૂર્ણપણે તેના સહયોગી ડીએમકે પર નિર્ભર છે. પંજાબમાં આમ આદમી પાર્ટી પણ દાવેદાર છે

કોંગ્રેસની આશા તેલંગાણા, કર્ણાટક અને હિમાચલ પર ટકેલી છે, પરંતુ બીજી તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાત જેવાં મોટાં રાજ્યોમાં તેની પકડ નબળી પડી છે. હિન્દી પટ્ટાના મોટાં રાજ્યોમાં મળેલી આ હારને કારણે અન્ય રાજ્યોમાં સીટ વહેંચણીને લઈને તેની સોદાબાજીની ક્ષમતા પર પણ ખરાબ અસર પડશે. બિહારમાં જેડીયુ, મહારાષ્ટ્રમાં એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, યુપીમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી, ઝારખંડમાં જેએમએમની જેમ, પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે બેઠકોના સંકલનને કારણે કોંગ્રેસની સોદાબાજીની શક્તિ ઓછી થઈ છે. આનો અર્થ એ થયો કે એક તરફ જે રાજ્યોમાં સીધી સ્પર્ધા છે ત્યાં કોંગ્રેસે જ ભાજપના તોફાનનો સામનો કરવો પડશે.

કોંગ્રેસ અને 'ઈન્ડિયા' ગઠબંધનને મોદીના નેતૃત્વ, હિન્દુત્વ-રાષ્ટ્રવાદના આકર્ષણ અને સરકારી યોજનાઓનાં જાળાંનો સામનો કરવો પડશે. 'મોદી ફેક્ટર'થી બચવા માટે કોંગ્રેસ કહી રહી છે કે તે તેને રાહુલ વિરુદ્ધ મોદી તરીકે બતાવવા માગતી નથી. ઈન્ડિયા ગઠબંધન કહી રહ્યું છે કે તેના તરફથી પીએમ પદના દાવેદાર કોણ હશે તે ચૂંટણી પછી નક્કી કરવામાં આવશે, તેથી આ વ્યૂહરચના પાછળનું કારણ 'મોદી ફેક્ટર'ને ઉઘાડું પાડવાનું છે, પરંતુ વિપક્ષના ઘણા નેતાઓને હજુ પણ ડર છે કે ભાજપ ન્યાય યાત્રાને 'મોદી વિરુદ્ધ રાહુલ-૩' તરીકે રજૂ કરશે.

Gujarat