- અલ્પવિરામ
- ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને પર્યાવરણની વિષમતાના યુગ તરીકે યાદ કરશે, કારણ કે પોતાને નુકસાન કરનારો આવો તો વનમાનુષ પણ અગાઉ ધરતી પર ન હતો
હજુય વરસાદની આગાહી અટકી નથી. ચોમાસુ માંડવી ખેતરથી ખળે ને ખળેથી યાર્ડના ઢગલે પહોંચી છે તોય વાદળોની ઘટા દેખાય છે. સૂર્ય બહુ જ સૂક્ષ્મ રીતે એના બ્રહ્માંડના પરિભ્રમણમાં અને ઉષ્ણતામાં ધીમો પડી રહ્યો છે. પૃથ્વી પર આજ સુધીમાં અનેક હિમયુગ આવી ગયા છે. એવા અનેક યુગ કે જેમાં સમગ્ર પૃથ્વી બરફ આચ્છાદિત થઈ ગઈ હોય અને સદીઓ પછી એમાં પુનઃ નવજીવનનો સંચાર થયો હોય. એક તરફ ગ્લોબલ વૉર્મિંગને કારણે ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવના હિમ પ્રદેશો પ્રવાહિત થઈ રહ્યા હોવાની હકીકતો જગત સામે આવી છે. બરફના વિરાટ પહાડો ટુકડે ટુકડે અલગ થઈને પીગળી રહ્યા છે અને વહેતી થયેલી નદીઓમાં ઉપરવાસથી ફરી નવા બરફના ટૂકડા તરવા લાગે છે. પૃથ્વી પરના ઉષ્ણતામાનનું નિયમન કરવામાં નો ધુ્રવ પ્રદેશનો મહત્ત્વનો ફાળો છે.
માનવ ઇતિહાસમાં એક પણ યુગનું નામ હવામાનમાં થતા ફેરફારો પરથી પ્રેરિત થઈને પાડવામાં આવ્યું નથી. હા, હિમયુગ આપણે જાણીએ છીએ પરંતુ ત્યારે માણસનું અસ્તિત્વ ન હતું. માનવ સંસ્કૃતિઓના પારણા બંધાયા ત્યારથી પૃથ્વીનું હવામાન માનવજાતને અનુકૂળ રહ્યું છે. જેમ ડાયનોસોરની આખી દુનિયાનો એક ઝાટકે છેદ ઉડી ગયો અને એના પછી પણ હિમયુગમાં આખી પૃથ્વી ભેંકાર બની ગયેલી. એવી અત્યંત જીવલેણ પરિસ્થિતિને અનુભવવાનો વારો મનુષ્યને ક્યારેય આવ્યો નથી. આ એક હકીકત વિજ્ઞાાની કે નાસ્તિકને પણ ભગવાનના હોવાપણા પર વિચાર કરતા કરી શકે. ખેર, ભગવાન હોય કે ન હોય એ આપણો અત્યારનો વિષય નથી પરંતુ એટલું ચોક્કસ છે કે માનવજાત ભગવાન હોય તો પણ એની તમા રાખે એમ નથી. મનુષ્યો ખુદ પોતાના માટે શેતાન બની શકે એમ છે. માનવ સંસ્કૃતિઓના ઇતિહાસમાં પહેલી વખત એવો સમય પસાર થઈ રહ્યો છે જ્યારે ભવિષ્યમાં ઇતિહાસકારો આ સમયને પર્યાવરણની વિષમતાના યુગ તરીકે યાદ કરશે, કારણ કે પોતાને નુકસાન કરનારો આવો તો વનમાનુષ પણ ન હતો.
માનવસર્જિત પ્રવૃતિઓએ આ હરીભરી અને એકદમ સંતુલિત વસુંધરાને ખૂબ નુકસાન પહોચાડયું છે. એલિયનનું અસ્તિત્વ આજ સુધી તો સાબિત થયું નથી, પણ એટલું કહી શકાય કે કોઈ બીજા ગ્રહ ઉપર એલિયન વસતા હોત તો પરગ્રહવાસી જીવોએ પણ પોતાના પર્યાવરણના આવા હાલ કર્યા ન હોત. સેંકડો પુસ્તકો કે ફિલ્મોમાં એલિયનની કલ્પના થઈ છે પણ આજ સુધી એક પણ વિજ્ઞાાનકથાલેખક કે ફિલ્મ નિર્માતા એવી કલ્પના કરી શક્યો નથી કે દૂરસુદૂરના ગ્રહમાં વસનારી એલિયન પ્રજાતિએ પોતાના જ ગ્રહની કુદરતનું કાસળ કાઢી નાખ્યું હોય. મનુષ્યો સિવાય કોઈ બીજા જીવ પોતાના ઘરને સ્ટેપ બાય સ્ટેપ નુકસાન કરી શકે એવું કલ્પી શકાતું જ નથી. પોતાના ઘરની વચ્ચોવચ્ચ ખાડો ખોદવાનો હક અને એવી વૃત્તિ જાણે માનવસમાજ માટે જ એક્સકલુઝીવ છે એવું લાગે છે. સર્જન કરવા માટે જિંદગી પસાર કરી નાખનારા માણસોમાં વિસર્જનની ફાવટ જન્મજાત આવી ગઈ છે. કોરોના એનો એક લેટેસ્ટ નમૂનો છે કારણ કે એના મૂળમાં મનુષ્યની દુર્બોધક પ્રવૃત્તિ અને વૃત્તિ જ છે.
જો એવું ન હોત તો પૃથ્વીના વાતાવરણનો આવો રકાસ ન થયો હોત. બસ્સો વર્ષ પહેલા ઔદ્યોગિક ક્રાંતિનાં ચક્રો વધુ ઝડપથી ગતિમાન થયાં એના પછી આપણું વાતાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે. વાતાવરણના જુદા જુદા સ્તર સુધી પ્રદૂષણ પહોંચી ગયું છે. આપણે જે શ્વસીએ છીએ તે હવાનું બંધારણ સમૂળગુ આપણે બદલાવી નાખ્યું છે. કુદરતે લાખો વર્ષની મહેનતને અંતે મનુષ્યો અને મનુષ્યેતર જીવસૃષ્ટિ ફૂલીફાલી શકે એના માટે જે સુયોગ્ય જગ્યા બનાવી હતી તેને આપણે નજીવા સમયમાં રફેદફે કરી નાખી છે. પીવાનું પાણી, વાપરવાનું પાણી, શ્વાસોશ્વાસની હવા, ખાદ્ય પદાર્થો, ખનીજતત્ત્વો, વાનસ્પતિક ઔષધિઓ વગેરે તત્ત્વો અત્યંત મલિન થઈ ગયા છે. લાગે છે કે થોડા દાયકાઓ પછી શુદ્ધતા ફક્ત શબ્દકોષનો એક શબ્દ બનીને રહેશે. કારણ કે અત્યારે જે કુદરત આપણને જીવનોપયોગી વસ્તુઓ આપે છે તે સંપૂર્ણ શુદ્ધ નથી. હિમાલયની ટોચથી લઈને સાગરના તળિયા સુધી બધું જ આપણે બગાડી નાખ્યું છે.
આ જ કારણોસર કદાચ અત્યારે પૃથ્વીની દિશા અને દશા સમજાય એવા રહ્યા નથી. કોરોના ઉપરાંત પણ નાના નાના અનેક રોગોનો માણસને ભીષણ ભરડો છે. ભયંકર ઠંડી અને ભયંકર ગરમીનો સમાંતર યુગ જાણે આપણને ભરખવા માટે તૈયાર હોય એવું લાગે છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે એટલાન્ટિક સમુદ્ર પરથી વાતા પવનો અને અલ નિનો પ્રવાહ ખૂબ અસંતુલિત થાય છે. તેને કારણે પૃથ્વીને હૂંફાળી રાખતા વાયુઓમાં બેલેન્સ જળવાય નહીં ને આખી પૃથ્વી ઉપર બરફની ચાદર ફરી વળે એવી એક થિયરી છે. આ થિયરી પરથી 'ધ ડે આફ્ટર ટુમોરો' જેવી સાયન્સ ફિક્શન ફિલ્મો આવી ચૂકી છે. આ ફિક્શન ગમે ત્યારે ફેક્ટમાં ફેરવાઈ શકે છે, પણ આ ડર તરફ કોઈ ગંભીરતાથી ધ્યાન આપતું નથી. આ થિયરીમાં ન માનનારા લોકો પણ છે. માની લઈએ કે આવું ન થાય તો વળી બીજી લટકતી તલવાર તરીકે ભયાનક પરિસ્થિતિ ઉદભવી શકે એમ છે અને તે છે પૃથ્વીના તાપમાનમાં વધારો.
પૃથ્વીનું સરેરાશ તાપમાન વધતું જાય છે એ હકીકત છે. છેલ્લાં સો વર્ષની અંદર સરેરાશ તાપમાનમાં દોઢ ડિગ્રીનો વધારો થયો છે. ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ ઉપર રહેલો બરફ પીગળી રહ્યો છે. સમુદ્રની સપાટીનું સ્તર વધી રહ્યું છે. માલદીવ ને ઇન્ડોનેશિયાના ઘણા ટાપુઓ ઓલરેડી ડૂબી ગયા છે. ઓસ્ટ્રેલિયાના કાંઠે હજારો વર્ષની કુદરતની મહેનત પછી બનેલા અને કિંમતની દ્રષ્ટિએ અલભ્ય એવા પરવાળાના ખડકો નષ્ટ થઈ રહ્યા છે. મુંબઈ, સિડની, ઢાકા, ન્યૂયોર્ક, ચેન્નાઇ જેવા દરિયાકાંઠા પાસે આવેલા શહેરો ઉપર પાણી ફરી વળશે એવું વૈજ્ઞાાનિક અનુમાન છે. કરોડો લોકોના જાનમાલ ઉપર જોખમ છે.
એનટાર્ટિક, વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક છે. એણે એક નવો રેકોર્ડ સેટ કર્યો છે.૧૮.૨ ડિગ્રી સેલ્સસિયસ સાથે જુના બધા રેકોર્ડ તોડી નાખ્યા. છે. ગ્લોબલ વૉર્મિંગનાં માઠાં પરિણામો હવે સામે આવી રહ્યા છે અને આખું વિશ્વ ઘણા અંશે એ ભોગવી રહ્યું છે અને કદાચ આવનારી પેઢી તો સૌથી વધુ ભોગવવાની છે. પૃથ્વીનુ સરેરાશ તાપમાન દિનપ્રતિદિન વધી રહ્યું છે. ગ્લેશિયર એટલે કે હિમનદીઓ વગેરે ભવ્ય હિમસ્થાનો પીગળી રહ્યા છે અને આવી તો ઘણી અસરો વિશે વિશ્વભરના વિજ્ઞાાનીઓ રોજ લોકોને ચેતવી રહ્યા છે.
પેરિસ એગ્રીમેન્ટ અને એની પહેલાના આવા ઘણા સંમેલનો થયા છે. વિશ્વના નેતાઓએ એમાં ભાગ પણ લીધો છે અને સહમત પણ થયા છે. પરંતુ ખરેખર જોઈએ તો સંજોગો વધુ વકરી રહ્યા છે. પૃથ્વીનું તાપમાન વધતા એની બીજી અનેક સમસ્યાઓ એ જન્મ લીધો છે. અનેક પ્રકાર ના રોગો અને કેન્સરનું જોખમ સૂર્યના હાનિકારક કિરણોથી વધતું જાય છે. એ હવે લગભગ બધા જાણે છે. સરકારો, ઘણા એનજીઓ યોજનાઓ બનાવી રહ્યા છે અમલમાં મૂકી રહ્યા છે પરંતુ સંજોગો કાબૂ બહાર થતા જાય છે.


