Get The App

ભારતીય મધ્યમવર્ગને નિશાન બનાવતો બજારવાદ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય મધ્યમવર્ગને નિશાન બનાવતો બજારવાદ 1 - image

- અલ્પવિરામ

- હવે બજારમાં માત્ર માલ-સામાન નહિ, બ્રાન્ડ વેચાઈ રહી છે. આ બ્રાન્ડ તમારી જરૂરિયાતો પૂરી નથી કરતી, તમારી હેસિયત નક્કી કરે છે. તમે માની લો કે આ હેસિયત જ તમારી સૌથી મોટી જરૂરિયાત છે!

કોરોનાકાળમાં ઓનલાઈન વેપારની ધૂમ મચી હતી. પછી પણ બજારની સંસ્કૃતિ ઘર આંગણા સુધી નહિ, ઘરમાં આવી ગઈ છે, એને કારણે જ થોડા ઘણા પરિવારજનો કે નાગરિકો બાકી હતા તેઓ પણ હવે ઉપભોક્તાની વ્યાખ્યામાં આવી ગયા છે. જાણીતી ઓનલાઈન વ્યાપારી કંપનીઓની પાર્સલ સેવા હવે ગ્રામીણ ભારત સુધી પહોંચવા લાગી છે. તાલુકા સેન્ટરો એના વિતરણના હબ બનવા લાગ્યા છે. બજારવાદ તબક્કાવાર દુનિયાભરના લોકોની માનસિકતા પર હવે સવાર છે. બજારવાદ કોઈ વસ્તુની કિંમત પર નહિ, એમાંથી પ્રાપ્ત થતા નફા પર આપણને કેન્દ્રિત કરે છે. નફાના આ ખેલમાં કિંમતની સચ્ચાઈ સૌથી પહેલા હણાઈ જાય છે. ઉપરાંત ચીજવસ્તુના ભાવ એની પડતરથી નહિ, એની ડિમાન્ડ અને બજારની લાલચથી નક્કી થાય એ તો બજારવાદની પરાકાષ્ઠા છે, જે હકીકતમાં સ્વસ્થ બજારને ઢાંકી-ઢબુરીને એક નકલી બજાર ઉત્પન્ન કરે છે.

કમોસમી વરસાદ જેવા અણધાર્યા સંકટમાં ગુજરાતની નવી પેઢી ફસાઈ ગઈ છે. આ યુવાનો હવે સંપૂર્ણપણે બજારમાં નવા પ્રવાહના શિકાર બની રહ્યા છે. નફાના આ ખેલમાં નકલી જાહેરાતોની દુનિયા હોય છે, નકલી જીવનશૈલીનું આભામંડળ હોય છે, નકલી જરૂરિયાતો પેદા કરવામાં આવે છે અને આ બધાનો ખર્ચ પણ એની પાસેથી વસૂલવામાં આવે છે, જે ગ્રાહક અથડાઈને બજારમાં આમતેમ ભટકતો હોય છે. આ બજાર એક જમાનામાં પોતાની ઉત્પાદનની કુશળતા અને ગુણવત્તા પર ચાલતી હતી, જે હવે એનાથી વધુ તો વેચાણ કરવાની પોતાની અજાયબ આવડત પર ચાલે છે. આજે પરિસ્થિતિ એ છે કે ગ્રાહકને ખબર જ નથી કે તેને દરેક વસ્તુ ખરી મળી રહી છે કે માત્ર ખરી કિંમત પર મળી રહી છે? કોઈ ગેરેન્ટી નથી. હવે બજારમાં માત્ર માલ-સામાન નહિ, બ્રાન્ડ વેચાઈ રહી છે. આ બ્રાન્ડ તમારી જરૂરિયાતો પૂરી નથી કરતી, તમારી હેસિયત નક્કી કરે છે.

તમે માની લો કે આ હેસિયત જ તમારી સૌથી મોટી જરૂરિયાત છે. વાત અહીં જ અટકતી નથી, બજાર ક્રમશઃ આપણી જીવનશૈલી પણ નક્કી કરે છે. આપણે શું પહેરીએ, શું આરોગીએ, ક્યાં જઈએ, કેવી રીતે જઈએ, કેવી રીતે જીવીએ, આ બધું બજાર નક્કી કરે છે! પરમ્પરા અને આધુનિકતામાં બજાર તો હંમેશા મોડર્નિઝમની જ એડવોકેટ છે. બજારે સદાય પરંપરાઓના ટુકડા કરી ફેંકી દીધા છે, પરંતુ આધુનિકતાની પોલમપોલ બતાવવામાં એને સહેજેય રસ નથી. એ દંભને એ નિભાવ્યે રાખે છે, કારણ કે એમાં એને ફાયદો જ ફાયદો છે. મધ્યમ વર્ગ હવે સંપૂર્ણ રીતે ગ્રાહકની વ્યાખ્યામાં સમાવિષ્ટ છે. કોરોના યુગ પછી નવા ઉપભોક્તાવાદે એને ભરડો લીધો છે. બજાર હંમેશા મધ્યમ વર્ગને જ નિશાન બનાવે છે, કારણ કે એને બધું બાકી છે એમ બજાર માને છે. પરિણામ એ આવે છે કે ફ્યુચર પેમેન્ટ જેવી અનેક નવી પ્રણાલિકાની મદદથી મધ્યમ વર્ગને બજારવાદ સારી રીતે ખંખેરી રહ્યો છે. જેના વિના ચાલે, એના વિના હવે મધ્યમ વર્ગને ચાલતું નથી. આ જોઈએ, એ જોઈએ, પછી આ તો જોઈએ જ અને એ તો જોઈએ જ... એમ એક લાંબી વણઝાર મધ્યમ વર્ગની ઘરસભાઓમાં આ બજારવાદે જ વહેતી કરી છે.

લગભગ મોટા ભાગના મધ્યમવર્ગીય પરિવારોમાં શું જોઈએ, ન જોઈએ, કઈ રીતે જોઈએ... એની ડિબેટ હવે સર્વકાલીન છે. આ બજારવાદે સંતાનોની વાણીમાં ગૃહસ્થ અને ગૃહિણીને જાણે કે આરોપીના પિંજરમાં ઊભા કરી દીધા છે. સંતાનોના કાનમાં ઉત્પાદનોની ચમકદમક સાથેનાં વાજિંત્રો કેમ વગાડવા એ બજાર જાણે છે. દરેકના ઘરમાં બજારવાદે આ રીતે પાછલા બારણેથી પ્રવેશ કર્યો છે. કેટલાક પરિવારોમાં તો વ્યર્થ જરૂરિયાતોની આ ડિબેટ જે કંઈ છે એનો આનંદ પણ લેવા દેતી નથી. તેઓ માને છે કે પરસ્પરના સ્વભાવ જ એવા થઈ ગયા છે, ખરેખર દરેક પરિવાર સંપીલું અને હૂંફ ધરાવતું હોય છે, બજારવાદે એમાં કમાલની એક પછી એક તિરાડો પાડી છે. દરેક વ્યક્તિને એક-એક ટાપુ બનાવવાની દિશામાં બજારનું આ ખતરનાક અને વિકરાળ આક્રમણ જેઓ ઓળખી શકતા નથી તેઓ જે કંઈ ગુમાવે છે એ તો બેહિસાબ છે! મનુષ્યને બજારે નાણાંમાં બદલી નાંખ્યો છે. માત્ર નાણાંથી એની કિંમત નક્કી થાય છે.

આ નવો બજારવાદ ઉત્પાદનના વેચાણને પોતાનું પ્રમુખ કાર્ય માનતો નથી, એનું મુખ્ય કામ તો પ્રજામાં ગ્રાહકનું નિર્માણ કરવું અને એ ગ્રાહકમાં સતત વિવિધ જરૂરિયાતો જનરેટ કરતા રહેવાનું છે. માર્કેટિંગનું અફીણી ઘેન ચડાવતી રાષ્ટ્રીય-બહુરાષ્ટ્રીય કંપનીઓનો ખેલ હવે એ હદ સુધી પહોંચ્યો છે કે ગ્રામ વિસ્તારના નાનામાં નાના કાચા મકાનમાં વસનારાઓને પીવાનું પરિશુદ્ધ જળ મળે કે ન મળે, પહેરવા વસ્ત્ર-પરિધાન હોય કે ન હોય, બે ટંક ભોજન ઉપલબ્ધ બને કે ન બને, ત્યાં બોટલબંધ મિનરલ વોટર, પ્રચલિત કંપનીનું સિમ કાર્ડ, ઉત્તમ શેવિંગ ક્રીમ, બહુરંગી નેઈલ પોલિશ અને બ્રાન્ડેડ જિન્સ-ટી શર્ટ તો મળવા જ જોઈએ. કોર્પોરેટ કંપનીઓને જાતે જ તમારે માટે બધા નિર્ણયો લેવાનો શોખ છે અને એ માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. તમારે કઈ સિરિયલ જોવી, કયા સાબુથી સ્નાન કરવું અને કઈ ભાષા બોલવી એ પણ આ કંપનીઓ જ નક્કી કરી આપવા તત્પર છે. તમે કોને ચાહશો અને કોને નફરત કરશો એ પણ આ બજારવાદ જ નક્કી કરવા ઈચ્છે છે.

ખરીદદાર અને વેચનાર જ્યાં ભેગા થઈને કોઈ ચીજવસ્તુ, સેવા કે માહિતીની લે-વેચ કરે તેવી વ્યવસ્થાને આદર્શ રીતે બજાર કહેવાય અને એવી આદર્શ બજાર હિન્દુસ્તાનના ઇતિહાસમાં સિંધુખીણની સંસ્કૃતિમાં હતી એવું ઇતિહાસકારો અને પુરાતત્વશાીઓ માને છે. લોથલ તો હજુ નાનું શહેર કહેવાતું. મોટી અને મોંઘી ચીજવસ્તુઓ લેવી હોય તો હડપ્પાની એ સમયની સુપરમાર્કેટમાં જવું પડતું. ત્યાં જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ વિનિમયના ધોરણે કે એ સમયના ચલણથી ખરીદવામાં આવતી અને વેચવામાં આવતી. એના પછી ભારતવર્ષે આવી આદર્શ બજારપ્રથા જોઈ નથી, કારણ કે પછી એ પ્રથા વાદમાં પલટાઈને બજારવાદ બની ગઈ છે.

હવા, પાણી અને ખોરાક - આ ત્રણેય ઉપર દરેક મનુષ્યનો સમાન અધિકાર હોય છે એવો કુદરતનો સ્થાપિત નિયમ છે. સમાજની સ્થાપના સાથે ઉપરોક્ત ત્રણ તત્ત્વોમાંથી છેલ્લું તત્ત્વ એટલે કે ખોરાક ચાર્જેબલ થઈ ગયું. માણસ સિવાયના બધા જીવોને ખોરાક મફતમાં મળે, પણ માણસે તેના માટે કંઈક ચુકવણી કરવી પડે. ધીમે ધીમે સમાજવાદ પ્રબળ બન્યો. સમાજવાદની સાથે સામ્યવાદ અને મૂડીવાદ બંને એના વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગયા. ત્રિતત્ત્વોમાંથી બીજું તત્ત્વ પણ વિનામૂલ્યે મળતું બંધ થઈ ગયું. પાણીના એક સમયે એક રૂપિયાના પાઉચ મળતા. હવે તો બજારમાં જુદા જુદા મિનરલ્સવાળા અનેકવિધ જાતના પાણી મળે છે. છેલ્લાં દસેક વર્ષથી હવા પણ વેચાય છે. શુદ્ધ હવાના, ઓક્સિજનના અથવા રૉ હવાને શુદ્ધ કરતાં ઉપકરણોનું માર્કેટ ખૂલ્યું છે. ત્રીજું તત્ત્વ પણ કુદરતી હકમાંથી ગયું. આ બજારવાદની પરાકાષ્ઠા કહેવાય.

હવે બાકીની દરેક વ્યવસ્થા અને દરેક વાદ ઉપર બજારવાદ હાવી છે. બજારવાદે ચમકનું એક એવું આભામંડળ રચ્યું છે કે કોઈ પણ માણસ ગ્રાહક બનવા સિવાય રહી જ શકતો નથી. ઊંઘ લાવવા માટે પણ બજાર પાસે પચાસ સેવાઓ કે વસ્તુઓ ઉપલબ્ધ છે અને સવારે જાગે ત્યારથી દરેક ડગલે પણ બજાર તેની સાથે ચાલે છે. તેના હાથના ફોનથી લઈને તેની આંખ ચાર રસ્તે મંડાય ત્યાં સુધી બજાર તેની તરફ ઘસી આવે છે. નાગરિકોની સામુહિક ચેતનાથી સમાજનું ઘડતર થવું જોઈએ તેને બદલે બજારવાદ નાગરિકોની ચેતનાનું ચણતર કરે છે. માણસની માનસિક અવસ્થાનું નિયંત્રણ બજારના હાથમાં છે. જે હાડોહાડ મૂડીવાદ અને ખોખલા સમાજવાદ તરફ દોરી જાય છે. સામ્યવાદ પણ બજારવાદની પકડમાં છે. દાનદક્ષિણા અને સેવાપ્રવૃત્તિ પણ માર્કેટના પ્રવાહો નક્કી કરે છે. ઓનલાઇન અને ઓફલાઇન બજારવાદે કુદરત પાસેથી મનુષ્યની ઉત્ક્રાંતિ છીનવી લીધી છે. પાંચ-સાત દાયકાઓ પછી ડિઝાઈનર બેબીનો જન્મ થશે તે અનુઆધુનિક  બજારવાદનો અંત અને એક નવા જ પણ ભયાવહ બજારવાદની શરૂઆત હશે. એક દિવસ તો એ શમી જશે પણ પછીય બજારવાદના ડંકા વાગતા રહેવાના છે. એમાંથી યુવાપેઢીને બહાર લાવવાનું કામ વાલીઓનું છે.