Updated: Mar 14th, 2023
- અલ્પવિરામ
- પાકિસ્તાન જેવી જ દરિદ્રતા હોવા છતાં લંકાએ ખાનદાની છોડી નહીં એટલે આખરે ગાડી પાટે ચડવા લાગી છે
શ્રીલંકામાં માત્ર કહેવા ખાતરનો સત્તાપલટો થયો છે. લંકાના નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ નવા રાજનેતા અને હાલકડોલક જહાજના નવા સુકાની તરીકે દિનેશ ગુણવર્ધનેને વડાપ્રધાન પદ સોંપી દીધું પછી પરિસ્થિતિ જરાક જ થાળે પડી છે. લોક સમુદાયમાં હજુ ભીતર આગ ધરબાયેલી છે જે ગમે ત્યારે ફરી પ્રગટ થઈ શકે છે. જો પ્રજા ધીરજ રાખે અને નવી સરકારને કામ કરવા દે તો રાજકીય સંકટ સમાપ્ત થઈ શકે છે. લંકન સરકાર ખરેખર સાત સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિથી ઘેરાયેલી છે. લંકાના સુખ અને સમૃદ્ધિના અંતનો આરંભ બે પરિબળોથી થયો છે.
એક તો ચીન તરફના લોભ, લાલસા અને રાતોરાત ચીનના ખોળે બેસી જવાની વૃત્તિ. એમાં એણે બહુ માર ખાધો છે. ચોરને આંગણે બોલાવવાથી કોનું કલ્યાણ થાય? તત્કાલીન લંકન સરકારે બે વરસ પહેલા બીજું પરાક્રમ એ કર્યું કે વિદેશી ખાતરોની આયાત પર પ્રતિબંધ મૂક્યો અને ઓર્ગેનિક શ્રીલંકાનું હાસ્યાસ્પદ બ્યુગલ બજાવ્યું.
ઓર્ગેનિક ખેતીમાં પરમ જ્ઞાાન અને અનુભવનો ભંડાર જોઈએ જે એના કિસાનો પાસે ન હતો. દેશમાં ખાતરના સ્વદેશી કારખાના પણ નહિવત્. એટલે આખી મોસમ નિષ્ફળ ગઈ અને કૃષિ ઉપજ ઝીરો સુધી પહોંચી. ઉક્ત બે કારણોસર શ્રીલંકાની શ્રી અરબી સમુદ્રમાં વહી ગઈ. પ્રજાજીવનના પ્રાણતત્ત્વ પરનો કુઠારાઘાત લંકન નેતાઓને ભારે પડયો. આ રીતે ભાંગી પડતા દેશોને બેઠા થતાં એક દાયકો લાગે છે. દેશ આર્થિક કંગાલિયતને પાર કરવા ઝઝૂમી રહ્યો છે ત્યારે થયેલું રાજકીય પરિવર્તન અનેક પડકારોથી પીછો છોડાવી શકે એમ નથી. સંયોગોને વશમાં રાખવા માટે હમણાં દેશમાં ફરી કટોકટી જાહેર કરવામાં આવી છે.
છેલ્લા આઠ મહિનામાં આ ચોથી વખત કટોકટી લાગુ કરવામાં આવી છે. નવી સરકારનું પહેલું કામ એ છે કે એ ખાવાપીવાની સામગ્રી અને ઈંધણની વ્યવસ્થા તાત્કાલિક કરી આપે. વિદેશી મુદ્રા ભંડારમાં ઠનઠન ગોપાળ છે અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પાસે કરેલી યાચિકાનો રોકડ પ્રત્યુત્તર આવવાનો બાકી છે. કૃષિ અને પ્રવાસન ક્ષેત્રોને ઝડપથી બેઠાં કરવાનાં છે, પરંતુ ગમેતેમ કરીને લંકન સરકારે એની પ્રજા માટે દાણાપાણીની વ્યવસ્થા કરી છે. એમાં એને પડોશી ભારત એક જ કામ આવે છે એનું ભાન થયું છે.
નવા વડાપ્રધાન આમ જુઓ તો નવા નથી. રાનિલ વિક્રમસિંઘે અગાઉ છ વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે. એ એમનો માઈનસ પોઈન્ટ પણ છે. રાજપક્ષે પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને સ્વીકારવા પ્રજા તૈયાર નથી. આ રાનિલ વિક્રમસિંઘે તો રાજપક્ષે કુટુંબની સાવ નજીક છે એટલે એટલી નારાજગી વહોરીને જ એમણે શાસન કરવાનું છે. રાનિલની આ વખતની નેતાગીરીમાં રાજપક્ષે પરિવારની નીતિની ગંધ આવશે તો આને ઉથલાવતા પ્રજાને વાર નહીં લાગે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના શયનભુવનોમાં જે રીતે પ્રજાએ તોફાન મચાવ્યું એ મધ્યકાળની સામંતશાહી પછી દુનિયાએ પહેલીવાર જોયું.
એ દ્રશ્યો નાઈન ઈલેવન જેવાં જ જગતહૈયે જડાઈ ગયાં છે. પ્રજાને તુચ્છ માનતા શાસકો માટેનો એ છેલ્લો બોધપ્રદ દસ્તાવેજ છે. એને કારણે નવી સરકારે હવે ફૂંકી ફૂંકીને છાશ પીવાના દિવસો છે, કારણ કે ઘૂંટડે ઘૂંટડે કંઠ દાઝી જવાનો ભય છે. રાનિલની વિરુદ્ધમાં પણ ધૂમાડો તો છે જ, પરંતુ થોડો સમય લોકો જોવા ચાહે છે કે રાનિલ શું કરી શકે છે.
રાનિલની સરકારમાં એ જ નેતાઓની ભરમાર જોવા મળે છે જે ગોટબાયા રાજપક્ષે વખતે હતી. આ બધું લંકાને ભારે પડવાનું છે. આખો મોભ બદલાવવાની ડિમાન્ડ હતી ને માત્ર ટેકો જ મૂકાયો છે. વડાપ્રધાન ગુણવર્ધનેને અગાઉ ગત એપ્રિલમાં ગભરાયેલા ગોટબાયાએ ગૃહપ્રધાન બનાવ્યા હતા. ગોટબાયા વખતે નાણાંપ્રધાન અલી સાબરીને હવે વિદેશમંત્રી બનાવ્યા છે, કદાચ એ ગણિતથી કે નાણાં તો વિદેશથી જ લાવવાના છેને! મોટાભાગના પ્રધાનોને એના જૂના ખાતાં જ આપવામાં આવ્યાં છે.
આખી દુકાન જૂના માલની નવી સજાવટ જેવી છે. એમાં લોકોને ઈમાનદાર નેતૃત્વનો વિશ્વાસ જલદી બેસે એમ નથી. હવે એ વાત ખાનગી રહી નથી કે રાજપક્ષે પરિવારે દેશની તિજોરીઓ કઈ રીતે ખાલસા કરી અને કઈ રીતે લોકોને ભૂખ્યા-તરસ્યા રસ્તે રઝળતા કરી મૂક્યા. રાજપક્ષે ભાઈઓએ હજારો કરોડ રૂપિયા દેશની બહાર ટ્રાન્સફર કરી લીધા છે. ગોટબાયા ખુદ દેશની બહાર નાસતો ફરતો નેતા છે.
નવી સરકાર પર ખાડે ગયેલા દેશને પાટે ચડાવવાનું અને જેમણે દેશને ખાડે નાખ્યો એમને દંડ દેવાનું જવાબદાર કામ છે. જૂના લૂંટારુઓ પર ગુણવર્ધને ખટલો ચલાવે તો પ્રજાને વિશ્વાસ બેસે, પણ ગુણવર્ધને એમ કરી શકે એમ નથી, કારણ કે અગાઉ જે તે સમયે એનો પણ એ લૂંટમાં ભાગ હતો. લંકન પ્રજા ઊલમાંથી ચૂલમાં પડી છે. ઊલ એટલે ચૂલાની પાછળનો ધગધગતો ભાગ. એટલે ભીતરની આગ તો હજુ વધવાની છે. હવે સીધી આગ છે. લંકન સરકાર પ્રજાને બેવકૂફ બનાવવાની જે પ્રયોગશાળા ચલાવતી હતી તેમાં ભડકો થયો, પણ પ્રયોગશાળા હજુ બંધ થઈ નથી એ હકીકત છે.
પાકિસ્તાન અને લંકાની પરિસ્થિતિમાં બહુ ફેર નથી. લંકામાં ખાનદાની છે એટલે ગાડી પાટે ચડી છે. પાકિસ્તાન એક ધર્માન્ધ દેશ છે. ત્યાં જેટલા ચોર નેતાઓ છે એટલા જ રૂઢિચુસ્ત મુલ્લાઓ છે. મહિલાઓ પર અત્યાચારનો કોઈ પાર નથી. સ્ત્રીઓ દુઃભાયેલી છે. પરિવારો ભીતરથી તૂટેલા છે. એટલે પાકિસ્તાન માટે પાટે ચડવાનું કામ અઘરું છે. લંકામાં ભ્રષ્ટાચારનો એક આખો યુગ પૂરો થઈ ગયો છે. હવે પતન પામેલા અર્થકારણમાં ભ્રષ્ટાચારની જગ્યા નથી.
લંકામાં આંતરિક સત્તાધારી શત્રુઓ છે અને ચીન સાથેના સંબંધો સ્વયં એટલા પીડાદાયક છે કે એ સંબંધ પણ શત્રુ જેવું ફળ આપે છે. તો પણ લંકાને આ સંકટમાંથી નીકળતા બહુ વાર નહીં લાગે.
પાકિસ્તાની પ્રજાના મનમાં ધર્મ અને વિકાસ વિરોધાભાસી છે. આજે જે ઘટનાઓ ઈરાનમાં બને છે એ જ દુનિયાના બીજા મુસ્લિમ દેશોમાં બનશે. ઈરાની યુવતીઓ અધાર્મિક કે નાસ્તિક નથી. એ ઉપાસના કરે છે, પરંતુ જિંદગીની સફરમાં એને એ મુક્તિ જોઈએ છે જે એને મનુષ્ય તરીકેની સર્વ ઉજ્વળ સંભાવનાનો ઊઘાડ કરી આપે. ઈરાની સ્ત્રીઓને દુનિયાના અન્ય અનેક દેશોનું સમર્થન પ્રાપ્ત છે સિવાય કે પાકિસ્તાન. એટલે પાકિસ્તાનનું વૈચારિક પતન જ એના ટુકડાઓ કરશે. શ્રીલંકા વાણિજ્યમાં નિષ્ણાત છે. વળી, ત્યાં કોઈ ફતવાઓ બહાર પડતા નથી ને પ્રજા ધર્મમાં ધૂંધવાયેલી નથી.