For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક તરફ અઢળક સંપત્તિ ને બીજી બાજુ બે ટંકનું ઠેકાણું નથી

Updated: Dec 13th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- પ્રચારમાં અસત્ય, વાણીમાં ગપ્પાબાજી અને હકીકતો સાથે ચેષ્ટા કરીને આંકડાઓમાં રમત - એ જ દુનિયાની મહત્ સરકારોની આજકાલ મુખ્ય પ્રવૃત્તિ છે

કોરોનાકાળે પછી દેશના સમુદાયોની આર્થિક અસમાનતામાં અનેકગણો વધારો થયો છે. આધુનિક યુગની શરૂઆત થઈ પછી નાણાં કમાવાનો જે યુગ આવ્યો એણે ગરીબ અને તવંગર વચ્ચેની ખાઈ બહુ વિસ્તૃત કરી. આપણે ત્યાં એક જમાનો એવો હતો કે મધ્યમવર્ગથી ઉપરના સ્તરે ઉચ્ચ મધ્યમવર્ગ જેવો એક વર્ગ હતો. વાસ્તવિક રીતે જુઓ તો એ વર્ગ હવે લુપ્તથઈ મહત્ કિસ્સાઓમાં તો જેઓ આ વર્ગમાં હતા તેઓ હવે મધ્યમ વર્ગમાં આવી ગયા. એનો અર્થ જ એ થાય છે કે જેઓ મધ્યમ પગથિયે હતા તેઓ પણ એક પગથિયું નીચે ઉતર્યા. જેને સુપર રિચ એટલે કે મહાશ્રીમંત કહેવાય તેવા લોકો તેમણે ચૂકવવાના થતા કરવેરાથી ત્રીસ ટકા ઓછો ટેક્સ ભરે છે. કોરોનાકાળ પછી તો ભલભલા લોકો આર્થિક સંકડામણનો ભોગ બન્યા છે. જે પરિવારમાં ત્રણ કે ચાર પગાર આવતા હતા તેમાંથી એક આખો પગાર જ ઓછો થઈ ગયો છે. અને નવયુવાનો કે યુવતીઓ કે જેણે નોકરીએ લાગવાનું છે તેને નોકરી મળવાનો કોઈ અણસાર હજુ દેખાતો નથી.

અતિ તેજસ્વી યુવાનો પાટે ચડી જતા હોય છે, પરંતુ એમની ટકાવારી તો સાવ નહિવત્ છે. આપણા દેશમાં પંચાણુ ટકા વિદ્યાર્થીઓ તો રખડતા-ભટકતા જ ભણતા હોય છે. એવા ઉપલક જ્ઞાાનનું કદી નાણાંમાં રૂપાંતર થતું નથી. આપણા શિક્ષકોની પેઢીઓની પેઢીઓ બહુ જ એવરેજ જ્ઞાાન ધરાવે છે. એમના ઘર પર દરોડા પાડો તો પાઠયપુસ્તક સિવાયનો એક પણ ગ્રંથ ન મળે. એવા લોકો નવી પેઢીને શું જ્ઞાાન આપવાના? દેશની જે કઠણાઈ બેઠી છે એને માટે ભલે બધા મિસ્ટર મોદીને જવાબદાર માને, પરંતુ આ કઠણાઈના ખરાં કારણો વિદ્યાક્ષેત્રમાં પડયા છે. વળી, આવનારાં પચીસેક વરસમાં તો શિક્ષકોમાં પરમ પૂજનીય વિદ્વત્તાનું પ્રાગટય થાય એવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી. એટલે કે જેણે શ્રે વિદ્યા મેળવવી છે એણે તો જાતે જ એકલવ્યનો અવતાર ધારણ કરવો પડે.

દેશનું અર્થતંત્ર હવે કોરોનાની નવી કોઇ લહેરના સંભવિત ઉત્પાતની ચિંતા કર્યા વિના પૂર્વવત્ થઈ ગયું છે. લોકો કોરોના નામના દુઃસ્વપ્નને વીસરી ગયા છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસનો આતંક પ્રારંભિક તબક્કે ડોકાયા પછી સદભાગ્યે લાપતા થઈ ગયો છે. તો પણ ચીનના વિવિધ શહેરોમાં અનિશ્ચિત મુદત સુધીના લોકડાઉનની નવેસરથી સૂચના મીડિયામાં તરતી દેખાય છે એ પણ નવી અણધારી લહેરનું પરિણામ છે. કોરોના અને તેની નવી આવૃત્તિઓને સમજવામાં વૈજ્ઞાાનિકો અપાર પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, પરંતુ એનો કોઈ કેડો કે છેડો હજુ મળતો નથી. સોશિયલ મીડિયામાં નવી લહેર પાણીમાંથી આવવાની જે અફવાઓ વહેતી થઈ છે એને તબીબી વિજ્ઞાાનનું સમર્થન નથી. આમ તો છેલ્લાં બે વર્ષથી દુનિયા ગરમ એટલે કે હૂંફાળું પાણી જ પી રહી છે.

શિક્ષણ અને અર્થતંત્રને નિત્યના સામાન્ય માર્ગ પર લાવવાનું કામ દેખાય છે એટલું આસાન નથી. ઉપભોક્તાનો મોટો સમુદાય બજાર પરત્વે ઉદાસીન છે. એટલે કે દુનિયા હવે શોપિંગ મેનિયાથી મુક્ત થઈને વોશિંગ મેનિયામાં ફસાઈ ગઈ છે. હાથ ઔર મુઁહ કો બાર બાર સ્વચ્છ રખ્ખે...! બજારમાં ડિમાન્ડ અસ્તાચળના આરે છે. એને ફરી રંગગુલાબી થતાં સમય લાગશે. કારીગરો ઘટાડવામાં આવ્યા છે. માલનો સ્ટોક વધી ગયો છે અને બજારમાં ડિમાન્ડ ઠંડી છે. છતાં પ્રજાનો આત્મવિશ્વાસ અભિવૃદ્ધ થયો છે. વેક્સિનની અનુપલબ્ધિના છબરડાઓ સહિત પ્રમાણમાં ભારે સફળતાપૂર્વક રસીકરણ કાર્યર્ક્રમ આગળ ધપી રહ્યો છે અને એનો જ વર્તમાન અર્થકારણ પર ઘણો સકારાત્મક પ્રભાવ દેખાય છે.

દેશની આર્થિક બાબતોની ચર્ચા કરીએ ત્યારે ગુજરાતની વાત અલગ રીતે કરવી પડે, કારણ આર્થિક સભાનતા આપણી પ્રજામાં છે એવી તો અન્ય કોઈ રાજ્યની પ્રજામાં નથી, પરંતુ સમગ્ર દેશની વાત કરો તો અન્ય રાજ્યોમાં હાલત હવે એ થવા આવી છે કે ચપટીક લોકો જ શ્રીમંત છે અને બીજા બધા જ સંઘર્ષ કરે છે. પૈસા માટે નિત્યનો કે માસિક અથવા વાર્ષિક સંઘર્ષ ન જ કરવો પડે એ ખરી શ્રીમંતાઈ છે. જેમણે નાણાંનું પ્રોવિઝન કરવા તર્ક લડાવવા પડે તેઓ તો સંઘર્ષ કરતા વર્ર્ગમાં આવે. આવા સંઘર્ષશીલ લોકોની સંખ્યામાં છેલ્લા બે-ત્રણ વરસમાં એટલે કે કોરોનાકાળમાં અગણિત વધારો થયો છે તે ભારતીય અર્થતંત્રની અને સાંયોગિક વાયરસની એક વિષાદી ફલશ્રુતિ છે. જો કે સરકારને બચાવવા મેદાનમાં પડેલા અર્થશાસ્ત્રીઓ સતત એવું બ્યુગલ બજાવતા રહે છે કે, સુખી - દુઃખી વચ્ચેની ખાઈ હવે જાણે કે રહી જ નથી.

કોરોનાએ તો જેઓ દુઃખી હતા એમને તો અધિક યાતના આપી, પરંતુ જેઓ સુખી હોવાના ખ્યાલમાં હતા તેઓના રથ પણ ધરતી પર નીચે ઉતારી આપ્યા. દેશના નાણાં પ્રધાનના મનઘડંત તરંગો જોતા એમ લાગે છે કે તેઓ જેમની પાસેથી અર્થશાસ્ત્રની (અ)વિદ્યા ભણ્યાં તેઓ કોઈ એક અર્ર્થમાં તો ભારતશત્રુ હોવા જોઈએ. ધમધમાટ ચાલતા ભારતીય અર્થતંત્રને એનડીએ સરકારે વારંવાર બ્રેક મારવાનું જે દુઃસાહસ કર્યું એનો ભોગ બનેલા દેશમાં લાખો ઉદ્યોગો અને કરોડો કારીગરો છે. એ તો સિદ્ધાન્ત જ છે કે રાજકીય વ્યાખ્યાનોમાં કરવામાં આવતા દાવાઓમાં જેવું ચિત્ર રજૂ કરવામાં આવે છે તેવું હકીકતમાં કંઈ હોતું નથી. વીસ લાખ કરોડ રૂપિયાની અગાઉની જાહેરાતનું જે થયું એ જ નવી જાહેરાતોનું પણ થવાનું હોય છે. દુનિયાની આર્થિક વિષમતાઓ પર પ્રગટ થયેલા ઓક્સફેમના અહેવાલમાં આર્થિક બાબતોમાં દુનિયાના દરેક દેશોમાં જે અસમાનતા વ્યાપી છે એની નવેસરથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે હવે આ અસમાનતા સમાજને વિઘટન તરફ દોરી જઈ શકે છે.

આ અહેવાલ કહે છે કે, દુનિયામાં હવે અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધુ ઝડપથી અભિવૃદ્ધ થવા લાગ્યું છે. એક તરફ આત્યન્તિક શ્રીમંતાઈ છે અને બીજી બાજુ આત્યન્તિક ગરીબાઈ છે. સમગ્ર વિશ્વના માત્ર છવ્વીસ અમીરો એવા છે કે એમની પાસેની સંપત્તિ એટલી છે કે દુનિયાના અન્ય કુલ ૩.૮ અબજ લોકોની કુલ સંપત્તિ પણ પેલા છવ્વીસને ઓળંગી શકે એમ નથી. આ હાલત માત્ર ઇતર જગતની જ નથી, ભારતની પણ આ જ સ્થિતિ છે. એમાં દુનિયાની અનેક સરકારોએ તો 'ઉદ્યોગમિત્ર સરકાર' નું મોડેલ આપવાને બદલે 'ઉદ્યોગપતિ મિત્ર' સરકાર કેવી હોય એનો નમૂનો આપ્યો. રાજનેતાઓ જ્યારે ભારતમાં હોય ત્યારે તેમનો ઘણો સમય ઉદ્યોગપતિઓની પસંદીદા ટોળકી જ લે છે અને દેશ એનાથી અજાણ નથી. ભારતમાં દેશની કુલ એક ટકા વસ્તી એવી છે કે જેની પાસે દેશની પચાસ ટકાથી વધુ સંપત્તિ છે. છેલ્લા બે દાયકાથી આપણે વિકસિત વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડાવાની તમન્નામાં આર્થિક પ્રયોગો કરતા આવ્યા છીએ.

નવી એકવીસમી સદીમાં આપણે હવે જે વિશ્વનો અનુભવ કરી રહ્યા છીએ તે અનેક પ્રકારના મોહભંગના અવસરો લાવી આપનારો છે. વર્લ્ડ  ઇકોનોમિક સમિટ સમક્ષ ઓક્સફેમ દ્વારા રજૂ થયેલા અહેવાલમાં ગરીબો, વધુ ગરીબ થતા જતા હોવાનો જે ઘટસ્ફોટ થયો છે તે આમ તો અનેક દેશોની પ્રજાનો પોતાનો અનુભવ છે. દરેક દેશની સરકાર આજકાલ પોતપોતાની પ્રજા સમક્ષ ગુલાબી ચિત્ર રજૂ કરવાની કુટેવ ધરાવે છે. એમાં કદી સુધારો થવાનો નથી. પ્રચારમાં અસત્ય, વાણીમાં ગપ્પાબાજી અને હકીકતો સાથે ચેષ્ટા કરીને આંકડાઓમાં રમત - એ જ સરકારોની પ્રવૃત્તિ છે.

જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે તો તેઓ હદ બહારના ગુબ્બારાઓ તરતા મૂકે છે. ડિજિટલ ક્રાન્તિ પછી કોઈ નેતા લોકમાનસને આસાનીથી ભરમાવી શકે એમ નથી. ગરીબાઈમાં જેઓ અગાઉ હતા તેઓ હજુ ત્યાં જ નથી, હતા ત્યાંથી વધુ નીચે ઉતર્યા છે એ સૌથી મોટી કરૂણાન્તિકા છે. પ્રજાની આ ટ્રેેજેડીને નિુર રાજનેતાઓ પોતાના પ્રચારમાં પુષ્પલતાઓ સાથે કેવી અજાયબ કોમેડીરૂપે નિરૂપે છે એ જોઈને નાગરિકોને રાજકારણ પ્રત્યે તિરસ્કાર જન્મે છે. અમીર- ગરીબની અસમાનતા ઘટે એવા અર્થતંત્રની દેશને જરૂર છે.

Gujarat