For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઠેબે ચડેલા જન-આરોગ્યને પાટે ચડાવવાનો કીમિયો કુદરત જ છે

Updated: Jul 12th, 2022

Article Content Image

- અલ્પવિરામ

- બાળક જો શહેરી વિસ્તારની ચમકદમકમાં રહે અને એના શરીરની જૈવિક ક્રિયાઓ જે રીતે ઘડાય એ ગામડામાં કુદરતના ખોળે ઉછરી રહેલા બાળક કરતા જુદી હોવાની! 

કોરોના વાયરસના રોગચાળા અને તેના ભયે લોકોની માનસિકતાને ઉલટાવી નાખી છે. ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે લોકોને ગામડાંની વ્યક્તિઓને જોઈને રાહત અનુભવાય છે, પણ વિદેશીઓને જોઈને બીક લાગે છે. અંગ્રેજોના સમયમાં અને તે પછી પણ ગ્રામ વિસ્તારમાંથી આવતા લોકો સાથે અણછાજતું વર્તન થતું આવ્યું છે અને વિદેશથી આવેલી વ્યક્તિને અહોભાવથી જોવામાં આવી છે. કોરોનાએ આ માનસિકતાનો ક્રમ ૧૮૦ ડીગ્રીએ ઉલટાવી નાખ્યો છે. કોરોનાની નજીક રહેતા શહેરવાસીઓ અને કુદરતની નજીક રહેતા ગ્રામવાસીઓ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા અત્યારના સમયમાં ઉપસી આવી છે. શહેરીજનો ભયભીત છે અને ગ્રામવાસીઓ લગભગ નિશ્ચિંત જીવન ગાળે છે. કુદરતની નજીક રહેવાનો આ ફાયદો મોટો છે. ભૌતિક સુખસગવડ કુદરતી સંપદાની તોલે ન આવે એનો વધુ એક દાખલો આપણે કોરોનાકાળમાં જોયો.

હજુ પણ આપણે કોરોના સમૂહના એક સૂક્ષ્મજીવને કારણે ત્રસ્ત છીએ. આપણા શરીરમાં પણ કરોડો બેક્ટેરીયા હોય છે, જેમાંથી મોટા ભાગના તો આપણને મદદકર્તા હોય છે, જેમ કે જઠરમાં રહેલા ઈ. કોલાઈ નામક બેક્ટેરીયા જે પાચનમાં મદદ કરે. બાળક જન્મે ત્યારે તેના શરીરમાં એક પણ સૂક્ષ્મજીવ હોતો નથી. માટે જ તેને માતાના દૂધ સિવાયનો એક પણ ખોરાક આપી શકાય નહીં, પાણી પણ નહીં. હવે એ બાળક જો શહેરી વિસ્તારની ચમકદમકમાં રહે અને એના શરીરની જૈવિક ક્રિયાઓ જે રીતે ઘડાય એ ગામડામાં કુદરતના ખોળે ઉછરી રહેલા બાળક કરતાં જુદી હોવાની. રોજ ખેતરે લટાર મારતા, દિવસના બે-ત્રણ કલાક થોડો તડકો માણતા અને થોડો સહન કરતા, ઝાડના છાંયડામાં ઊંઘ કરતા અને માટીમાં રમતા બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોવાની અને એના શરીરમાં એને નુકસાનકર્તા સાબિત થાય એવા બેક્ટેરીયા કે સૂક્ષ્મજીવો ઓછામાં ઓછા રહેવાના.

આર્થિક રીતે સક્ષમ અને નગરનિવાસી મા-બાપ પોતાના બાળકોને બંધિયાર માહોલમાં ઉછેરીને, નાનપણથી જ રોજ ચોકલેટ કે મીઠાઈ ખાવાની આદત પાડીને, રોજ સ્કૂલે બ્રેડ જામ કે કપકેક લંચબોક્સમાં ભરીને પોતાના બાળકને ચાલીસ વર્ષમાં ડાયાબિટીસ થઈ જાય તેનું એડવાન્સ બુકિંગ કરાવતા હોય છે. એરકન્ડિશન્ડ યંત્રોની હવા ભલે ગમે તેટલી ઠંડી હોય, પણ એ દૂષિત જ રહેવાની. આ વૈજ્ઞાાનિક સત્ય છે. ફ્રીજ તો રોગોનું ઘર કહેવાય છે. તાજા સર્વેક્ષણ મુજબ બાળકો દિવસ દરમિયાન પોતાની જાતે જે ખોરાક આરોગે છે એમાંથી સિત્તેર ટકા ખોરાક ફ્રીજનો હોય છે. ક્યારેક તો મમ્મીને ખબર ન હોય એમ ફ્રીઝના દ્વાર છાનામાનાં ખૂલી જાય છે. નાની ઉંમરે ચશ્માં આવી જવા અને અકાળે વાળ શ્વેત થવાનું કારણ આ જીવનશૈલી છે. એવી જીવનશૈલી જે માણસને કુદરતથી દૂર રાખે છે. નવી ફેશન મુજબ દરેક ઘરમાં આવી ગયેલાં ફિલ્ટર અને આર.ઓ. પ્લાન્ટ પાણીની અંદર રહેલા જરૂરી મિનરલ્સ પણ કાઢી નાખે છે. આ તંદુરસ્તીને બદલે ભવિષ્યની માંદગીનું આરોપણ છે.

શહેરી જીવન જીવતાં આધુનિક માતા-પિતા પોતાનાં બાળકોને ગામડાંની શુદ્ધ ખુલ્લી હવામાં રમવા કે સુવા દેવા નથી માંગતા હોતા. હવામાં જીવાણુઓ હોવાને લીધે બાળક બીમાર થાય એવી માન્યતાને વશ તેઓ એમને એવી રીતે ઉછેરે છે કે શહેરનાં બાળકો ગામડાંનાં બાળકો જેટલાં ખડતલ નથી બની શકતાં. માટીના ખોળે ઉછરેલું ગામડાનું બાળક ખેતરની માટી ખાવાથી શરૂ કરીને અવેડાનું ડહોળું પાણી પણ પચાવી જાય છે. ગાય કે ભેંસનું તાજું દૂધ એ ગામડાનાં ખોરાકમાં અનિવાર્ય હોય છે, જે ગામડાનાં બાળક-બુઢા બધાજ પચાવી જાણે છે, જ્યારે આવા દૂધમાં પાણી ઉમેરેલું દૂધ શહેરમાં જાય ત્યારે એ દૂધમાં પણ એક ભાગ દૂધમાં ત્રણ ભાગ પાણી ઉમેરી એમાં આખા મરી નાખી, ઉકાળી અને બાળક તથા વડીલોને આપવામાં આવે છે, કેમ કે આવી રીતે ઉકાળેલું દૂધ પાચનમાં હળવું મનાય છે. પહેલેથી આટલી કાળજીમાં મોટા થયેલા બાળકની પાચનશક્તિ ગામડાંના બાળક જેટલી નથી હોતી.

ગામડાં કરતાં શહેરનાં અને શહેર કરતાં અન્ય દેશોનાં બાળકોના શિક્ષણમાં જે રીતે બહુ મોટો તફાવત જોવા મળે છે એ જ ક્રમ એમની પાચનશક્તિ કે એમની રોગપ્રતિકારક શક્તિ બાબત ઊલ્ટો જોવા મળતો હોય છે. વિદેશથી આવતા બાળકને એનો ખોરાક અને પાણી સાથે લાવવાની કે ચોક્કસ પ્રકારના ખોરાક-પાણીની વ્યવસ્થા કરવાની ફરજ પડે છે. એમ જ હવે શહેરી લોકોની પણ ફરિયાદ હોય છે કે ગામડાનું વાતાવરણ કે ખોરાક બાળકને માફક નથી આવતા. આકરો તડકો સહન કરી જનાર ગામડાંનાં બાળકો ભાગ્યે જ ટોપી પહેરેલાં જોવા મળે છે અને છતાં ભાગ્યે જ બીમાર પડતાં હોય છે. બીમારીથી બચવા સતત એક યા બીજી દવાઓ કે વિટામિનની ગોળીઓ પર જીવતા શહેરી લોકો ગામડાંનાં તાજાં શાકભાજી, ચોખ્ખાં ઘી-દૂધ કે પૌષ્ટિક કુદરતી આહારમાંથી મળતાં અસલી વિટામિન હવે તો પચાવી પણ શકતા નથી.

ફ્લેટમાં મહિલાઓને એક તરફ હંમેશા ફરિયાદ હોય છે કે કબૂતરનો ત્રાસ છે અને બીજી તરફ ચકલીઓના વિનામૂલ્યે મળતાં માળાઓ લગાવવા માટે સ્કૂટર લઈને એ જ લોકો ભાગતા હોય છે. શું કામ? પ્રકૃતિ હંમેશા માણસનો પ્રિય સથવારો રહી છે. કબૂતરોને ચણ નાખવા ગમે છે, પણ નગરજનોને એમની ચરકથી થતી ગંદકી ગમતી નથી, કારણ કે એની નિત્ય કરવી પડતી સફાઈ માટે ફલેટના એસોસિએશન વ્યવસ્થા કરી શકતા નથી. સ્વચ્છતા અને સૌંદર્ય બહુ સ્વાભાવિક હોય છે જે સૃષ્ટિના દરેક જીવને આકર્ષે.

શહેરોમાં બે રૂમ-રસોડાની સાથે માણસ બાલ્કનીની પણ અપેક્ષા રાખે છે, કારણકે સૂર્ય પ્રકાશ અને કુદરતી પવન ઘરમાં આવે તો જ ઘર ગૃહ લાગે છે, બાકી મકાન બની જાય છે. કુદરતની નજીક રહેવું સૌ કોઈને ગમે છે, કેમ કે સ્વાસ્થ્ય માટે કુદરતથી મોટો ઉપચાર કોઈ હોય નહીંં. વહેલી સવારનો કૂમળો તડકો શરીરને વિટામીનની સાથે સ્ફૂર્તિ પણ આપે છે. હોસ્પિટલ અને હોસ્ટેલની બાજુમાં ઘર ન લેવાય એવી સર્વ સામાન્ય માન્યતા સામે બગીચાની બાજુમાં ઘર હોય તો માણસને આનંદ થાય છે. જેટલાં પ્રકૃતિની નજીક રહીશું એટલાં જ ટેક્નોલોજીની વિકૃતિથી દૂર રહી શકીએ એ સ્વીકૃતિ માટે આગ્રહની જરૂર નથી રહી હવે.

ગ્રીન હાઉસ અને ગ્રીન બિલ્ડિંગના વધી રહેલાં કોન્સેપ્ટ કુદરતી વસ્તુઓના વપરાશના આહ્વાનનો પણ સીધો ઈશારો કરે છે. મનોવૈજ્ઞાાનિકોનાં સંશોધન કહે છે કે એકલા ઉદ્યાન દ્વારા કુદરત અને તેમના વિચારો સાથે અડધા કલાક ચાલવું તાણ દૂર કરી શકે છે અને આંતરિક સુમેળને પુનઃસ્થાપિત કરી શકે છે. અલબત્ત, દરેકની આવાં ઘરમાં રહેવાની ઇચ્છા અને ક્ષમતા હોતી નથી, પરંતુ કોઈ પણ આધુનિક વ્યક્તિ, જે પોતાના આરોગ્ય અને આધ્યાત્મિક સુખાકારી વિશે કાળજી રાખે છે, તે ઓછામાં ઓછા કુદરતની નજીક હોવાનો પ્રયત્ન કરતાં જ હોય છે.

ઓર્ગેનિક ફૂડ, નેચરલ ખેતી, ગાય આધારિત કૃષિ વગેરેનો વધતો વ્યાપ કુદરતી ચીજોને અપનાવવાના અને સ્વાસ્થ્ય માટે સુખાકારીના સમૂળગા સહવાસના પૂરાવા આપે છે. સામાન્ય માંદગી પછી પણ સાજા થવા લાગેલી વ્યક્તિને દવાઓ કરતાં પણ વધારે પ્રકૃતિની નજીક રહેવાનું કહેવામાં આવે છે જેથી એનાં મનનાં તરંગોને સહજ રીતે જ કુદરતી ઉર્જા, તાજગી, સકારાત્મક અભિગમ અને સ્ફૂર્તિ મળી રહે. કુદરતની નિકટ રહેવાથી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને જિંદગીમાં ઉત્સાહ પ્રવર્તે છે.

કુદરતનું ચિત્ર બહુ વિશાળ છે જે આપણે જોઈ શકવા અસમર્થ છીએ, પણ તેનો અનુભવ કુદરત તમારામાં રેડી દે છે, જો તમે એની સાથે રહેવા અને વહેવા તૈયાર હશો. આધુનિક યુગમાં પણ કુદરત આપણાથી દૂર નથી, આપણે પ્રકૃતિને દૂર હડસેલી દીધી છે અને હવે આપણે આપણા જ સ્વાર્થ માટે એને નજીક લાવવા હવાતિયાં મારતાં થયા છીએ. કુદરતે આપેલી એક પણ ચીજ મનુષ્યને હાનિ પહોંચાડી ન શકે અને કુદરતની દરેક ચીજ જીવ માત્રના ખપમાં આવે છે એ સત્ય સ્વીકારવું જ રહ્યું, પછી ચાહે એ રણની રેતી કે સમુદ્રની ખારાશ પણ કેમ ન હોય. 

Gujarat