- અલ્પવિરામ
- વેબ સિરીઝના અતિ ફુગાવાને કારણે અનેક નવોદિતોને તો ચાન્સ મળ્યો જ, પરંતુ રંગભૂમિ કે સિનેમાના જે જૂના ભુલાઈ ગયેલા જોગીઓ હતા તેમને પણ ફરીથી કામ મળવાનું શરૂ થયું. વેબ સિરીઝ જૂની પેઢીના કલાકારો માટે પેન્શન યોજના છે
સફળ અને નિષ્ફળ એવી રાષ્ટ્રવાદી ફિલ્મો બનાવનારા વિવેક અગ્નિહોત્રીએ તાજેતરમાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક પોસ્ટ લખી છે. તેમના લખાણનો અર્થ એવો થાય છે કે હજુ પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેની જૂની તાસીર અને જૂનો અક્કડ મિજાજ છોડી નથી રહી. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોતાની કબર ખોદવાનું તો ઘણા સમય પહેલાંથી ચાલુ કરી દીધું હતું. હવે તે કબરના ખાડામાં ભૂસકો મારી રહી છે. તેમના લખાણના અંતે એક આવકારદાયક વાત એ હતી કે કોઈ નવોદિત વ્યક્તિને અત્યારે ફિલ્મોમાં નસીબ અજમાવવું હોય તો આ યોગ્ય સમય છે, કારણ કે છાપેલ કાટલાં હવે કટાઈ ગયાં છે.
તેમની આ વાતની પુષ્ટિ એ સમાચારથી મળે કે સફળ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ મુંબઈના ટોક્સિક વાતાવરણથી કંટાળીને મુંબઈ છોડીને બીજે વસવાટ કરવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના પોતાના લોકો હવે આ ઇન્ડસ્ટ્રીની અમુક નીતિરીતિથી ત્રાસી રહ્યા છે. શક્ય છે કે હવે નવી પ્રતિભાઓ માટે દરવાજા ખૂલે. જોકે ઓટીટી પ્લેટફોર્મ પર તો હજુ એવી જ તેજી છે જેવી ટ્રમ્પના આગમન પછી અમેરિકન સ્ટોક માર્કેટમાં દેખાઈ રહી છે.
એશિયા ખંડ અને એશિયા પેસિફિક દેશોમાં ઓવર-ધ-ટોપ એટલે કે ઓટીટી પ્લેટફોર્મમાં આવતી ફિલ્મો અને સિરીઝની રેવન્યુ આવતા પાંચેક વર્ષમાં ૫૮ બિલિયન ડોલરને આંબી જશે. સમગ્ર વિશ્વમાંથી અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ૧૫૦ અબજ ડોલર કરતાં વધુ કમાણી કરે છે. આ આંકડો આગામી પાંચ વર્ષમાં બેવડો થવાની શક્યતા છે. ડિજિટલ ટીવી રિસર્ચના ગહન અભ્યાસ પછી આવેલા તારણ મુજબ કોવિડકાળ પછી વાર્ષિક ૫૬%ના વધારા સાથે ઓટીટી પ્લેટફોર્મ બિઝનેસ કરે છે.
એશિયાની વાત કરીએ તો ચીન ચાર બિલિયન અને ભારત બે બિલિયન ડોલરની માર્કેટ ધરાવે છે. ચીનમાં આ આંકડો સ્થિર થઈ ગયો છે પણ ભારતમાં તે વધી રહ્યો છે. સાઉથ કોરિયા અને જાપાન પણ ત્રણ - ત્રણ બિલિયન ડોલરની ઓટીટી માર્કેટ ધરાવે છે.
ડિજિટલ ટીવીના સર્વે મુજબ ચીનમાં સોશિયલ મીડિયાની સાથે હવે ઓટીટી ઉપર પણ પ્રતિબંધ આવી રહ્યા છે, માટે ત્યાં તેની માર્કેટ વહેલા મોડી સીમિત થઈ જશે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને જાપાન જેવા દેશોની માર્કેટ મોટી છે, પણ તેની એક મર્યાદા એ છે કે ત્યાં જન્મદર ઓછો છે. વસ્તી ઓછી હોવાના કારણે મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરતા લોકોની સંખ્યા ઓછી રહે છે. તે દેશોમાં પોટેન્શિયલ માર્કેટ અને પોટન્શિયલ ગ્રોથ એક વર્તુળમાં મર્યાદિત રહેશે. કોરિયા જેવા દેશોમાં ટિકટોક જેવી સેલ્ફ વીડિયો એપ વાપરવાવાળા ઘણા છે માટે પણ ઓટીટી માટે બહુ સ્કોપ નથી. હવે દરેક ઓટીટી પ્લેટફોર્મ કે ચેનલનો ડોળો જગતના સૌથી મોટા ખુલ્લા માર્કેટ અર્થાત્ ભારત ઉપર છે. ભારત વૈશ્વિક બજાર બની રહ્યું છે.
ભારતમાં વસ્તી છે એનાથી વધુ સેલફોન છે, પણ ઇન્ટરનેટ કનેક્શન દરેક ફોનમાં નથી. હોય તો પણ અમર્યાદિત ડેટા બધા પાસે હોતો નથી. ફાઈવ-જીની સર્વિસ શરૂ થાય તેની ભારતના નાગરિકો જેટલી રાહ જોતા હશે તેનાથી વધુ ઇ-કોમર્સ વેબસાઈટના માલિકો અને ખાસ તો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જોઈ રહ્યા છે. દુનિયામાં અત્યારે ગણ્યાગાંઠયા લોકોને જ અંદાજ છે કે ભારતમાં ફાઇવ-જી શરૂ થશે પછી વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસર જોવા મળશે અને ભારત વધુ સશકત બનશે. ફાઇવ-જી શરૂ થતાં થશે પણ તેની પહેલાં વધુને વધુ ભારતીય નાગરિકો પોતાના સેલફોનને પોકેટ થિએટર બનાવી રહ્યા છે.
થોડા સમય પહેલા વર્લ્ડ સિનેમા ડે પર પંચોતેર રૂપિયાની ટિકિટ હોવાને કારણે સિનેમાગૃહોમાં જે ધસારો જોવા મળેલો એટલી ભીડ તેના પછી એક પણ ફિલ્મ માટે જોવા મળી નથી. એક હજાર કરોડ કરતાં વધુ કમાણીનો દાવો કરનારી ફિલ્મ પણ તરત જ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરી દેવામાં આવે છે. આ જ બાબત ઓટીટી પ્લેટફોર્મની અસીમ તાકાત દર્શાવે છે.
મોબાઈલમાં આવતા આ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મે મનોરંજન ક્ષેત્રની વ્યાખ્યાઓ તથા દિશા અને દશા બદલાવી નાખી છે. મોનોપોલી તૂટી છે. સિનેમાએ ભોગવેલું એકહથ્થુ શાસન ડામાડોળ થઈને જમીનદોસ્ત થઈ ગયું છે. દાયકાઓ સુધી સિત્તેર એમએમના માલિકોએ ટીવીની નાની સ્ક્રીનને તુચ્છકાર દ્રષ્ટિથી જોઈ છે. આજે એવો વખત આવ્યો છે કે ટીવીના કરતાં પણ વધુ નાની પાંચ ઇંચની સ્ક્રીનના શરણે આવ્યા વિના છૂટકો નથી. અત્યારે મોબાઈલની સ્ક્રીન રાજ કરે છે.
પ્રોડયુસરોએ મોબાઈલ ફ્રેન્ડલી કોન્ટેન્ટ બનાવવું પડે છે. ઓસ્કાર વિનીંગ મુવીઝ પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવે છે. ઓલ્ડ ક્લાસિકસ પણ આ જ જગ્યાએ જોવા મળે. જૂની સિરિયલોના એપિસોડ પણ આ જ પ્લેટફોર્મ આપે છે. યુવાનો ન વાપરે તો પણ વડીલો માટે હવે ઓટીટી પ્લેટફોર્મ ફરજિયાત થઈ ગયાં છે. સાયગલથી લઈને સોનું નિગમ સુધીના ગીતો મોબાઈલ સંભળાવે છે.
વેબ સિરીઝના અતિ ફુગાવાને કારણે અનેક નવોદિતોને તો ચાન્સ મળ્યો જ, પરંતુ રંગભૂમિ કે સિનેમાના જે જૂના ભુલાઈ ગયેલા જોગીઓ હતા તેમને પણ ફરીથી કામ મળવાનું શરૂ થયું. વેબ સિરીઝ જૂની પેઢીના કલાકારો માટે પેન્શન યોજના છે. એક જમાનાના આખા દેશમાં પ્રખ્યાત એવા એ. કે. હંગલ જેવા અનેક કલાકારો પાછલી જિંદગી ગુમનામી અને ગરીબીમાં કાઢતા હોય છે. વેબ સિરીઝ હવે બધાને સાચવી લે છે, કારણ કે વેબ સિરીઝ વધુ જોવાય એના માટે ફક્ત કોન્ટેન્ટ ઉપર આધાર રાખવો પૂરતો નથી, અમુક ચહેરા પણ જાણીતા હોવા જોઈએ.
જૂના ચહેરાને વેબ સિરીઝમાં લેવાનો ફાયદો એ પણ છે કે જૂની પેઢીના દર્શકો તેમની યુવાનીમાં તેમના પસંદીદા કલાકારને ફરીથી નવી વાર્તામાં જોવા માટે જ આખી સિરીઝ જુએ. વેબ સિરીઝે મનોરંજન જગતનાં ઘણાં સમીકરણો બદલાવી નાખ્યાં અને મોનોપોલી ભોગવતા ઘણા મુંગેરીલાલોનાં સિંહાસનો ડોલાવી નાખ્યાં છે.
પણ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવતા કોન્ટેન્ટનું મુખ્ય ઉધાર પાસું એ છે કે તેની ઉપર કોઈ રોક નથી. મોટાં માધ્યમો જે બહોળા જનવર્ગ સુધી પહોંચે છે તેની ઉપર એક ચાળણો હોવો જોઈએ. કંટ્રોલીંગ ઓથોરિટી બોડી હોવી જોઈએ. જોકે સરકાર આ બાબતે જાગૃત નથી એવું નથી, પણ તે પોતાના સ્વાર્થ પૂરતી જ જાગે છે.
બીબીસીએ હમણાં ૨૦૦૨ ઉપર ડોક્યુમેન્ટરી બનાવી તો તેનો બહુ ઉહાપોહ થયો. જોકે બીબીસી અચાનક આવા ભુલાઈ ગયેલા વિષયને લઈને કેમ આવે તે એક સવાલ છે, પણ એ કોન્સપાયરસી થિયરીવાળા રાજકારણને સાઈડ ઉપર મૂકીએ. ઓટીટીની અસર મોટી છે તે હકીકત છે. માટે જ ઓટીટી ઉપર આવતી દ્રષ્યાત્મક નગ્નતા અને નગ્ન ભાષા ચિંતાજનક છે.


