Get The App

જાણ્યા તોય અજાણ્યા કચ્છની ઓળખ કોને છે?

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
જાણ્યા તોય અજાણ્યા કચ્છની ઓળખ કોને છે? 1 - image

- અલ્પવિરામ

- રણને નવસાધ્ય કરવાના પ્રયત્નો સરકાર તરફથી થાય છે પણ સાવ અધૂરા, ઉતાવળા અને મોસમી...! બાહ્ય વિકાસ વચ્ચે ડ્રગ્સ માટે બંદરનો ગુપ્ત વિકાસ થાય છે કે શું?

ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું મોટું અને નાનું રણ એટલે કચ્છનું રણ. આજકાલ આ પ્રદેશ ડ્રગ્સની હેરાફેરી માટે બહુ મહત્ત્વનો પ્રદેશ છે. કચ્છનાં નાના-મોટા બંને રણનું ક્ષેત્રફળ ૨૭,૩૦૦ ચો.કિમી. છે. મોટું રણ પૂર્વ-પશ્ચિમ ૨૫૬ કિલોમીટર લાંબું અને ઉત્તર-દક્ષિણ ૧૨૮ કિલોમીટર પહોળું છે. તેનું ક્ષેત્રફળ ૧૮,૧૨૨ ચોરસ કિલોમીટર છે. નાનું રણ ૧૨૮ કિલોમીટર લાંબું અને ૧૬થી ૬૪ કિલોમીટર પહોળું છે. તેનું ક્ષેત્રફળ ૫,૧૭૮ ચોરસ કિલોમીટર છે. કચ્છના રણમાં લૂણી, બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ચોમાસામાં પૂર સાથે કાદવ તાણી લાવે છે. કચ્છના રણમાં ખાસ કરીને રેતી જોવા મળતી નથી. પહેલાં આ જગ્યાએ 'ટેથીઝ'ના ભાગરૂપ સાંભર સરોવર સુધી વિસ્તરેલો સમુદ્ર હતો. ભૂકંપને કારણે સમુદ્રનું પેટાળ ઊપસી આવતાં આ ભૂમિ બની છે. એટલે આ ખારો પાટ છે. મોટા રણમાં મળી આવતી માટીનું પડ ૯૦ સેમી. જાડું છે. નાના રણમાં કેટલીક ખેડાતી જમીન પણ છે.

રણના પગપેસારાની અસર ધીમી હોય છે. પાકના ઉતાર ઉપર પણ તેની અસર પડે છે, પણ રણના સરહદી વિસ્તારમાં બાજરીનો પાક લેવાતો હોય છે, તેથી આ અસર બહુ દેખાતી નથી. રણને આગળ વધતું અટકાવવા માટે સૂચનો કરવા સારુ ગુજરાત યુનિવર્સિટીએ નીમેલી રામનાથન સમિતિએ રણને અટકાવવા રામબાવળ અને ક્ષારનિરોધક વનસ્પતિ ઉગાડવા અંગે ભલામણ કરી હતી, કારણ કે આ પ્રકારનું બાવળનું વૃક્ષ ઝડપથી ફેલાય છે અને તે જમીનનો ક્ષાર ચૂસી લઈને તેને મીઠી બનાવે છે. બન્ની સહિત કચ્છના રણના સરહદી વિસ્તારમાં આનો સફળ પ્રયોગ થયેલો છે.

જૂનથી નવેમ્બર દરમિયાન રણ જળબંબાકાર બની જાય છે. છેક ફેબ્રુઆરી સુધી તેમાં કાદવકીચડ રહે છે. નાનું રણ મોટા રણ કરતાં વહેલું સુકાઈ જાય છે. શિયાળામાં સાઇબીરિયામાંથી સુરખાબ પક્ષીઓ આવીને તેમના માળા બાંધે છે જે અત્યારે દેખાય છે. નાના રણમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચેના વિસ્તારમાં ઘુડખર જોવા મળે છે. વિશ્વમાં આ એકમાત્ર સ્થળ છે જે ઘુડખરના અભયારણ્ય તરીકે જાહેર થયેલું છે. રણની કાંટાવાળી વનસ્પતિ અને સરહદી વિસ્તારમાંનાં ખેતરોમાંના પાક ઉપર આ પ્રાણીઓ નભે છે. નાના રણમાં સમુદ્રનું પાણી ન પ્રવેશે તે માટે બંધ ને પુલની ગરજ સારે તેવો પુલ સૂરજબારી પાસે બંધાયો છે. મોટા રણના ઊંચાણવાળા ભાગ ચોમાસામાં બેટ બની જાય છે. પચ્છમ, ખદીર, ખાવડા અને બેલા રણમાં આવેલા આ પ્રકારના બેટ છે. પચ્છમમાં આવેલો કાળો ડુંગર ૪૫૮ મીટર ઊંચો છે.

ઈ. સ. ૧૯૬૫માં પાકિસ્તાને કચ્છના રણની ઉત્તર સરહદના કેટલાક ભાગ ઉપર દાવો કરી આક્રમણ કર્યું હતું. પાકિસ્તાન વેસ્ટર્ન બાઉન્ડરી કેસ ટ્રિબ્યુનલના ફેબ્રુઆરી ૧૯૬૮ના ચુકાદા મુજબ રણનો ૯૦ ટકા વિસ્તાર ભારતના ભાગે આવેલો છે, જ્યારે તેનો ૧૦ ટકા હિસ્સો પાકિસ્તાનને મળેલો છે. મોટા રણ અને નાના રણમાં સિંધમાં જવાના પગરસ્તા છે. આજકાલ એ રસ્તા પર મધરાત પછી ડ્રગ્સની હેરાફેરી થાય છે. સોમનાથ ઉપર આક્રમણ કરીને મહમદ ગઝની ઈ. સ. ૧૦૨૪માં આ રસ્તે પાછા ફરતાં રણમાં ફસાઈ ગયો હતો. કચ્છના રણના ભૂતળમાંથી પેટ્રોલિયમ અને ગસ મળવાનો સંભવ છે. ચોમાસામાં રણમાં મુસાફરી થઈ શકતી નથી. પાણી સુકાયા પછી જમીન ખૂબ સખત બની જાય છે.

રણને નવસાધ્ય કરવાના પ્રયત્નો સરકાર તરફથી થાય છે પણ સાવ અધૂરા, ઉતાવળા અને મોસમી. કચ્છનું રણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં આગળ ન વધે તે માટે કાંટાળા બાવળ અને તેના જેવી વનસ્પતિ વાવીને તેને અટકાવવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ હવે રણ એને ગણકાર્યા વિના આગળ ધપી રહ્યું છે. મહેસાણા કરતાંય બનાસકાંઠા પર જોખમ વધુ છે. હવે બનાસકાંઠાને રણથી બચાવવા માટે એકલી સરકાર પહોંચી વળે એમ નથી. એમાં સ્થાનિક ઉત્તર ગુજરાતી એનજીઓ જેવી સંસ્થાઓએ રસ લેવો જોઈએ.

ગુજરાતના ભૂપૃષ્ઠ સ્વરૂપે આજે જોવા મળતા ભાલ અને નળકાંઠાના પ્રદેશો તેમજ કચ્છનું રણ બે હજાર વર્ષ પૂર્વે અરબી સમુદ્રની દરિયાઈ પાંખ હેઠળ હતાં. વેદાદિ સાહિત્યમાં ઉલ્લેખાયેલી અને પછીથી સુકાઈ ગયેલી સરસ્વતી નદી અરબી સમુદ્રની આ પૂર્વીય પાંખને મળતી હતી. કોરીનાળથી ઉમરગામ સુધીનો આજનો ૧૬૦૦ કિલોમીટરનો સાગરકાંઠો તે કાળે ૨૨૦૦ કિલોમીટરનો હતો. કચ્છ એ વખતે બેટ સ્વરૂપે હતું. ઉત્તરે લૂણી (લવણિકા) નદીના મુખ આગળથી કચ્છના રણની કિનારી પરના બનાસકાંઠાના વાવ, મહેસાણાના સમી અને સાંતલપુર તેમજ ઝાલાવાડના દસાડા તાલુકાના વિસ્તારો તત્કાલીન દરિયાઈ પાંખ પર હતા અને ત્યાં બંદરો પણ હતાં. 'સરસ્વતીપુરાણ'માં પણ અહીં સમુદ્ર હોવાનું સમર્થન મળી રહે છે. આ દરિયાઈ પાંખમાંથી સમુદ્ર સુકાયાની દંતકથાઓ હજી આજે પણ અહીંના લોકોમાં પ્રચલિત છે.

નદીઓએ ઠાલવેલા કાંપના વિપુલ જથ્થાથી થયેલા પુરણને કારણે આ દરિયાઈ પાંખ સુકાતી ગઈ અને આબોહવાના ફેરફારોને કારણે તે ધીમે ધીમે રણમાં ફેરવાઈ ગઈ. ક્વચિત્ થતી અતિવૃષ્ટિને કારણે લગભગ સમુદ્રસપાટીની લગોલગ રહેલું તેનું ભૂમિતલ આજે પણ ભરાઈ જાય છે. ૧૯૨૭ની રેલ વખતે આ પરિસ્થિતિ સર્જાયેલી અને ૧૮૬૦ના સમય અગાઉ તો આ ભાગ એટલાં ઊંડાં પાણી હેઠળ રહેતો કે હોડીઓ દ્વારા ધોલેરાથી વઢિયારના જળમાર્ગે કપાસની હેરફેર થતી તે બાબતની ઇતિહાસ (મુંબઈ ગેઝેટિયર) સાક્ષી પૂરે છે.

સમુદ્રસપાટીથી ભાગ્યે જ થોડી વધુ ઊંચાઈએ અને ગુજરાતની ઉત્તર-પશ્ચિમ સરહદે આવેલો કચ્છના રણ તરીકે જાણીતો આ પ્રદેશ ભારતીય ઉપખંડમાં જોવા મળતો અજોડ, અનન્ય લાક્ષણિક ભૂમિભાગ છે. આજે જોવા મળતી રણની આ શુષ્કતા તો હજી હમણાં વીતી ચૂકેલા ભૂસ્તરીય કાળની ઘટના ગણાવી શકાય. મુખ્યત્વે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા કેટલાક સ્તરભંગોને કારણે હોર્સ્ટ અને ગ્રેબન જેવાં રચનાત્મક લક્ષણોવાળા એના ભૂપૃષ્ઠના સપાટીસ્તરો ચતુર્થ જીવયુગ (કેનોઝોઇક યુગ) દરમિયાન બનેલા છે, જેની ઉત્પત્તિ દરિયાઈ, નદીનાળજન્ય કે નદીજન્ય છે.

૧૮૧૯માં અહીં ભૂકંપથી થયેલા ભૂસંચલનની રચનાત્મક અસરને કારણે રણનો કેટલોક ઉત્તરતરફી ભાગ ઊંચકાઈ આવેલો જે પાછળથી 'અલ્લાહ બંધ' તરીકે ઓળખાતો થયો. પરિણામે રણના બે ભાગ પડી ગયા. પશ્ચિમનો વિસ્તાર મોટા રણ તરીકે અને પૂર્વનો વિસ્તાર નાના રણ તરીકે જાણીતો થયો. કચ્છના રણનું આ થાળું ખરેખર તો સિંધુગંગાના વિશાળ કાંપમય મેદાની વિસ્તારના નૈઋત્યકોણીય છેડા તરીકે લેખાવી શકાય. આજે તો તે સમુદ્રસપાટીથી ભાગ્યે જ વધુ ઊંચાઈએ રહેલું, ખારા પટથી પથરાયેલું રહેતું, મુખ્યત્વે પંકભૂમિથી રચાયેલું થાળું માત્ર છે, જે વર્ષના અમુક ગાળા દરમિયાન શુષ્ક રહે છે, તો બાકીના સમયગાળા દરમિયાન પાણીથી છવાઈ જાય છે. આ જ કારણે તે પ્રાગૈતિહાસિક કાળ સુધી અરબી સમુદ્રનું પ્રવેશદ્વાર કહેવાતું હતું.

નવેમ્બરથી માર્ચ સુધીના પાછા વળતા ઈશાની મોસમી પવનોના ગાળા દરમિયાન, અગાઉના ચોમાસામાં ભરાયેલાં પાણી સુકાઈ જવાથી, આ થાળું ક્ષારની પોપડીઓવાળો વેરાન પંકભૂમિપટ બની રહે છે. ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીથી તપ્ત થયેલી તેની પંકસપાટી પરની ચળકતી ક્ષારમય પોપડીઓ દૂરથી પસાર થનારાઓની આંખ આંજી દે છે, તો ક્યારેક તેનો કેટલોક ભાગ મૃગજળનો આભાસ ઊભો કરે છે. એની પ્રગાઢ, સ્મશાનવત્ ઉજ્જડતા હૃદયવિદારક બની રહે છે.

ક્વચિત્ પસાર થતી રહેતી ઊંટોની વણજાર કે અહીંતહીં ભટકતાં રહેતાં અહીંનાં ઘુડખરનાં ટોળાં આ વેરાન વિસ્તારમાં જીવનના અસ્તિત્વનો અણસાર આપી જાય છે. આ ખારા પટમાં જડાઈ ગયેલાં જોવા મળતાં, અકાળે મૃત થયેલાં કોઈક પ્રાણીનાં હાડપિંજર કે સમુદ્રજળ સાથે ખેંચાઈ આવેલી અને પછીથી સુકાઈ ગયેલી માછલીઓ તેમજ નાનીમોટી જીવાતના અવશેષો અહીંની સાર્વત્રિક ભેંકાર ઉજ્જડતા અને જીવનની કરુણતા સાથેના દૂરગામી સંબંધોની ઝાંખી કરાવે છે.