Updated: Aug 9th, 2022
- અલ્પવિરામ
- બધા જ વાયરસનું મૂળ કોઈ પંખી કે પ્રાણીઓમાં છે. આફ્રિકાના આદિવાસીઓ આજે પણ વાંદરાને વાનગી માને છે. માણસે નિરાંતે પુનર્વિચાર કરવો પડશે
દુનિયાનો નકશો જુઓ. ચેપગ્રસ્તતાનો વ્યાપ દર્શાવતો નકશો જુઓ. આજનો જ નહીં, પચાસ વર્ષ પહેલાનો કે સો વરસ પહેલાનો પણ નકશો હોય તો પણ ચાલે. વિશ્વના કયા કયા દેશોમાંથી રોગચાળો ઉદ્દભવ્યો છે એ માર્ક કરો. આ પ્રકારના નકશામાં જે જે દેશનો નકશો લાલ રંગનો દેખાશે તે લાલ રંગ ચેપનો નહીં પણ માંસનો છે એમ સમજવાનું રહે છે. એ જ દેશોમાંથી ભયંકર રોગચાળા ઉત્પન્ન થયા છે જે દેશમાં માંસાહારનું પ્રમાણ અતિશય હોય. માંસ માટેના મનુષ્યના વિકૃત આકર્ષણે દુનિયાને નર્ક તરફ ધકેલવાનું ચાલુ કરી દીધું છે. અત્યારની પરિસ્થિતિ એ ટ્રેલર છે, આખું પિક્ચર ભવિષ્યમાં આવશે. પરંતુ વર્તમાનમાં આપણે જે અનુભવી રહ્યા છીએ તે પહેલું જ ટ્રેલર નથી. કુદરતે આની પહેલા પણ માનવજાત સામે લાલ આંખો બતાવી છે. પણ પોતાને બુદ્ધિશાળી સમજતો માણસ વાસ્તવમાં બેવકૂફી તરફ ઢળેલો રહે છે. જેમ વ્યસની જાણતો હોવા છતાં કે આ ઝેર છે છતાં વ્યસન છોડી શકતો નથી એમ મનુષ્ય અનેક બાબતોમાં બુદ્ધિ માત્ર વિચાર પૂરતી જ દાખવે છે, એની અમલવારી ઝીરો હોય છે. એટલે એ રીતે જ્ઞાાની અને અજ્ઞાાની એક ત્રાજવે બેસી જાય છે. કુદરતના ઈશારા સમજી શકવાની તાકાત હવે માણસ ગુમાવી ચૂક્યો છે. એટલે જ બદલતા પર્યાવરણના સંકેતોને એ ક્યાં સમજે છે? વ્યર્થ બૌદ્ધિકતાએ મનુષ્યના અસલી ચરિત્રને ખોખલું કરી નાંખ્યું છે. આખી દુનિયા દંભયુક્ત મીઠી મીઠી વાતોનો ઉકરડો છે.
કોરોનાની ઉત્પત્તિ કઈ જગ્યાએથી થઈ તેના વિશે ચોક્કસ માહિતી નથી. એ જ રીતે એઇડ્સ રોગના કારક એવા એચઆઈવી વાઇરસના ઉદભવસ્થાન વિશે પણ દુનિયા અજાણ છે. એ જ રીતે સાર્સ કે મર્સ કે ઝીકા વાયરસ જ્યાંથી આવ્યા છે તેના વિશે પણ દાવો કરી શકાતો નથી. ફક્ત થિયરી રજૂ થાય છે અને એ વિવિધ થિયરીઓને પણ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવા જીવલેણ વાયરસના ઉદભવસ્થાન કે મૂળ સ્રોતની સંભાવના દર્શાવતી થિયરીઓથી દુનિયાને અંધારામાં રાખવામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ સિવાય બીજી એક ઇન્ડસ્ટ્રીને પણ રસ છે. તે છે મીટ ઇન્ડસ્ટ્રી એટલે કે માંસ ઉત્પાદન એકમો. આ બધા વાયરસ જે દેશના જે વિસ્તારમાંથી ઉત્પન્ન થયા છે તે વિસ્તારોમાં માંસાહારનું પ્રમાણ અને તેનું ઉત્પાદન જોરશોરથી ચાલતું હતું. ટૂંકમાં, આ બધાને પ્રાણીજન્ય વાયરસ કહી શકાય. એનો અર્થ એ કે જો મનુષ્યે કુદરતમાં હસ્તક્ષેપ કર્યો ન હોત અને તે પ્રાણીઓની કતલ કરીને તેનું માંસ હડપવાના પ્રયાસો કર્યા ન હોત તો આ બધા વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો ન હોત. પરિણામસ્વરૂપ લાખો નહીં પરંતુ કરોડો નિર્દોષ વ્યક્તિઓનો જીવ બચી ગયો હોત.
એચઆઇવી વાયરસ પણ મહત્ અંશે તો વાંદરામાંથી જ ઉદ્દભવ્યો છે. આફ્રિકાના જે દેશના વાંદરાની પ્રજાતિમાંથી વાયરસ મળી આવ્યો છે તે વિસ્તારના આદિવાસીઓ કે ત્યાંના સ્થાનિક લોકોને વાંદરાનું માંસ ખાવાની આદત છે. કાપકૂપ દરમિયાન મનુષ્યના શરીર ઉપરના કોઈ ખુલ્લા જખમ વાટે વાયરસ પ્રવેશ્યો હોય એવું વિજ્ઞાાનીઓનું માનવું છે. એક માણસ ચેપગ્રસ્ત થાય જે વિશ્વ આખામાં રોગ ફેલાવી દે. સાર્સનો વાયરસ પણ ડુક્કરમાંથી આવેલો. ઝીકા વાયરસ ચામાચીડિયામાંથી આવ્યો છે. કોરોના ગ્રુપના બધા વાયરસોના આરએનએની તપાસ થઈ છે. ડુક્કર અને ચામાચીડિયામાં જે પ્રકારના વાયરસ જોવા મળે એ જ કુળમાં કોરોના વાયરસ આવે છે. ડુક્કર અને ચામાચીડિયા એવા પ્રાણીઓ છે કે તે માનવ વસાહતમાં રહે તો પણ માણસોને નડતરરૂપ થતા નથી. આ તો મનુષ્યની અવળચંડાઈ કે ક્વિઝીનના નામે તે નિર્દોષ પ્રાણીઓને મારીને તેમાંથી વિવિધ વાનગી બનાવે છે. એને જ પરિણામેં અત્યારે આખું જગત કોરોના સામે ત્રાહિમામ પોકારી ઉઠયું છે.
કોરોના વાયરસ ચીનની લેબોરેટરી કે બધાં જ પ્રકારના પ્રાણીઓ-જંતુઓ-પક્ષીઓ વેચતી માંસ માર્કેટમાંથી ઉદ્દભવ્યો છે તે નિર્વિવાદ સત્ય છે. સો વર્ષ પહેલા યુરોપમાં ફેલાયેલો બર્ડ ફલૂ પણ ચિકન પોલ્ટ્રી ફાર્મમાંથી ઉદભવેલો. ઝીકા, સાર્સ, મર્સ, સ્વાઇન ફલૂ જેવા અનેક વાઇરસ પેદા થયા છે તેનું સીધું કારણ માંસ પરત્વેની ઉપભોગ વૃત્તિ છે. ભારત સૌથી છેલ્લે ચેપગ્રસ્ત થયું એનું કારણ શું? ઇટાલી કે સ્પેન કેમ પહેલા સપાટામાં આવ્યા? અમેરિકાની હાલત અત્યારે દયનીય છે અને ન્યુયોર્ક તો નર્કાગાર સમુ બનતું જાય છે. કેમ? કારણ કે તત્કાલીન ટ્રમ્પે વણકહ્યા લોકડાઉન પછી પ્રેસિડેન્ટ તરીકે પાવર વાપરીને દેશમાં મહત્વની ચીજોના પ્રોડક્શનની બાગડોર પોતાના હાથમાં લીધી. મહત્વની ચીજો એટલે પીપીઇ કીટ કે માસ્ક નહીં પણ માંસ. અમેરિકામાં માંસનું ઉત્પાદન કરતી છ મોટી કંપનીઓને છટકબારી મળે એ રીતે ઢીલું જાહેરનામું બહાર પાડયું. છએ છ કંપનીઓએ નિર્દોષ પ્રાણીઓને મારીને માંસની સપ્લાય ચેઇન ચાલુ રાખી. એ જ કારણોસર આખું અમેરિકા ઝપટમાં આવી ગયું. અમુક માંસ ઉત્પાદન કંપનીઓના પચાસ ટકાથી વધુ કર્મચારીઓ ચેપગ્રસ્ત થયા. આટલું થયા છતાં અમેરિકાની આંખ નથી ખુલતી. અમેરિકા વળી ચીન જેવા દેશને માંસનું ઉત્પાદન ઓછું કરવા માટે સલાહ આપે છે, પણ અમેરિકાને ખુદને માંસ વિના ચાલતું નથી, કારણ કે મેકડોનાલ્ડ કે કેએફસી જેવી ઘણી ફૂડ આઉટલેટ કંપનીઓ માંસમિશ્રિત પ્રોડક્ટ્સ વેચે છે.
માંસ અભક્ષ્ય અને અખાદ્ય પદાર્થ છે. જેમ પ્લાસ્ટિક ન ખાઈ શકાય, માણસ ઘાસ ન પચાવી શકે, લાકડાને બટકા ન ભરી શકાય એમ જ કોઈ પ્રાણીને ન ખાઈ શકાય. આવું યુગો પહેલાના અભ્યાસુઓ, વિજ્ઞાાનીઓ, તત્ત્વચિંતકો, ઋષિમુનિઓ કહી ગયા છે. આપણાં શાસ્ત્રોની એ વાત જાણીતી છે કે જીભથી ચાટીને પાણી પીતાં પ્રાણીઓને કુદરતે માંસ ખાવાની છૂટ આપી છે (અલબત્ત જાતે શિકાર કરીને, ભૂખની જરૂરિયાત મુજબ), પણ ઘૂંટડે પાણી પીતાં જીવો માટે માંસાહાર નિષેધ છે. સાદું ઉદાહરણ, હાથી ઘૂંટડા ભરે છે માટે તે વેજિટેરિયન છે. મનુષ્યે ભૂતકાળમાં ક્યારેક કપરા સંજોગોમાં હોવાના કારણે કે રણ જેવી વેરાન જગ્યાએ રહેવાના કારણે નોનવેજનો ઉપયોગ કરવો પડયો હશે, પણ એનો મતલબ એ નથી કે તે રિવાજ બની? સત્ય સંશોધન છે કે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ હકીકત એ છે કે આદિમાનવો શિકારી ન હતા, પણ સ્કેવેન્જર્સ હતા અર્થાત કોઈ પ્રાણીનું મડદું પડયું હોય કે શિકાર થયો હોય તો શિયાળ અને ગીધની જેમ તેનો ઉપયોગ અદિમાનવો કરતા. બાકી મોટા ભાગના આદિમાનવો કંદ, ફળફળાદિ, શાકભાજી, પાંદડા ઉપર જ જીવ્યા છે. ફક્ત માંસાહાર કરતા હોત તો માણસના શરીરનો ઘાટઘૂંટ પણ સહેજ અલગ હોત. કદાચ આ જ કારણોસરથી ભારતમાં જે ધર્મોનો ઉદભવ થયો તેમાંના મહત્ ધર્મોમાં માંસના ભક્ષણ માટે નિષેધ ફરમાવવામાં આવ્યો છે. ધર્મ અને વિજ્ઞાાન ઘણી વખત સિક્કાની એક જ બાજુએ હોય છે.
બહુ જાણીતી થિયરી છે જે સાચી પણ છે અને ગુગલમાં સર્ચ કરતા ઢગલો માહિતી મળી જાય એમ છે કે માંસાહાર દુનિયાને મોંઘું પડે છે. હજારો ગેલન પાણી અને હજારો ટન અનાજ એ બિચારા પ્રાણીઓને ખવડાવવામાં આવે ત્યારે માંડ એક ટન જેટલું માંસ મળે છે. દુનિયામાં ભૂખમરાનું કારણ માંસાહારની બહુમતી છે. શાકભાજી ઉગાડવા માટે જમીન નથી પણ ભૂંડ, મરઘી, બકરી વગેરે પ્રાણીઓને ચણ નાખવા માટે જમીન ખેડાય છે, જંગલો નાબૂદ થાય છે. માટે શાકભાજીની તંગી સર્જાય છે અને ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે સતત કુદરતી આફતો આવતી રહે છે. લાખો લોકો પ્રદૂષણના લીધે મરે છે. વૈશ્વિક તારાજીનું પ્રત્યક્ષ કે પરોક્ષ કારણ માંસાહાર છે, જેણે દુનિયાની પથારી ફેરવી છે. જુગુપ્સાજનક આહારશૈલી ધરાવતું ચીન તો તેની રાક્ષસી વૃત્તિથી પ્રકૃતિનો ખાત્મો બોલાવી રહ્યું છે અને એના પાપે એ કદાચ આખી દુનિયાને પણ ભરખી જશે. ચીનની જ જીવનશૈલીની પગથારે બીજા અમુક દેશો છે. એ બધા દેશોએ એના નાગરિકોમાં સ્વયંશિસ્તના ગુણ રોપવા પડશે.
પ્રાણીઓને જલ્દી મોટા કરવા માટે, માંસ વધુ આપે અને બીમાર ન પડે એટલે ભારે એન્ટી-બાયોટિક દવાનો ડોઝ આપવો પડે છે. એ દવાઓ સરવાળે માંસાહાર કરનારા માણસના પેટમાં જાય છે અને માણસ એન્ટી-બાયોટિક-પ્રુફ થતો જાય છે.