શિક્ષણને એટલું મહત્ત્વ આપ્યું કે સર્વ જીવનવિદ્યાઓ પાછળ રહી ગઈ
- અલ્પવિરામ
- ટકાવારીની દોડમાં ગુજરાતી સમાજે બહુ મોટા ગોથાં ખાધા છે. પરિણામ એ આવ્યું કે ઊંચી ટકાવારી પણ વિદ્યાર્થીઓને બહુ કામમાં લાગતી નથી
વિક્રમનો નૂતન બાલસૂર્ય દૂર પૂર્વમાં ઉદયમાન થઈ ગયો છે. દિવાળી વેકેશન હવે પૂરું થવામાં છે. શિક્ષણને આપણે જરૃર કરતાં એટલું વધારે મહત્ત્વ આપી દીધું કે જીવનવિદ્યા બધી જ પાછળ રહી ગઈ. કલા, સાહિત્ય અને સંગીતના ઉપાસકોને હજુ આજે પણ સમાજનો એક વર્ગ જુદી રીતે જુએ છે. તેઓ માને છે કે કલાકારોમાં વ્યાવહારિક બુદ્ધિ ઓછી હોય છે અને તેઓ એવા ધૂની હોય છે કે સમાજના સુપ્રચલિત માળખામાં સારી રીતે ગોઠવાતા નથી. વીતેલા દાયકાઓની આ માન્યતા જેવી વાસ્તવિકતા હવે નથી. હવે કલાકારો પૂરેપૂરા વ્યાવહારિક છે અને જરાક પણ ધૂની નથી. હા, એમની ઊંચી સફળતાને કારણે લોકો એને કંઈનું કંઈ કહે એ વાત જુદી છે. જિંદગી માત્ર ગુણપત્રકમાં ઊંચી ટકાવારીથી નભતી નથી. મનુષ્યના હૃદય અને બુદ્ધિની સમતુલા સ્થપાયા વિના યુવામાનસને સફળતા મળતી નથી.
ટકાવારીની દોડમાં આપણા સમાજે બહુ મોટા ગોથા ખાધા છે. પરિણામ એ આવ્યું છે કે ઊંચી ટકાવારી પણ વિદ્યાર્થીઓને બહુ કામમાં લાગી નથી. આજે જે બેરોજગારીની બૂમાબૂમ છે એમાં બહુધા ઉમેદવારો તેજસ્વી છે ને ફર્સ્ટ ક્લાસ પાસ થયેલા છે. એ ટકા એમને કામમાં આવતા નથી, કારણ કે પછી ટકાવારીને આધારે તો જોબમાં ક્યાંય સીધો પ્રવેશ તો મળતો જ નથી. સરકાર પણ પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ અને સ્પર્ધાત્મક કસોટીઓ રાખે છે. માનો કે એમબીબીએસમાં પ્રવેશ મળી જાય, પરંતુ ડોક્ટર તરીકે તેઓની પ્રેક્ટિસ ચાલશે કે નહીં એ ટકાવારી નક્કી ન કરી શકે. એ તો ડોક્ટરની માનવીય ઊંચાઈ અને એમના સ્વભાવ પર આધારિત છે. આપણે ત્યાં એવા ડોક્ટરો અનેક થઈ ગયા કે જેની પાસે જૂની આરએમપી જેવી ડિગ્રી હોય, પરંતુ દર્દીના નિદાન અને ઉપચારમાં એમની માસ્ટરી હોય. પછી લોકો એમ કહે છે કે એમના હાથમાં જશરેખા છે.
વાલીઓના મનમાં ટયુશન ક્લાસના માલિકોએ ટકાવારીનું જે ભૂત ભરાવ્યું છે તે હજી સુધી નીકળ્યું નથી, સતત ધૂણ્યા કરે છે. મુખ્યત્વે વિજ્ઞાાન અને ગણિતના શિક્ષકોએ ઊંચી ટકાવારીની વકીલાત કરી. એક તબક્કે તેઓ સાચા હતા. આજે એમને પૂછો કે સાહેબ, મારે ઊંચા ટકા તો આવ્યા પણ નોકરી નથી મળતી તો એમ કેમ? તો એનો જવાબ એમની પાસે નથી. જે સત્ય છે એ તેઓ કહી નહીં શકે. અને સત્ય એ છે કે કોઈ પણ પદવી આપણને એ ક્ષેત્રના વ્યાવસાયિક કે ઔદ્યોગિક સેક્ટરમાં માત્ર પ્રવેશ આપે છે. પછી એમાં આપણે પ્રવૃત્ત થવું પડે છે.
ઊંચી ટકાવારીવાળા વિદ્યાર્થીઓને સોસાયટીના નાકે આવેલી કરિયાણાની દુકાને જીરૃ, વરિયાળી કે અડદ લેવા મોકલો તો તેઓ ગુણવત્તા તપાસી શકે તેમ નથી. તેમનામાં જીવનની સર્વસામાન્ય કુશળતાઓનો અભાવ છે. આ ટકાવારીવાળા એક અલગ પ્રકારની કોમ્યુનિટી છે અને આખા રાજ્યમાં ફેલાયેલી છે. એને કોઈ પણ વસ્તુની ખબર પડતી નથી. અરે, સારા એક કિલો રિંગણા લેતા પણ એમને આવડતું નથી. આ લોકોને કેરી લેવા મોકલો તો ખાતરી છે કે એ કેરી ખાટી જ નીકળશે. આવી ટકાવારી શું કામની? આજે નહીં તો કાલે સમાજે એના પર વિચાર કરવો પડશે, કારણ કે ટયુશન ક્લાસના માલિકોને તો ખાલી પૈસા જોઈએ છે. એ પૈસાના બદલામાં તેઓ માત્ર ટકા જ આપી શકે. વિદ્યાર્થીને જિંદગીનો અસલી પરિચય ન કરાવી શકે. આપણે ત્યાં એવા કેટલાય ઉમેદવારો છે કે જેઓ લગ્ન પછી કંઈક સમજતા થયા હોય. એમનો ખરો વ્યાવહારિક - બૌદ્ધિક વિકાસ લગ્ન પછી જ થયો હોય. આવનારી પુત્રવધૂએ જ એને જ્ઞાાન આપ્યું હોય કે આમ બોલાય, આમ વાતચીત થાય, વ્યવહારમાં આમ રહેવાય... આ રીતે શોપિંગ કરાય.. આ રીતે બચત થાય વગેરે.
ખાનગી કંપનીઓનું ચિત્ર પણ હવે રહસ્યમય થઈ ગયું છે. દેશમાં સાર્વત્રિક રીતે જે મંદીની હવા છે એનું બહાનું હાથમાં લઇને ખાનગી કંપનીઓ છેલ્લા બે-ત્રણ વરસમાં કુલ તો લાખો કર્મચારીઓની નિવૃત્તિ પહેલા છટણી કરી ચૂકી છે. નવયુવા બેરોજગારોમાં આપણા દેશમાં છેલ્લા ત્રણ વરસમાં પાકટ અને આધેડ બેરોજગારોની સંખ્યા પણ પાછલે દરવાજેથી ઉમેરાઈ ગઈ છે. સરકાર પાસે હાલ જે આંકડાઓ છે એનાથી તો બેરોજગારી ક્યાંય વધુ છે અને વૈવિધ્યપૂર્ણ છે. સામાન્ય રીતે બેકારી કે બેરોજગારી આપણે એને કહીએ છીએ કે જેનામાં કામ કરવાની તમન્ના, યોગ્યતા અને સ્વઉપાર્જન માટેની પ્રતિબદ્ધતા હોય છતાં તેને કામ ન મળે. કંપનીઓના અનુભવો સમાજ સુધી પહોંચતા નથી. કંપનીઓ કહે છે કે નવી પેઢીને કામ કરવાની તક આપીએ પછી તેમાંના પચાસ ટકા ઉમેદવારો તો કોઇને કોઈ વ્યસનના શિકાર હોય છે.
બાકીના લોકોમાં પણ ઓન ડયુટી મોબાઈલ મનોરંજન માણવાનું વ્યસન હોય છે, જે પાન-બીડી જેવું જ ખતરનાક છે. પછી જે વધ્યા એમાંથી ત્રીસ ટકાને તો સીધા સાહેબ જ થવું છે, કામ તો કરવું નથી, હાલતા ને ચાલતા રજાઓ રાખવી છે, રાખેલી રજાને વળી ફરી લંબાવવી છે. છેલ્લે જે થોડાક લોકો છે તેઓ કંઇક કામગરા છે. જેમાંથી ય દસ ટકા જ નિષ્ણાત અને મનુષ્યત્વનાં ઉચ્ચ મૂલ્યો તથા ઉચ્ચ સંસ્કારોને ધારણ કરનારા છે, જેને કંપની કોઈપણ વધારાના ઇન્સેન્ટિવ્સ આપીને પોતાની સાથે જાળવી રાખે છે, કારણ કે કંપનીઓનું તેઓ પ્રાણતત્ત્વ બની જાય છે.
ભારતીય સમાજે છેલ્લા બે-ત્રણ દાયકામાં ટકાવારી માટે જે દોટ મૂકી અને કલા, સાહિત્ય, સંગીત સહિત જે અન્ય બધું જ છોડી દીધું એના આ ચિંતાજનક પરિણામો સામે આવવા લાગ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આપણા શિક્ષકો અને અધ્યાપકો લાયબ્રેરીમાં દેખાતા નથી. તેમના ઘર પર દરોડા પાડો તો પાઠયપુસ્તકો સિવાયનાં કોઈ પુસ્તકો ન મળે. આ સ્થિતિ વારંવાર જોવામાં આવે છે છતાં હજુ એમાં કોઈ ફેરફાર થયો નથી. શિક્ષકોની વાણીમાં પણ ટકાવારી જ ટક ટક થયા કરે છે, તેઓ સંદર્ભોનાં અનેક જ્ઞાાાન-ઝરણથી સર્વથા મુક્ત છે. એટલે એમને હાથે ઘડાયેલા નવા યુવા વર્ગે આજે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. આપણે વાતો કરતા હોઈએ એવી આ કોઈ સામાન્ય સ્થિતિ નથી, આ તો એ દશા છે જેને કારણે આ યુવાઓની માતાને અરધી રાત્રે ઊંઘ ઉડી જાય છે અને પિતા સતત મૂંઝવણમાં વ્યાકુળ રહે છે. સંતાનો પચીસેક વરસે પહોંચે ત્યારે એમનાં માતા પિતા પચાસેકની વયે પહોંચ્યા હોય છે. પચાસ વરસની વય એક પ્રશાંત જીવનરીતિથી નિરાંત માણવાની અને નિશ્ચિંતતાની વય છે.
ઠરેલી લક્ષ્મી અને ઠરેલા ગૃહસ્થાશ્રમની અમૃતધારામાં સંતાનોને એના પોતાના પગ પર બેઠા થવાનો એ શુભકાળ હોય છે, પરંતુ એમ હવે થતું નથી. એને કારણે સમગ્ર પરિવારના સુખચૈન અદ્ધરતાલ થઇ જાય છે. પરિવારના દરેક સભ્ય જાણે કે કોઈક એડહોક લાઈફ જીવતા હોય એવી સ્થિતિ સર્જાય છે. આપણા દેશની બેરોજગારીના આંકડાઓનું જંગલ જગજાહેર છે. સરકાર જો એમાં કંઇ કરી શકે એમ હોય તો સરકારે નવી નવી ચૂંટણીઓમાં મત લેવા માટે કંઇક કરવું પડે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે સરકાર કંઇ કરી શકે એમ નથી અને જે કંઇ કરે છે તે ફાટેલા આભને થીંગડાં મારવાનું જ કામ કરે છે. દુનિયાની કોઈપણ પ્રજા પોતાની બધી જ સમસ્યાઓનો ઉકેલ જો પોતાની સરકાર પાસેથી જ ચાહે તો એ ઉકેલ એને મળવાનો નથી, સમય પસાર થવાનો છે અને સમસ્યા હાઈફ્લડ લેવલનેય વટી જવાની છે. બધી જ જવાબદારી કંઈ સરકારની ન હોય.