એક વરસ સુધી જનજીવન આવું જ રહેશે ?
- અલ્પવિરામ .
- કેરળ સરકારે એના રાજ્યમાં દાખલ કરેલા કોરોના રેગ્યુલેશન્સને એક વરસ સુધી એટલે કે આગામી જુલાઈ 2021 સુધી લંબાવવાનો હુકમ કરી દીધો છે
દેશમાં એકમાત્ર કેરળ સરકાર છે જેણે રાજ્યમાં દાખલ કરેલા કોરોના રેગ્યુલેશન્સને એક વરસ સુધી એટલે કે આગામી જુલાઈ ૨૦૨૧ સુધી લંબાવવાનો હુકમ કરી દીધો છે. જે હકીકત દેશના ઘણા બધા રાજ્યો અને કેન્દ્ર સરકાર જાણે છે કે આગામી એક વર્ષ સુધી તો સ્થિતિમાં કોઇ ફેરફાર થવાનો નથી. ઉપરાંત દેશના કેટલાક વિસ્તારોમાં અને કેટલાક ક્ષેત્રોમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાની છે. તો પણ હજુ કેન્દ્ર સરકાર પોતાનો રોડમેપ જાહેર કરી શકી નથી. દેશના શિક્ષણ ક્ષેત્રમાં હજુ પણ એમ માનવામાં આવે છે કે થોડા સમયમાં બધું સુગમ થઈ જશે ! કેટલાક જ્યોતિષીઓને આધારે પણ એ વાતને સતત હવા આપવામાં આવે છે કે આપણે જાણે કે તમામ આપત્તિઓને પાર કરી ને કાંઠે પહોંચી ગયા છીએ.
અથવા તો આપણે ટૂંક સમયમાં જ આ મહાસંકટમાંથી બહાર આવી જવાના છીએ. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે ભારતમાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં બહુ ઝડપથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. રોગગ્રસ્ત લોકોની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે દુનિયામાં ત્રીજા સ્થાન પર છે અને બહુ જ ટૂંક સમયમાં ભારત પહેલા સ્થાન પર આવી જશે. પછી જ ભારતની ખરી કસોટી છે કે એ સ્થાનમાંથી કઈ રીતે ઝડપથી છટકી જવું અને કઈ રીતે કોરોના પર અંકુશ પ્રાપ્ત કરવો. કોરોના માટે રોગ પ્રતિકારક રસી શોધવામાં હજુ વૈજ્ઞાાનિકોને ઘણો લાંબો સમય લાગશે.
કેટલાક અખતરાઓ એવા થયા છે કે લોકોને આશા બંધાઈ છે, પરંતુ સમગ્ર દુનિયામાં કામ લાગે એવી રસી હજુ હાથ લાગી નથી. ભારતીય આયુર્વિજ્ઞાાન પરિષદે અને ઓક્સફર્ડ યુનિવસટીએ આવતા મહિને ઓગસ્ટમાં કોરોનાનો પ્રતિકાર કરવા સફળ ટીકા કરણની આશાઓ પ્રગટ કરી છે. પરંતુ હજુ એ કલ્પનાનો જ વિષય છે. દુનિયામાં અત્યારે ૧૫૦ થી વધુ મેડિકલ ટીમો એવી છે જેણે દાવો કર્યો છે કે અમે અંતિમ સફળ પરિણામની સાવ નજીક છીએ.
વૈજ્ઞાાનિકોના અભિપ્રાયો ફરતા રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે ટોચના મેડિકલ સાયન્ટિસ્ટ છે. થોડા સમય પહેલા એક હજારથી વધુ વૈજ્ઞાાનિકોની ચર્ચામાં એમ કહેવામાં આવ્યું કે કોરોનાથી મૃત્યુની સંભાવના એક ટકાથી પણ ઓછી છે. તેના થોડા દિવસ પછી એમ કહેવામાં આવ્યું કે બહુ વિરાટ સમુદાય ભેગો થાય તો કોરોના હવામાંથી પણ ફેલાઇ શકે છે.
કોરોના અંગે હજુ સુધી વૈજ્ઞાાનિકો કોઈ છેલ્લા વિધાન સુધી પહોંચ્યા નથી. શરૂઆતમાં એમ માનવામાં આવતું હતું કે એક સંક્રમિત વ્યક્તિ હોય તો એના સંપર્કથી કોરોના સતત ફેલાઈ જાય છે. એટલે કે અનુસંધાન હોવું જરૂરી છે. અનુસંધાનનો છેડો ન હોય તો કોરોના થતો નથી. પરંતુ અમેરિકા અને યુરોપમાં પોતાની જાતને કોરેન્ટાઈન કરીને અલિપ્તેરહેલા કેટલાક લોકો પણ કોઈ અનુસંધાન વિના જ કોરોનાનો ભોગ બન્યા છે.
ભારતનું આરોગ્ય તંત્ર કેવું છે તે સૌ જાણે છે. આવનારા દિવસોમાં દેશના તમામ શહેરોમાં રોગ કોરોના પરાકાાએ પહોંચવાનો છે. ભવિષ્યમાં સરકાર પાસે હોસ્પિટલો ઉભી કરવી અને કોરોનાના દર્દીઓની સારવાર કરવી આ સિવાય બીજું કોઈ કામ નહીં હોય એવું દેખાય છે. એનું કારણ એક જ છે કે કોરોનાના સંક્રમણને વધારવામાં ભારતીય પ્રજાનો અકલ્પનીય સહકાર છે.
ભારતમાં ૧૦ વ્યક્તિમાંથી સાત એમ માને છે કે અમે ગમે ગમે તેમ હરીએ કે ફરીએ પરંતુ અમને કોરોના સ્પર્શવાનો નથી. દર ૧૦ માંથી ૭ નાગરિકો પોતાની જાતને દેવના દીકરા માને છે અને તેઓ કોઈ પણ ડિસિપ્લિન વિના રઝળપાટ કરતા રહે છે. અનિવાર્ય ન હોય ત્યાં જવાની હવે જરૂર જ નથી છતાં પણ ભારતમાં મોજ અને મસ્તીની રખડપટ્ટી કરનારો એક મોટો વર્ગ છે. કોરોનાનો પંજો એમના તરફ જ પહેલા પહોંચે છે.
ચીનના વુહાનમાં કોરોનાએ પહેલીવાર દેખા દીધી અને ચીનના વૈજ્ઞાાનિકોએ જાહેર કર્યું કે આ વાયરસમાં પૃથ્વીના છ કરોડથી વધુ લોકો ને હડપ કરી જવાની ક્ષમતા છે, ત્યારે એ વાતોને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. પરંતુ હવે એ વાત સાચી લાગે છે. દુનિયાના મોટાભાગના દેશોના વડાઓની હાલત અસમંજસથી ભરેલી છે.
કારણ કે તેઓ જાણતા જ નથી કે શું કરવું ? બહુ શરૂઆતમાં લોકડાઉનને અમોઘ ઉપાય તરીકે જોવામાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે લોકડાઉન તો ફાઇનાન્સિયલ પતનનો માર્ગ છે. એટલે પછી વિવિધ મર્યાદાઓ સહિત અનલોકની શરૂઆત થઈ. તો પણ પરિસ્થિતિમાં કોઈ ફેર પડયો નથી.
આજે મુંબઈમાં હોસ્પિટલોની પરિસ્થિતિ એ છે કે બે બેડ વચ્ચે આઠ ફૂટનું અંતર ઘટાડીને ચાર ફૂટનું કરવું પડે છે, જેથી વધુમાં વધુ નવા બેડ ઉમેરી શકાય. આ દશા આખા દેશની તમામ હોસ્પિટલોની થવાની છે. ફ્રાન્સમાં પરિવારની જે વ્યક્તિ નોકરી ધંધા માટે બહાર જાય છે એને અલિપ્ત રાખવામાં આવે છે.
ભલે એ ગૃહસ્થ આખા ઘરનું ભરણ પોષણ કરે છે, પરંતુ પરિવારજનોના વિનાશનો અધિકાર એને આપવાનો હોતો નથી. કેટલાક વિલા કે બંગલાઓમાં ઘરનો મોભી ગેરેજમાં રહે છે. કારણ કે તેની બહારની અવરજવર ચાલુ છે. તે પોતે જ પરિવારને બચાવવાના હેતુથી અલિપ્ત રહે છે. આ પ્રકારની સમજણ ભારતીય નાગરિકોમાં આવતા તો હજુ બહુ વાર લાગશે.
આંકડાઓ સતત જાહેર થતાં રહે છે ને વીજળીક વેગે બદલતા રહે છે. કેન્દ્ર સરકાર એના વાજિંત્ર આકાશવાણી અને દૂરદર્શન પર દરરોજ એકાદ એવા ડોક્ટરને રજૂ કરે છે, જે કહે છે કે કોરોનામાં મૃત્યુનો દર આખા વિશ્વમાં ભારતનો સૌથી ઓછો છે અથવા તો ભારતના કોરોનાગ્રસ્ત લોકો બીજા દેશોના રોગીઓની તુલનામાં ઓછામાં ઓછી ઔષધિથી સારા થાય છે. હવે કદાચ સરકાર એમ કહેશે કે ભારતના દરદીઓ ચોવીસ કલાકમાં છ વખત પાણી પીવે છે જ્યારે બીજા દેશના લોકો તો આઠ વખત પાણી પીવે છે.
સરકારની આ ઝુંબેશ એટલી હાસ્યાસ્પદ છે કે તથાકથિત ડોક્ટરના વિધાન પરથી એમ લાગે કે તેઓ ખરેખર ડોક્ટર હશે કે ? દેશમાં એકધારા વધતા કેસોની ઉપેક્ષા કરીને ભારતની સ્થિતિ બહુ સારી હોવાના જે વ્યર્થ તારણો સરકાર ઊભા કરે છે તેની દેશને અત્યારે જરૂર નથી. ભ્રમણા ભાંગવાની જરૂર છે એવા સમયમાં સરકાર ભ્રમણાઓનું નવું જંગલ રચવામાં વ્યસ્ત છે.
કોરોનાનો ભય ફેલાય કે ન ફેલાય એ મહત્ત્વની વાત નથી, દેશના એક સો પાંત્રીસ કરોડ નાગરિકોના આરોગ્યની સુવિધા માટે વધુમાં વધુ જે આગોતરી સુવિધાઓ કેળવવી જોઈએ એ દિશામાં કેટલું કામ થાય છે? ગુજરાતના મુખ્યમંત્રી હમણાં બે દિવસ પહેલા સુરત ગયા અને તેમણે ત્યાંથી વિવિધ સકારાત્મક પગલા લેવાના હુકમો કર્યા.
પરંતુ તેઓ ક્યારે સુરત ગયા ? એ સુરત આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગયું પછી ? સંક્રમણ પરાકાાએ પહોંચ્યા પછી ? બધી હોસ્પિટલો હાઉસફુલ થયા પછી ? પક્ષના કામમાં એડવાન્સ રહેવું અને પ્રજાહિતના કામમાં મોડા પડવું એ ભાજપને ગળથૂથીમાં મળેલું લક્ષણ છે.