- અલ્પવિરામ
- એકવીસમી સદીની પહેલી પચીસી પૂરી થઈ ગઈ છે અને બીજી પચીસીનો આરંભ વેનેઝુએલા પરના હુમલાથી થયો છે. આ બીજી પચીસી ક્લાઈમેટ ચેન્જની ભયાનક પ્રભાવ લઈને આવી રહી છે. અનેક યુદ્ધના મૂળમાં કુદરતી સંપદા
અમેરિકાની એ તો બહુ પ્રાચીન મોડેસ ઓપરેન્ડી છે કે જે જે પ્રાણીનો એણે શિકાર કરવો હોય એને પહેલા એ હડકાયા જાહેર કરે છે. સદ્દામ હુસેન પાસે વિશ્વ વિનાશનાં શસ્ત્રો છે એમ કહીને ઈરાક પર હુમલો કરી સદ્દામને પકડી લેવામાં આવ્યા હતા. એ જ રીતે ઓસામા બિન લાદેન જેવા ખતરનાક અપરાધીને પણ એણે શોધીને ઠાર માર્યો હતો જે લગભગ અસંભવ કામ હતું. એ બધાની તુલનામાં નિકોલસ માદુરો તો બકરી કા બચ્ચા કહેવાય. ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી જેમને નિશાન બનાવી રહ્યા હતા એવા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોને અમેરિકી હુમલા બાદ ધરપકડ કરવી, નિસંદેહ આંતરરાષ્ટ્રીય કાયદાનો ઘોર ભંગ છે. તેમ છતાં આ ઘટનાનાં અનેક ડાયમેન્શન છે. જે કામ પુતિન કદી યુક્રેનમાં ન કરી શક્યા અને જે કામ ખુદ અમેરિકા આજ સુધી ઉત્તર કોરિયામાં કરી શક્યું નથી તે કામ ટ્રમ્પે માસ્ટર ગેઈમ ખેલીને એક પણ હત્યા વિના વેનેઝુએલામાં પાર પાડયું છે. ટ્રમ્પે પરોક્ષ રીતે તો એ ચેતવણી પણ ઉચ્ચારી છે જેનો અર્થ એ થાય છે કે અમે ગમે તે દેશની હાલત વેનેઝુએલા જેવી કરી શકીએ છીએ.
વેનેઝુએલા એ દક્ષિણ અમેરિકામાં આવેલો એક દેશ છે. વેનેઝુએલા દેશની રાજધાની કારાકાસ શહેરમાં આવેલી છે. આ દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલો એક સુંદર ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. વેનેઝુએલાની પૂર્વ દિશામાં ગિયાના, દક્ષિણ દિશામાં બ્રાઝીલ તેમજ પશ્ચિમ દિશામાં કોલંબિયા રાષ્ટ્ર આવેલાં છે. આ દેશની ઉત્તરીય સીમા ૨૮૦૦ કિલોમીટર જેટલી છે, આ દેશની ઉત્તર દિશામાં કેરેબિયન દ્વીપસમૂહ તેમજ ઉત્તર પૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર આવેલો છે.
૧૫મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાને શોધનારા કોલંબસે તેની ત્રીજી જળસફર દરમિયાન દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા વેનેઝુએલા દેશની ધરતી પર પ્રથમ વાર પગ મૂક્યો હતો. ખનીજ તેલની વાત નીકળે એટલે આરબ દેશો જ યાદ આવે, પરંતુ વેનેઝુએલા દુનિયામાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. અહીં જેટલું સસ્તું (૯૦ પૈસા પ્રતિ લીટર) પેટ્રોલ વિશ્વમાં બીજે ક્યાંય નથી. દક્ષિણમાં એમેઝોનિયન જંગલ તથા ઉત્તર ભાગમાં દરિયાકાંઠે પથરાયેલા ગાલીચા જેવા બીચ મન મોહી લે તેવા છે. આ દેશ તેના કુદરતી સૌંદર્ય ઉપરાંત વિશ્વસુંદરીઓ માટે પણ જાણીતો છે.
હવેના યુદ્ધ કોઈ ને કોઈ રીતે કુદરતી સંપત્તિના પડછાયે લડાશે. વેનેઝુએલાના કુદરતી ઓઈલ-ગેસના ભંડારો તરફ ટ્રમ્પની કાતિલ નજર છે. ભવિષ્યમાં મહાસત્તાઓ ઉત્તમ કૃષિ નીપજ કે પીવાના પાણી માટે પણ આવાં યુદ્ધો કરશે. એકવીસમી સદીની પહેલી પચીસી પૂરી થઈ ગઈ છે અને બીજી પચીસીનો આરંભ વેનેઝુએલા પરના હુમલાથી થયો છે. આ બીજી પચીસી ક્લાઈમેટ ચેન્જની ભયાનક પ્રભાવ લઈને આવી રહી છે. એટલે દુનિયાના તમામ દેશોનું પ્રકૃતિ આધારિત અર્થતંત્ર ખોરવાઈ જવાનું છે એટલે અન્ય દેશો પરની નિર્ભરતા વધવાની છે, ચાહે તે નાનો દેશ હોય કે મોટો. મોસમોમાં ધરખમ પલટાને કારણે કૃષિ પેદાશોની વૈશ્વિક અસમાનતા પણ અનેક નવા સંઘર્ષને નોંતરશે.
એક સંપ્રભુ દેશ પર આક્રમણ કરીને તેના રાષ્ટ્રપતિને ધરપકડ કરી અમેરિકા લઈ જવા એ આંતરરાષ્ટ્રીય દાદાગીરીનું દુર્લભ ઉદાહરણ છે. તેનાથી પણ વધુ દુર્ભાગ્યજનક બાબત એ છે કે ટ્રમ્પે જાહેરાત કરી છે કે સત્તા પરિવર્તન થાય ત્યાં સુધી વોશિંગ્ટન આ લેટિન અમેરિકન દેશનું સંચાલન કરશે. આ એક ખતરનાક પરંપરા છે, જેના પુનરાવર્તનની શક્યતા અમેરિકી મહાદ્વીપની બહાર પણ ઊભી થઈ શકે છે. એમાં કોઈ શંકા નથી કે નિકોલસ મદુરોના પતન પછી વેનેઝુએલામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળશે. આંતરરાષ્ટ્રીય પેંતરાઓ દ્વારા મદુરોને સતત ખલનાયક તરીકે રજૂ કરવાની કોશિશોમાં એક વૈશ્વિક તંત્ર સક્રિય રહ્યું હતું. માદુરો પર આરોપો લાગ્યા કે તેમણે દેશની અર્થવ્યવસ્થાને ખોખલી બનાવી, અસહમતિને કચડી નાખી અને લાખો લોકોને દેશ છોડવા મજબૂર કર્યા. તેમના પર ચૂંટણીમાં ગરબડ અને નશીલા પદાર્થોની તસ્કરીના આરોપો પણ લાગતા રહ્યા છે.
પરંતુ વૈશ્વિક કૂટનીતિના જાણકારો માને છે કે ટ્રમ્પના આ દાવનો મુખ્ય હેતુ તાનાશાહીના પીડિતોને ન્યાય આપવાનો કે દેશની સંપ્રભુતાની રક્ષા કરવાનો નહીં, પરંતુ વેનેઝુએલાના સમૃદ્ધ કુદરતી તેલ ભંડારો પર નિયંત્રણ મેળવવાનો વધુ રહ્યો છે. બીજી તરફ, અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરીને કોઈ દેશના શાસનાધ્યક્ષને પકડી બહાર લઈ જવો અને ત્યાંની સત્તા વોશિંગ્ટનથી સંચાલિત કરવી, નિશ્ચિત રીતે સામ્રાજ્યવાદી વિચારધારાનું પ્રતીક છે. આ અમેરિકી નિરંકુશતાના ઊંડા ભૂ-રાજકીય પરિણામો સામે આવશે. અહીં સુધી કે માદુરોના વિરોધમાં રહેલા અમેરિકાના સાથી દેશો પણ હવે ખુલ્લેઆમ ચેતવણી આપવા લાગ્યા છે. રશિયા અને ચીન આ અમેરિકી કાર્યવાહીને નિયમો અને કાયદા આધારિત વૈશ્વિક વ્યવસ્થાને માટે ખતરો ગણાવી રહ્યા છે. વેનેઝુએલાના આ ઘટનાક્રમે ચીનને તેની પ્રાદેશિક મહત્ત્વાકાંક્ષાઓ પર થતી અમેરિકી ટીકા નિષ્ક્રિય કરવાની પૂરતી તક આપી છે, જેના કારણે તાઇવાનની ચિંતાઓ વધી ગઈ છે.
સ્વાભાવિક છે કે આ નવા આંતરરાષ્ટ્રીય પ્રવાહમાં ચીન બહુ આસાનીથી તાઈવાન પર આક્રમણ કરશે. અમેરિકાના આ પગલાએ ઇરાક અને અફઘાનિસ્તાન પર થયેલા હુમલા અને ત્યાં સેના તૈનાતીની યાદોને ફરી તાજી કરી દીધી છે 'એવાં યુદ્ધો જે અમેરિકી આત્મમોહ અને અતિ આત્મવિશ્વાસથી શરૂ થયાં, પરંતુ અંતે પોતાની અપમાનજનક વિદાય સાથે સમાપ્ત થયાં. પરંતુ આ હુમલાઓ પછી એ દેશો ક્યારેય ફરી સામાન્ય બની શક્યા નથી. ટ્રમ્પની આ દલીલ કે માદુરોને પકડવા માટે ચલાવાયેલા અભિયાનનો ખર્ચ વેનેઝુએલાના તેલ આવકમાંથી વસૂલવામાં આવશે, તે દેશના કુદરતી સંસાધનો પર અમેરિકી નિયંત્રણની ભેદી ચાલ છતી કરે છે. અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું નથી કે સુશાસન અને સુરક્ષા માટે વેનેઝુએલાની જનતાની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરનાર કયા નેતાને સત્તા સોંપવામાં આવશે. ભારત પણ એવા દેશોમાં સામેલ છે જેમણે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે, જે સાચા અર્થમાં ભવિષ્યની વૈશ્વિક ચિંતાઓને અનુરૂપ છે. વહેલા કે મોડા, ટ્રમ્પને આ સમજ પડશે કે એક નિરંકુશ શાસકને હટાવવાનું કામ કદાચ સરળ છે, પરંતુ તે દેશમાં દીર્ઘકાલીન શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ગંભીર પ્રયત્નોની જરૂર પડે છે.
વેનેઝુલિયન લોકો સ્વભાવથી બહિર્મુખ ગણાય છે. તેઓ મળતી વખતે બોડી લેંગ્વેજનું ખાસ ધ્યાન રાખે છે. પુરુષો એકબીજાને ઘણા સમયે મળે ત્યારે ભેટીને અભિવાદન કરે છે. લોકો વિભક્ત કુટુંબમાં રહેવામાં માને છે. પહેલી વખત મળતા હોય ત્યારે ચુંબનની આપલે સામાન્ય છે. વેનેઝુએલાના ૯૫ ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. લોકો યુએસના પહેરવેશ તથા જીવનશૈલીથી પ્રભાવિત છે. વેનેઝુએલામાં યુરોપિયન વસાહતી, અમેરેન્ડિયન, આફ્રિકન, એશિયન અને મધ્ય પૂર્વના વંશીય સમૂહો સંપીને રહે છે. એક સો કરતાં પણ વધુ પ્રાદેશિક બોલીઓ છે. સ્પેનિશ તથા અંગ્રેજી સૌથી વધુ બોલાતી ભાષા છે.


