FOLLOW US

કોઈ પરિવાર સાથે બેસીને હવે ટીવી પર ફિલ્મ જુએ છે?

Updated: Feb 7th, 2023


- અલ્પવિરામ

- વેબ સિરીઝના વા-વંટોળમાં એક મહાન અને એક જમાનામાં ચમત્કારિક લાગતું મનોરંજક માધ્યમ હવે લુપ્તતાને આરે પહોંચી ગયું છે

ટેલિવિઝન ચેનલ પર કોઈ પરિવારે સાથે બેસીને ત્રણ કલાકની એક ફિલ્મ જોઈ હોય તો એ આપણા રવિવારની તરોતાજા તાજ્જુબી કહેવાય. એવું સામાન્ય સંયોગે તો ન બને, કારણ કે હવે ટેલિવિઝન સેટ સામે આસન સિદ્ધ કરીને પરિવારને એકસંપે બેસાડવાનું કામ કપરું છે. હમણાં સુધી કોઈ નાગરિકની સેટલ થવાની સામાજિક વ્યાખ્યા શું હતી? ઘરનું ઘર અને એ ઘરમાં ટીવી, સોફા સેટ અને પોતાની એક કાર. ટેલિવિઝન ઘરના અસબાબ માટે જ નહીં, પણ જિંદગીની ગાડી યોગ્ય પાટા પાર ચાલે છે તેવી અનુભૂતિ કરવા માટે મહત્ત્વનું હતું. સારો ટેલિવિઝન સેટ પરિવારની સમૃદ્ધિની નિશાની ગણાતી હતી. આજે પણ ટેલિવિઝનનું સ્થાન તો ડ્રોઇંગ રૂમમાં યથાવત્ છે પરંતુ એમાં ટેલિવિઝન ચેનલોનું સ્થાન કોઈક બીજા જ પરિબળોએ લઈ લીધું છે.

સવારે છાપું અને આખો દિવસ ઘરમાં ટીવી નિશ્ચિન્ત જિંદગી માટેના આવશ્યક ઘટકો કહેવાય. માણસને બાકીની દુનિયા સાથે જોડતા જે બુનિયાદી આવિષ્કારો થયાં તેણે દુનિયા બદલી છે. અખબાર, રેડિયો, ફિલ્મ, ટેલિફોન, ટેલિવિઝન અને ઇન્ટરનેટ. કોમ્યુનિકેશનના આ વન-વે કે ટુ-વે સાધનો ઉપર માનવજાત આધાર રાખતી થઈ ગઈ. રોજબરોજના વ્યવહારો અને બિઝનેસ પણ કોઈને કોઈ રીતે આ ચાર-પાંચ ઘટકતત્ત્વોને સહારે ચાલતા, પણ હવે સમયે અણધાર્યો વળાંક લીધો છે, અખબાર અને રેડિયો હજુ પ્રસરી રહ્યા છે, પરંતુ ટેલિવિઝન ? દિનપ્રતિદિન ટેલિવિઝન નામનું ઇડિયટ બોક્સ લુપ્તતાની ગહન ગર્તા તરફ ધકેલાઈ રહ્યું છે.

પ્રાચીન કાળમાં જનતા સુધી સમાચાર પહોચાડવા માટે ચાર રસ્તા ઉપર રહેલા પથ્થરો ઉપર કોતરણી કરવામાં આવતી. ચીને પેપીરસ છાલમાંથી કાગળ બનાવવાનું ચાલુ કર્યું અને સામંતશાહી યુગની ઢંઢેરાપ્રથા બંધ થવા લાગી. કાગળની શોધ ચીન અને બ્રિટનમાં સ્વતંત્ર રીતે થયેલી છે. પંદરમી સદીમાં ગુટેનબર્ગે છાપખાનાની શરૂઆત કરી પછી સમાચાર અને વિચારના પ્રચાર અને પ્રસારનું એક સશક્ત માધ્યમ શરૂ થઈ ગયું. યુરોપ અને એશિયામાં અખબારોની વણથંભી શરૂઆત થઈ ગઈ. અખબારે અમરત્વ મેળવી લીધું. રેડિયો તરંગોની શોધ થયા પછી ટ્રાન્ઝિસ્ટર રેડિયો ઘરે ઘરે આવવા લાગ્યા. રેડિયો પણ આજે એન્ટિક આઈટમ તરીકે અને શોખની વસ્તુ તરીકે ખૂબ વેચાય છે, કારમાં સંભળાય છે. ફોટોગ્રાફીની શોધે તો દુનિયાને ખરેખર નાની કરી નાખી. સ્ટીલ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીએ દૂરસુદૂરના ગ્રહો-ઉપગ્રહોને પણ ઘરના દિવાનખંડમાં ફરતા કરી દીધા.

પરંતુ ટેલિવિઝનને આ દુન્યવી શક્તિએ અમરત્વના આશીર્વાદ આપ્યા હોય એવું લાગતું નથી. માણસ ઉત્ક્રાંતિના ચાકડે ચાલીને આગળ નીકળી જશે અને ટીવી પાછળ રહી જશે એ વાત નક્કી છે. ટેલિવિઝનનો જમાનો હવે અસ્ત પામી રહ્યો છે તેની સીધી સાબિતી છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી દુનિયાનું ચક્કર એક ધરી પર ફરવા લાગ્યું. એ ધરી તરફ આખી માનવજાત જુએ અને પોતાના જન્મથી લઈને મરણ સુધીના નિર્ણયો લે. એ ધરીનું નામ છે જાહેરાત ઉર્ફે એડવર્ટાઇઝમેન્ટ. બાળકને કઈ હોસ્પિટલમાં જન્મ આપવો એ નિર્ણયથી લઈને વડીલના મરણ પછીની શોકસભા કયા હોલમાં રાખવી ત્યાં સુધીના દરેક નિર્ણય જાહેરાતો ઉપર જ લેવાય છે. જાહેરાતોની માનવજાત ગુલામ છે અને આ જાહેરાતો આપતી કંપનીઓ પોતાનું માર્કેટિંગ બજેટ ટેલિવિઝનમાંથી દર વર્ષે નહીં પણ હવે તો દર મહિને ઘટાડી રહી છે.

સાયકલથી લઈને સ્કૂટી અને અગરબત્તીથી લઈને રોકેટ બનાવતી કંપનીઓ પોતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને ટેલિવિઝન સિવાયનાં માધ્યમો ઉપર જાહેરાત આપવા દબાણ આપી રહી છે. ફેસબુક ઉપર દેખાતી જાહેરાત પણ આવી ગઈ. બસ, એક ટીવી ન આવ્યું. શું કામ ટીવી જુએ આજનું બાર-પંદર વર્ષનું ટીનેજર બાળક? પરિવાર સાથે બેસીને 'મહાભારત' સિરિયલનો સમય થાય એની રાહ જોવાનો અને સિરિયલના એક એક એપિસોડ સાથે માણવાનો જમાનો ગયો. લોકોએ હવે 'મહાભારત' જોવાનું બંધ નથી કર્યું પણ 'મહાભારત'ને ટીવી ઉપર જોવાનું બંધ કરી દીધું છે. તેની પાસે સેલફોન છે. સેલફોન ન હોય તો ટેબ્લેટ છે.

ટેબ્લેટ કરતા પણ મોટી સ્ક્રીનમાં જોવું હોય તો કોમ્પ્યુટર કે હોમ થિએટર છે. હાથમાં રૂપકડો મોબાઈલ ફોન છે. શહેરના મલ્ટિપ્લેક્સ છે. ઇન્ટરનેટ બધું આંગળીના ટેરવે આપતું હોય તો ટીવીના રિમોટ ઉપર અંગુઠા કોણ મારે? ટીવીના રિમોટ હવે એક સમયે થતી ઝપાઝપી માટે તરસી રહ્યાં છે. ઘરની રોજિંદી થતી સફાઈમાં હવે ફર્નિચરની સાથે ટીવીના રિમોટ ઉપર ચડતી ધૂળ સાફ કરવાનો ઉપક્રમ પણ ગૃહિણીઓએ શરૂ કરી દીધો છે. ડિજિટલ માધ્યમો ખૂબ તાકાતવાન છે, કારણ કે તેમાં કસ્ટમાઈઝેશનની સવલત છે. માણસ મૂળતથ ટોળાનું પ્રાણી, પણ એ ટોળામાં ત્યારે જ ભળે જ્યારે એને ખતરો લાગતો હોય. ડાર્વિનથી લઈને ઘણા વિજ્ઞાાનીઓ આડકતરી રીતે એવું કહી ગયા છે કે માણસની ઉત્ક્રાંતિ એવી રીતે થઈ છે કે તે પેઢી દર પેઢી સ્વાર્થી બનતો જાય. ટેલિવિઝન સમૂહઆનંદનું માધ્યમ છે. પણ કર લો દુનિયા મુઠ્ઠી મેં - નો નારો લગાવતી આ જનરેશન નેક્સ્ટ, હથેળીમાં પોતાની અંગત સ્ક્રીન લઈને ફરે છે. એમાં એ પોતાની પસંદગીના વીડિયો જોવાનું પસંદ કરે છે.

વેબ સિરીઝ અને સિરિયલ સિત્તેરના દાયકાની હિન્દી ફિલ્મોનાં બાળપણથી વિખુટાં પડી ગયેલા બે સંતાનો જેવાં છે. કુળ એક પણ પ્રકૃત્તિ તદ્દન અલગ. દર્શકને સિરિયલના આધીન રહેવું પડે છે. જ્યારે વેબ સિરીઝ અંશતઃ દર્શકના મૂડને આધીન હોય છે. મનુષ્ય માત્રમાં રહેલા વાર્તાતત્ત્વ પ્રત્યેના અદમ્ય આકર્ષણને વેબ સિરીઝ પોષે છે અને ત્વરિત પોષે છે. જ્યારે સિરિયલ દર્શકના વાર્તાપ્રેમની કસોટી લે છે. આગળ શું થશે? - તે જાણવું હોય તો વેબ-સિરિઝના દર્શકને ચોવીસ કલાક કે એક અઠવાડિયાની રાહ જોવી પડતી નથી. શબ્દશઃ જોઈએ તો વેબ સિરીઝ દર્શકના હાથમાં હોય છે. લગભગ દરેક ભારતીય મોબાઈલ કે લેપટોપમાં વેબ-સિરીઝ જુએ છે. સિરિયલનો આગામી એપિસોડ જોવા માટે ઘરની સમયસારણી ચોક્કસ ક્રમમાં ગોઠવીને તેનો સમય સાચવવો પડે છે પછી ટીવી સામે બેસવું પડે છે, રિમોટને શોધવું પડે છે, તેને પૃભાગે ઠપકારવું પડે છે. આ આખી પ્રક્રિયામાં પોતાના જ ઘરનો આખો દીવાનખંડ બુક કરાવવો પડે છે.

વેબ સિરીઝનું માધ્યમ આટલા નખરાં નથી કરતું. ખખડધજ એસ.ટી. બસની ભટકાઈ રહેલી બારી પાસે બેસીને સાયન્સ ફિક્શન સિરીઝ જોઈ શકાય છે અને પ્લેનમાં ટેક-ઓફ કર્યા પછી પણ ધાર્મિક સિરીઝ જોઈ શકાય છે. સિરિયલ જોવા માટે તો એક અનુકૂળ માહોલ જોઈએ. વેબ સિરીઝ માહોલ બનાવી દે છે. ટીવી સિરિયલ માણવા માટે તેની દુનિયામાં પ્રવેશવું પડે છે, જ્યારે વેબ સિરીઝ આપણી દુનિયાની અંદર પ્રવેશી ચૂકી છે. બંને વચ્ચે આ મોટો તફાવત છે. સિરિયલોની દુનિયા એક મોબાઈલ શોપ જેવી છે. જ્યાં તમારા બજેટના ફક્ત સાત કંપનીના પંદર મોડેલ ઉપલબ્ધ છે. વેબ સિરીઝ તો કાપડભંડાર છે, જ્યાં ફક્ત સફેદ રંગના દોઢસો શેડ ઉપલબ્ધ છે. 

પુષ્કળ જથ્થો, કિફાયતી દામ અને ખાસ તો વ્યક્તિગત અનુકૂળતા વેબ સિરીઝ સાચવી લે છે. ટીવી સિરિયલ મોબાઈલ એપ્લિકેશન પર ધીમે ધીમે આવતી જાય છે તો પણ એ હજુ માનમોંઘેરી છે. ધીરગંભીર પાટલા સાસુ અને હસમુખી સાળી વચ્ચે જે તફાવત હોય એ તફાવત ટીવી સિરિયલ અને વેબ સિરીઝ વચ્ચે છે. બહોળો સમુદાય વેબ સિરીઝ તરફ વળ્યો છે તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી.

Gujarat
News
News
News
Magazines