જવાહરલાલ નેહરુ યુનિ.ને તાળાં મારવાનો એજન્ડા છે?

Updated: Dec 6th, 2022


- અલ્પવિરામ

- સત્તાધારી પક્ષ ભાજપ અને આગંતુક આમ આદમી પાર્ટી બન્નેમાં સત્તાની ભૂખ પરાકાષ્ઠાએ છે, પરંતુ કોંગ્રેસને તો દરેક ચૂંટણી સત્તા પ્રત્યે વૈરાગ્યભાવ સાથે લડવાની ટેવ પડી ગઈ છે

સમગ્ર ગુજરાતમાં બે તબક્કાએ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ છે. ભારતીય નેતાઓ અને મતદારોનું વૈચારિક દારિદ્રય સપાટી પર દેખાય છે. જાહેરસભામાં ઉમેદવારો ગમે તેમ બોલ્યા છે. તમામ પક્ષોએ ક્વોટા પ્રમાણે થોડા લુખ્ખા તત્ત્વોને પણ ટિકિટ આપી હતી. એમની સભાઓએ મતદારો પર વૈમનસ્ય ફેલાવવા સિવાયનું કોઇ કામ કર્યું નથી. આ વખતે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં બિહાર મોડેલનો પડછાયો જોવા મળ્યો. ચૂંટણી પહેલાં પેરોલ પર છૂટેલા અપરાધીઓની યાદી જોવા જેવી છે. એ પરિબળોએ ચોક્કસ મતવિસ્તારોમાં ધાકધમકીથી ચોક્કસ પક્ષને ફાયદો કરાવવાની પ્રવૃત્તિ આચરેલી છે. સત્તાધારી પક્ષ ભાજપ અને આમ આદમી પાર્ટી બન્નેમાં સત્તાની ભૂખ પરાકાષ્ઠાએ છે, પરંતુ કોંગ્રેસને તો દરેક ચૂંટણી સત્તા પ્રત્યે વૈરાગ્યભાવ સાથે લડવાની ટેવ પડી ગઈ છે. ભગવો રંગ છે ભાજપ પાસે, પણ વૈરાગ્યનો અનુભવ વધુમાં વધુ કોંગ્રેસને છે!

જ્યારથી કેન્દ્રમાં એનડીએ સરકાર આવી છે ત્યારથી રિઝર્વ બેન્કથી શરૂ કરીને કેન્દ્રના એક નાના આંકડાકીય વિભાગ સુધીની બધી જ વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ પર કોઈ ને કોઈ બહાને ભાજપે પંજો પછાડયો છે. નવી દિલ્હીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત જવાહરલાલ નેહરુ  યુનિવર્સિટી (જેએનયુ) કે જેના નામની જ ભાજપને એલર્જી છે એની ડોક મરડવા માટેના સરકારના નવા પ્રયાસોએ પછડાટ તો ખાધી છે, પરંતુ ફી વધારાના મુદ્દે ચાલતા વિદ્યાર્થીઓના આંદોલનના પડછાયા બહુ લાંબા દેખાવા લાગ્યા છે. એક વાત તો એ છે કે આ એશિયન યુનિવર્સિટી છે, એ માત્ર ભારતીય નથી. એ ખરા અર્થમાં વિશ્વવિદ્યાપીઠ છે. એને શક્ય એટલી વધુમાં વધુ સ્વાયત્તતા આપવાને બદલે સરકાર એના પર અંકુશ વધારવા ચાહે છે.

અહીં દેશના તમામ પ્રદેશોમાંથી અને સાવ અંતરિયાળ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ આવે છે. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓને નવી અધધ ફી પોસાય એમ નથી. ચાલીસ ટકા વિદ્યાર્થીઓ તો એવા પરિવારમાંથી આવે છે જેની આવક બાર હજાર કરતા ઓછી છે. તેઓ ગરીબીની રેખાની બહુ નીચે જીવે છે અને પેટે પાટા બાંધીને સંતાનોને અહીં ભણાવે છે. આપણું બંધારણ કહે છે કે સહુને સમાન અવસર, પરંતુ નવો ફી વધારો સમાન અવસર આંચકી લેનારો છે. જેએનયુના કેમ્પસમાં એવા વિદ્યાર્થીઓ છે કે તેઓ જ્યારે વર્ગખંડમાં ભણતા હોય ત્યારે એમના પિતા ગામડે ગામડે સાયકલ પર ફેરી કરીને ભંગાર વીણતા હોય ને માતા ક્યાંક વાસણ માંજતા હોય. ભાજપને પ્રજાને આંજવામાં જ રસ છે માંજવામાં રસ નથી. એના પરિણામરૂપે ઉચ્ચ શિક્ષણ દોહ્યલું બનતું જાય છે. જવાહરલાલ નેહરુ  યુનિવર્સિટીમાં પીએચ. ડી. કરવા માટેના ધોરણમાં પણ આસમાન-જમીનનો ફેરફાર કરવામાં આવ્યો છે. અનેક વિભાગોમાં ફી વધારવાનો માહોલ છેલ્લા એક વર્ષથી ચાલે છે.

એમાં બહુ આંદોલન અને વિરોધ ન થતાં વિદ્યાર્થીઓની અભ્યાસ અને શિક્ષણ ફીમાં સરકારે અનેકગણો વધારો કર્યો. આજે દેશના જાહેરજીવનમાં અનેક નામાંકિત લોકો જવાલાલ નેહરુ યુનિવર્સિટીએ આપેલા છે. એના અનેક વિદ્યાર્થીઓ દુનિયામાં ફેલાયેલા છે. કેન્દ્ર સરકારે આ યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને અભિવૃદ્ધ કરવાની દિશામાં આજ સુધી એક પણ શુભ વિચાર કર્યો નથી. ભાજપના મનમાં એવું ભૂત ભરાઈ ગયેલું છે કે આ યુનિવર્સિટીનું નામ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી છે એટલે એ જાણે કે કોંગ્રેસની યુનિવર્સિટી હોય એવું કિન્નાખોરીભર્યું એનું વર્તન છે. ગયા વખતે તો સંસદના સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની વિશાળ રેલી સંસદના પટાંગણમાં પહોંચી ત્યારે પોલીસના માધ્યમથી સરકારે કરેલું આક્રમક વર્તન આખી દુનિયાએ જોયું હતું.

અને એની પણ ઘોર ટીકા કરી છે. સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકાર એમ કહે છે કે ફી વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો છે તે પણ હળાહળ અસત્ય છે. જુની ફી ભરવી હોય તો એટલા બધા દાખલા-પત્રકો આપવા પડે અને એવાં ધોરણો છે કે ભાગ્યે જ પાંચ ટકા વિદ્યાર્થીઓને એનો લાભ મળે. ભાજપે નક્કી કર્યું છે કે યુનિવર્સિટી કાલે બંધ થતી હોય તો ભલે આજે થાય, પરંતુ અંકુશ તો વધારતો જ જવાનો છે ને એમ એક દિવસ આ યુનિવર્સિટીને તાળા જ મારવાના છે. યુનિવર્સિટીના નામ સાથે જોડાયેલું જવાહરલાલનું નામ, કે જેઓ પોતે પણ એક સ્કોલર હતા, એ નામ દેશની બહાર ન જાય એની આ મથામણ છે.

આપણા આજના નેતાઓ પાસે ન તો જવાહરલાલ જેવી સંવેદના છે કે ન તો એમના જેવી વાણી છે. ગાંધીજીએ એમની હયાતીમાં કહ્યું હતું કે મારા મૃત્યુ પછી મારી વાણી જવાહર ઉચ્ચારશે. જવાહરલાલ કોઈ અવતારી પુરુષ ન હતા પણ મહાપુરુષ તો હતા. એમની પણ ભૂલો હોય, પરંતુ એને કારણે એના બાકીના યોગદાન અને સમર્પણને પણ ધોઈ નાખવાની જે ચેષ્ટા ભાજપે કરી છે અને એમ કરવામાં જરૂર પડે ત્યારે સરદાર પટેલનેય આડા ધરી દીધા છે એ દેશની પ્રજા જુએ છે. એનડીએના ગયા પાંચ વરસની ટર્મ તો કોંગ્રેસ પર ટિપ્પણી કરવામાં જ વીતી ગઈ. સમય ઘોડાવેગે ચાલે છે ને આ ટર્મ પણ દેશની જોખમી આથક પરિસ્થિતિની ઉપેક્ષા સાથે એનડીએ વીતાવી દેશે. કાલો ગચ્છતિ ધિમતામ્!

આપણા દેશમાં જે કેટલીક મહાન લાયબ્રેરીઓ છે તેમાં કલકત્તા ઉપરાંતની કેટલીક યુનિવર્સિટીની લાયબ્રેરીઓ પણ છે. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાયબ્રેરી, ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, એલ. ડી. ઈન્ડોલોજી પરિષદ ગ્રંથાલય, નવસારી લાયબ્રેરી, અને ગાંધી સ્મૃતિ લાયબ્રેરી જેમ ગુજરાતનાં આભૂષણો છે એમ જેએનયુની લાયબ્રેરી પણ દેશની ટોચની અને ગરિમાપૂર્ણ છે. ગુગલબાબા ન હતા ત્યારે અને પછી હજુ પણ આ જ્ઞાાનમંદિરોએ એની આભા એવી ને એવી રાખી છે. આ તો માંહે પડયા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જેવી વાત છે. ને ભાજપને જેએનયુ લાયબ્રેરીની પણ એટલી બધી ઈર્ષ્યા છે (ઈર્ષ્યા પરોક્ષ પ્રશંસા છે) કે હવે એને મળતી સરકારી ગ્રાન્ટ પણ કાપી નાંખી છે. એટલે નવા જ્ઞાાનવારિ આ જ્ઞાાનસરમાં ઓછા આવશે. દેશમાં ઉચ્ચ શિક્ષણ એટલું મોંઘુ થઈ રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય નહીં અને તો ગરીબ, ગરીબ રહી જશે અને તવંગર, તવંગર જ રહેશે.

છેલ્લાં આઠ-દસ વરસમાં કેન્દ્ર સરકારે કેટલી નવી લાયબ્રેરીઓની રચના કરી? અરે, આકાશવાણી અને દૂરદર્શન પર નવા કાર્યક્રમના નિર્માણ અટકી ગયા છે. કોંગ્રેસ સરકારે રાજીવ ગાંધીના મિત્ર પુપુલ જયકરના સૂચનથી પ્રસાર ભારતીની રચના કરી હતી. આજે પ્રસાર ભારતી એક ડબ્બો છે અને એ પણ યાર્ડમાં પડેલો. પ્રસાર ભારતીના અધિકારીઓએ આકાશવાણી અને દૂરદર્શનનાં તમામ કેન્દ્રોને નવા કાર્યક્રમો ન બનાવવા અને જુના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ કરવાના હુકમો કરેલા છે, કારણ એટલું જ કે બજેટ નથી. દેશના આ બે પ્રમુખ લોકમાધ્યમોમાંથી સર્જનાત્મકતા હવે ખત્મ થવાને આરે છે. 

આ વખતે ભાજપે એના મેનિફેસ્ટોમાં કલા, સાહિત્ય અને સંગીત તરફનો ઝુકાવ બતાવ્યો ને એની એ કલાકારીથી ગુજરાતના કલાકારો રાજી થયા એ અલગ વાત છે. ખરેખર તો રાજવિદ્યાને એક કળા સુધી લઈ જવામાં જ ભાજપનું પ્રમુખ યોગદાન છે. કળામાં કલ્પનાનો વિશિષ્ટ વિનિયોગ હોય છે. એનડીએ સરકારે અને એના અનેક પ્રધાનોએ વારંવાર કલ્પનાતત્ત્વનો આશ્રય લીધેલો છે. કેન્દ્રમાં સત્તા પૂરી થવાને હજુ વાર છે. કેન્દ્ર સરકાર ધારે તો હજુ જે સમય બાકી છે એમાં દેશની અનેક સ્વાયત્ત સંસ્થાઓમાં નૂતન પ્રાણસંચાર કરી શકે છે અને નવી અનેક ઈનોવેટિવ સંસ્થાઓ પ્રજાને ચરણે ધરી શકે છે. પણ આ બધા કામ કરવા માટે એનડીએ સરકારે થોડા સમય માટે પક્ષહિત બાજુમાં મૂકીને દેશહિત હાથમાં લેવું પડે.

    Sports

    RECENT NEWS