- અલ્પવિરામ
- આતંકવાદીઓની કમર તૂટ ચૂકી હૈ અને હવે તેઓ માત્ર એક નાના ઇલાકા સુધી સીમિત છે... ગૃહપ્રધાનની આ વાત હાસ્યાસ્પદ છે. અગાઉ આ જ કેસેટ રાજનાથસિંહ વગાડતા હતા
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચીની લશ્કરી અફસરો ઉપસ્થિત હોય છે અને એ હવે કોઈ નવી વાત નથી. ચીનનો હેતુ એ પ્રદેશ કાયમ માટે પાકિસ્તાન પાસેથી પડાવી લેવાનો છે. ચીનના હસ્તક્ષેપને કારણે જ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધી ગયા છે. ભારતીય સૈન્યના હાથ શું કોઈક રહસ્યમય કારણસર બંધાયેલા છે? એક પછી એક ઘટનાઓ એવી રીતે આકાર લેતી આવી છે કે જેમાં એક તરફ સરકાર દ્વારા આતંકવાદીઓનો સફાયો થતો હોવાના વૃત્તાંત વહેતા થાય છે, તો બીજી તરફ આપણા સૈનિકો અને પોલીસ જવાનો શહીદ થઈ રહ્યા છે. એનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કાશ્મીરમાં પરિસ્થિતિ બહુ જ વણસી ગઈ છે અને રાજ્ય કે કેન્દ્ર સરકારના અંકુશ બહાર છે. છેલ્લા છ- સાત મહિનામાં એવો એક પણ માસ પસાર થયો નથી કે આતંકવાદીઓએ સૈનિકો કે પોલીસનું અપહરણ કરીને હત્યાચાર ન આચર્યો હોય. આતંકવાદીઓ નિયમિત રીતે સુરક્ષા છાવણીઓ પર હુમલો કરી રહ્યા છે.
આ પ્રકારની ઘટનાઓ દ્વારા આતંકવાદીઓ કાશ્મીરમાં બેફિકર થઈ પોતાના અસ્તિત્વનો છડીપોકાર કરી રહ્યા છે છતાં કેન્દ્રની એનડીએ સરકાર આશ્ચર્યજનક રીતે ઠંડક રાખે છે. ભાજપની ધમની અને શિરાઓમાં આટલો બધો બરફ જામી ગયો હશે તેની ભારતીય પ્રજાએ અગાઉ તો કદી કલ્પના પણ કરી ન હતી. અત્યારે બધાનું ધ્યાન ચીન સાથેના સંઘર્ષ તરફ છે એનો ગેરલાભ લઈને પાકિસ્તાને સરહદે ઘુસણખોરી વધારી છે. જે નવાં બંકરો અને શસ્ત્રો તથા ભૂગર્ભ ટનલો મળે છે તે બતાવે છે કે પરિસ્થિતિ કઈ હદ સુધી વણસી ગઇ છે. આતંકવાદીઓના માધ્યમથી પાકિસ્તાન હવે કાશ્મીરમાં એક ટેરર વોર જ લડી રહ્યું છે. સમગ્ર દેશનું ધ્યાન ચીની સરહદે અથવા કાશ્મીર સરહદ તરફ જ રહે અને અન્ય પ્રવર્તમાન સમસ્યાઓને પ્રજા વિસરી જાય એવી મૂર્ખતાપૂર્ણ ફૂટનીતિનો તો કોઈ પ્રયોગ કરી રહ્યું નથી ને? - એવી શંકા દેશના બુદ્ધિજીવીઓ વ્યક્ત કરવા લાગ્યા છે.
કારણ કે આતંકવાદીઓ તમામ પ્રકારની હદ ઓળંગી ગયા છે. ભારતીય લશ્કર, પોલીસ, નિર્દોષ નાગરિકો અને જવાનના હત્યાકાણ્ડ સુધીની તેમની બર્બરતાએ અત્યારે કાશ્મીરમાં હાહાકાર મચાવેલો છે. દેશની મોટા ભાગની ટેલિવિઝન ચેનલો પર તમામ ઘટનાક્રમમાં પાકિસ્તાન પર દોષારોપણ કરવા સિવાયની કોઈ વાત નથી, જે છેલ્લાં પચીસ વરસથી વાગતી જૂની રેકર્ડ અને હકીકત છે. પાકિસ્તાને આતંકવાદીઓની સ્વાયત દસ- બાર બટાલિયનો તૈયાર કરેલી છે. દરેક બટાલિયનમાં કમાન્ડર અને કમાન્ડો કક્ષાના તાલીમબદ્ધ આતંકવાદીઓ મૂકેલા છે. છેલ્લા છ મહિનામાં પાકિસ્તાને કાશ્મીરમાં જાસૂસીની વિકરાળ જાળ ફેલાવી છે. રાજ્ય પોલીસનો કયો કર્મચારી કઈ તારીખે રજા લઈ વતનમાં આવે છે તેની સંપૂર્ણ માહિતી એડવાન્સમાં આતંકવાદીઓ પાસે પહોંચી જાય છે.
કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ધાકધમકી અને લોભલાલચથી ગ્રામજનોને વશમાં લઈ આતંકવાદી જૂથોએ માહિતી મેળવવા માટે વ્યાપક જાળ બિછાવેલી છે. કેટલાક ગ્રામજનો તો એમ માની રહ્યા છે કે કાશ્મીર હવે પાકિસ્તાનમાં જોડાઈ ગયું છે. તેઓના પર આતંકવાદીઓ સતત ટોર્ચરિંગ કરી રહ્યા છે. ચાર વરસ પહેલા કાશ્મીરમાં એક નાનકડું જૂથ હતું જેને અલગાવવાદી તરીકે ઓળખવામાં આવતું હતું. આજે 'અમારે ભારતમાં રહેવું છે' અથવા તો 'અમે ભારતીય છીએ' એમ કહેનારું કોઈ નથી અને જેઓ કહે છે તે દંભી છે એમ નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા ખુદ જાહેરમાં કહેતા હતા. છે. તેઓની પ્રવૃત્તિઓ પણ અલગાવવાદી તરફ કૂણું વલણ દાખવવાની જ રહી હતી.
કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા સર્જાતા હત્યાકાંડથી ફારુક અબ્દુલ્લા અને પીડીપી નેતા મહેબુબા મુફ્તી કોઈ આઘાત અનુભવતા ન હતા અને કોઈ પણ પ્રકારનું નિવેદન આપતા ન હતા. કારણ સ્પષ્ટ છે કે તેઓ પરદા પાછળથી તમામ અલગતાવાદીઓને ટેકો આપી રહ્યા હતા. દુનિયાના કોઈ પણ પ્રદેશમાં સૈનિકો પર પથ્થરમારો કરનારા પરની તમામ પોલીસ ફરિયાદો સરકાર પાછી ખેંચી લે તો ખરેખર તો એ ક્ષણે જ એ પ્રદેશ પથ્થરબાજો કે આતંકીઓને સમર્પિત થયો કહેવાય. કાશ્મીરમાં બહુ પહેલાથી ભાજપે ભૂલોનો હિમાલય ઉભો કર્યો છે. કોંગ્રેસની પણ ભૂલો હતી અને પાયાની ભૂલો હતી, પરંતુ ભાજપે કેન્દ્રમાં સત્તામાં હોય છતાં કાશ્મીર પ્રશ્ને આટલી હદની ઉપેક્ષા, ઉદાસી અને આળસ દાખવે એ જ બતાવે છે કે ભાજપની નીતિઓના ઘડવૈયા કોઈક રહસ્યમય સકંજામાં સપડાયેલા છે અથવા તો તેમની રાજનીતિ જ દુર્જનોને તાબે થઈ ગયેલી છે. કાશ્મીરમાં ભારત સરકારની નિષ્ફળતાને આખો દેશ જોઈ રહ્યો છે.
આતંકવાદીઓ હવે એક નવું મનોવૈજ્ઞાાાનિક યુદ્ધ પણ લડી રહ્યા છે, જેમાં તેમનો હેતુ સૈનિકો અને પોલીસ જવાનોનું મનોબળ તોડવાનો છે. હવે તો કાશ્મીરમાં જે હત્યાચાર થાય છે તેના વિશે આતંકવાદીઓ એડવાન્સ ધમકી વાયરલ કરે છે. નવા રાજ્યપાલ પણ કાશ્મીરને અને સંયોગોને સમજવામાં થાપ ખાઈ રહ્યા છે. ઉપરાંત તેમની પાસે પણ સત્તાનો દુષ્કાળ દેખાઈ રહ્યો છે. તેમણે પૂછી પૂછીને ચાલવાનું હોય તો એ રીતે કાશ્મીર તો ઠીક, એક પંચાયતનો વહીવટ પણ એમનાથી ન થઈ શકે. દેશના દુર્ભાગ્ય એ છે કે કાશ્મીરમાં પોતાના મકસદ પાર પાડી રહેલા આતંકવાદી જૂથો એકદમ સ્પષ્ટ છે અને એમની સામે ભારત સરકાર અસ્પષ્ટ છે. રાજકીય નેતૃત્વ પણ કાશ્મીરમાં હંમેશા ભેદી રહ્યું છે.
પોલીસ અને સૈનિકોની હલચલની પળેપળની માહિતી આતંકવાદીઓ સુધી કઈ રીતે પહોંચે છે? છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીરના અનેક યુવાનો આતંકવાદી જૂથોમાં ભરતી થયા છે, જેમને પાકિસ્તાન કોઈ પણ રીતે પગાર ચૂકવે છે. હિઝબુલ મુજાહિદ્દીન, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાના મહત્ત્વના કમાન્ડરો સરહદ પાર કરીને કાશ્મીરમાં આવ-જા કરવા લાગ્યા છે. આ ત્રણેય જૂથોએ યુવાનોને તેઓના જૂથમાં ભરતી થવા આહવાન આપવા માટેનાં પોસ્ટરો પણ ગ્રામ વિસ્તારોમાં લગાવ્યા છે.
કેન્દ્રના ગૃહપ્રધાન જ્યારે પણ પોતાની સામે કેમેરા દેખાય છે કે તુરત તેઓ બોલવા લાગે છે કે આતંકવાદીઓની કમર તૂટ ચૂકી હૈ અને હવે તેઓ માત્ર એક નાના ઇલાકા સુધી સીમિત છે. તેમની આ વાત હાસ્યાસ્પદ છે. અગાઉ આ કેસેટ રાજનાથસિંહ વગાડતા હતા. પુલવામાં, ફુલગામ અને અનંતનાગ જિલ્લામાં તો આતંકવાદીઓએ સમાંતર શાસન જેવું પ્રભુત્વ જમાવી દીધું છે. સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં કોઈ પણ શાદી- બારાત જેવા માંગલિક પારિવારિક પ્રસંગો યોજાય તો આતંકવાદી જૂથોના કમાન્ડરો સુધી નિમંત્રણ પહોંચાડવામાં આવે છે, જેથી પ્રસંગ સ્થળે કોઈ હત્યાકાંડ ન સર્જાય. જે કાશ્મીરી પ્રજા એક જમાનામાં સ્થાનિક પોલીસનું સુરક્ષાછત્ર ઝંખતી હતી તે જ લોકોએ હવે આતંકવાદીઓને એક અનિવાર્ય અનિષ્ટ તરીકે જાણે કે સ્વીકારી લીધા છે. દેશના ગૃહમંત્રાલય પાસે કે કાશ્મીરના નવા રાજ્યપાલ પાસે પ્રવર્તમાન સમસ્યાઓનો ન તો કોઈ ઉકેલ છે કે ન તો કોઈ જવાબ છે. પ્રવાસન તો હવે ખત્મ થવા આવ્યું છે. અને હવે જનજીવન પણ સ્તબ્ધતાના આરે પહોંચી ગયું છે.
કોંગ્રેસ પાસે પણ અત્યારે કાશ્મીરનું સાચું ચિત્ર નથી. ભાજપનું ધ્યાન પણ હંમેશા એક પછી એક ચૂંટણીઓ પર જ હોય છે. એટલે જ એ પક્ષને ઇલેક્શન મશીન કહેવામાં આવે છે. આ પાંચ વિધાનસભા ચૂંટણી પૂરી થઈ એટલે કાલથી તો વિવિધ રાજ્યોની આગામી ચૂંટણીઓ તરફ ધ્યાન રહેશે. આ મોકાનો પૂરેપૂરો લાભ લઈને આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં પોતાનો પગદંડો વધુ મજબૂત કરવામાં વ્યસ્ત છે.


