ઘરના ભોજનથાળ સુધી ઝેરી રસાયણો પહોંચી ગયાં છે


- અલ્પવિરામ

- શુદ્ધ આહાર મળવો સહુને સુગમ નથી. વળી, હજુ તો અશુદ્ધ આહારની ઓળખ જ પાકી થઈ નથી. પ્રજા એક વણઓળખ્યા સંકટમાં ફસાઈ રહી છે

સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે આજ સુધી તો પર્યાવરણ ક્ષેત્રના અનેક વિચારકો અને રાજકર્તાઓ આવતા રહ્યા છે. તેમણે વારંવાર વિશ્વના જળવાયુ પરિવર્તન સહિતના પ્રશ્નોનું નેતૃત્વ લીધું છે, પરંતુ સ્વીડનની એક નાનકડી કન્યા ગ્રેટા થનબર્ગના આગમન પછી એના જેવા જ અને એટલી જ વયના અનેક વિચારકો આગળ આવવા લાગ્યા છે. એને કારણે વિશ્વ સમુદાય સમક્ષ એવું ચિત્ર ઊભું થયું છે કે જેમના હાથમાં સત્તા છે, તેઓ પર્યાવરણ પ્રત્યે બેફિકર છે અને જેઓ આવતીકાલના નાગરિકો છે, તેઓ જ હવે ચિંતા કરી રહ્યા છે. વિવિધ દેશોના રાજકર્તાઓ અત્યારે ઉછરી રહેલા બાળકો અને કિશોરો માટે જે વિશ્વ આપીને જવાના છે તે વિશ્વ સુખદાયી આયુષ્ય ભોગવવા માટે નહીં હોય.

એટલે અનેક કિશોર-કિશોરીઓ અને નવયુવાઓ મેદાનમાં ઉતયાંર્ છે. હવે પોતાના ભવિષ્યનું કામ તેમણેે ઉપાડી લીધું છે. ગ્રેટા થનબર્ગની જેમ પોતપોતાના દેશમાં એવી જ ચળવળ ચલાવનારા લોકોમાં ભારતની પણ એક કન્યા છે, જેણે આજ સુધીમાં વિવિધ ૨૧ દેશોમાં પોતાના પર્યાવરણ સંબંધિત મૌલિક અને નૂતન વિચારો અભિવ્યક્ત કરેલા છે. વિશ્વના દક્ષિણ ગોળાર્ધ માટે ભારતની આ દીકરી પણ ગ્રેટા થનબર્ગ જ ગણાય છે. આ કન્યા માત્ર દસ વર્ષની ઉંમરની છે અને ભારતના મણિપુર રાજ્યમાં તે તેના માતા-પિતા સાથે રહે છે. એનું નામ લિસિપ્રિયા કંગુઝમ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે આવી વિવિધ પંદરેક લઘુવયકોની યાદી છે, જેઓ પોતાનું હજુ તો નૂતન પ્રભાતે પહોંચેલું ઉદયમાન જીવન દુનિયાના પર્યાવરણની જાળવણી માટે સમર્પિત કરવા સંકલ્પબદ્ધ છે. અંદાજે ત્રણેક માસ પહેલા ગ્રેટાએ એના સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલા વ્યાખ્યાનમાં વિશ્વ સમુદાયને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

અગાઉ મેડ્રિડમાં ચાલેલા કાપ-૨૫ સંમેલનમાં લિસિપ્રિયાએ પોતાના ભાષણથી વિવિધ દેશોના પ્રતિનિધિઓને ચકિત કરી દીધા હતા. મણિપુર બહુવિધ સાંસ્કૃતિક પરંપરાઓ ધરાવતું રાજ્ય છે અને મણિપુરી પ્રજા પ્રકૃતિને પરમતત્ત્વ સમકક્ષ ઉપાસે છે. પોતાના વતનના આ સંસ્કારો માત્ર દસ વરસની ઉંમરે લિસિપ્રિયામાં સોળે કળાએ ખીલ્યા છે, જેને સાંભળતા સહુ આશ્ચર્ય અનુભવે છે. આ લઘુવયક કિશોરો-યુવાઓ હવે તેમની એક આગવી પરિષદ બનાવવા ચાહે છે, કારણ કે તેમની પાસે અવાજ છે, પરંતુ સત્તા નથી. એટલે તેઓ એક વૈશ્વિક સત્તામંડળ ઊભું કરવા ચાહે છે જેથી તેમના વિચારો સુગ્રથિત સ્વરૂપે અને પ્રભાવક રીતે વિશ્વ સમુદાય સમક્ષ મૂકી શકાય.

છેલ્લા પચાસેક વરસથી રાષ્ટ્રનેતાઓ અને તેમની પ્રજાએ માત્ર વારતાઓ જ કરી છે, જેનું પરિણામ એ આવ્યું છે કે ઘરે ઘરે પ્રજાના ભોજનથાળ સુધી ઝેરી રસાયણો છુપાયેલા સ્વરૂપમાં પહોંચી ગયાં છે. બે દિવસમાં મટી જાય એવી આરોગ્ય તકલીફો માનવ શરીરમાં છ-છ મહિના સુધી ધામા નાખે છે. બાળકો માટે માત્ર ઓસડિયાં હવે કામ કરતા નથી. દોડી દોડીને બાળતબીબો પાસે જવું પડે છે. નવોદિત માતાપિતા હવે તો બાળકો મોટા થાય ત્યાં સુધી એના આરોગ્યના આંટાફેરામાં જ વ્યસ્ત રહે છે. આ ચિત્ર કંઈ એકલા ભારતનું નથી. વિશ્વમાં બધે જ આ સ્થિતિ છે. શુદ્ધ આહાર મળવો સહુને સુગમ નથી. વળી, હજુ તો અશુદ્ધ આહારની ઓળખ જ પાકી થઈ નથી. પ્રજા એક વણઓળખ્યા સંકટમાં ફસાઈ રહી છે. આપણા ફૂડ ઈન્સ્પેક્ટરો જે બ્રાન્ડેડ કંપનીઓની ખાદ્ય સામગ્રીના નમૂના લે છે તે પણ તપાસમાં પાસ થતા નથી. વિદેશી બ્રાન્ડેડ કંપનીઓ સામે પણ આવા જ આરોપ મૂકવામાં આવે છે.

આજની તારીખે માણસજાત એની પર્યાવરણને નુકસાન પહોંચાડે એવી બધી જ પ્રવૃત્તિઓ બંધ કરી દે તો પણ પર્યાવરણને થયેલા નુકસાનની મરામત તરતોતરત તો શક્ય નથી. આજથી આખી દુનિયામાં વાહનો બંધ થઈ જાય, અણુમથકોને તાળાં લાગી જાય, ચીમનીના ધૂમાડા બંધ થઈ જાય, કચરો પેદા થાય એવા કોઈ પણ કામ ઉપર પ્રતિબંધ આવી જાય તો પણ ઘાયલ કુદરત બેઠી થઈ શકે એમ નથી. આખી દુનિયાના પર્યાવરણનો ખુરદો બોલી રહ્યો છે. માલદીવના ટાપુઓથી લઈને વિયેતનામ સુધી અને ગ્રીનલેન્ડથી લઈને નાગાલેન્ડ સુધી બધે જ પર્યાવરણની તબાહી જોવા મળે છે. કુદરતી સૌંદર્યના અનુપમ દર્શન થાય એવી જગ્યા ભાગ્યે જ કોઈ બચી છે. એમેઝોનના જંગલોમાં આગ લાગી રહી છે તો ઇઝરાયેલનો ખારો સમુદ્ર સુકાઈ રહ્યો છે. સાઈબિરીયાનું વન સંકોચાઈ રહ્યું છે તો આફ્રિકાના ખુલ્લા મેદાનના વગડાઓ શહેરીકરણ નામની આપત્તિનો સામનો કરી રહ્યા છે. યુરોપ પાસે તો હરિયાળી કરતા બરફની શ્વેત સુંદરતા વધુ હતી, તો એ પણ અદ્રશ્ય થઈ રહી છે.

વૈશ્વિક વાતાવરણમાં વિકૃતિ લાવવાનો શ્રેય બધાને જાય છે, પણ એમાં મોટા દેશોનો સૌથી વધુ ફાળો છે. મોટા દેશો એટલે વિકસિત દેશો, જે પોતાને મહાસત્તા કહેવડાવીને પર્યાવરણ-વિરોધી ગેરફાયદા લઈ લે છે અને અમુક વિકાસશીલ દેશો પણ પોતે વિકસિત નથી એવું ગાણું ગાઈને પર્યાવરણનું નખ્ખોદ વાળતાં રહે છે. અમેરિકા, બ્રિટન, ચીન, ભારત, જાપાન, બ્રાઝિલ, ફ્રાન્સ વગેરે દેશો ગ્લોબલ વોર્મિંગ માટે સહુથી વધુ જવાબદાર છે. ગલ્ફ દેશો પેટ્રોલિયમને કારણે ખૂબ સમૃદ્ધ થઈ ગયા છે. માટે જોર્ડન-સિરિયાથી લઈને અફઘાનિસ્તાન-પાકિસ્તાન સુધીનો આખો પટ્ટો કુદરતને હણવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. ઉલટાનું આ નાના લાગતા દેશોમાં વસ્તી વધી રહી છે, જે દરેક પ્રકારના પ્રદૂષણમાં વધારો કરવામાં ભાગ ભજવે છે. શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી દિવસેને દિવસે કિંમતી પદાર્થો બનતા જાય છે.

માલદીવના ટાપુઓ નજીકના ભવિષ્યમાં ડૂબી જવાના છે એ સૌ જાણે છે. ઇન્ડોનેશિયા અને મલેશિયાના ટાપુઓ પણ ખતરામાં છે. ટોકિયો, મુંબઇ, સિડની જેવા ઘણા મોટા શહેરો ઉપર દૂરના ભવિષ્યમાં મોટી આફત આવે એવી ભયજનક સંભાવના છે, કારણ કે સમુદ્રની સપાટી સતત વધતી જવાની છે. નવી દિલ્હીનું પ્રદૂષણ વિશ્વવિખ્યાત થઈ ચૂક્યું છે. ગંગા છેલ્લા કેટલાય દાયકાઓથી શુદ્ધ થઈ નથી અને હજુ કેટલાય દાયકાઓ સુધી શુદ્ધ થાય એવું લાગતું નથી. ગંગા સિવાયની એશિયાની મહાન નદીઓ પણ બહુ પ્રદૂષિત છે. બ્રહ્મપુત્રા કંઈ ડિસ્ટીલ્ડ વોટરનું વહન નથી કરી રહી. ચાઇનામાં પ્રદૂષણે માઝા મૂકી છે. ચાઇનાની એગ્રેસીવ આર્થિક અને સામાજિક નીતિએ ત્યાંના પર્યાવરણને તબાહ કરી મૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તરંગી નેતાઓ ગ્લોબલ વોર્મિંગને પરીકથાથી વિશેષ કશું માનતા નથી. માનવજાત પોતાની કબર ખુદ ખોદી રહી છે. બધા એમાં ક્યારે સમાઈ જઈશું એ નિશ્ચિત નથી, પરંતુ કબરમાં એક દિવસ ચોક્કસ ચાલ્યા જઈશું એ નક્કી છે. કુદરતનો કાળો કેર સહન કરવાની ક્ષમતા કાળા માથાના માનવીમાં નથી.

જે કિશોર-યુવા વયના લોકો નીકળી પડયા છે તેનાથી નવું જે વાતાવરણ બંધાશે તે પણ હશે તો વાતોનું જ, કારણ કે જેમની પાસે સત્તા છે તેઓ ન સમજે ત્યાં સુધી જળવાયુ પરિવર્તનની બધી વાત એક તરંગ જ રહેશે. આ સ્થિતિ આગળ જતાં પર્યાવરણીય સંરક્ષણ માટેની પરસ્પર અથડામણ તરફ વિવિધ રાષ્ટ્રોને લઈ જશે જેની શરૂઆત પણ થઈ ગઈ છે. સિંધુ નદીનો જળવિવાદ આપણો પરિચિત છે. આગામી એક દાયકામાં ઝડપી વસતી વધારો અને કુદરતી સંસાધનોનો વિદ્યુતવેગી વિનાશ - બન્ને એકસાથે જોવા મળશે. પર્યાવરણ વિશે પ્રાથમિક શાળાના બાળકો કંઈક જાણતા હોય છે. આગળ જતાં કોલેજોમાં તો એ વિષય જ નજરે ચડતો નથી. એટલે વ્યક્તિગત જીવનમાં પણ અમલવારીના વરસો આવે ત્યારે લોકો અનુસંધાન ગુમાવી દે છે. આ વિષચક્રનો નજીકમાં તો કોઈ ઉકેલ નથી. 

City News

Sports

RECENT NEWS