મોદીને ગ્લોબલ લીડર થવાનું ભૂત વળગ્યું છે
- હાંસી ઉડાવી શકાય એવી વ્યવસ્થા આજના દરેક નેતાના વ્યક્તિત્વમાં છે. અરે કેટલાકમાં તો મૌલિક મૂર્ખતાઓની પરંપરા છે. સામાન્ય નાગરિકોનું મન પણ કદીક ચકડોળે ચડે છે ને વિચારે છે કે અરે આટલી સામાન્ય વાત દેશના સુકાનીઓને નહિ સમજાતી હોય ?
- અલ્પવિરામ
દેશની જીડીપીના તાજા આંકડા ચોંકાવનારા ભલે ન હોય, પરંતુ ચિંતા કરવા જેવા તો છે. દેશના અર્થતંત્ર પરત્વે કેન્દ્ર સરકારની કેટલીક અણઘડ પ્રણાલિકાઓના પરિણામો એક પછી એક દેખાયા જ કરે છે. એનડીએ સરકારની બધી જ અણઆવડત કંઈ કોરોના ઢાંકી શકે એમ નથી. અને કેટલીક તકલીફો તો કોરોનાને કારણે જ ઊઘાડી થઈ રહી છે.
પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક (જાન્યુઆરી થી માર્ચ) સમયગાળામાં વિકાસદર ઓછો થઈને ૩.૧ ટકા પર આવી ગયો. આખા વર્ષ માટે આ વિકાસદર ૪.૨ ટકા આવ્યો છે જે ૨૦૧૮ -૧૯ ના ૬.૧ ટકાથી તો ઘણો ઓછો છે જ પરંતુ અગાઉના૧૧ વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર છે. આ આંકડાઓ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે અર્થવ્યવસ્થા પર પડેલા ઝટકા પહેલાના છે. એમ સમજો કે આનાથી આપણી સામે નવી મંદીના આધારવર્ષનું ખાતું ખેંચાયું છે. બાકી આગળ લઈ ગયા જેવી નોંધ ન કરીએ તો ચાલે પણ પાછલી ઘટ તો ચાલુ રહેવાની જ છે.
લોકડાઉનનો ફેંસલો માર્ચના અંતિમ સપ્તાહમાં આવ્યો, એટલે કે લગભગ એની પહેલાના ત્રિમાસિક ગાળા પર એની અસર ન હતી. છતાંય આંકડાઓ આટલા નિરાશાજનક હોય તો એના પર થી ફક્ત એક નિષ્કર્ષ નીકળે છે કે ભારતીય અર્થવ્યવસ્થાની બિમારીને ફકત કોરોના સાથે જોડીને જોવામાં ન આવે.
આપણને ખબર છે કે આપણી અર્થવ્યસ્થા આની પહેલાથી જ સુસ્ત હતી. જૂન ૨૦૧૮ પછી આ સતત ૭મો ત્રિમાસિક સમયગાળો છે જેમાં વિકાસદર કાં તો સ્થિર રહ્યો હોય અથવા નીચો ગયો હોય. આ ઉપરાંત સરકારની વર્તણુંક પર ધ્યાન આપીએ તો પણ એવું કંઈ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું જેના લીધે અર્થવ્યસ્થામાં શું ગડબડ છે એ ખબર પડે અથવા સરકાર એને ઠીક કરવા શું કરી રહી છે એ ખબર પડે.
છેલ્લા થોડા દિવસોમાં આપણી ઉપલબ્ધિ કહેવાય તે એક જ છે કે રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્ત દાસ વાસ્તવિકતાઓને સ્વીકારતા થયા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બધું જ જાણે છે પણ તેઓની વાણીમાં હજુ વાસ્તવનો ઉચ્ચાર નથી.
ખુદ વડાપ્રધાનનું ધ્યાન અત્યારે વૈશ્વિક નેતૃત્વના ખાલી પડેલા પદ પર છે. ટ્રમ્પ, જિનપિંગ, પુતિન કે બોરિસ જોન્સન... આમાંથી એક પણ નેતા આ જગતને સર્વસ્વીકૃત નથી. એક જમાનો હતો કે કેનેડી, હેનરી કિસિન્જર કે બ્રેઝનેવના શબ્દોની દુનિયાને કિંમત હતી. હવે તો વર્તમાન વૈશ્વિક નેતાઓના ટ્વીટ પણ ચકલીના ચીં ચીં ચીં જેવા થઈ ગયા છે. માત્ર અર્થતંત્ર કે વાણિજ્યનું જ પતન નથી થયું, રાજનેતાઓની પ્રતિભાઓનુંય ઘોર પતન થયું છે.
આવા સમયમાં મિસ્ટર મોદીને ગ્લોબલ લીડર થવાનું ભૂત વળગ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાતની ઉદઘોષણામાં પહેલા એમ કહેવામાં આવતું હતું કે વડાપ્રધાન દેશના નાગરિકો સાથે રેડિયોના માધ્યમથી વાત કરશે. હવે એમાં નવો સુધારો આવ્યો છે અને એનાઉન્સર કાર્યક્રમ શરૂ થતા પહેલા કહે છે કે ભારતીય વડાપ્રધાન દેશ અને દુનિયાના લોકો સમક્ષ પોતાની આ મન કી બાત કહેશે. ભારત પાસે વિશ્વને દિશા આપવાની હજાર સંભાવનાઓ છે એની ના નથી, પરંતુ એમાંનું કંઈ પણ ભાજપના એજન્ડામાં નથી. સત્તા સિવાયનો એક પણ શબ્દ ભાજપની કેન્દ્રવર્તી વિચારધારામાં નથી અને એ જ મોટું સંકટ છે.
હાંસી ઉડાવી શકાય એવી વ્યવસ્થા આજના દરેક નેતાના વ્યક્તિત્વમાં છે. અરે કેટલાકમાં તો મૌલિક મૂર્ખતાઓની પરંપરા છે. સામાન્ય નાગરિકોનું મન પણ કદીક ચકડોળે ચડે છે ને વિચારે છે કે અરે આટલી સામાન્ય વાત દેશના સુકાનીઓને નહિ સમજાતી હોય. હિજરતી કામદારો એનું છેલ્લું ઉદાહરણ છે. એમની જે દશા હમણાં હતી અને છે એ જ દશા કોઈ પણ નાગરિકની ગમે ત્યારે થઈ શકે છે. અતિશયોક્તિ લાગે તો પણ એટલું તો ખુલ્લી આંખે જોવું જ પડે કે દેશના મુખ્ય કાર્યચાલક પરિબળની દેશના કાર્યપાલકને કોઈ તમા નથી.
કોઈ પણ વ્યવસ્થાતંત્ર કે સિસ્ટમને પાટે ચડાવવાની પહેલી જ મેનેજમેન્ટ શરત એ હોય છે કે એના વર્તમાન સ્ટેટસનું અભિજ્ઞાાન સુધારકો પાસે હોવું જોઈએ. મોદી સરકારે એની પહેલી ટર્મમાં જ દેશના અર્થતંત્ર સાથે જે રમત શરૂ કરી ત્યારે જ એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે આ કપ્તાન આ જહાજને કેવા ભીષણ કિનારે લઈ જશે !
નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કર્યું ત્યારે પણ જાણકારો અને અર્થકારણના રસિકજનો આઘાતમાં સરી ગયા હતા. વિશાળ ભારતીય અર્થતંત્રના અનેક ભાગો છે. એ દરેક ભાગમાંથી બજેટને અનુસંધાને ચિત્રવિચિત્ર પ્રતિક્રિયાઓ આવી. તેના પરિણામસ્વરૂપ કેન્દ્રમાંથી નિયમો સતત બદલાતા ગયા. આમ પણ પોતાનો એક નિર્ણય જાહેર કર્યા પછી એમાં અનેક થિંગડા મારવા અને તેની સતત ફેરબદલી કરવી એ મોદી સરકારની સિગ્નેચર સ્ટાઈલ રહી છે.
નોટબંધીથી લઈને આજ સુધીના મોદીરાજની શૈલી જ એવી રહી છે કે સરકારના સમર્થકો પણ અર્થવ્યવસ્થાની સ્થિરતા અને વિશ્વસનીયતા ઉપર શંકા કરે છે. લોનના હપ્તાની જેમ કેન્દ્ર વારેવારે રાહત આપે અને પોતાના બોલાયેલા શબ્દોનું જ ખંડન કરે. આથક તર્કશૂન્યતાથી દેશમાં બેહાલી આવે તે નક્કી છે. આથક બાબતો સંલગ્ન લોકોનો વિશ્વાસ જીતવામાં અસફળતાનો ટ્રેક રેકોર્ડ સ્વ. જેટલીજીથી લઈને નિર્મલાજી સુધી અકબંધ રહ્યો છે.
અચ્છે દિન જેવા હાસ્યાસ્પદ ઉચ્ચારણોથી દેશ તંગ આવી ગયો છે. હવે તો ભાજપે જો કે અચ્છે દિન જેવા બુરા શબ્દયુગ્મ બોલવા પર પક્ષમાં પ્રતિબંધ ફરમાવી દીધો છે. ભૂલથીય કોઈ નેતા અચ્છે દિન બોલી જાય તો એની પોતાની બૂરી હાલત થવાની નક્કી છે.
હવે તો લોકડાઉનને લીધે અર્થતંત્ર જાણે સાયકલોનમાં ફસાઈ ગયું છે. દુનિયા આખીની સ્થિતિ ખરાબ છે પણ ભારતની હાલત કફોડી છે. ભારતે આથક મંદીમાંથી બહાર આવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ૨૦૦૮ ની મંદી કોઈ ભૂલ્યું નથી. પણ ત્યારે ભારતની આથક ગાડી પાટા ઉપરથી ઉતરી ન હતી. કુશળ અર્થશાસ્ત્રીઓ અને પરિપક્વ નેતાઓના હાથમાં ત્યારે દેશનું સુકાન હતું.
આ વખતે તો સાચુકલી ટ્રેન પણ ભળતા રાજ્યમાં પહોંચી જાય છે તો દેશના અર્થતંત્રનું શું થશે એ તો અકલ્પનીય મુદ્દો છે. મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા દેશનું અર્થકારણ પાટા ઉપર જલ્દી નહીં આવે એવું લાગે છે. અને અગર જો બધું સમસૂતરું પાર પડશે તો એમાં પ્રજાનો સહયોગ હશે.
સરકાર માટે બધા જ રસ્તા બંધ થઈ ગયા છે એવું નથી. ઘણા ઉપાયો છે જેના થકી દેશના અર્થતંત્રને બચાવી શકાય એમ છે. પણ એના માટે દોષારોપણની વૃત્તિમાંથી છૂટવું પડશે, નહેરુ ઉપર અપજશનું પોટલું મુકવાનું બંધ કરવું પડશે અને નક્કર પગલાં ભરવા પડશે. જો કે મોદી સરકારના નસીબ સારા છે.
આ વર્ષે ભારતમાં વરસાદ બહુ જ સારો પડશે એવી સંભાવના છે. સારો વરસાદ અર્થતંત્રમાં તેજી લાવશે, સૌ સારાવાના થશે અને દયાળુ પ્રજા આ સરકારના છબરડા ભૂલીને ફરી હઈસો હેલ્લારો કરશે એ પણ ગાલિબની જેમ માત્ર દિલ કો બહેલાને કે લિયે જ છે.