For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોન એપની જાળમાં ફસાતા લાખો દુઃખી દંપતી

Updated: Apr 2nd, 2024

Article Content Image

- અલ્પવિરામ

- માર્કેટમાં સેંકડો નકલી એપ્સ પણ આવી ચૂકી છે. નિષ્ણાતોના મતે ગેરકાયદેસર ધિરાણ બજાર 700-800 મિલિયન ડોલરની આસપાસ હોઈ શકે છે. નાની રકમ જીવન-મરણનો જંગ બને છે ને રિઝર્વ બેન્કની ચૂપકિદી ઘાતક છે

ભોપાલના રતિબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નીલબાડમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક દંપતી લોન એપની જાળમાં ફસાઈ ગયું અને પોતાનાં બે માસૂમ બાળકો સાથે મોતને ભેટી ગયું. યુવકને ઓનલાઈન લોન કંપની દ્વારા બે મહિનાથી તેનો ફોન હેક કરીને ધમકી આપવામાં આવી રહી હતી, જેના કારણે દંપતીએ આ પગલું ભર્યું છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આત્મહત્યા કરતાં પહેલાં દંપતીએ એક સુસાઈડ નોટ લખી હતી અને મોબાઈલ દ્વારા પોતાની ભત્રીજીને મોકલી હતી. પોલીસને પણ ઘટનાસ્થળેથી ૪ પાનાંની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં યુવકે લોન એપ દ્વારા લોકોને છેતરતી કંપની પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતક યુવકે પોતાની સુસાઈડ નોટમાં પોલીસને વિનંતી કરી છે કે આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ફરી કોઈ પરિવાર આ રીતે બરબાદ ન થાય.

આ વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારી ક્રિષ્ના થોટાએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી હકીકત એ છે કે પરિવાર પર દેવું હતું. ઓનલાઈન કામ માટે ઓનલાઈન એપ્સ ડાઉનલોડ કરી. જ્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, ત્યારે તમારી સંપર્ક સૂચિ અને ફોટા પરવાનગી સાથે શેર કરવામાં આવે છે. આ ફોટા અને કોન્ટેક્ટ લિસ્ટનો ઉપયોગ કરીને ઉક્ત દંપતીને બ્લેકમેલ કરવામાં આવતા હતા. 

આ કારણોસર આવું પગલું ભર્યું હતું. મૃતકના પરિવારના બેંક ખાતા, ફોન નંબર, મોબાઈલ-લેપટોપની તપાસ કરવામાં આવશે. જેમને ખંડણીના કોલ આવ્યા હતા તેમના પરિવારજનો સાથે વાત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ કહીને પોલીસ વાત અટકાવે છે. એક સમગ્ર પરિવાર જે લોન એપમાં કાયમ માટે ડૂબી ગયું તે હવે કદી એક શ્વાસ લેવા પણ જોવા મળશે નહીં.

આ મામલામાં ડીસીપી ક્રાઈમ શ્રુતિ સોમવંશીએ કહ્યું કે સાયબર પોલીસ નકલી એપ્સને શોધવા માટે સમયાંતરે એડવાઈઝરી જારી કરે છે. ઘણી એવી ચાઈનીઝ એપ્સ છે જેને પ્લે સ્ટોર પરથી સીધી ડાઉનલોડ કરી શકાય છે, જેને તમારા મોબાઈલનો એક્સેસ આપ્યા પછી તેઓ તમારા મોબાઈલનો ડેટા હેક કરી લે છે. તમારો મોબાઈલ તેમને બધી પરમિશન્સ - એક્સેસ આપે તે પછી તમારો ફોન હેક થઈ જાય છે અને તમને બ્લેકમેલ કરવામાં આવે છે. ડીસીપી ક્રાઈમે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી નકલી એપ્સથી દૂર રહે જે ભારત સરકાર દ્વારા નોંધાયેલી નથી.

ઉત્તરપ્રદેશના ઘોસી ગામમાં રહેતા ભરત સિંંહને તેની બહેનનાં લગ્ન માટે પૈસાની જરૂર હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર UnicashX નામની લોન એપ શોધી કાઢી અને આ એપમાંથી ૧૫,૦૦૦ રૂપિયાની લોન લીધી. ઈન્સ્ટાગ્રામ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ લોન એપને લઈને કોઈ ખતરાની જાણકારી આપી નથી. ભરત સિંહને પણ આ એપ વિશે કોઈ શંકા નહોતી, કારણ કે એપ દાવો કરે છે કે તે નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપની (NBFC) છે અને RBI દ્વારા નિયંત્રિત છે.

પરંતુ ભરતસિંહે ૧૫,૦૦૦ રૂપિયા લેવાના બદલામાં મોટી રકમ ચૂકવવી પડી હતી. તેણે માત્ર ઊંચું વ્યાજ જ ન આપ્યું, પરંતુ સતત માનસિક ત્રાસ પણ સહન કર્યો. ૧૫,૦૦૦ના બદલમાં UnicashXએ તેને ૫૦,૦૦૦ રૂપિયા એટલે કે ત્રણ ગણી રકમ પરત આપવાની ફરજ પાડી હતી. ભરતસિંહે ઉછીના લીધેલા રૂ. ૧૫,૦૦૦થી વધુ પરત ન આપતાં તેમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો. તેને વોટ્સએપ પર અજાણ્યા લોકો દ્વારા સતત હેરાન કરવામાં આવતો હતો.

પરંતુ આવી ઘટનાનો સામનો કરનારા માત્ર ભરતસિંહ જ નથી. છેલ્લા ૧૧ વર્ષોમાં ડિજિટલ ધિરાણ બજાર તેજી પામ્યું છે અને ૨૦૨૪માં હવે તે ૩૫૦ બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. દર વર્ષે આ ઉદ્યોગમાં લગભગ ૪૦ ટકા વૃદ્ધિ દર નોંધાઈ રહ્યો છે. ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની એક્સપિરિયનના રિપોર્ટમાં આ આંકડો આપવામાં આવ્યો છે. જોકે, આમાંના મોટા ભાગના યોગદાન NBFC અને બેંકો દ્વારા સંચાલિત અસલી ફિનટેક કંપનીઓ તરફથી આવે છે.

આ માર્કેટમાં સેંકડો નકલી એપ્સ પણ આવી ચૂકી છે. તેનો કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ ઉદ્યોગના નિષ્ણાતોના મતે ગેરકાયદેસર ધિરાણ બજાર ૭૦૦-૮૦૦ મિલિયન ડોલરની આસપાસ હોઈ શકે છે. આ અધધધ કહેવાય એવું વોલ્યુમ છે. ઘણા પીડિતો અને સાક્ષીઓ કે જેઓ આ એપ્સનો શિકાર બન્યા છે તેઓ એક સામાન્ય બાબત તરફ ધ્યાન દોરે છે અને તે છે, કોઈ પણ સરકારી અને નિયમનકારી ધોરણોની ગેરહાજરી. ઓનલાઈન પ્લેટફોર્મ બહુ ઓછા પૈસા વસૂલે છે અને છેતરપિંડી કરનારાઓ અહીં તેમની નકલી લોન એપ્સની ખુલ્લેઆમ જાહેરાત કરે છે. ભારતીય રિઝર્વ બેંક પાસે ન તો અધિકૃત રજિસ્ટર્ડ કે નકલી લોન એપ્લિકેશન્સની કોઈ સૂચિ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અનુકૂળ ડિજિટલ ધિરાણની ઝડપી વૃદ્ધિને કારણે છેતરપિંડી કરતી કંપનીઓમાં વધારો થયો છે. સરકાર પણ હજુ સુધી આ કંપનીઓને ધ્યાનમાં લેવા માટે હિતધારકો સાથે ચોક્કસ માર્ગદર્શિકા પર સહમત થઈ શકી નથી. ઈ. સ. ૨૦૨૦થી અત્યાર સુધીમાં, ભારતીય મીડિયાએ આવા ડઝનેક કેસ નોંધ્યા છે જેમાં લોકોએ કથિત રીતે આવી ગેરકાયદે લોન એપ્સની જાળમાં ફસાઈને આત્મહત્યા કરી હોય.

આવી બાબતો પર ચર્ચા કરવા માટે તાજેતરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણા મંત્રાલય, આરબીઆઈ અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ તેમાં ભાગ લીધો હતો. મીટિંગમાં સચિવોએ સૂચન કર્યું હતું કે આરબીઆઈ ધિરાણ આપતી એપ્સ માટે નવા કડક નિયમનો દાખલ કરવા જોઈએ. આ પ્રક્રિયા બિલકુલ એવી જ હોવી જોઈએ જે યુઝર્સને બેંક ખાતું ખોલાવતા પહેલાં કરવાની હોય છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, અમે કંપની KYC પ્રક્રિયાને  Know Your Digital Finance App (KYDFA)ના નામથી જાણીએ છીએ. પણ આની અમલવારીથી સરકાર બહુ દૂર છે.

સપ્ટેમ્બર ૨૦૨૨માં, આરબીઆઈએ ડિજિટલ ધિરાણ માટેની માર્ગદર્શિકા બહાર પાડી હતી, જે ફક્ત બેંકો અને એનબીએફસી જેવી નિયમનકારી સંસ્થાઓ માટે હતી. તેથી, જો કોઈપણ ધિરાણ એપ્લિકેશન અથવા સેવા પ્રદાતા કોઈપણ અનિયમિતતા કરે છે, તો આરબીઆઈએ બેંક અથવા એનબીએફસીનો સંપર્ક કરવો પડશે. પરંતુ આ માર્ગદર્શિકા અને પ્રક્રિયા ફ્રોડ એપ્સની સમસ્યાને હલ કરતી નથી. આ છેતરપિંડી એપ્સ કોઈપણ બેંક અથવા NBFC સાથે લિંક નથી અને તેમના લક્ષ્યાંકોમાં મધ્યમથી ઓછી આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં વિદ્યાર્થીઓ, નાના દુકાનદારો, ટાયર-૩ અને ટાયર-૪ શહેરોમાં કામ કરતા લોકોનો સમાવેશ થાય છે, જેઓ બેંકોથી હતાશ છે.

Gujarat