એકલા ચીને આખી દુનિયાની પથારી ફેરવી છે
- કોરોના પહેલાની મુક્ત અને સ્વતંત્ર માનવીય જિંદગી હવે ઈતિહાસ છે
અલ્પવિરામ : દિલીપ ભટ્ટ
- કોરોના પહેલાની મુક્ત અને સ્વતંત્ર માનવીય જિંદગી હવે ઈતિહાસ છે. એ ઇતિહાસને પુનઃ સજીવન કરવામાં વરસો નીકળી જશે.
દરેક મોટી દુર્ઘટના આમૂલ પરિવર્તન લઈને આવતી હોય છે. આફટરશોકસ કેડો મુકતા નથી. ઘટના પસાર થઈ જાય તો પણ એના લિસોટા લાંબા હોય છે. હજુ તો કોરોના પ્રકરણ ચાલુ છે પણ એના પડછાયા બહુ લાંબા દેખાઈ રહ્યા છે. ટાઇટેનિક જહાજ ડૂબી ગયું પછી કેટલાક નિયમોમાં સખ્ત ફેરફારો કરવામાં આવ્યા, જેનું પાલન આજ સુધી બધા જહાજો કરે છે. નાઈન ઈલેવનથી ઓળખાતી કરૂણાન્તિકામાં અમેરિકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર આતંકવાદીઓએ જમીનદોસ્ત કર્યું એના પછી અમેરિકાન પ્રવાસન ઉદ્યોગ અને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ધરખમ ફેરફારો આવ્યા. અમેરિકી પ્રજા વર્ષો સુધી પ્લેનમાં બેસતા પણ ડરતી હતી. વર્તમાનમાં જે મુશ્કેલી છે એ મહામુશ્કેલી રોગચાળાની મહામારીની છે. એક જ વાયરસને લીધે ક્ઝ-સ્ટીમરો પણ લંગર નાખીને કાંઠે સ્થિર છે અને એરલાઇન્સ કંપનીના વિમાનો પણ જમીન ઉપર અહીંતહીં વેરાયેલા છે. એક સારા પાયલોટની જગ્યા આસમાનમાં હોય છે. પરંતુ એની પાંખો અત્યારે કપાઈ ગઈ છે અને નવી પાંખો ક્યારે આવશે એ નક્કી નથી. આ સાથે જ લોકોની જીવનશૈલીમાં અભૂતપૂર્વ પરિવર્તન આવી ગયા છે. કોરોનાએ કાયમ માટે દુનિયા બદલાવી નાખી એવું કહેવામાં અતિશયોક્તિ નથી. એક નવા, બદલાયેલા અને શિસ્તથી ભરપૂર એવા ભવિષ્ય માટે માનવજાતે તૈયાર રહેવાનું છે.
માણસ સામુદાયિક વિહાર કરનારા પ્રાણીઓનો વંશજ છે. આપણાં પૂર્વજો ડાળો ઉપર કૂદાકૂદ કરતાં પરંતુ એક ઝુંડમાં સાથે રહેતા. એ જ વારસો આપણને મળ્યો છે. માટે 'સોશ્યલ ડિસ્ટન્સિંગ' નામની પરિભાષા જેણે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તે એક રીતે જોવા જઈએ તો પરંપરાની વિરુદ્ધની વ્યવસ્થા છે. પરંતુ કુદરતી આફત જ એવી છે કે એકબીજાથી અંતર રાખ્યા સિવાય છૂટકો નથી. માટે પહેલાની જેમ મેળાવડા, સામાજિક સંગઠનોની બેઠકો, સામુહિક સંમેલનો, વ્યવસાયિક મિટિંગ, સ્નેહમિલનો, સગાઈ-લગ્ન-સંઘજમણ, પ્રાર્થનાસભા, મિજબાની વગેરે લાંબા સમય સુધી ભૂલી જવાના રહેશે. મોલ કે થિએટર ફરીથી ક્યારે ખુલશે એની કલ્પના જ કરવી રહી. મંદિરો કે બીજા કોઈ પણ ધામક સ્થાને ઉમટતી ભીડ હવે ખતરારૂપ થઈ શકે છે. આપણે ત્યાં તો સાતમ-આઠમના મેળાનું અનેરું મહત્ત્વ હોય છે. પરંતુ કોરોનાએ તો ઓલિમ્પિક મહામહોત્સવનું પત્તુ પણ કાપી નાખ્યું છે, તો લોકમેળા ભૂલી જવા રહ્યા. બગીચાઓ હવે વૃદ્ધો અને બાળકો વિના સુનકાર ભોગવશે એનાથી આપણે ટેવાવું પડશે. માળીઓ પણ બગીચામાં જતા નથી. કૌન ભલા ઉસ બાગ કો પૂછે, હો ના જિસકા માલી....?
મનોરંજન ક્ષેત્રની જેમ જ ટુરિઝમ એટલે ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. માટે હરવાફરવાના સ્થળો ઉપર અચોક્કસ મુદતનું અલિગઢનું તાળું લાગી જવાનું છે. તાળુ ખંભાતનું પણ ન મળે તો ફક્ત કડીથી કામ ચલાવવું પડશે કારણ કે બિનજરૂરી પ્રવાસને સરકાર કે સમાજમાંથી કોઈ પણ ઉત્તેજન આપશે નહીં. લોકડાઉન ધીમે ધીમે ખુલશે અને ટ્રાફિક નિયમનો વાહનોને ધીમે ધીમે છૂટ આપશે તો પણ તેમાં ઘણા નિયમો લાગુ કરવામાં આવશે. જે રીતે સંભળાય છે એ મુજબ પ્લેનમાં ત્રણ સીટમાં ફક્ત એક જ સીટમાં પ્રવાસીને બેસાડવામાં આવશે અને આજુબાજુની સીટો ખાલી રાખવી પડશે. જો આવું થાય તો જરૂરી પ્રવાસ પણ કેટલો મોંઘો પડે તે આપણે વિચારી શકીએ છીએ. અનિવાર્ય સંયોગો સિવાય કોઈ એક શહેરથી બીજા શહેરમાં પણ નહીં જઇ શકે. કરોડો લોકો અપ-ડાઉનથી જ પોતાનો વ્યવસાય સંભાળ્યો છે. તેમના વેપાર-ઉદ્યોગ અને નોકરીઓ ઉપર મોટી અસર થવાની સંભાવના છે.
બે મનુષ્યો વચ્ચેનો અછડતો શારીરિક સ્પર્શ પણ નિંદનીય ગણાવા લાગ્યો છે. બહાર જઈએ તો માસ્ક અને સેનીટાઇઝર ફરજિયાત સાથે રાખવા પડે એમ છે. દુકાનદારોએ સતત માસ્ક પહેરી રાખવા પડશે. ડિસ્પોઝેબલ હાથમોજાનો ઉપયોગ પણ વધારવો પડશે. રેલવે સ્ટેશન, પોસ્ટ ઓફિસ, એરપોર્ટ, બેન્ક, સરકારી કચેરીઓ વગેરે જગ્યાએ કામ કરનારા કર્મચારીઓ પ્રજાના મોટા વર્ગના સીધા સંપર્કમાં આવે છે. તેઓને કોઈનો ચેપ ન લાગે, સંક્રમણનો ફેલાવો ન વધે તેની તકેદારી મહિનાઓ સુધી રાખવી પડશે. હવે તો લઘુઉદ્યોગની માફક સ્થાનિક સ્તરે સેનિટાઇઝરનું ઉત્પાદન ને વેચાણ થવા લાગ્યું છે. કોરોના સામે નબળી ગુણવત્તા ધરાવતા સેનિટાઇઝર કે માસ્ક રક્ષણ આપી શકશે કે કેમ તે સવાલ છે.
બહારગામથી આવનાર દરેક વ્યક્તિને તેનો રહેણાક વિસ્તાર શંકાની નજરે જોવા મંડયો છે. બાલ્ટી લઈને શાકભાજી લેવા જવાના પ્રયોગો શરૂ થઈ ગયા છે. દરવાજાના હેન્ડલથી લઈને લિફ્ટના બટન સુધી દરેક જગ્યાએ જાણે ટાઈમબામ્બ હોય એમ લોકો ફિલ કરે છે. ટીશ્યુ પેપરનો વપરાશ વધવા લાગશે. લોકોએ સખત સંકુચિત એટલે કે ભૌગોલિક રીતે ટૂંકા પનાની અને ઘર કેન્દ્રિત જીવનશૈલી અપનાવવી પડશે. દવા કે રસી ન શોધાય ત્યાં સુધી આઠ અબજ લોકોએ આ જ રીતે જીવવું પડશે. બીજો કોઈ રસ્તો નથી. કોરોના પહેલાની મુક્ત અને સ્વતંત્ર માનવીય જિંદગી હવે ઈતિહાસ છે. એ ઇતિહાસને પુનઃ સજીવન કરવામાં વરસો નીકળી જશે. લોકો હજુ કોઈ ચમત્કારની આશા રાખે છે. પરંતુ એ તો માત્ર આશાનો એક તંતુ છે. વાસ્તવ નથી.
જીવનશૈલીમાં મુખ્યત્વે મોટો ફેરફાર તો આવશે આથક વિટંબણાઓને કારણે. કોરોનાને કારણે થયેલા લોકડાઉનને લીધે દેશના અર્થતંત્રને કરોડો ડોલરનું નુકસાન થયું છે અને નુકસાન સતત ચાલુ છે. ક્યાં સુધી ચાલુ રહેશે એ નાણામંત્રી પણ કહી શકે તેમ નથી. જર્મનીએ તો ચીનને કોરોના વાયરસને કારણે થયેલા નુકસાનનું બિલ મોકલ્યું છે. ચીન તો કોઈને મદદ પણ નથી કરતું. ઉલટાનું પોતાનો બિઝનેસ વધારીને બીજા દેશોને વધુ પાંગળા બનાવવાની કોશિશ કરશે. આમ પણ ચીને અનેક દેશોના અર્થતંત્રનું સુકાન પડદા પાછળથી પોતાના હાથમાં લેવાનો કપટી પ્રયાસ કર્યો છે. બીજા દેશોના અર્થતંત્રોને કોઇને ખબર ન પડે તે રીતે હેક કરવામાં તે નિપુણ છે. ભારતના અર્થતંત્ર ઉપર પણ ચીનનો કેટલોક અંકુશ હતો. હવે આ ચીની વાયરસે આખી દુનિયાની પથારી ફેરવી નાખી.
આથક વિપત્તિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી વકી છે. કારણ કે હજારો કે લાખો નોકરીઓ છૂટી ગઈ છે. જે નોકરિયાત વર્ગ છે અને એમાં પણ જે સરકારી નોકરિયાતો નથી તેને બહુ અસર પડી રહી છે. પરંતુ જે એકમો નોકરી આપે છે તેમની હાલત પણ કફોડી થઈ રહી છે. ડિમાન્ડ જ ઓછી થઈ ગઈ હોય તો સપ્લાય પણ ઓછો જ થવાનો. માટે કર્મચારીઓની સંખ્યા પણ આપોઆપ ઘટવાની. માટે લોકડાઉન જ્યારે સાવ ખુલી જશે ત્યારે પણ લાખો વ્યક્તિઓ એવી હશે જેણે કમાવા માટે એકડો ઘૂંટવો પડશે. પોતાના ખર્ચ ઉપર કાપ મુકવાની શરૂઆત તો થઈ જ ગઈ છે પરંતુ પછી તો જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવી પણ મોંઘી સાબિત થશે. આમ પણ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હતું જે હવે ખૂબ વધશે. દેશ આખો નાદાર ન થાય તે પ્રજાના પુરુષાર્થ, ગંભીરતા, ધીરજ અને કુનેહ પર આધારિત છે.