Get The App

દેશને હવે એક ઓનલાઈન ચોકીદારની જરૂર છે

Updated: Nov 5th, 2019

GS TEAM

Google News
Google News

ઓનલાઇન દુનિયા બહુ જ નાજુક છે. વોટ્સએપ જેવી હાઈ-સિક્યોરિટી એપ્લિકેશન પણ હેકરોથી સુરક્ષિત રહી શકતી નથી. ઓનલાઇન ફ્રોડ કરનારા લોકો બહુ છે. છતાં ભારત સરકાર આ અંગે પૂર્ણતઃ બેહોશ છે

જુઠ્ઠો માણસ બધાનો વિશ્વાસ જીતવા દસ નાના સત્ય બોલશે જેથી તે પોતાનું મોટું જૂઠ દબાવી શકે. ખોટું કરનારા માણસમાં પણ અમુક રીતે આંશિક ઈમાનદારી દાખવવાની તૈયારી હોય છે. એને કારણે જ એને પોતાને ખબર પડતી નથી કે એ કેટલી હદે બેઈમાન છે. પરંતુ વર્તમાન સરકાર તો દસ નાના સત્યો બોલવામાં પણ ઠાગાઠેયા કરે છે.

કાશ્મીરને દેશનો આંતરિક મામલો ગણાવતી ભારત સરકાર યુરોપિયન ડેલિગેશનને આમંત્રણ આપે છે. ફોરેન પોલિસી માટે ગૌરવ લેતી સરકારના વડા અમેરીકા જઈને ટ્રમ્પ માટે એડવાન્સ ચૂંટણી પ્રચાર કરી આવે છે. દરેક નાની વાતમાં આ સરકાર છબરડા કરવામાં પાવરધી થઈ ગઈ છે.

દરેક નિર્ણય તેમણે પાછો ખેંચવો પડયો છે પણ પોતાની ભૂલ ક્યારેય સ્વીકારી નથી. પંદરસો જેટલા ભારતીયોના વોટ્સએપ એકાઉન્ટ હેક થયા. યુનિયન મિનિસ્ટરીને આ સાયબર હુમલાની પહેલેથી જાણ હતી છતાં પણ સરકારી બાબુઓ સ્વીકારવા તૈયાર નથી કે તેઓ યોગ્ય પગલાં ભરવામાં કાચા પડયા. નાગરિકોની અંગત સુરક્ષા આ સરકારના કાર્યકાળ દરમિયાન જોખમાય છે. પણ ઉપર વાત કરી એમ એક નાનકડા સત્યનું ઉચ્ચારણ કરવામાં તેઓ બિલકુલ રાજી નથી.

કોઈ પણ દેશની સુરક્ષાના બે મુખ્ય ભાગ હોય. એક સરહદ પરની સુરક્ષાનો વિભાગ હોય જે લશ્કરની ત્રણે પાંખ સંભાળે. બીજો વિભાગ છે દેશની આંતરિક સુરક્ષા. જે પોલીસ દળ, સેવા સુરક્ષા દળ કે અર્ધલશ્કરી દળ સંભાળતા હોય. સદીઓ સુધી કોઈ પણ દેશના નાગરિકોની સુરક્ષા માટે આ બે વિભાગ દ્વારા જ કામ ચાલતું હતુ.

સમયની માંગ છે કે નાગરિકોની સુરક્ષા માટે સત્વરે ત્રીજો વિભાગ ખોલવામાં આવે અને તે છે સાયબર-સુરક્ષા. ભારતમાં જેટલા મોબાઇલ ફોન ધારકો છે એટલા વિશ્વના એક પણ દેશમાં નથી. ભારતમાં ઈન્ટરનેટ ધારકોમાં પણ ટોચના સ્થાને છે.

ભારતીય રિટેલ માર્કેટ ધીમે ધીમે પાછું પડી રહ્યું છે. મુખ્ય ખરીદ વેંચાણ હવે મોલ અથવા તો ઓનલાઇન થાય છે. આ બંને જગ્યાએ કોઈને કોઈ પ્રક્રિયામાં ગ્રાહકના ઈન્ટરનેટ કે મોબાઈલ નંબરનો ઉપયોગ થતો હોય છે. ટૂંકમાં કોઈ પણ ભારતીય ગ્રાહકનો નંબર ન્યૂનતમ દસ પ્રાઇવેટ ધંધાદારી કંપની પાસે છે. ગ્રાહકને એમ છે કે એની બધી માહિતી ખાનગી છે પણ હકીકત એ છે કે તેની ઘણીબધી માહિતી બજારમાં વેચાતી હોય છે.

પીગેસસ નામનો સ્પાયવેર અમુક ભારતીયોના મોબાઈલ ફોનને ટ્રેસ કરી રહ્યો હતો. વોટ્સએપ દ્વારા ફેલાઈ રહેલો એ વાયરસ વોટ્સએપના ઓડિયો કોલ અને વીડિયો કોલ સહિત મોબાઈલધારકના લોકેશન અને ટેક્સ્ટ મેસેજને પણ વાંચી શકતો. ઇઝરાયેલની એક કંપનીએ રાજકારણીઓ, સરકારી બાબુઓ, કેટલાક નામાંકિત રાષ્ટ્રીય અને પ્રાદેશિક ભાષાના પત્રકારો, વકીલો, ઉદ્યોગપતિઓ ઉપર નજર રાખવા માટે આ વાયરસ બનાવેલો. જેની અસર નીચે અમુક ભારતીયો પણ આવી ગયા. વોટ્સએપ કંપની પોતાના મેસેજ એકદમ સુરક્ષિત છે એવો દાવો કરે છે.

એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન અર્થાત્ વચ્ચે કોઈ જ મધ્યસ્થી વિના સીધી બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થઈ શકે એવી સુરક્ષાભરી સવલત વોટ્સએપ આપે છે. છતાં પણ આ હાઈફાઈ વાયરસ વોટ્સએપને બીમાર કરી ગયો તે તાજુબ્બીની વાત છે. વોટ્સએપ ૧૪૦૦ જેટલા લોકોને અંગત રીતે મેસજ મોકલ્યા અને વાયરસ હુમલામાંથી બચવા માટેની તરકીબ બતાવી. પણ વાત આટલી સરળ નથી. સાયબર નિષ્ણાતોનું માનવું છે કે ભારત સરકાર પીગેસસ નામના જાસૂસી વાયરસ વિશે અગાઉથી જ ઘણુંબધું જાણતી હતી.

પીગેસસનું જન્મવર્ષ બે વર્ષ પહેલાનું છે. આ વરસના ગત મે મહિનામાં તેના વિરુદ્ધ રિપોર્ટ ફાઈલ થયો હતો. સરકાર પાસે સાયબર હુમલા ઉપર નજર રાખવા માટેની એક ટીમ છે જે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ કહેવાય છે. મે મહિનામાં વોટ્સએપની સુરક્ષામાં મળેલા એક છીંડા તરફ તેઓનું ધ્યાન ગયંન હતું. સરકાર જ્યારે એમ કહીને હાથ ઊંચા કરી દે છે કે તેઓને તો કંઈ ખબર નથી ત્યારે ઈન્ટરનેટ ફ્રિડમ ફાઉન્ડેશન નામની સેવાભાવી સંસ્થા દ્વારા લિંક જાહેર કરાઈ જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે યુનિયન મિનિસ્ટરી પીગેસસથી સુવિદિત હતી.

વોટ્સએપની પ્રાઇવસીમાં રહેલુ ગાબડુ મોટું હતું અને તે જોખમી હતું. છતાં પણ યોગ્ય પગલાં યોગ્ય સ્તર ઉપર ન લેવાયા. તેના પરિણામસ્વરૂપ આટલા બધા લોકો તેના ભોગ બન્યા. ભારતીયોની કેટલી માહિતી લિક થઈ અને જે માહિતી પરદેશીઓના હાથમાં ચાલી ગઈ છે તે કેટલી સંવેદનશીલ છે તેના વિશે હજુ સુધી કોઈ ખબર આવ્યા નથી. ખબર દાબી દેવાની જૂની શૈલી આ કિસ્સામાં પણ દેખાઈ આવે છે.

આમ તો સામાન્ય નાગરિકોને એમ લાગતું હોય છે કે અમારા આંતરિક વાર્તાલાપોમાંથી જાસૂસોને શું મળે ? પરંતુ જાસૂસો જે જે વોટ્સએપ એકાઉન્ટ હેક કરે છે તે ચોક્કસ પ્રકારના લોકોના છે. અને એમાં એવા દસ્તાવેજો અને માહિતીની ગંગા વહેતી હોય છે જેને કારણે કોઈ સરકાર ઉથલી પડે અથવા તો બે દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે.

વળી આ માહિતીનો તરત કોઈ ઉપયોગ ન હોય તો પણ એને વર્ગીકૃત રીતે સાચવી લેવાય છે જે પછીથી ખરેટાણે દેશની વિરુદ્ધમાં જાસૂસો પ્રયોજે છે. અને એ જ એનું સહુથી ખતરનાક પાસુ છે. બીજા વિશ્વયુદ્ધ વખતે આવી નાની નાની માહિતીઓ જ હારજીતના પાસા પલટાવ્યા હતા. 

સરકાર કેશલેસ યુગના મંડાણ કરવા માટે આતુર છે. એકવીસમી સદીની શરૂઆતમાં પેપરલેસ વર્લ્ડના તંરગો ઉમટયા હતા જે આજે અદ્રશ્ય થઈ ગયા છે તેની સરકારને જાણ હોય એવું લાગતું નથી. ટ્રેનની ટિકિટથી લઈને દંડ ભરવા સુધીની બધી કાર્યવાહી ઓનલાઇન થાય એવી વર્તમાન સરકારની મહેચ્છા છે. ડિજિટલ ઇન્ડિયાનું તરંગી સપનું સાકાર કરવા માટે તેઓ ઉતાવળ પણ કરી શકે. ડિજિટલ ક્રાંતિના મુખ્ય ક્રાંતિકારી તરીકે મિસ્ટર મોદીનું નામ ઇતિહાસમાં લખાઈ જાય એવી મનોકામના તેમને હોઈ શકે. પણ સામે વાસ્તવિકતા એ છે કે ઓનલાઇન દુનિયા બહુ જ નાજુક છે.

વોટ્સએપ જેવી હાઈ-સિક્યોરિટી એપ્લિકેશન પણ હેકરોથી સુરક્ષિત રહી શકતી નથી. ઓનલાઇન ફ્રોડ કરનારા લોકો બહુ છે. એટીએમના પાસવર્ડથી લઈને દરેક અંગત બાબત ઉઘાડી પડી શકે છે. આજના મનુષ્યનો મોબાઈલ રહસ્યોનું ગૂંચડું છે. જે શેતાની દિમાગ એને ઉકેલી શકે તે વિનાશક બની શકે. સોશ્યલ મીડિયાના પાવરથી સરકાર ડરેલી છે. પ્રજા ઓનલાઇન વ્યવહારોથી ન ડરે એ જોવાની ફરજ સરકારની છે.

પ્રજા બેંકોના ફ્રોડથી ત્રાસી ગઈ છે. લોકો બેંકને ચુનો લગાડીને વિદેશ ભાગી જાય છે તે પ્રજાના દિમાગમાંથી ભૂંસી શકાયું નથી. નેવું કરોડ મોબાઈલ ધારકો ધરાવતા આ દેશ ઉપર વિદેશની અનેક સાયબર ક્રિમિનલ ટિમનો ડોળો મંડાયો છે. લાલચ આપીને એટીએમ કાર્ડની ઓનલાઇન તફડંચી અનેક વખત થાય છે. નોટબંધી અને જીએસટીના અણઘડ અમલને કારણે આ દિવાળી ઠંડી ગઈ છે.

લોકોની ખરીદશક્તિ ઉપર કાપ આવી ગયો છે તે સ્વયંસ્પષ્ટ છે. હવે પ્રજા પોતાનો એક પૈસો પણ વેડફવા માંગતી નથી. અર્થતંત્ર દેશ ઉપર અદ્રશ્ય દબાણ લાવી રહ્યું છે. એમાં જો કોઈ નવા કૌભાંડો બહાર આવે તો પડતા ઉપર પાટુ જેવું લેખાશે. પ્રજા એ સહન નહીં કરી શકે. ઈન્ટરનેટ ધારકોના ઓનલાઇન વ્યવહારોની સુરક્ષા માટે એક બહુ મોટી વ્યવસ્થાની જરૂરિયાત છે. ફક્ત સાયબર સેલ બનાવી દેવાથી સંપૂર્ણ સુરક્ષા મળતી નથી. લશ્કર અને પોલીસ ઉપરાંત ઓનલાઇન ચોકીદારની આપણને જરૂર છે.

- અલ્પવિરામ

Tags :