Get The App

ગોયલ સાન્તા ક્લોઝ બજેટમાં માત્ર ચોકલેટ છે

Updated: Feb 5th, 2019

GS TEAM

Google News
Google News
ગોયલ સાન્તા ક્લોઝ બજેટમાં માત્ર ચોકલેટ છે 1 - image



એનડીએ સરકારે તરતની લોકપ્રિયતા મેળવવા રજૂ કરેલા છેલ્લા બજેટમાં કેટલાક 'નુસખા'ઓ તો એવા છે જેને આવનારી સરકાર પણ બદલી શકશે નહિ

આજકાલ ભાજપ જ્યાં પણ પ્રચારના પડઘમ સંભળાવે છે ત્યાં સહુ એમ જ કહે છે કે બાકીના ભારતમાં બેઠકોમાં થનારા નુકસાનને ભરપાઈ કરવા અહીં વધુ મહેનત કરવામાં આવે છે. હકીકત એ છે કે છેલ્લા બજેટ દ્વારા કાર્યકારી નાણાં પ્રધાન પિયુષ ગોયલે જે કંઈ મલમપટ્ટા કર્યા તેનાથી દેશના અર્થતંત્રને બાહ્ય આશ્વાસન મળ્યું છે પરંતુ નોટબંધી અને જીએસટીના આકરા ઘા હજુ પણ રુઝાવા મુશ્કેલ છે. દેશના કોઈ પણ શહેર કે ગામના કડિયાનાકે ઉભેલા કારીગરો-મજૂરોને પૂછો કે બજાર કેવી છે ? કામકાજ કેવા છે ? તો તેઓ કેન્દ્રની એનડીએ સરકાર વિરુદ્ધ ધુંઆધાર બોલવા લાગે છે.

કારણ કે બજારોમાં એક તરફથી મોંઘવારી વધી અને બીજી તરફ મંદીને કારણે કામકાજ ઊઘડતા નથી. મિસ્ટર મોદી તેમના વડાપ્રધાનપદના પૂર્ણકાળ દરમિયાનના છેલ્લા મહત્ત્વના કામ તરીકે બજેટમાંથી હવે પરવાર્યા છે. તેમના આગામી કેટલાક ભાષણોમાં આ બજેટ છવાયેલું રહેશે અને તેમને કોણ સમજાવશે કે તમે પણ પહેલા કરવાના કામ છેલ્લે કરનારા જ નેતા છો, જે ભારતીય રાજનેતાઓની એક આદિ-અનાદિ પરંપરા રહી છે.

ભાજપે પરોક્ષ રીતે એ વાત તો લગભગ સ્વીકારી જ લીધી છે કે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં બેઠકો ઘટવાની છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે ઈતિહાસનું પુનરાવર્તન કરી શકતા નથી કે અગાઉ મળેલા અકલ્પિત વિજયને પુનઃ આહવાન આપી શકતા નથી. કારણ સામાન્ય છે કે ગઈ કસોટી અને હવેની કસોટી વચ્ચેના અંતરાલમાં દરેકના અભિવિશિષ્ટ ચરિત્રો છતાં થઈ ગયા હોય છે અને એ કારણે લોકમત પૂર્વવિજેતાઓથી વિમુખ થઈ ગયો હોય છે.

સોયના નાકામાંથી ઊંટ પસાર કરવાનું કામ વડાપ્રધાન મોદી માટે કદાચ આસાન હોઈ શકે પરંતુ રાફેલના ભાવફેરને યોગ્ય ઠરાવવાનું કામ અસંભવ છે. બ્રિટિશ મીડિયાની નવી આગાહી પ્રમાણે રાફેલના દસ્તાવેજો ગમે ત્યારે વિકિલિક્સ જેવી કોઈ પણ સાહસિક વેબસાઇટ દ્વારા ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ એક લટકતી તલવાર છે જે લટકતી જ રહેવાની છે. જેમ જેમ બજેટ સમજાતું જાય છે તેમ તેમ ખેડૂતો ભાજપનો વિરોધ કરવા લાગ્યા છે.

ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ દ્વારા કોંગ્રેસનો વિજયધ્વજ લહેરાયો ત્યારથી એવી આશા રાખવામાં આવી હતી કે બેરોજગારો અને કિસાનોને સરકાર ખુશ કરવા માટે કોઈક બુદ્ધિમાન જાહેરાતો બજેટમાં કરશે. સૌથી ગંભીર બાબત ખેતપેદાશોના ટેકાના ભાવની છે. હજુ આજે પણ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે કૃષિ ઉપજો 'પડાવી' લઈને એને છેલ્લા ગ્રાહક સુધી પહોંચાડતા સુધીમાં ભાવોને આસમાને લઈ જનારી ટોળકી સક્રિય છે. દેશના ખાડે ગયેલા અને તગડા નેતાઓની હયાતીથી ભ્રષ્ટ થયેલા સહકારી ક્ષેત્રો પણ ખેડૂતોને થતા વેચાણ વખતના નુકસાનમાં સરખા હિસ્સેદાર છે.

એનડીએ સરકારે ધાર્યું હોત તો બજેટના છેલ્લા ચાન્સમાં પણ ખેડૂતોના ટેકાના ભાવ પર કોઈક ફોર્મ્યુલા રજૂ કરી હોત. દર મહિને રૂપિયા પાંચસો જેવી નગણ્ય રકમ ફાળવવાની જાહેરાત કરીને પાંચ કે તેથી ઓછા એકરના ખાતેદારોની વડાપ્રધાને એક રીતે તો મજાક જ ઉડાવી છે. ભાજપની નેતાગીરીમાં આ મુદ્દાને બહુ બહેકાવીને કિસાનોની પ્રશંસા 'ઊઘરાવવા'ની જે પ્રક્રિયા થઈ એના પરિણામો પણ વિપરીત આવ્યા છે.

તકલીફની વાત એ છે કે હવેની જાહેર સભાઓમાં નેતાઓ આ મહિને પાંચસો રૂપિયાની - તમે મને મત આપો હું તમને મહિને પાંચસો રૂપિયા આપીશ એવી - જે વાત છે એ જો કોઈ ઉચ્ચારશે તો વધુ વિપરીત પરિણામ આવશે.

ભારતીય નેતાઓ એ વાત જાણતા નથી કે તેમના પોતાના બુદ્ધિઆંક કરતા તો દેશના કિસાનોના બુદ્ધિઆંક ક્યાંય વધુ ઊંચા છે. આપણા દેશના નેતાઓની સમસ્યા જ એ છે કે એકવાર તેઓ ચૂંટાઈ જાય કે તુરત જ એમ માનવા લાગે છે કે ભગવાને જ્યારે બુદ્ધિની વહેંચણી શરૂ કરી ત્યારે લાઈનમાં તેઓ એકલા જ ઊભા હતા.

પહેલા કોંગ્રેસે અને પછી ભાજપે આપણા દેશના કિસાનોને આંદોલનકારી બનાવી દીધો છે. કેટલીક અવાસ્તવિક જાહેરાતો દ્વારા એ કિસાનને જનસમૂહમાં અપ્રિય બનાવવાની કોશિશો પણ આ ખેલાડી નેતાઓ કરતા રહ્યા છે. તેઓ સમાજના એકેએક વર્ગને આબાદ 'રમાડી' રહ્યા છે, અને જ્યારે પણ તેમને પોતાનું આસન વિચલિત લાગે ત્યારે લડાવે પણ છે ! દેશના કરોડો કિસાનોની જિંદગી આ નેતાઓ સામે આશાભરી મીટ માંડીને જોતા રહેવામાં પસાર થઈ ગઈ છે. અને હજુય પછીની પેઢીના કિસાનોની જિંદગી પણ એમ જ પસાર થઈ રહી છે.

ગાંધીજીએ કંઈ કોઈ એકાંગી વાત કહી ન હતી, ગ્રામસ્વરાજની એમની વાતો આખી દુનિયા પર ભારતનું અજેય શાસન સ્થાપવા માટેની હતી. હવેની સરકારો બિલકુલ એની વિરૂદ્ધ જ ચાલે છે અને વધુમાં વધુ ઉપાયો અજમાવીને ગામડાંઓને ભાંગે છે. ગામડાંઓનું પ્રાણતત્ત્વ કૃષિ અને કૃષિકાર છે. એ દુઃખી હોય એટલે દેશભરનું ગ્રામજગત વિષાદના ઘેરા અને લાંબા પડછાયામાં સમાઈ જાય છે.

આપણી શાળા અને કોલેજોના અભ્યાસક્રમોમાં આ કિસાનોને સન્માનથી જોવા, સમજવા કે એમના જીવન-સમસ્યાને આત્મસાત્ કરવા માટેનો એક પણ પાઠ ભણવામાં આવતો નથી. એને કારણે આજે સ્થિતિ એ થઇ છે કે કિસાનોના પ્રશ્નો વિશે ઈતર જન સમુદાય કે નવી પેઢી કંઇ જાણતી નથી. આમાં સ્વપક્ષે કિસાનો તરફથી પણ એક આપત્તિ એ ઉમેરવામાં આવી છે કે તેઓ તેમની નવી પેઢીને કૃષિ અભિમુખ રાખી શક્યા નથી. દેશના ૪૦ ટકા કિસાનોના યુવા સંતાનોને કૃષિ સિવાયનું બધું જ કરવું છે, બસ ખેતી કરવી નથી.

દરેક સરકાર તરતની લોકપ્રિયતા માટે પ્રજા સમક્ષ ભિક્ષાન્દેહી કરતી જોવા મળે છે. આપણને કોઇ ચાહે તે માટે આપણા સત્કર્મો અને સતપ્રવૃત્તિ જ એક માત્ર આધાર હોય છે. વાતો અને વિચારોના કાલ્પનિક પ્રવાહોમાં તણાઇ આવતા લોકો ઈતિહાસમાં હશે, હવે વર્તમાનમાં નથી. તો પણ એનડીએ સરકારે તરતની લોકપ્રિયતા મેળવવા અજમાવેલા કેટલાક 'નુસખા'ઓ તો એવા છે જ કે જેને આવનારી નવી સરકાર પણ બદલી શકશે નહિ.

જેમ કે આવકવેરાની મુક્તિ મર્યાદા બેવડી કરી, કિસાનોના ખાતામાં દર વરસે અમુક રકમ જમા કરાવવી, અસંગઠિત કામદારોની જેવી છે તેવી પેન્શન યોજના વગેરે. આ બધા પ્રોવિઝન માત્ર મત મેળવવાના ટૂંકા ખ્યાલથી ભલે નક્કી થયા હોય પરંતુ કાળની સીમારેખાને ઓળંગીનેય એને કોઇ બદલાવી નહિ શકે, હા, એમાં લાભ કે શુભ તત્ત્વ ઉમેરી શકશે.

વડાપ્રધાન મોદીની જે વ્યક્તિગત મર્યાદા છે કે વાસ્તવિકતાને સ્વીકારવી નહિ અને શક્ય ત્યાં સુધી છુપાવવી એ જ એનડીએ સરકારની મર્યાદા બની ગઇ. દેશના કરોડો બેરોજગારો માટે કંઇક પગલા લેવાની વાત તો દૂર, તેઓનો ઉલ્લેખ પણ આ સરકાર કરતી નથી. ઉપરાંત બેરોજગારીના આંકડાઓ પણ છુપાવી રાખે છે અને તૈયાર ડેટા મૂકી રાખે છે. બેરોજગારોની ઉપેક્ષા એનડીએ સરકારને આવનારા આગામી દરેક મુકામ પર નડવાની છે.

ગયા શુક્રવારે લોકસભામાં કેન્દ્ર સરકારે પ્રસ્તુત કરેલા બજેટથી ભારતીય પ્રજાને એક અધ્યાત્મ જ્ઞાાન પણ લાધ્યું હોય કે આ સંસારમાં અનેક વસ્તુઓ પહેલા હોય એનાથી, પછી બદલાઇ જાય છે. થોડા સમય પછી ચૂંટણીઓ આવવાની હોવાથી ફેણ ચડાવીને ફરતા રાજનેતાઓ કેવા કુણા પડી જવા માટે થનગને છે ! આ વખતે પિયુષ ગોયલે બજેટ 'રજૂ' કર્યું એટલું જ, બાકી બજેટ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયામાં તેઓ સામેલ ન હતા.

છતાંય મિસ્ટર ગોયલની કમાલ જુઓ, તેમનો આત્મવિશ્વાસ તો એવો હતો જાણે કે આ બજેટ તેમણે પોતે જ તૈયાર ન કર્યું હોય ! ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યાવસાયિક અનુભવને કારણે આંકડાઓના જંગલમાંથી સલામત રીતે પાર ઉતરવું તો તેમને માટે કઠિન ન જ હોય, પરંતુ જે સહજતાથી તેમણે બજેટ રજૂ કર્યું તેનો પણ દેશ પર એક સકારાત્મક પ્રભાવ છે. લોકસભાની પાછલી પાટલીએથી કોઇ સાંસદે કહ્યું પણ ખરું કે શું આ સાન્તાક્લોઝ બજેટ છે કે બધા માટે નાણાંપ્રધાન પોતાની ઝોળીમાં ચોકલેટનો ઢગલો લઇને આવ્યા છે ? એમાં તાત્ત્વિક અર્થ એટલો જ છે કે આ બજેટ એક ચોકલેટ માત્ર છે !

- અલ્પવિરામ

Tags :