નવી શિક્ષણ નીતિમાં નવું શું શું હશે ?
ખરેખર નવી શિક્ષણનીતિ તો આજકાલ નવી પેઢીની આંગળીઓના ટેરવાઓમાં રમે છે, જેની રાજ્ય કે કેન્દ્ર સરકારને ભાન આવતા-આવતા તો એક યુગ વહી જશે
સોશ્યલ મીડિયામાં સામાન્ય નાગરિકોના જે આઘાત-પ્રત્યાઘાત દેખાય છે એને આધારે પહેલી નજરે એમ લાગે કે ભારતીય લોકશાહી હવે પરિપકવ થઇ ગઇ છે અને નાગરિકોમાં રાષ્ટ્ર પરત્વે શિસ્તની સભાનતા કેળવાઈ ગઈ છે, પરંતુ વાસ્તવિક્તા જુદી છે. ભારતીય નાગરિકનું વ્યક્તિગત વર્તન હજુ 'એશિયન' મર્યાદાઓમાંથી બહાર આવ્યું નથી.
અમેરિકા અને યુરોપના દેશો જે એશિયન વર્તણૂકોથી ત્રાસી ગયેલા છે તેમને નજીકના ભવિષ્યમાં ભારતીયો તરફથી કોઈ શુભમંગલ અનુભવ થવાની ખાતરી દેશમાં તો દેખાતી નથી. કલ્ચર કરેકશન કરવામાં બહુ સમય જાય છે. હા, શુભ સંકેત એટલો છે કે કરેકશનની શરૂઆત થઈ છે. દેશમાં નાનકડો પણ એક સભાન વર્ગ અસ્તિત્ત્વમાં આવ્યો છે જે પોતાની ધુનમાં જ નિજાનંદ કાજે શ્રેષ્ઠ નાગરિક તરીકે જાહેરમાં વર્તન કરે છે. હજુ એની ટકાવારી ઓછી છે, પણ એ દેખાય છે એટલી તો છે જ.
એ તો બહુ જાણીતી વાત છે કે કોઈ પણ દેશમાં જો દસ મોટી સમસ્યાઓ હોય તો એમાંની નવના ઉકેલો અને કારણો બન્ને શિક્ષણક્ષેત્રમાં જ હોય. આપણે ત્યાં હજુ પણ બધી જ બાબતો માટે સરકાર તરફ જોવાની ટેવ છે. ભાજપે ઇ.સ. ૨૦૧૪ના એના ચૂંટણી ઢંઢેરામાં નવી શિક્ષણ નીતની વાત કરી હતી. પરંતુ છેલ્લા પાંચ વરસમાં એની ફાઈલો સકલ બ્રહ્માણ્ડની પ્રદક્ષિણા જ કરતી રહી છે. નવા માનવ સંસાધન પ્રધાન રમેશ પોખરિયાલ રાષ્ટ્રીય સ્તરે બહુ જાણીતા નથી પરંતુ ભાજપમાં એમનું મેનેજમેન્ટ વખણાય છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકેની એમની અનુભવ સંપદા પણ પક્ષમાં તો યાદગાર છે.
તેમણે પણ પોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો કે પહેલે જ દિવસે નવી શિક્ષણ નીતિની 'જૂની' થવા આવેલી ફાઈલો હાથમાં લીધી. સમાચાર વહેતા થયા કે કમિટીએ ફાઇલ પ્રધાનને સોંપી દીધી. આ ફાઈલ ઘૂંઘરુ કી તરહ કભી ઈસ પગ મેં કભી ઉસ પગ મેં સતત ઠેબે ચડતી રહી છે. દેશના નજરે ન દેખાય એવા એક દુર્ભાગ્યની ગાથા આ નવી શિક્ષણ નીતિની 'જૂની' ફાઈલો છે !
હવે આ ફાઈલમાં છેલ્લી ઘડીના ફેરફારો કરવા માટે એનું પુનઃ મૂલ્યાંકન કરનારી કોઈ ત્રિપુટીની નિમણુક થશે અને વધુ થોડી ટાપટીપ સાથે ફરી કોઈ સુંદર ખાનામાં એ ફાઈલ નવી ધૂળના અભિષેકની પ્રતિક્ષામાં સ્તબ્ધ પડી રહેશે. જે રીતે મિસ્ટર પોખરિયાલે આવતાવેંત નવી શિક્ષણ નીતિનો 'ઉપાડો' લીધો છે અને ખાનગી શિક્ષણ સંસ્થાઓની ફીનું નિયમન કરવા જેવા કેટલાક પ્રજ્વલિત મુદ્દાઓને છંછેડયા છે તે જોતાં એમ લાગે છે કે વિદ્યાક્ષેત્ર સંબંધિત બાબતો પરત્વેની કાર્યશીલતા કેળવવા માટે એમણે હજુ ગંભીર થવાની જરૂર છે.
સરસ્વતીનું ક્ષેત્ર એકાંતિક સાધના જેવું છે, એમાં ઢોલ વગાડવાની જરૂર નથી. સરસ્વતીનું વાહન મોર શા માટે છે ? મોર જ્યારે કળા કરે છે ત્યારે મને કોઈ જોઈ જતું નથી ને ? એની સાવધાની રાખે છે. એટલે એ કલાધર છે, કલાપી છે. મિસ્ટર પોખરિયાલ કે જેઓ નવી કે જૂની એકેય શિક્ષણ નીતિ વિશે કંઇ જાણતા નથી તેઓનું 'સ્વાગત' દેશના સોશ્યલ મીડિયામાં તેમની ડોક્ટરરેટની પદવી અંગેના અઘરા પ્રશ્નાર્થથી થયંે છે.
તેમણે લડેલી છેલ્લી ત્રણ ચૂંટણીના ફોર્મમાં રહેલા વૈવિધ્ય અને પીએચ.ડી.ની પદવી અંગે દેશના વિદ્વાનોને 'રસ' પડયો છે. તેમણે ગુસ્સે થઇને કહ્યું કે મને પદવીઓ છુપાવવા માટે થોડી આપી છે ? એક અલિખિત પરંપરા એવી છે કે જે કોઈ માનદ્ ડિગ્રીઓ મળી હોય તેનો ઉલ્લેખ ક્યાંક પરિચયવેળાએ જ થાય, માના હે પીએચ.ડી. મળવાથી નામ આગળ ડોક્ટર ન લાગે ! પણ લોકો લગાડે છે, એવા લોકોમાં હવે માનવ સંસાધન પ્રધાન પણ છે એ સહુને ખબર પડી છે એટલે સોશ્યલ મીડિયાએ એની 'ઉજવણી' કરી છે !
આ ડોક્ટર રમેશજીના મનમાં નવી શિક્ષણ નીતિ વિશે જે ધારણા હોય તે પરંતુ એ ફાઈલો દેશના યુવાવર્ગના ભવિષ્યને ઘડવામાં બહુ કામ લાગે એવી નહિ હોય એ નિશ્ચિત છે. કારણ કે ટેકનોલોજીકલ વિકાસ, માનવ ચેતના અને મનુષ્યની બુદ્ધિપ્રભા હવે એટલી ઉંચાઈએ પહોંચી છે જ્યાં સરકાર કે સરકારી ફાઈલો ન પહોંચી શકે.
દુનિયાની જે શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ છે એમને, એટલી ઉચ્ચ ગુણવત્તા હાંસલ કરવા માટે એમની જે તે સરકારોએ નીતિ ઘડી આપી છે ? આજે દુનિયાની જે ટોપટેન ટેકનિકલ કે સાયન્સ કોલેજો છે એમને એમના નેતાઓએ કહ્યું છે કે તમે આ સરકારી નવી શિક્ષણ નિતી પ્રમાણે કામ કરો ?
કોઈ પણ દેશની સરકારની કોઈ પણ નિતી આખરે તો મિનિમમ લેવલ ઓફ લર્નિંગ જેવી હોય છે. એ કોઈ શ્રેષ્ઠતાનો માર્ગ તો નથી. ટેકાના ભાવ કદી પણ તેજીના ભાવની ઊંચાઈને આંબી ન શકે. સરકારી શિક્ષણ નિતી પણ ટેકાની જ નિતી હોવાની, એટલે એની પ્રતીજ્ઞાા એક રીતે તો નિરર્થક છે.
એન્સાયકલોપિડિયા બ્રિટાનિકાના સંપાદક મંડળે આજથી ત્રણ દાયકા પહેલા એક અભિપ્રાય આપ્યો હતો કે પૃથ્વી પર જ્ઞાાન (નોલેજ) દર આઠ વરસે ડબલ થઈ જાય છે. આજે પરિસ્થિતિ એ છે કે જ્ઞાાનનું તો જે થતું હોય તે પણ વિદ્યા (સ્કીલ) દર વરસે ડબલ થઈ રહી છે. જે લોકો આ વિદ્યા (સ્કીલ) પ્રાપ્ત કરતા જાય છે તેઓ સડસડાટ આગળ નીકળે છે અને જ્ઞાાન (નોલેજ)ના થોથાઓ ઉથલાવી ડિગ્રીઓ લેનારાઓ જ્યાં છે ત્યાંથી ય ક્યાંક ખોવાઈ જવાની ભીતિ રહે છે.
ભારત અત્યારે પહેલીવાર સર્વ શૈક્ષણિક પદવીઓની નિરર્થકતામાંથી પસાર થઈ રહેલો દેશ છે. આ કોઈ સામાન્ય આઘાત નથી. તમે એક ઊંચેરા હિમાલયન શિખરે પહોંચો અને સેલ્ફી લેવા જાઓ ત્યારે ખ્યાલ આવે કે આમ તળેટીમાં જ છો એવી હાલત આપણી ડિગ્રીઓ સાથે જો સેલ્ફી લઈએ તો થાય ! દેશની મોટા ભાગની યુનિવર્સિટીઓ અને કોલેજો શા માટે જૂની ફ્રેમના બીબાંઢાળ અભ્યાસક્રમમાં પોતાના તરફથી નવા બે વિષય ઉમેરતી નથી ?
વિદ્યાપ્રીતિ ધરાવનારા શિક્ષકોની અછત અને પગારપ્રીતિ ધરાવનારાઓના પ્રલયને કારણે હવે પોતપોતાની રીતે દરેક વિદ્યાર્થી ભણવા લાગ્યો છે શું સરકાર એમ માને છે કે એની નવી શિક્ષણનીતિની રાહમાં દેશના કરોડો યુવક-યુવતીઓ બેઠા છે ? હવે તેઓને એટલી ખબર છે કે માત્ર માર્કશિટ કે પદવી સંસ્થાઓ આપશે, વિદ્યા (સ્કીલ) અને જ્ઞાાન (નોલેજ) તો આપણે આપણી રીતે જ લેવું પડશે. જો કે મોડે મોડે પણ તેમને આ પરમ સત્ય સમજાઈ ગયું છે.
છતાં ધારો કે નવી શિક્ષણ નીતિ પ્રત્યેની લોકશ્રદ્ધા ટકાવવી હોય તો આપણે પૂછી શકીએ કે, એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં ઉદ્યોગો પાસે પાઠયક્રમ નક્કી કરવાની સત્તા હશે ? આઠમા ધોરણ પછી ન ભણે તો ચાલે એવા ગરીબ વિદ્યાર્થીને આઠમા ધોરણમાં જ મોબાઈલ રિપેરિંગ શીખવવામાં આવશે ? દેશની ગૃહિણીઓ જે પોતપોતાના ઘરે છે અને એને ઇંગ્લિશ શીખવું છે તો એ માટેનું લર્નિંગ મોડયુલ આ નવી નીતિમાં હશે ?
કોઈ એવી કોલેજની એમાં કલ્પના હશે જે ટાટા, એસ્સાર કે રિલાયન્સના ઔદ્યોગિક સંકુલની અંદર ચાલતી હોય ? અને જો આ અને આવા બીજા ઇનોવેટિવ પરિવર્તનો સાથેની નવી શિક્ષણ નીતિ ન હોય તો એ ફાઈલો ધૂલિતિલક કરેલી હાલતમાં જ્યાં છે ત્યાં જ ઠીક છે, એની આ દેશને હવે જરૂર નથી. જેની જરૂર છે, એ દિશામાં માનવ સંસાધન મંત્રાલય કામ શરૂ કરે તોય બહુ છે !
ગુજરાત અને કેન્દ્રની ઉદારતાને કારણે આપણે ત્યાં ખાનગી યુનિવર્સિટીઓ ઠેર ઠેર જોવા મળે છે. હવે એ ચાલતી નથી. તોતિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભા કર્યા પછી પણ તેમની શાખ બંધાઈ નથી. કારણ કે વિદ્યાર્થીને જ્યાં મોકલો ત્યાંથી ખોટા સિક્કાની જેમ ઘરે પાછો જ આવી જાય છે.
યુનિવર્સિટીને ટકાવવા તેઓ પ્લેસમેન્ટ નામક એક રંગમંચ પણ ચલાવે છે, પરંતુ હવે એ બધા ખેલ ખતમ થવા આવ્યા છે. પેરેન્ટસને પોતાનો પુત્ર જોબ પર જાય એ જોઈએ છે, મનોહર કહાનિયા જોઈતી નથી ! ખરેખર નવી શિક્ષણ નીતિ તો આજકાલ નવી પેઢીની આંગળીઓના ટેરવાઓમાં રમે છે, જેની રાજ્ય કે કેન્દ્ર સરકારને ભાન આવતા તો એક યુગ વહી જશે.
- અલ્પવિરામ