Get The App

જીવદયા વિનાનું ચીન, પૃથ્વી પરનું નરક

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News
જીવદયા વિનાનું ચીન, પૃથ્વી પરનું નરક 1 - image


કોરોના એક ફાસ્ટેસ્ટ વાયરસ છે. ચીનમાં વધુ સત્તર હજાર કેસો શંકાસ્પદ તરીકે રજિસ્ટર થયા છે. આ એક આગ છે....!

ચીની પ્રજાએ દુનિયાના વ્યાપાર જગતને ગળી જવા માટે જે શક્તિ પ્રાપ્ત કરી છે તે કૃત્રિમ અને હિંસાચારથી ભરપુર છે. ચીનાઓ દસથી વધુ પ્રાણીઓ, જેમાં જળચર, ભૂચર અને નભચર એવા ત્રણેય પ્રકારો સમાવિષ્ટ છે, એને તો જીવતા જ ખાઇ જાય છે. ચીની હોટેલોના રસોઇયાઓ અને વેઇટરો એ પ્રાણીઓમાં જીવ હયાત હોય ત્યારે જ એને તરફડતી હાલતમાં ગ્રાહકને ટેબલ પર પીરસે છે.

એનું વિશેષ વર્ણન કોઇ ભારતીય નાગરિકની વાંચન રુચિની બહાર છે. એટલે કે ભારતના માંસાહારી નાગરિકો પણ ધૂ્રજી ઊઠે એવા એના વર્ણનો આજકાલ વૈશ્વિક મીડિયામાં વાયરલ થયા છે. જગતની નવી પેઢી તો પહેલીવાર ચીનની ભયાનકતાને  જોઇ રહી છે.

જેનામાં જીવદયા ન હોય તેમનામાં માનવીય અનુકંપા પણ ઓછી હોય એમ આપણા વિવિધ ધર્મના શાસ્ત્રો કહે છે. જીવદયાના અભાવે માનવહૃદયમાં ઉછરવા લાગતી ક્રૂરતા પ્રથમ તો માંસાહારીના પરિવારને પીડા આપે છે, પછી એ યાતના એના સમાજમાં તબક્કાવાર પ્રસરતી જાય છે જે છેવટે કૌટુંબિક અને સામાજિક અપરાધ તરફ માંસાહારીને દોરી જાય છે. ચીનાઓ આ જ વિષચક્રનો ભોગ બની ગયા છે.

જ્યાંથી કોરોના વાયરસ ફેલાય છે એ ચીનની કુખ્યાત વુહાન બજારને બોમ્બથી ઊડાવી દેવાના તરંગો પણ ચીની પ્રશાસને વિચારણા માટે હાથ પર લીધા છે. પહેલા એ બજાર સહિતના સમગ્ર અને બોમ્બના સંભવિત પ્રભાવક્ષેત્રમાંથી જનસમુદાયને દૂર કરવામાં આવે અને પછી વિસ્ફોટ થાય. પરંતુ આવી વિચારણાને ચીન સરકારે હાસ્યાસ્પદ કહીને નકારી છે.

એનું કારણ સ્પષ્ટ છે કે એમ કરવાથી ચીનની તબીબી હોશિયારીનો મૃત્યુઘંટ વાગી જાય. પરંતુ સ્થિતિ તો એમ કરવું પડે એવી જ છે, અને એમ કરવા કોઇ સરકાર તૈયાર ન થાય. આતંકવાદી હોવાની શંકાથી દુનિયાના અનેક એરપોર્ટ પર જે સાવધાની સરકારી સુરક્ષાતંત્ર રાખે છે એવી જ સ્થિતિ હવે વિશ્વના તમામ એરપોર્ટ પર ચીનાઓ  માટે રાખવામાં આવે છે.

છેલ્લા બે-ત્રણ દાયકામાં આ ચીનાઓ વિશ્વભરમાં ફેલાઇ ગયેલા છે. ઉપરાંત સામે પક્ષે જગતના વિવિધ દેશોમાં ચીન જનારા નાગરિકોની સંખ્યા પણ નાની સૂની નથી.

ચીન અને રશિયા વચ્ચે તબીબી વિજ્ઞાાનના પારસ્પરિક વિનિયોગના કરાર છે. ચીનની વિનંતીથી રશિયાના ટોચના તબીબી વૈજ્ઞાાનિકોનું એક પ્રતિનિધિ મંડળ અત્યારે બેજિંગ પહોંચી ગયું છે. રશિયા પાસે કોઇ પણ રોગની મહામારીને અંકુશમાં લેવા માટેની અલગ શાખા છે. પાછલી સદીમાં જ્યારે એન્થ્રેક્સનો ઉપદ્રવ શરૂ થયો હતો ત્યારે અમેરિકા અને રશિયા-બે જ દેશો પાસે  એની સામે લડવાનું તબીબી  વ્યવસ્થાતંત્ર હતું.

વધુ પડતા માંસાહારને કારણે ચીની પ્રજાના ફેફસાઓ નાદુરસ્ત હોય છે, ઉપરાંત ચીનાઓ જે માંસાહાર કરે છે તે તમામ જીવો કૃત્રિમ રીતે જન્મેલા હોય છે. ચીનમાં ઉંદર અને માછલીઓમાં કામાચાર વધે અને વધુ પ્રજોત્પત્તિ થાય તેવો ખોરાક આપવામાં આવે છે. પછીથી એ પ્રાણીઓનો માનવ ખોરાક તરીકે શિકાર કરવામાં આવે છે.

સ્વાભાવિક છે કે એવા ખોરાકથી ચીની પ્રજાનો પ્રજોત્પત્તિનો દર પણ ઊંચે જતો રહે છે. ચીનના વસ્તી વિસ્ફોટનનું આ પણ એક કારણ છે. હવે તો ચીનમાં એક જ બાળકનો કાયદો છે અને સંતાન ન થવા દેવાની પ્રતિજ્ઞાા લેનારા કર્મચારીઓને સરકાર વધારાના ઈજાફા આપીને પગારવધારાનું પ્રોત્સાહન આપે છે. પરંતુ એક બાળક થવા દેવાની મુક્તિ પણ ચીનની વસ્તીને વધતા રોકી શકી નથી.

વુહાન શહેર અને આજુબાજુના જે લોકોને પોતાના વિસ્તારની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે એ નાગરિકોની સંખ્યા પાંચ કરોડોની છે. ચીનના કેટલાક વૈજ્ઞાાનિકો અને સંશોધકો માને છે કે કોરોના વાયરસ આગામી છ મહિનામાં, જો યુદ્ધના ધોરણે પગલા ન લેવાય તો, એક કરોડ લોકોનો જીવ લેશે. વુહાન તો અત્યારે કર્મના સિદ્ધાન્તમાં જ ફસાયેલું શહેર છે, જેટલા મનુષ્યેતર પ્રાણી-પંખીઓનો જીવ વુહાને લીધો છે, એટલા જ મનુષ્યોનો જીવ આ કોરોના લેશે. ચીની સરકાર એને કઇ હદ સુધી અટકાવી શકશે એ પ્રશ્ન છે.

વુહાન હવે દુનિયામાં વાયરસ ફેકટરી તરીકે જાણીતું થશે. આગામી દાયકાઓમાં કેટલાક વધુ અને નવા વાયરસ પણ વુહાનમાંથી ઉત્સર્જિત થવાની દહેશત છે. કીટાણુનાશક રસાયણોના જંગી પુરવઠો લઇને હારબંધ ટ્રકનો કાફલો વુહાન શહેર તરફ જતો જોવા મળે છે. અમેરિકી સેટેલાઇટે એના ફોટોગ્રાફ જાહેર કર્યા છે.

વુહાન આસપાસના પરિક્ષેત્ર સહિતના પાંચ કરોડ લોકો જે હવે જ્યાં છે ત્યાં 'લૉક' થઇ ગયેલા લોક છે એની હાલત ખરાબ છે. મનોવૈજ્ઞાાનિક રીતે તેઓ એમ માને છે કે તેઓનામાં કોરોના વાયરસની તીવ્ર સંભાવના હોવાને કારણે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. એને કારણે નીરોગી લોકો પણ ફફડી રહ્યા છે. સ્થાનિક ડોકટરોને ટંકશાળ પડી છે. ભારત સરકારે મોકલેલું એર ઈન્ડિયાનું વિમાન વુહાનમાંથી ભારતીયોના પ્રથમ કાફલાને લઇને દિલ્હી પરત આવી ગયું છે પરંતુ આ તો શરૂઆત છે.

હજુ સંખ્યાબંધ ભારતીયો વુહાન અને તેની આસપાસમાં ફસાયેલા છે. વુહાન કે એની નજીકમાં રહેવું એ પ્રતિક્ષણ ઘાતક છે. તબીબી વૈજ્ઞાાનિકો માને છે કે એક વખત જો આ આ કોરોના વાયરસ એક લાખ નાગરિકોમાં સન્ક્રાન્ત થાય તો પછી એને એક કરોડ લોકો સુધી પહોંચતા વાર લાગે નહિ.

હવે તો વુહાન માર્કેટ કે વુહાનના કોલ્ડ સ્ટોરેજના એક પણ ખાદ્યપદાર્થ કોઇ કામના નથી. ચીને અબજો રૂપિયાની એ (અ)ખાદ્ય સામગ્રીનો વિનાશ કરી દીધો છે. થોડું કામ બાકી છે તે આ સપ્તાહે પૂરું થશે. ચીનની ભૂખ ભાંગનારા જે બે-ચાર સેન્ટરો છે, વુહાન એમાંનું એક છે. વુહાન શબ્દથી જ ડર ફેલાઇ રહ્યો છે.

જો કે એક રશિયન વૈજ્ઞાાનિકે ચીનની મુલાકાત પછી એના રિસર્ચ સ્ટુડન્ટ્સ વગેરેને એમ કહ્યું કે ચીનના દુશ્મનો ચારેબાજુ છે અને કોરોના વાયરસ ખતરનાક છે પરંતુ એનાથી વધુ ખતરનાક તો ચીન વિરુદ્ધ સર્જાઇ રહેલું વાતાવરણ છે. ચીન પર માછલા ધોવાનો આવો મોકો કોઇ પણ જતો કરવા તૈયાર નથી. અમેરિકાએ તો હવે એમ પણ જાહેર કર્યું છે કે દુનિયાના જે કોઇ પ્રવાસીઓ તાજેતરમાં ચીન જઇ આવ્યા હોય તેમણએ પણ અમેરિકામાં આવવાની તકલીફ લેવી નહિ.

ગુજરાતમાં કોરોના વાયરસના ત્રણ-ચાર શંકાસ્પદ કેસ છે. ગુજરાતીઓના ચીન તરફ જવા-આવવાના પ્રયાસો ચાલુ જ હોય છે. ગુજરાત એક સુવિખ્યાત શરદી-ઉધરસ પ્રદેશ છે, કારણ કે ગુજરાતીઓ એને રોગ માનતા નથી, હકીકતમાં શરદી અને ઉધરસ તો અનેક રોગો અને મહારોગોનું મૂળ છે.

છેલ્લા સાત-આઠ વરસમાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા એક હજાર જેટલી થવા જાય છે. બહારનો ખોરાક, પૈસા પાછળની સ્વાસ્થ્ય ઘાતક દોડ અને વૈવિધ્યપૂર્ણ વ્યસનોના લક્ષણોને કારણે સ્વાઈન ફ્લૂને ગુજરાતીઓના ફેફસામાં માળો બાંધવાનું અનુકૂળ આવી ગયું છે. કોરોના વાયરસ પણ ફેફસા અને શ્વસનતંત્ર પરનો  પ્રાણઘાતક  હૂમલો  છે.

પક્ષીઓ પણ માંસાહારી હોય છે. કાગડો, સમળી, બાજ જેવા અનેક પક્ષીઓ વુહાનની આસપાસના આકાશમાં ચક્કર લગાવતા રહે છે. કોરોના પક્ષીઓને બહુ ઝડપથી લાગુ પડે છે. ચીન માટે સૌથી વધુ જોખમી વુહાનના પંખીઓ છે જે કોરોનાનો ભૌગોલિક વ્યાપ વધારનારા છે. વુહાનમાં તમામ પ્રકારની પ્રવાસી ટ્રાન્સપોર્ટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. એક કરોડથી વધુની વસ્તી ધરાવતા વુહાનની શેરીઓ અને જાહેર રસ્તાઓ પર સન્નાટો છવાઇ ગયો છે.

દવાઓની ક્યાંક ક્યાંક ખુલી હોય એ દુકાનોએ લોકો ચહેરા પર પહેરવાના માસ્ક શોધવા માટે ભટકતા જોવા મળે છે. વુહાનમાં ફસાયેલા અનેક બુદ્ધિજીવી નાગરિકો ઓનલાઇન ડાયરી લખવા લાગ્યા છે. ચીની સરકારના પ્રતિબંધ છતાં ભીતરની હકીકતો બહાર આવી રહી છે. હજુ ચીનનો અકલ્પિત ભયાનક ચહેરો બહાર આવવાનો બાકી છે જે જોઇને જગત સ્તબ્ધ થઇ જશે.

- અલ્પવિરામ         

Tags :