Get The App

વિરોધપક્ષોનું મરાઠા મોડેલ ભાજપ સામેની ચિનગારી

Updated: Dec 3rd, 2019

GS TEAM

Google News
Google News
વિરોધપક્ષોનું મરાઠા મોડેલ ભાજપ સામેની ચિનગારી 1 - image


ફડણવીસ વન ડે રમીને ગયા પછી આ નવા ત્રિપક્ષીય ગઠબંધન માટે ટકી રહેવું એ જ હવે ટેસ્ટ ક્રિકેટ પોલિટિક્સ છે. અને એ બાબતમાં અહંકાર સાથે જ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ કામ પાડવાનું આવશે

એક તરફ મહારાષ્ટ્ર મોડેલના નવા વિરોધપક્ષીય ગઠબંધને દેશભરમાં નવી સગી આંખે ન દેખાય એવી ચિનગારી ચાંપી છે. શિવસેનાની ફિરંગી જેવી નજર હવે ગોવા પર છે. અરબી સમુદ્ર પર એના તરંગો થોડા સમયમાં જ દેખાવા લાગશે. આ નવા મોડેલના જનક શરદ પવાર અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ગાઢ સંબંધો છે. કેજરીવાલ માટે શરદ પવાર સો સંકટમાં એક બારી છે, એક પૂછવા ઠેકાણું છે.

શરદ પવાર બહુ દીર્ઘદૃષ્ટા છે અને છોટે સરદાર કહેવાતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના તેઓની હયાતી વેળાના જુગ જુના મિત્ર રહી ચૂક્યા છે. ચાણક્યની વર્ચ્યુઅલ પાઠશાળાના તેઓ બન્ને અઠંગ ખેલાડી એવા આદિ વિદ્યાર્થી છે. શરદ પવાર પાસે છુપા ઈલમનો ખજાનો છે. એટલે જ આજકાલ દેશમાં ચાણક્યપદ બે રાજનેતાઓ વચ્ચે અદલ બદલ થઈ રહ્યું છે. ભાજપ હવે એક નવા રાજકીય માહોલની વચ્ચે છે જેમાં નવું કંઈ હાંસલ કરવાને બદલે જે છે તે જાળવવું એ જ મોટી કસોટી છે.

દેશમાં આજકાલ એ ચર્ચાનો વિષય છે કે મહારાષ્ટ્રનો સંઘ વિનાનો સંઘ કાશીએ પહોંચશે કે નહિ ? શરદ પવારના પરદા આગળના અને પાછળના બેવડા વડપણ માટે હવે જ ખરાખરીનો ખેલ છે. કારણ કે જો મહારાષ્ટ્રની ત્રિપક્ષીય સરકાર ટકે તો જ વિરોધ પક્ષોનું આ મરાઠા મોડેલ રાષ્ટ્રવ્યાપી બને, જે ભાજપ માટે મોટી આપત્તિ છે અને એટલે ભાજપ એને ટકવા ન દેવા માટે આકાશ અને પાતાળ વચ્ચે એક સેતુ બાંધશે જેમાં કોઈ એક સરકાર ગગનગામી થાય અને બીજી સરકારનું અવતરણ થાય. ફડણવીસ વન ડે રમીને ગયા પછી આ નવા ત્રિપક્ષીય ગઠબંધન માટે ટકી રહેવું એ જ હવે ટેસ્ટ ક્રિકેટ પોલિટિક્સ છે. અને એ બાબતમાં અહંકાર સાથે જ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ કામ પાડવાનું આવશે.

શરદ પવારની મૂળભૂત વિચારધારાના ઉપરવાસમાં જુઓ તો એ કોંગ્રેસની ગંગોત્રીમાંથી જ વહી આવે છે. કોંગ્રેસ માટે પવાર - ઘર સે નિકલ ગયા હૈ લેકિન અપના હૈ. ઘર સોડલે પણ સ્વતઃ ચે. આપલ્યા જુન્યાલા મિઠી માર. એટલે કોંગ્રેસ અને એનસીપીનો સંબંધ ગંગા-જમના જેવો છે. એને કેટલાક લોકો ભ્રષ્ટાચારની વાત્રક-સાબરમતી પણ માને છે. પરંતુ મરાઠા મંચ પર બન્ને પક્ષોએ પોતાના જુના પડછાયાઓમાંથી બહાર આવવું પડશે. નહિતર મહારાષ્ટ્રમાં ભાજપનો અસ્ત જ એમના પડછાયા લાંબા કરી આપશે. 

શિવસેના સહિતના આ ત્રણેય પક્ષો માટે વિધિની વિચિત્રતા એવી છે કે એમને ત્રણેયને ભાજપથી જેટલો હવે પ્રગટ અણબનાવ છે એટલો જ ગુપ્ત અણબનાવ અંદરો અંદરના ઈતર સાથી પક્ષોથી છે. દર એક, અન્ય બેથી સાવધ છે. આ પોલિટિકલ પેરાડોક્સ રસપ્રદ છે. શિવસેનાએ એ ધ્યાન રાખવું પડશે કે પોતાનું અને એનસીપીનું કોમન મરાઠા ગ્રાઉન્ડ છે.

એટલે કોનું ભવિષ્ય વધુ ઉજ્જ્વળ રહેશે એની આગોતરી સ્પર્ધા તો સમાંતરે ચાલુ જ રહેવાની છે. પહેલી નજરે અને અત્યારે મરાઠાવાદના એકછત્ર હેઠળ શિવસેનાની લોકપ્રિયતા અધિક છે. કોંગ્રેસમાં આપવડાઈનો કોઈ પાર નથી. લક્ષણ ન જાય લક્ષ પ્રયત્ને ઉક્તિ પ્રમાણે જેને ગુજરાતીમાં લખ્ખણ ન જાય લાખા - એમ પણ કહેવાય છે એ ન્યાયે કોંગ્રેસ પોતાનું મોભીપણું બતાવવા ધમપછાડા કરશે તો એ હવે અહીં ચાલશે નહિ.

સરકારી તિજોરીની લ્હાણી એ તો ભારતીય રાજકારણમાં ઇન્દિરા ગાંધીથી શરૂ થયેલું આશ્વાસક ઝરણું છે જેને ભાજપે મહાનદનું રૂપ આપી આપીને હરીફોને પણ પાકું કરાવી દીધું છે. અને એ પ્રમાણે નવોદિત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એની શરૂઆત તો કરી જ દીધી છે જે સત્તા ટકાવવાના થર્ડક્લાસ પેંતરાઓ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત વિધાનસભા ચૂંટણીમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના નર્મદા ડેમને ઊંધો વાળ્યો જ હતો ને એટલે છેલ્લે પસાર થયેલા ઉનાળામાં ઘોર ઊહાપોહ મચ્યો હતો. પરંતુ પછીથી થયેલા અનરાધાર વરસાદે ડેમ છલકાઈ જતાં ભાજપના માનવા પ્રમાણે એ પ્રકરણનો અંત આવેલો છે. નર્મદા ગુજરાતની જળલક્ષ્મી છે અને એનો અસમતોલ-અન્યાયી વેડફાટ કોઈ પણ શાસક પક્ષનો અપરાધ હોય છે.

અત્યાર સુધી મુંબઈમાં હાથી જેવી તાકાત તો હતી પરંતુ એના મહાવતનો અંકુશ છેક નાગપુરથી હતો. હવે મહારાષ્ટ્રની રાજસત્તાનું કેન્દ્ર ફરી એક વાર નાગપુરથી ખસીને મુંબઈ આવી ગયું છે. ફડણવીસ સરકારમાં નાગપુરનો સંકેત આખરી હુકમ જેવો હતો. એ સત્તા ઘટી જતા મુંબઈમાં જેટલું કષ્ટ ભાજપને છે એટલું જ કષ્ટ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને છે. કેન્દ્રમાં જેની સત્તા હોય એણે રાજ્યમાં જ્યારે વિરોધપક્ષમાં બેસવાનો વારો આવે એ બહુ અઘરું છે.

કોટ-પેન્ટ-ટાઈ પહેરવા સાથે સ્લીપર પહેરીને ફરવા જેવી આ સ્થિતિ છે. વળી સંબંધિત શાસક પક્ષનો વિરોધ કરવામાં પણ અનેક મુદ્દાઓમાં હોઠ સિવાયેલા રાખવા પડે છે કારણ કે નહિતર છેક દિલ્હી સુધી એની છાલક લાગે. ભાજપ પ્રાદેશિકતાની બહાર સહેજ પગ મૂકવા જાય કે તરત કેન્દ્ર - રાજ્ય સંબંધો અંતરાય બને. ઉતાવળ કરવા જાય તો નિશાન પોતાનાઓને જ લાગી જવાનો ભય રહે છે.

દેશના જે જે રાજ્યોમાં ભાજપની યુતિ સરકાર સત્તા પર છે ત્યાં હવે હલચલની શરૂઆત થઈ છે. જેની પાસે વધુ બેઠકો એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકેનું સ્ટેટસ હોય એવા અનેક વિરોધ પક્ષો અન્ય રાજ્યોમાં વિપક્ષની પાટલીએ બેઠા છે અને ભાજપ રાજ કરે છે. હવે અહીં મહારાષ્ટ્રમાં ભાજપ એકલવાયો બહુ બેઠકીય પક્ષ હોવા છતાં એણે વિપક્ષની પાટલીએ બેસવાનું છે. એને કરમન કી ગતિ ન્યારી કહે છે.

પરંતુ દેશ આખો જાણે છે કે સત્તાધારીને બદલે વિપક્ષ તરીકેની ફાવટ ભાજપમાં ચડિયાતી છે. એટલે મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો પછી ત્રિભેટે સ્થગિત થઈ ગયેલી વિધાનસભાના પગથિયે સંપી મળેલી રાજકીય ત્રિમૂતએ એમ માનવાનું નથી કે હવે લાંબી બેટિંગ ચાલશે. કારણ કે વિપક્ષ તરીકે ભાજપની માસ્ટરી છે પરંતુ સત્તાના સફરજનને ચાખ્યા પછી એ હવે શાંત બેસી રહે એમ નથી.

ઉદ્ધવ ઠાકરે સાવ સત્તા માટે લટકતો ભટકતો નેતા નથી. એની પાસે જેવી છે તેવી પણ એક વિચારધારા છે. ભાજપનો એજન્ડા હિન્દુવાદમાં પોતાની એકલાની મોનોપોલી સ્થાપિત કરવાનો છે. ભાજપનો હિન્દુવાદ ઈ. સ. ૨૦૧૪ પછી પોલિટિકલ હિન્દુઈઝમના નામે ઓળખાય છે. પણ એનેય ટકાવી રાખવો એ એની જવાબદારી છે. એટલે શિવસેના અને ભાજપ વચ્ચે હવે વારંવારની ટક્કર તો રહેવાની છે. હજુ તો તેલ જુઓ અને તેલની ધાર જુઓ જેમ દેશના અને રાજ્યોના ટોચના નેતાઓ મહારાષ્ટ્રને કૌતુકથી જોઈ રહ્યા છે.

- અલ્પવિરામ

Tags :