ખતરનાક શસ્ત્રસ્પર્ધા માટે પુટિન-ટ્રમ્પ તૈયાર
રોનાલ્ડ રિગન અને મિખાઈલ ગોર્બોચોવે શીતયુદ્ધ સમાપ્ત કરવા કરેલા ઈ.સ. ૧૯૮૭ના વિશ્વને શીતળતા આપતા કરારનું ઉલ્લંઘન કરવા રશિયા-અમેરિકાની તત્પરતા
રોનાલ્ડ રિગન અમેરિકાના સળંગ બે ટર્મના રાષ્ટ્રપ્રમુખ હતા. ઇ.સ. ૧૯૮૧માં જ્યારે તેમણે અમેરિકાનું સુકાન સંભાળ્યું ત્યારે એકેએક અમેરિકન નાગરિક રશિયા સાથેની તંગદિલીથી ચિંતિત હતો.
હમણાં ઉત્તર કોરિયાના વડા કિમ જોન્ગ ઉનથી જે રીતે દક્ષિણ કોરિયા થરથર કાંપતુ હતું એ જ રીતે રશિયન તાકાતથી અમેરિકી પ્રજા ભયભીત હતી.
સામર્થ્ય તો અમેરિકા-રશિયા બન્નેમાં સરખું જ હતું અને આજે પણ લશ્કરી તાકાત કોની વધુ છે તે અન્ય દેશો માટે કલ્પનાનો જ વિષય છે, કારણ કે બન્ને દેશો બહુ જ એડવાન્સ છે. સંયુક્ત રશિયાના ટુકડા થઈ ગયા હોવા છતાં એની ભેદી ક્ષમતાઓમાં તો સતત વધારો જ થતો રહ્યો છે.
રિગન એક એવા રાજનેતા હતા જેણે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અમેરિકાને શાનદાર ભવિષ્ય માટે સંપૂર્ણ બદલી નાંખ્યું. ૫૦થી વધુ અમેરિકન ફિલ્મોમાં અભિનેતા તરીકે પરદા પર ચમકેલા અને લોકપ્રિય નીવડેલા રિગને તબક્કાવાર રશિયા સાથેના શીતયુદ્ધને નામશેષ કરવા માટે વિશેષ ધ્યાન આપ્યું. રિગનના સત્તાકાળના જમાનામાં મિખાઇલ ગોર્બોચોવ સંયુક્ત રશિયાના છેલ્લા સુકાની હતા.
પ્રકાણ્ડ બુદ્ધિમત્તા અને અત્યંત ઉચ્ચસ્તરની દૂરોગામી દ્રષ્ટિને કારણે તેમણે રશિયાને વિભાજિત કરવાનું સાહસ કર્યું. ખુદ રશિયન સામ્યવાદીઓના વિરોધ વચ્ચે રશિયા પોતે જ પોતાના ટુકડા કરી શકે ત્યાં સુધી પહોંચવા, તે સ્થિતિ નિર્માણ કરવા માટે એમણે વિરાટ પ્રજામાનસ પલટાવવા જે મુક્ત વિચારયુક્ત વ્યાખ્યાનો આપેલા છે એ દુનિયાના રાજકીય ઇતિહાસના રસપ્રદ પૃષ્ઠો છે.
અમેરિકા સાથેનું શીતયુદ્ધ ખત્મ કરવા માટે એમણે અણથક પ્રયત્નો કર્યા. જેના પરિણામ રૂપે ઇ.સ. ૧૯૮૭માં રિગન અને ગોર્બોચોવ વચ્ચે એક કરાર થયો. એ કરાર પ્રમાણે બન્ને દેશોએ માધ્યમ અને ટૂંકા અંતરની મિસાઇલોના ઉત્પાદન-નિર્માણ પર સ્વઅંકુશ નિર્ધારિત કર્યા.
એ કરારની મુદત હવે આમ તો બે વરસમાં પૂરી થવાની છે પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુટિને જાતે જ એ મુદ્દત પૂરી થયેલી માની લીધી છે એવો અમેરિકાનો આરોપ છે. કરારભંગ કરીને અભિનવ હાઇટેક શસ્ત્રો વિકસાવવાની પુટિનની ચેષ્ટા સામે એકાએક જ અમેરિકાએ ફૂંફાડો મારતા વૈશ્વિક નવી શસ્ત્ર સ્પર્ધા ઉદ્ધાટિત થઈ ગઈ છે અને વિશ્વ પર ફરી અણુશસ્ત્રોના સંહારક પ્રયોગની તલવાર લટકવા લાગી છે.
અમેરિકાએ આઇએનએફ (ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ) કરારથી બહાર નીકળી જવા અને નવા પરમાણુ શસ્ત્રો બનાવવાની ઘોષણા કરીને દુનિયાને એકાએક ચિંતામાં ધકેલી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે રશિયાએ મધ્યમ અંતરની નવી પરમાણુશસ્ત્ર વહન કરે તેવી મિસાઇલ બનાવીને ઇ.સ. ૧૯૮૭ના કરારનો ભંગ કર્યો છે, એટલે અમેરિકા હવે એ કરારને રદબાતલ માને છે.
રિગન અને ગોર્બોચોવ વચ્ચે એ સમયે એવા પણ કરાર થયા હતા કે બન્ને દેશો પોતાની કેટલીક મિસાઈલો ખુદ નષ્ટ કરીને શસ્ત્ર સંખ્યાને ચોક્કસ મર્યાદા સુધી નીચે લાવશે અને એ પ્રમાણે આજ સુધીમાં રશિયા-અમેરિકાના શસ્ત્ર ભંડારોમાંથી કુલ ૨૭૦૦થી વધુ મિસાઇલોનો અપ્રયોગ વિનાશ કરી નાંખવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા યુનોની એક વૃત્તપત્રિકામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે વિશ્વશાંતિ માટે અમેરિકા અને રશિયા ઉક્ત કરારનું નવીનીકરણ આગામી બે વરસમાં કરશે અને નવા કરારની કિત્તા-કલમ તૈયાર કરવાની આજકાલમાં જ શરૂઆત થશે એ ધારણા પર અમેરિકાના હુંકારથી અત્યારે તો પાણી ફરી વળ્યું છે.
અમેરિકા અને રશિયા વચ્ચેનો એ જુગજુનો કરાર આજે તો આ જગત લગભગ વિસરી ચૂક્યું છે, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીથી આજ સુધીમાં ઈ.સ. ૧૯૮૭ પછી બે ઐરાવતોની અથડામણ શાંત થવાથી બાકીના અનેક દેશોને રાહત મળેલી છે અને અણુવિસ્ફોટોથી જગતને ઉગારી લેવાયું છે.
જેમ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગદિલી હકીકતમાં અનુક્રમે રશિયા-અમેરિકા વચ્ચેનું જ પ્રોક્સી યુદ્ધ છેડવા રચાયેલો એક તખ્તો હતો અને એ મોરચો હજુ સાવ તો ઠર્યો નથી પરંતુ એ જ રીતે દુનિયામાં અનેક સ્થળે અને કાળે અમેરિકા-રશિયા સામસામે એકબીજાને તિક્ષ્ણ નજરે તાકી રહેલા છે. અમેરિકા અને રશિયા બન્નેની તરસ વિશ્વ પર યેનકેન રીતે પોતાનું આધિપત્ય સ્થાપવાની રહી છે અને એ મૂળભૂત દુર્વૃત્તિમાં હજુ રજમાત્ર ફેરફાર નથી ત્યારે એવી જ દાનત સાથે ત્રીજા દાવેદાર તરીકે ચીન વિશ્વની ક્ષિતિજે ઉદયમાન થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પના મન ફાવે તેવા ઉતાવળા ઉચ્ચારણોથી મોસ્કોમાં સનસનાટી તો મચી છે પરંતુ પુટિન તો અમેરિકાની કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. પુટિને વળતો હુમલો કરીને કહ્યું કે જો ટ્રમ્પ એ કરારનો ભંગ કરશે એટલે કે નવા પરમાણુ અસ્ત્ર-શસ્ત્રનું ઉત્પાદન શરૂ કરશે તો રશિયા પણ એનો પડઘો પાડશે જે વધારે તેજ અને પ્રભાવક હશે.
પુટિને હવે જે રીતે ધુણવાની શરૂઆત કરી છે તે રશિયાની ભીતર ઘરબાયેલા યુદ્ધોન્માદનું જ પ્રદર્શન લાગે છે. પુટિને વળી યુરોપીય દેશોને પણ ધમકી આપી દીધી કે જો કોઈ પણ દેશ અમેરિકાની પરમાણુ મિસાઈલોને પોતાના દેશમાં જગ્યા આપશે તો એવા એ દેશને રશિયા નિશાન બનાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારથી જ કોઈ પણ આંતરરાષ્ટ્રિય સંધિને સન્માનથી જોતા નથી એ તેમનો અહંકાર છે. સત્તાની રૂએ એમના પૂર્વજોએ કરેલા તમામ કરારો માટે તેઓ અનેકવાર અમેરિકન સેનેટમાં ટકટક કરી ચૂક્યા છે. તેઓ તમામ આંતરરાષ્ટ્રીય કરારો ઉથલાવવા ચાહે છે.
નવા કરારો દ્વારા નવી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઉભી કરીને અમેરિકાને તેઓ વધુ ઊંચા સામ્રાજ્યવાદ તરફ દોરી જવા ચાહે છે. આજકાલ રશિયા અને ચીનનો ગાઢ મૈત્રીયુગ ચાલી રહ્યો છે અને તેઓ બન્ને અમેરિકાના કટ્ટર શત્રુ છે. એ બન્ને મિત્ર દેશોને એક સાથે પાઠ ભણાવવા માટે અને પોતાનો સમર્થ પંજો પછાડવા માટે જ ટ્રમ્પે ઈ.સ. ૧૯૮૭ના કરારમાંથી છટકવાનો નિર્ણય લીધો છે.
એક કાંકરે અનેક પક્ષીને માર્યા વિના એની પાંખો તોડવાનો અમેરિકાનો આ નવો ખેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે શસ્ત્રદોડમાં નવેસરથી અને પૂર્ણ તાકાતથી ઝંપલાવતા પહેલા એક બારી ખુલ્લી રાખી છે.
તેમણે કહ્યું કે રશિયા અને ચીન બન્ને જો એમ કહે કે અમે નવેસરથી નવા શસ્ત્ર સંયમ કરાર કરવા તૈયાર છીએ તો અમેરિકા પોતાનો નિર્ણય બદલી શકે છે એટલે કે તો અમેરિકા નૂતન પરમાણુ શસ્ત્ર નિર્માણ નહીં કરે, પરંતુ પ્રશ્ન એ છે કે રશિયા અને ચીન બન્ને સમર્થ હોવાથી અમેરિકા કહે તેમ કરવા ક્યાં બંધાયેલા છે ? આને કારણે જ ત્રણ રાષ્ટ્રોની આ ત્રેખડ હવે નવી શસ્ત્ર સ્પર્ધાની ભેખડે ભરાવાની તૈયારી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આ નવા વિવાદથી ગભરાઈ ગયા છે, કારણ કે રશિયા અને અમેરિકા બન્ને પોતપોતાના શસ્ત્રોના વિરાટ પહાડ પર બેઠા છે. એન્ટોનિયોએ બન્ને વિખવાદે ચડેલા દેશો વચ્ચે નવી વાર્તા કંઈક થાય અને યુદ્ધજ્વર અધિક ન પ્રસરે તે માટેના પ્રયાસો તો આદરી દીધા છે પરંતુ યુનોનું હવે પહેલા જેટલું વજન રહ્યું નથી.
- અલ્પવિરામ