ઋતુઓના વિનાશક સ્વરૂપ માટે તૈયાર રહો
સંયુક્ત રાષ્ટ્રસંઘે ન્યૂયોર્કની બેઠકમાં જાહેર કરેલો જળવાયુ પરિવર્તનનો નવો અહેવાલ, પર્યાવરણ પરત્વે બેહોશ રાજકર્તાઓ અને વૈશ્વિક જનસમુદાયનો શ્વાસ થંભાવી દે એવો છે
વૈશ્વિક હવામાન સંસ્થા વર્લ્ડ મટીરિયોલોજી ઓર્ગેનાઇઝેશને હમણાં જ જાહેર કરેલા દુનિયાના અત્યારના હવામાન અંગેના નવા સ્ટેટસ રિપોર્ટ પ્રમાણે પાછલા વરસોની તુલનાએ નાગરિકોની પર્યાવરણ પ્રત્યેની બેફિકરમાં સખત વધારો થયો છે. બે-ચાર ફૂલ કે વૃક્ષવેલ સાથે પસાર કરવાનો સમય હવે વિશ્વના જનસમુદાય પાસે નથી. જેમ જેમ ઘડિયાળના કાંટા અને કેલેન્ડરના પાના આગળ ફરતા જાય છે તેમ તેમ માનવજાતિ કોઇક રહસ્યમય કારણથી પ્રકૃતિ વિમુખ થતી જાય છે.
હવામાન વૈજ્ઞાાનિકોના મત પ્રમાણે કોઈ રાજનેતાના વ્યર્થ ભાષણો જેટલો જ અરસિક વિષય પર્યાવરણ થતો જાય છે. દુનિયા કોઈ એક અણધાર્યા પર્યાવરણીય વિનાશ તરફ પુરપાટ વેગે વહી રહી છે અને નાગરિકો એમની જૂની ભોગવાદી પરંપરામાં બેહોશ થયેલા એટલે કે વાતાવરણના આઘાતજનક પરિવર્તનોની ઉપેક્ષા કરનારા થયા છે. પોતાનો મુક્તિનો સમય પ્રકૃતિ કાજે ફાળવતા વડીલો પણ હવે ઘટી ગયા છે.
દુનિયામાં વયવૃધ્ધ લોકોની પણ એક નવી જનરેશન અસ્તિત્વમાં આવી છે જે એકાંતપ્રિય અથવા મનોરંજનપ્રિય છે. વૈજ્ઞાાનિકોએ એ વાતની ગંભીર નોંધ લીધી છે કે દુનિયાના કેટલાક વિખ્યાત ગાર્ડનના બાંકડાઓ પણ સમીસાંજે હવે ખાલી દેખાવા લાગ્યા છે. વૃક્ષો પર પંખીઓ ઘટયા છે અને બાંકડાઓ પર બેસનારા લોકો પણ પહેલા જેટલા રહ્યા નથી. કુદરતનો પૂર્ણ સાક્ષાત્કાર કરાવતા ઉદ્યાનોમાં વ્યાપ્ત થતો જતો આ સુનકાર, આમ તો માનવ જિંદગીઓમાં આવનારા સન્નાટાનો આગોતરો પરિચાયક છે.
ધ સ્ટેટ ઑફ ધ ગ્લોબલ ક્લાયમેટ નામક આ રિપોર્ટ એક રીતે તો ભવિષ્યની ભયાવહ સમસ્યાઓનો એક ખતરનાક દસ્તાવેજ છે, પરંતુ જગત એને ગંભીરતાથી લે એવી શક્યતા બિલકુલ નથી. કારણ કે આ રિપોર્ટ તો મોસમ વૈજ્ઞાાનિકોની નવી એક બૂમ છે, આની પહેલાની અનેક બૂમાબૂમનો વિશ્વના જનસમુદાયે કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી કે જનવર્તનમાં કોઈ ફેરફાર નોંધાયો નથી.
વૈજ્ઞાાનિકો જો કે હવે નિરાશ થતા નથી, તેઓ માનવજાતિને તેમની પર્યાવરણ પરત્વેની ઉદાસીનતાની સજા મળતી થાય એની પ્રશાંત ચિત્તે પ્રતીક્ષા કરતા થયા છે, કારણ કે સત્તાઓ અને મહાસત્તાઓ તેમના કહ્યામાં ન હોય ત્યારે સહદેવવૃત્તિથી તેમણે પરિણામોની માત્ર પ્રતીક્ષા કરવાની રહે છે.
આજકાલ ન્યૂયોર્કમાં પર્યાવરણ સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે, જેમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વૈશ્વિક હવામાન પરનો નવો રિપોર્ટ પ્રસ્તુત કરીને સહુને ચોંકાવી દીધા છે. તેમના કહેવા પ્રમાણે પર્યાવરણની સભાનતા અને સકારાત્મક પ્રવૃત્તિઓ વધવાને બદલે આ વિષય હવે હાંસિયામાં મૂકાઈ ગયા છે. વિશ્વના થોડા વૈજ્ઞાાનિકો અને ચપટીક બુદ્ધિજીવીઓ સિવાય ન તો પ્રજા કે ન રાજકર્તાઓ પર્યાવરણ અંગે સક્રિય છે. તેઓની નિષ્ક્રિયતાએ નવા સંકટને નોંતરું આપ્યું છે.
રિપોર્ટ પ્રમાણે છેલ્લા ચાર-પાંચ વરસમાં દુનિયાના ઉષ્ણતામાનમાં ક્રમિક વધારો થયો છે. હવે આ તાપમાન વધતા દરે વધે છે. એમ માનવામાં આવતું હતું કે વિવિધ આંતરરાષ્ટ્રીય ઝુંબેશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં કંઇક ઘટાડો થશે, પરંતુ વધારો થયો છે. પેરિસમાં થયેલા જટિલ કરારના દસ્તાવેજ પ્રમાણે આ ચાલુ એકવીસમી સદીના અંત સુધીમાં તાપમાન વધી વધીને માત્ર બે ડિગ્રી સેલ્સિયસ વધે એની સાવધાની રાખવાના નિયમો ઘડવામાં આવ્યા હતા, જ્યારે કે છેલ્લા એક વરસમાં જ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો વધી ગયું છે.
સદીના અંત પહેલા જ અંત આવી જવાનો આ સંકેત છે. આખી આ વર્તમાન સદી પૂરી થાય ત્યાં સુધીનો અંદાજ બહુ જ વહેલા પાર થઇ જશે અને પછી એ જે ગતિ પકડશે તે વિવિધ દેશોના સમુદાયો માટે વધુને વધુ ઘાતક પુરવાર થશે. કાર્બન ડાયોકસાઇડનું સ્તર ઈ.સ. ૧૯૯૪માં ૩૫૭ પીપીએમ (પાર્ટસ પર મિલિયન) હતું જે ઇ.સ. ૨૦૧૭-૧૮માં ૪૦૫.૫ પીપીએમ થઈ ગયું છે.
આનો અર્થ એ છે કે ભવિષ્યમાં ઊંડા શ્વાસ લેવાની પ્રવૃત્તિ વધુ નુકસાનકારક સાબિત થશે અને ડોક્ટરોએ કહેવું પડશે કે જંગલમાં કે ગાર્ડનમાં જ ઊંડા શ્વાસ લેજો નહિતર મૃત્યુનો ભેટો થઇ જશે. જે રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રગટ કરીને વિશ્વના રાજકર્તાઓના હાથમાં સોંપ્યો છે તે વિશ્વની સરેરાશ સ્થિતિનો વૈજ્ઞાાનિક પધ્ધતિથી તૈયાર થયેલો છે, એટલે કે આજે જ દુનિયાના વાતાવરણમાં અગાઉ જેટલો પ્રાણવાયુ હતો તેટલો હવે નથી.
ગ્રીનહાઉસ વાયુઓના સતત વધતા પ્રમાણને કારણે સમુદ્રનું જળસ્તર સતત ઊંચે આવે છે. છેલ્લા એક જ વરસમાં સમુદ્ર સ્તરમાં ૩.૭ મિલીમીટરની વૃદ્ધિ થઇ છે, સાત સાગરની સપાટીના બૃહદતમ વ્યાપમાં આ વધારો કંઈ જેવો તેવો છે ? અબજો ગેલન પાણીનો આ વધારો જો આ જ ક્રમે ચાલુ રહેશે તો દરિયા કિનારાના સંખ્યાબંધ શહેરોને તોફાની મોજાઓ ગળી જશે.
ઉપરાંત સમુદ્રજળમાં એવા રાસાયણિક ફેરફારો થઇ રહ્યા છે જેને કારણે દરિયાઇ જીવસૃષ્ટિના ધીમા વિનાશની શરૂઆત થઇ ગઇ છે. ધુ્રવ પ્રદેશો અને હિમાલય જેવા અન્ય હિમપ્રદેશોના શિખરોનો આકાર નાનો થવા લાગ્યો છે.
દુનિયાભરમાં ઋતુઓનો મિજાજ બદલી ગયો છે. ક્યારેક ઉત્તરીય યુરોપમાં પ્રલયકારી વરસાદ આવી જાય છે તો ક્યારેક શિકાગોમાં તો ઉત્તર ધુ્રવથી ય વધુ ઠંડી પડવા લાગે છે. આ રિપોર્ટમાં ગયા વરસે આપણે ત્યાં કેરળમાં આવેલા અસાધારણ પુરપ્રકોપની પણ વાત ઉલ્લેખવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે સ્પષ્ટતા કરી છે કે હવે જેને આપણે જળવાયુ પરિવર્તન કહીએ છીએ તે આપણા નહિવત્ સુધારાત્મક પ્રયાસોની તુલનામાં પુરપાટ વેગે આગળ વધે છે.
કદાચ હવે આપણે એવી સ્થિતિએ પહોંચી ગયા છીએ કે આવનારી આપત્તિઓ માટે બધું જ જાણતા હોવા છતાં મૂકપ્રેક્ષક બની રહેવાનું છે. એમની વાત બીજી રીતે પણ સાચી છે કે આજે દુનિયામાં જે કોઇ નાના-મોટા સ્તર પર પર્યાવરણવિદો કંઇક કામ કરી રહ્યા છે તેમની હાલત હવે સહદેવ જેવી છે, તેઓ ભવિષ્યનું જ્ઞાાન જાણે છે, આવનારી આપત્તિના એંધાણને ઓળખે છે પરંતુ તેઓના અલ્પપ્રયાસો એ વિરાટ સંભવિત સંકટને ટાળી શકે એમ નથી.
રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયોની વાત પણ એક રીતે અરણ્ય રૂદન જેવી છે, કારણ કે જેમના હાથમાં સત્તાના સૂત્રો છે એ રાજકર્તાઓ કાયદાઓ ઘડીને જળવાયુ પરિવર્તન સામે ટકી રહેવા માટે પ્રજાને ચોક્કસ દિશા ન આપે ત્યાં સુધી કોઇ ફેર પડવાનો નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘે વિશ્વભરના રાજકર્તાઓને આહવાન આપીને જાણે કે છેલ્લીવાર વિનંતી કરતા હોય એવી દલીલો કરી છે.
દુનિયાના તમામ રાજકર્તાઓ તેમના પ્રિય વિષય સત્તા ટકાવી રાખવાના નિત્યનૂતન નુસખાઓની અજમાયશમાં જ વ્યસ્ત હોય છે. એમના અગ્રતાક્રમોમાં જળવાયુ પરિવર્તન કદી આવે એમ નથી, કારણ કે તેઓને સતત સત્તાપરિવર્તનનો ભય સતાવે છે. કોઇ એક દેશની આ વાત નથી, ક્રાન્તદ્રષ્ટા અને મહાન હોય તેવા શાસકોના અભાવે દુનિયા પર્યાવરણીય વિનાશ તરફ ઝડપથી ધકેલાઇ રહી છે.
આજ સુધી જે ધારેલી સમયપત્રક પ્રમાણેની ઋતુઓ હતી તેનો યુગ જાણે કે હવે પૂરો થઇ ગયો છે. ગુજરાતમાં અને દેશમાં પણ હજુ તો ફાગણ-ચૈત્રની વસંતઋતુ ચાલે છે. આ મોસમ મંદ સુગંધિત મલયાનિલની મોસમ છે. છતાં દેશમાં આ વરસે એકાએક જ ગ્રીષ્મનો બહુ જ વહેલો આરંભ થઇ ગયો છે. એકાએક જ ઉષ્ણતામાન વધી ગયું છે. આ વખતનો ઉનાળો છેલ્લા દસ વરસનો સૌથી ભીષણ ઉનાળો હોઇ શકે છે. બાળકોને તો એક દિવસ પણ બપોરનો તડકો ન લાગે તેની સાવચેતી રાખવા દેશની પુનાની હવામાન સંસ્થાએ આગમચેતી ઉચ્ચારી છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે રાજકર્તાઓની નીતિઓની ઘોર ટીકા કરવા ઉપરાંત એક એ વિશેષ બાબત પર દુનિયાનું ધ્યાન દોર્યું છે કે લોકો પોતાના સંતાનો માટે અઢળક ધન-સંપત્તિનું સંપાદન ચાહે છે, પરંતુ એમને માટે વિશુદ્ધ હવામાનની ખેવના કદાચ કોઇ રાખતું નથી, કારણ કે પર્યાવરણની જાળવણી માટેના પ્રયાસો ન તો કોઇ પેરેન્ટ્સ કરે છે અને ન તો તેઓ પોતાની નવી પેઢીને એના સંસ્કાર આપે છે.
બાળકો કે જેઓ આવતીકાલના નાગરિકો છે તેઓએ પણ એમ માની જ લીધું છે કે ઝાડપાન ઉછેરવા અને પ્રકૃતિની સંભાળ રાખવી એ આપણું કામ નથી. જેમ જેમ ઉષ્ણતામાન વધતું જાય છે તેમ તેમ વાતાનુકુલિત યંત્રોના બાહુલ્યને કારણે ક્લોરોફ્લોરો કાર્બન પણ અધિક માત્રામાં વાતાવરણમાં પ્રસરે છે જે સીધો જ ઓઝોન સ્તરે પહોંચીને એને ઘસારો આપે છે. મિસ્ટર એન્તોનિયોએ દુઃખ સાથે કહ્યું છે કે આજે આપણે જે કંઇ ઉદાસી દાખવીએ છીએ એની કારમી અને જીવલેણ સજાઓ આપણી આવનારી પેઢીઓએ ભોગવવાની છે, એમાંથી મુક્તિ મળે એમ હવે તો શક્ય નથી.
- અલ્પ વિરામ